સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોટી સફેદ શાર્ક માછલી - ભયમાં

મોટી સફેદ શાર્ક માછલી - ભયમાં

મોટી સફેદ શાર્ક માછલી - ભયમાં

સફેદ શાર્કના નામથી જ લોકોના હાથ-પગ ધ્રૂજવા માંડે છે, કારણ કે સૌથી મોટી માંસાહારી માછલીઓમાં શાર્ક પ્રથમ નંબરે છે. છતાં, આ માછલી હવે ગુમ થઈ રહી છે, એથી ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, નામિબિયા, દક્ષિણ આફ્રિકા તથા અમેરિકાનો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાંની આ માછલી સંરક્ષિત પ્રાણીઓની યાદીમાં આવી ગઈ છે. હવે એને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજા દેશો પણ એનું સંરક્ષણ કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ શા માટે આ ખતરનાક માછલીને બચાવવી જોઈએ? એ સમજાવવું એટલું સહેલું નથી. તેમ જ લોકોની આ માછલી વિષેની સમજણ ખરી હકીકત પર આધારિત નથી.

આ મોટી સફેદ શાર્ક માછલી *, શિકારી વ્હેલ અને સ્પર્મ વ્હેલની જેમ શિકાર કરવામાં પહેલો નંબર છે. આ સફેદ શાર્ક મન ફાવે એ ખાઈ શકે છે, જેમ કે માછલીઓ, ડૉલ્ફિન અને બીજી શાર્ક માછલી પણ ખાય શકે છે. શાર્ક એ માછલીઓમાં ચડિયાતી છે. પરંતુ ઉંમર વધે છે તેમ, એ ઝડપથી તરી શકતી નથી, એટલે જે મળે એ મોટે ભાગે સીલ, પૅંગ્વિન અને ખાસ કરીને મરેલી વ્હેલ પણ ખાય જાય છે.

ખોરાકની શોધમાં મોટે ભાગે શાર્ક તેઓની ઇંદ્રિયોનો, ખાસ કરીને પોતાની તેજ નજરનો ઉપયોગ કરે છે. તેની સૂંઘવાની ઇંદ્રિય પણ ખૂબ જ તેજ હોય છે, જાણે કે તરતું નાક જ જોઈ લો. વળી, પાણીમાં નાનો-સૂનો અવાજ પણ એના કાનથી છટકી શકે નહિ.

શાર્કના શરીરની બંને બાજુએ કોશિકાઓ પાણીમાંની જરા પણ હિલચાલ કાન સુધી પહોંચાડવા મદદ કરે છે. દાખલા તરીકે, માછીમારના ભાલામાં ફસાયેલી કોઈ તરફડતી માછલી ઝૂંટવી જવા શાર્ક તરત જ આવી પહોંચે છે. એથી, માછીમારો પકડેલી માછલીઓને પાણીમાંથી શક્ય એટલી જલદી બહાર કાઢી લે છે.

જોકે શાર્કને છઠ્ઠી ઇંદ્રિય પણ છે. શાર્કના નાકની આસપાસ નાની નાની નળીઓ હોય છે. પાણીમાં કંઈક તરતું હોય તો, એના ધબકારા તે પારખી શકે છે, અને ઝડપથી પોતાના શિકાર પાસે પહોંચી જાય છે. એની છઠ્ઠી ઇંદ્રિય એટલી જોરદાર હોય છે કે, એનાથી એ ઉત્તર અને દક્ષિણ દિશા પણ જાણી શકે છે.

સફેદ શાર્કની ઓળખાણ

એને મોટી સફેદ શાર્ક માછલી કહેવામાં આવે છે છતાં, ફક્ત એની નીચેનો ભાગ જ સફેદ અથવા દૂધિયા રંગનો હોય છે. એની પીઠનો રંગ ઘાટો સ્લેટીયો હોય છે. શાર્કની બંને બાજુ જ્યાં આ બંને રંગો મળે છે ત્યાં વાંકીચૂંકી લીટી જેવું જોવા મળે છે. આ રંગ શિકારીઓથી બચવા માટે ઉપયોગી છે. તેમ જ, એનાથી વૈજ્ઞાનિકો જુદી જુદી માછલીઓને ઓળખી શકે છે.

