જીવવાની - આશા મળી
જીવવાની - આશા મળી
મે રી ખૂબ જ બીમાર હોવાથી ઉદાસ હતી. છતાં, કુટુંબે તેને એકલી મૂકી દીધી ન હતી, તેમ જ તે દારૂની કે ડ્રગ્ઝની બંધાણી પણ ન હતી. મેરીના કિસ્સામાંથી આપણને જોવા મળે છે કે કોઈએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય તો, એના પાછળ રહેલા બધા જ કારણો આપણે જાણી શકતા નથી.
હૉસ્પિટલમાં મેરીને જોઈને લાગતું હતું કે, આપઘાત કરનારા વૃદ્ધ લોકોની સંખ્યામાં તેનો પણ સમાવેશ થશે. મેરી મરવાની અણી પર હોવાથી તેને કેટલાય દિવસો સુધી ખાસ દેખરેખમાં રાખવામાં આવી હતી. જોન ખૂબ જ ચિંતામાં હતા. તેથી, તે મેરીથી જરાય દૂર થતા ન હતા. ડૉક્ટરોએ જોનના કુટુંબને જણાવી દીધું કે, મેરી બચશે નહિ, અને બચી પણ જાય તો, મગજ પર એની ગંભીર રહી જશે.
મેરીની પડોશી સેલી યહોવાહની એક સાક્ષી હતી. તે દરરોજ હૉસ્પિટલમાં તેને મળવા જતી. સેલી કહે છે કે, “મેં કુટુંબને જણાવ્યું કે હિંમત રાખો અને બધું સારું થઈ જશે. મારી મમ્મીને ડાયાબિટિસ છે. અમુક વર્ષો પહેલાં તે થોડાક સપ્તાહ સુધી કોમામાં હતી. ડૉક્ટરોએ અમને કહી દીધું કે તે બચશે નહિ, પરંતુ તે આજે જીવે છે. મારી મમ્મી કોમામાં હતી ત્યારે, હું તેનો હાથ મારા હાથમાં લઈને તેની સાથે વાત કર્યા કરતી. હું મેરી સાથે પણ એમ કરવા લાગી ત્યારે, મને જણાયું કે તેને ખબર પડે છે.” ત્રીજા દિવસે તો પૂરી ખાતરી થઈ ગઈ કે તે સાજી થવા માંડી છે. તે બોલી શકતી ન હતી, પણ એવું લાગતું હતું કે તે હવે લોકોને ઓળખી શકે છે.
‘શું હું અટકાવી શક્યો હોત?’
સેલી કહે છે કે, આ ઘટનાના કારણે “જોન પોતાને જ દોષ દે છે. તે એમ જ કહેતા કે એ તેમનો જ દોષ હતો.” મોટે ભાગે કુટુંબનું પ્રિયજન આપઘાત કરે અથવા એમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે, કુટુંબને એવું જ લાગે છે. સેલી કહે છે કે, “મેં જોનને યાદ કરાવ્યું કે, મેરીની ઉદાસીનતા માટે સારવાર થઈ રહી છે. તે બીમાર હોવાથી, તે ઉદાસ થાય એમાં તેનો શું વાંક? જેમ કે, જોન પોતે બીમાર હતા, પણ એ વિષે તે પોતે શું કરી શકે?”
કોઈ સ્નેહીજન આપઘાત કરે છે ત્યારે, આપણા મનમાં એક પ્રશ્ન રહી જાય છે કે, હું કઈ રીતે તેને રોકી શક્યો હોત? અમુક ચિહ્નો અને ખતરા પારખવાથી તમે આપઘાત કરનારને અટકાવી શકો. છતાં, એમ ન બને તો, યાદ રાખો કે કોઈ આપઘાત કરે, એ માટે તમે જવાબદાર નથી. (ગલાતી ૬:૫) આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે, આપઘાત કરનાર કુટુંબના સભ્યો પર દોષનો ટોપલો ચઢાવવા માંગતા હોય. ડૉક્ટર હેંડીન જેમને આગળના લેખમાં ટાંકવામાં આવ્યા, તે કહે છે કે, “યાદ રાખો કે મોટા ભાગે આપઘાત કરનારાઓ બીજાની લાગણી પ્રાપ્ત કરવા અથવા બીજાને દોષિત ઠરાવવા એમ કરતા હોય છે. પછી ભલે એમાં સફળ થાય કે ન થાય.”
