મારા દોસ્તે મને કેમ દુઃખી કર્યો?
યુવાનો પૂછે છે . . .
મારા દોસ્તે મને કેમ દુઃખી કર્યો?
“મારી બહેનપણીઓએ . . . બીજી એક છોકરી સાથે દોસ્તી બાંધી. હું તેઓ પાસે જતી ત્યારે, તેઓ વાત બંધ કરી દેતી . . . પછી તો તેઓ દરેક રીતે મને ટાળવા લાગી. મને એનાથી બહુ ખોટું લાગ્યું.”—કેરન. *
સૌથી સારા દોસ્તો વચ્ચે પણ એમ બની શકે છે. એક દિવસ એકબીજા વગર જરા પણ ચાલતું ન હોય, અને બીજે દિવસે એકબીજાનું મોંઢું જોવા પણ તૈયાર ન હોય. સત્તર વર્ષની નોરા કહે છે, “ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં જેના પર ભરોસો મૂકી શકો તેને જ તમે સાચો મિત્ર કહી શકો.” પરંતુ, એવું પણ બની શકે કે, તમારો જિગરી દોસ્ત જ તમારો દુશ્મન બની જાય.
દોસ્તી તૂટવાના કારણો
શા માટે દોસ્તી દુશ્મનીમાં બદલાય જાય છે? સાન્ડ્રાની બહેનપણી, મેગને તેનું મનપસંદ ટૉપ પહેરવા લીધું ત્યારે, તેઓમાં સમસ્યા ઊભી થઈ. સાન્ડ્રા કહે છે કે, “તેણે એકદમ ગંદુ કરીને પાછું આપ્યું એટલું જ નહિ, પણ એક બાંય તો થોડી ફાટેલી હતી. તેણે મને એ જણાવ્યું પણ નહિ, જાણે કે મને એની ખબર જ નહિ પડે.” મેગનના એવા વલણને લીધે સાન્ડ્રાને કેવું લાગ્યું? તે જણાવે છે: “મને એકદમ ગુસ્સો આવ્યો. મને થયું કે તેને મારી અને મારી વસ્તુની જરાય કદર નથી.”
તમારો મિત્ર તમને એક કે બીજી રીતે શરમાવે ત્યારે પણ ખોટું લાગી શકે. સિંડી સાથે પણ કંઈક એવું જ બન્યું. એક વખત તેણે તેની સ્કૂલની બહેનપણીઓને કહ્યું કે, હજુ સુધી મેં પુસ્તક વાંચ્યુ નથી, એટલે હું રિપોર્ટ નહિ આપી શકું. એ સાંભળીને તેની બહેનપણી કેટ તેના પર ગુસ્સે થઈને બોલવા લાગી. સિંડી કહે છે કે, “તેણે બધાની વચ્ચે મને એટલી શરમાવી દીધી, કે હું ગુસ્સે થઈ ગઈ. એ જ દિવસથી અમારી દોસ્તી તૂટી ગઈ.”
એક દોસ્ત બીજા કોઈક સાથે વધારે સમય પસાર કરવા લાગે ત્યારે પણ સંબંધ બગડી શકે છે. તેર વર્ષની બોની કહે છે: “મારી સૌથી સારી બહેનપણીએ બીજાઓ સાથે મિત્રતા બાંધવાનું શરૂ કર્યું, ત્યારથી તેણે મારી તરફ જોવાનું પણ બંધ કરી દીધું છે.” તેમ જ, તમને ખબર પડે કે, તમારો મિત્ર સ્વાર્થી છે. તેર વર્ષનો જૉ કહે છે, “હું અને બૉબી પાક્કા ભાઈબંધ હતા. મને થયું કે તેની દોસ્તી મારા માટે હતી. પરંતુ, એવું ન હતું. મારા પપ્પા જાહેરાતો આપવાનું કામ કરતા હતા, એટલે તેમને મેચની અને કાર્યક્રમની ટિકિટો સહેલાઈથી મળતી. તેથી, બૉબી મારી દોસ્તીના નામે એનો આનંદ માણવા ચાહતો હતો.” હવે બૉબી વિષે જૉને કેવું લાગે છે? તે કહે છે: “હું તેનો કદી ભરોસો નહિ કરું!”
અમુક વખત એવું બની શકે કે, તમારો દોસ્ત બીજાને
તમારી ખાનગી વાતો કહી દે. દાખલા તરીકે, એલિસનના નોકરી પર એક કામદાર સાથે સમસ્યા હતી, જેના વિષે એલિસને સેરા સાથે વાત કરી હતી. બીજા દિવસે સેરા એ વાત તેના કામદારો સાથે કરવા લાગી. તેથી એલિસનને કેવું લાગ્યું? તે કહે છે: “મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે, તે બધાને કહી દેશે. મને બહુ જ ગુસ્સો આવ્યો.” સોળ વર્ષની રેચલ સાથે પણ એવું જ થયું હતું. તેની બહેનપણી સાથે જે વાત ખાનગીમાં કરી હતી, એ તેણે બીજાઓને કહી દીધી. રેચલ કહે છે કે, “મને એટલી બધી શરમ આવી, અને થયું કે તેણે મારી સાથે કેવો વિશ્વાસઘાત કર્યો. હું તેનો કઈ રીતે ભરોસો કરી શકું?”દોસ્તો પાસે મનનું દુઃખ હલકું કરી શકાય, જ્યારે એકબીજા માટે પ્રેમ અને ઊંડુ માન હોય, એવા મિત્રો આપણને મુશ્કેલીના સમયમાં રાહત આપે છે. ઘણી વાર સૌથી સારા મિત્રો વચ્ચે પણ તકલીફ ઊભી થઈ શકે છે. બાઇબલ સહમત થાય છે કે, “એવા પણ મિત્રો હોય છે જે મિત્રતાનો ઢોંગ કરે છે.” (નીતિવચન ૧૮:૨૪, IBSI.) ગમે એ કારણ હોય, પણ પોતાનો દોસ્ત વિશ્વાસઘાત કરે ત્યારે, ઘણું દુઃખ લાગે છે. પરંતુ, એમ શા માટે બને છે?
દોસ્તી કેમ બગડે છે?
નાના હોય કે મોટા, બધાની દોસ્તીમાં મુશ્કેલીઓ હોય છે. ખ્રિસ્તી શિષ્ય યાકૂબે લખ્યું: “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” (યાકૂબ ૩:૨; ૧ યોહાન ૧:૮) મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોવાથી, આજે કે કાલે તમારા મિત્ર પણ એવું કંઈક કરી શકે જેનાથી તમને દુઃખી થશે. એ જ પ્રમાણે, તમે પણ તમારા મિત્રને ક્યારેક દુઃખી કર્યા હશે. (સભાશિક્ષક ૭:૨૨) વીસ વર્ષની લીસા કહે છે કે, “આપણે બધા એવું કંઈક કરીએ છીએ, જેનાથી બીજાને દુઃખ થાય છે.”
આપણે સર્વ ભૂલો કરીએ છીએ એના પાછળ બીજાં ઘણાં કારણો રહેલાં છે. યાદ રાખો કે, તમે મોટા થાવ છો તેમ, તમારો અને તમારા મિત્રોનો શોખ બદલાતો રહે છે. અગાઉના શોખ અને વિચારો પણ ધીમે ધીમે બદલાવા લાગે છે. એક છોકરી પોતાની સખી વિષે ફરિયાદ કરતા કહે છે: “અમે હવે એકબીજા સાથે ભાગ્યે જ વાત કરીએ છીએ અને કરીએ તો પણ અમારા વિચારો એકદમ અલગ પડે છે.”