ડૉક્ટર હેંડીન આગળ જણાવે છે: “વૃદ્ધ લોકો આપઘાત કરવાનો પ્રયત્ન કરતા હોય તો, મોટા ભાગે તેઓનાં છોકરાઓ, ભાઈ-બહેનો કે પોતાના લગ્નસાથી પાસેથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માંગે છે. જેથી, તેઓ વધારે સંભાળ રાખે અને તેઓની દરેક વાત માને. એ બીમાર વ્યક્તિની કેટલીક માંગો પૂરી કરવી અશક્ય હોય છે. છતાં આ મોટી ઉંમરના ઇચ્છે છે કે, તેઓની માંગ પૂરી કરવામાં નહિ આવે તો તેઓ સાચે જ આપઘાત કરશે અને ઘણા કરે પણ છે.”
આવા સંજોગોમાં કુટુંબના સભ્યો પર ખૂબ જ દબાણ આવે છે, અને તેઓ સહન કરી શકશે નહિ એવું લાગી શકે. છતાં એ ન ભૂલો કે, યહોવાહ પરમેશ્વર મૂએલાંને સજીવન કરશે. વળી, આપણા સ્નેહીજનો, જેઓ ઉદાસીનતાને કારણે કે માનસિક રીતે બીમાર હોવાથી, પોતાના જીવ લીધા છે, તેઓને પણ તે સજીવન કરી
શકે છે.—જુઓ સપ્ટેમ્બર ૮, ૧૯૯૦ના (અંગ્રેજી) સજાગ બનો!ના પાન ૨૨-૩માં બાઇબલ શું કહે છે: “આપઘાત કરનારાને સજીવન કરવામાં આવશે?”જો કે આપઘાત કરવું યોગ્ય નથી, છતાં એ જાણીને આપણને દિલાસો મળે છે કે, આપણા મરણ પામેલા સ્નેહીજનોનું ભાવિ પરમેશ્વરના હાથમાં છે. એનું કારણ કે, ફક્ત તે જ તેઓની નબળાઈ અને મુશ્કેલીઓ જાણે છે. પરમેશ્વર યહોવાહ વિષે બાઇબલ જણાવે છે: “જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે. જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૧-૧૪.
સુખી ભાવિ
મેરી બે દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી, પરંતુ એ બચી ગઈ. ધીરે ધીરે તેની માનસિક હાલત સુધરી અને જોન તેને ઘરે લઈ આવ્યા. પછી, ઘરમાં બધી જ દવાઓ તાળું મારીને રાખવામાં આવે છે. હવે બીમારી કાબૂમાં રાખવા નિયમિત રીતે મેરી હોસ્પિટલે તપાસ કરાવવા જાય છે. તે કહે છે કે, તે સમજાવી શકતી નથી કે, કઈ રીતે બધુ બની ગયું, અને એના વિષે તેને કંઈ યાદ પણ આવતું નથી.
હવે જોન અને મેરી નિયમિત રીતે સેલી સાથે બાઇબલની ચર્ચા કરે છે. એનાથી તેઓને ખબર પડી છે કે, જલદી જ પરમેશ્વર એ સર્વ મુશ્કેલીઓને દૂર કરશે. સેલી કહે છે: “ખરું કે, ફક્ત બાઇબલ અભ્યાસ કરવાથી બધુ સારું થઈ જતું નથી. શાસ્ત્રમાંથી પોતે એ ખાતરી કરવી જોઈએ કે, પરમેશ્વરનું વચન સત્ય છે. પછી તમે જે શીખી રહ્યા છો એ લાગુ પાડવું જોઈએ. જો કે મને લાગે છે કે, જોન અને મેરીને ભાવિની આશામાં ભરોસો વધતો જાય છે.”
તમને તમારું ભવિષ્ય અંધકારમય લાગતું હોય, અને તમે જીવનનો હેતુ શોધતા હો તો, યહોવાહના સાક્ષીઓ સાથે સંપર્ક સાધો. જોન અને મેરીની જેમ તમે પણ જાણી શકશો કે, યહોવાહ પરમેશ્વર જલદી જ દૂર કરી શકે એવું કોઈ જ દુઃખ નથી. અત્યારે ભલેને ગમે તેટલી ખરાબ હાલત હોય, પણ હિંમત રાખો. ચાલો હવે આપણે જોઈએ કે, કઈ રીતે ભાવિની આશાથી ઘણાનાં જીવન બચ્યાં છે, અને જીવવાની ખરી આશા મળી છે.