જો કે જુદા થવાની વાત તો અલગ જ છે. પરંતુ, શા માટે અમુક લોકો પોતાના મિત્રને દુઃખી કરે છે. મોટે ભાગે એનું એક કારણ અદેખાઈ છે. દાખલા તરીકે કદાચ એવું બને કે, તમારો મિત્ર તમારી આવડત કે સફળતા વિષે ઈર્ષા કરવા લાગે. (સરખાવો ઉત્પત્તિ ૩૭:૪; ૧ શમૂએલ ૧૮:૭-૯.) બાઇબલ જણાવે છે કે, “ઈર્ષા હાડકાંનો સડો છે.” (નીતિવચન ૧૪:૩૦) તેથી, ઈર્ષા અને દુશ્મની ઉત્પન્ન થાય છે, પછી ભલેને ગમે તે કારણ હોય. પરંતુ, તમારો દોસ્ત તમને દુઃખી કરે તો તમે શું કરી શકો?
શાંતિ કરો
રેચલ કહે છે: “પ્રથમ તો હું વિચારી જોઉં છું કે, એમ કરવાનું શું કારણ હતું.” તમને લાગે કે કોઈ વ્યક્તિએ કંઈક કહીને કે કરીને તમારું અપમાન કર્યું છે તો, લાગણીમય બનીને મન ફાવે તેમ વર્તન કરશો નહિ. એને બદલે શાંત રહો અને આખી વાત પર ફરીથી વિચાર કરો. (નીતિવચન ૧૪:૨૯) આવી બાબતમાં ઉતાવળે કંઈ કરવાથી શું બાબત સુધરશે? એના વિશે વિચારવાથી કદાચ તમે ગીતશાસ્ત્ર ૪:૪માંની સલાહ અનુસરી શકો: “તમારા ક્રોધમાં તમે પાપ ન કરો. તમારી પથારીમાં હો ત્યારે શાંત ચિત્તે તમારા હૃદયની પરીક્ષા કરો.” (IBSI) પછી તમે આ સલાહ પાળવાનું ઇચ્છી શકો, “પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે”.—૧ પીતર ૪:૮
પરંતુ, તમે તમારા મિત્રનું વર્તન માફ ન કરી શકો તો શું? સૌથી સારું એ હશે કે, તમે તેને મળીને વાત કરો. તેર વર્ષનો ફ્રેંક કહે છે: “તમે બંને સામસામે બેસીને દિલ ખોલીને વાત કરી લો, નહિતર તમારામાં વૈરભાવ રહી જશે.” સોળ વર્ષની સુઝાન પણ એમ જ કહે છે: “એમ કરવું સૌથી સારું છે કે, તમે તેઓને જણાવો કે, તેઓ પર તમને વિશ્વાસ હતો. પરંતુ હવે તેઓ પરથી તમારો વિશ્વાસ ઊડી ગયો છે.” જેકલિન પણ એમ જ કહે છે કે, એકબીજા સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. તે કહે છે: “હું પણ એ જ રીતે ખુલ્લા દિલથી વાત કરવાની કોશિશ કરું છું. મોટે ભાગે એ વ્યક્તિ પણ તમારી સાથે મોકળા મને વાત કરશે, જેથી તમે એ જ સમયે બાબત થાળે પાડી શકો છો.”
નીતિવચન ૧૫:૧૮) પ્રથમ, બાબતને થાળે પાડતા પહેલાં તમે તમારો ગુસ્સો શાંત કરો. લીસા માને છે કે, “પ્રથમ તો તમારા ઉકળતા લોહીને ઠંડું પાડવું જરૂરી છે. તમારો ગુસ્સો સમી જાય પછી તમે શાંતિથી બેસીને વાત કરો અને બાબતને થાળે પાડો.”