[પાન ૬ પર બોક્સ]
આપઘાતનાં કારણો અને ચિહ્નો
ધ જર્નલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસીએશન કહે છે કે, “ઘરડાં અને યુવાનોમાં આપઘાતના કારણો એકદમ અલગ હોય છે.” આપઘાતના કારણો આ હોય શકે: “દારૂની લત પડવી, ઉદાસીનતા, આપઘાત માટે જીવલેણ રીતોનો ઉપયોગ, અને એકલું જીવન જીવવું. એ ઉપરાંત ઘરડાં લોકોમાં . . . વધારે બીમારીઓ હોય છે, અને તેઓ વધુ લાગણીશીલ હોય છે.” સ્ટીવન ફ્લેન્ડર્સનું આપઘાત (અંગ્રેજી) પુસ્તક નીચેનાં કારણ જણાવે છે, જે આપણું ધ્યાન ખેંચે છે.
લાંબા સમયથી ઉદાસીનતા:
“સંશોધકો મુજબ ૫૦ ટકાથી વધારે લોકો લાંબા સમયથી ઉદાસ હોવાના કારણે આપઘાત કરે છે.”
નિરાશા:
અમુક અભ્યાસોથી જોવા મળે છે કે, અમુક લોકો ઉદાસ ન હોય છતાં જીવનમાં હેતુ ન હોવાથી તેઓ આપઘાત કરે છે.
દારૂ અને ડ્રગ્ઝના બંધાણી:
“સામાન્ય લોકોના ૧ ટકાની સરખામણીમાં [દારૂડિયા] લોકોમાંથી ૭થી ૨૧ ટકા આપઘાત કરે છે.”
કૌટુંબિક વાતાવરણ:
“અભ્યાસથી ખબર પડી છે કે જે કુટુંબમાં કોઈએ આપઘાત કર્યો હોય, એ કુટુંબમાં ફરીથી એમ થવાનો ભય રહે છે.”
બીમારી:
“કેટલાક ઘરડાં લોકોને ઘડપણમાં આવતી કમજોરી, બીજાઓ પર આધારિત રહેવું કે હૉસ્પિટલમાં દાખલ થવું, ગમતું નથી. તેથી, તેઓ આપઘાત વિચારે છે.”
ખોટ અનુભવવું:
“લોકોને પોતાના લગ્નસાથી કે મિત્ર, નોકરી કે તંદુરસ્તી ગુમાવવાની અસર થાય એ દેખાઈ આવે છે. પરંતુ, અમુક બાબતની જલદી ખબર પડતી નથી, જેમ કે, સ્વમાન, દરજ્જો અને સલામતી ગુમાવવાની લાગણી થવી.”
આ કારણો ઉપરાંત, ફ્લેન્ડર્સનું પુસ્તક ચેતવણી આપતાં ચિહ્નો જણાવે છે, જે કદી અવગણવા ન જોઈએ.
અગાઉ કરેલા આપઘાતના પ્રયત્ન:
“આપઘાતનો ફરીથી પ્રયત્ન કરવામાં આવી શકે.”
આપઘાતની વાતો કરવી:
“કેટલાક જાહેરમાં ધમકી આપતા હોય શકે કે, ‘હવે તેઓને મારા વિષે વધારે ચિંતા નહિ કરવી પડે’ અથવા ‘હું નહિ હોઉં તો તેઓને શાંતિ થશે.’”
વ્યવસ્થા કરી દેવી:
“એમાં વસિયત-નામું બનાવવું, પોતાની મિલકત વહેંચી આપવી, પાળેલા જાનવરો બીજાને આપી દેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.”
સ્વભાવ અને વર્તનમાં ફેરફાર:
“વ્યક્તિની વાતો પરથી ખબર પડે છે કે તે પોતાને નકામો અથવા બોજરૂપ સમજે છે,” અથવા “લાંબા સમયથી ઉદાસ હોવાથી એના સ્વભાવ પરથી ખબર પડી શકે કે એ આપઘાતનું પગલું ભરી શકે.”
[પાન ૭ પર ચિત્ર]
સાથીના આપઘાતને સહન કરવા ઘણી મદદ જરૂરી છે