છતાં, એ ધ્યાનમાં રાખો કે, તમે ક્રોધે ભરાઈને તમારા મિત્ર સાથે વાત કરવા ન જશો. બાઇબલ કહે છે: “ક્રોધી માણસ ટંટો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજીઓ સમાવી દે છે.” (મહત્ત્વનો શબ્દ છે “શાંતિથી.” યાદ રાખો કે, તમારા દોસ્તને ખખડાવવાનો તમારો હેતુ નહિ, પણ શાંતિથી બાબતને થાળે પાડવાનો છે. જો શક્ય હોય તો તમારી દોસ્તીમાં ઊભા થયેલા મનદુઃખને દૂર કરો, અને ફરીથી જિગરી દોસ્ત બની જાવ. (ગીતશાસ્ત્ર ૩૪:૧૪) હંમેશા એકદમ સાચું બોલો. લીસા સૂચવે છે તેમ, “તમે તેને કહી શકો કે ‘મિત્ર હોવાને કારણે તમે ફક્ત એ જ જાણવા માંગો છો કે શું થયું? તમે જણાવી શકો કે તેણે જે કંઈ પણ કહ્યું કે કર્યું, એનું તમે કારણ જાણવા માંગો છો. એકવાર તમને કારણ ખબર પડી જાય એટલે સમસ્યાને ઉકેલવી એકદમ સહેલું બની જશે.’”
એનો બદલો લેવો ખરેખર ખોટું કહેવાય. તેમ જ બીજાઓ સાથે તેની વાતો ફેલાવીને તેઓનું મન જીતવાની કોશિશ ન કરો. પ્રેષિત પાઊલે રોમના ખ્રિસ્તી ભાઈઓને લખ્યું: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.” (રૂમી ૧૨:૧૭) તમને ગમે તેટલું દુઃખ થયું હોય છતાં, વેર વાળવાથી દોસ્તી વધુ બગડશે. નોરા કહે છે તેમ, “વેર વાળવાથી કંઈ ફાયદો નથી, કારણ કે એમ કરવાથી તમે ફરી દોસ્ત બની જતા નથી.” તે કહે છે કે, વેર વાળવાને બદલે કેમ નહિ કે ફરીથી દોસ્તી કરવાનો પ્રયત્ન કરો, એનાથી તમને ચોક્કસ મનની શાંતિ મળશે અને “તમે વધારે સારી વ્યક્તિ બનશો.”
પરંતુ, તમે પ્રયત્નો કર્યા છતાં તમારો મિત્ર તમારી વાત સાંભળવા જ ન માંગતો હોય તો શું? આવા કિસ્સામાં યાદ રાખો કે ઘણા પ્રકારની દોસ્તી હોય છે. કુટુંબ વિષે અનુભવી વ્યક્તિ જૂડિથ મેકલીસ કહે છે: “સર્વ લોકો તમારા પાક્કા મિત્ર નથી બની શકતા. બધા સાથે તમારો સંબંધ ભિન્ન હશે, એનો સ્વીકાર કરો.” તોપણ તમને આ વાતથી દિલાસો મળશે કે, તમે તો ફરીથી દોસ્તી બાંધવા બનતું બધુ જ કર્યું છે. પ્રેષિત પાઊલે લખ્યું: “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”—(ત્રાંસા અક્ષરો અમારા છે.) રૂમી ૧૨:૧૮.
ગમે તેટલા જિગરી દોસ્ત હોય તો પણ મનદુઃખ તો જરૂર ઊભું થશે. તમે આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ તો, તમારું સ્વમાન ન ગુમાવો, અને બીજાઓ વિષે ખોટું ન વિચારશો. એમ કરીને, તમે સમજુ વ્યક્તિ બનશો. ખરું કે, અમુક દોસ્ત “મિત્રતાનો ઢોંગ” કરતા હોય છે, પણ બાઇબલ ખાતરી આપે છે કે, “એક મિત્ર એવો છે જે સગાભાઈ કરતાં પણ વધારે નિકટનો સંબંધ રાખે છે.”—નીતિવચન ૧૮:૨૪, IBSI.
[ફુટનોટ]
^ આ લેખમાં અમુક નામો બદલવામાં આવ્યાં છે.
[પાન ૧૫ પર ચિત્રો]
ખુલ્લા મને વાત કરી લેવાથી તમે ફરીથી જિગરી દોસ્ત બની શકો