આ શાર્કની લંબાઈ કેટલી હોય છે? મહાન સફેદ શાર્ક (અંગ્રેજી) પુસ્તક કહે છે કે, “સૌથી મોટી સફેદ શાર્કની લંબાઈ ૫.૮ મીટરથી માંડીને ૬.૪ મીટર સુધી હોય શકે છે.” આટલી મોટી માછલીનું વજન ૨,૦૦૦ કિલોગ્રામથી પણ વધુ હોય છે. છતાં, એ સરળતાથી તરી શકે છે, કારણ કે એનું શરીર ટૉરપીડો જેવું છે. એનાં પાંખિયાં પાછળની બાજુ વળેલા હોવાથી એ પાણીમાં મિસાઈલની જેમ તરતી રહે છે. સફેદ શાર્કની પૂંછડી પણ અન્ય શાર્ક માછલીઓથી વધારે શક્તિશાળી હોય છે.

સફેદ શાર્કનું મોટા શંકુ આકારનું માથું, બીક લાગે એવી કાળી આંખો, અને અસ્ત્રા જેવા તીક્ષ્ણ દાંત હોય છે. એના “છરી” જેવા ધારદાર દાંત પડી જાય છે ત્યારે, એની જગ્યાએ બીજા દાંત આગળ આવી જાય છે.

ગરમ લોહી

સફેદ શાર્કના કુટુંબમાંની જ મેકો, પોરબીગલ તથા લેમનીડે જેમનું પરિસંચરણ-તંત્ર બીજી શાર્કોથી એકદમ અલગ છે. એનું કારણ કે, એના લોહીનું તાપમાન ૩થી ૫ ડિગ્રી સેલ્સિયસ હોય છે જે પાણીના તાપમાનથી વધારે છે. એનું ગરમ લોહી હોવાથી ખાવાનું જલદી પચી જાય છે, તેમ જ ટકવા માટે એને પુષ્કળ તાકાત મળે છે. ટૂના માછલી ખાનારી મેકો શાર્ક, ૧૦૦ કિલોમીટરની ઝડપે તરી શકે છે!

શાર્ક તરતી હોય ત્યારે, તેની છાતી પાસેના બે પાંખિયાં તેને ઉપર આવવા મદદ કરે છે. શાર્ક ધીરે ધીરે તરે તો એ ડૂબી જઈ શકે, કારણ કે શાર્કના કલેજામાં એના વજનનો ચોથા ભાગ જેટલું તેલ હોય છે! વળી, અમુક પ્રકારની શાર્ક માછલીને શ્વાસ લેવા હંમેશા તરવું પડે છે. જેથી, એ તરતી વખતે મોંઢાથી ઓક્સિજન-ભરપૂર પાણી લે છે, અને એની શ્વસેંદ્રિયોથી પસાર થવા દે છે. એ એના કાયમી હસતા દેખાતા મોંઢાનું રહસ્ય છે.

શું એ મનુષ્ય-ભક્ષક છે?

શાર્કની ૩૬૮ જાતિમાંથી ફક્ત ૨૦ જાતિ ખતરનાક જોવા મળી છે. દર વર્ષે માણસો પર શાર્કના કંઈક ૧૦૦ હુમલા નોંધાય છે, અને એ વીસમાંથી ફક્ત ૪ જાતિઓ જ ખતરનાક હોય છે. આ ૧૦૦ હુમલામાંથી ૩૦ જેટલા ઘાતક હોય છે. આ ચાર જાતિમાં નર શાર્ક પહેલા નંબરે, પછી ટાઈગર શાર્ક, વ્હાઇટ-ટીપ શાર્ક અને સફેદ શાર્ક આવે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, જેઓ પર હુમલો કરવામાં આવે છે તેઓમાંથી ૫૫ ટકા અને કેટલાક સ્થળોએ ૮૦ ટકા લોકો બચી જાય છે. તેથી, પ્રશ્ન એ થાય છે કે, આટલી ખતરનાક માછલીના મોંમાંથી કઈ રીતે બચી શકાય છે?

બચકું ભરીને ઓકી નાખવું

સફેદ શાર્ક પોતાના શિકારને જબરજસ્ત બચકું ભરીને એને ઓકી કાઢે છે. પછી એ એને ખાતા પહેલા મરવાની રાહ જુએ છે. એનો શિકાર કોઈ માણસ હોય ત્યારે, તેને પોતાનો જીવ બચાવવાનો સારો મોકો મળી જાય છે. એથી બે વ્યક્તિ હોય તો, એકબીજાને મદદ કરી શકે છે. તેથી, એ ડહાપણભર્યું છે કે કદી એકલા તરવું જોઈએ નહિ.

બીજી એક ખાસિયતને કારણે સફેદ શાર્કના શિકારને બચાવવો સહેલું થઈ જાય છે. બીજી શાર્કોની જેમ સફેદ શાર્ક લોહીને સૂંઘીને વધારે ઉત્તેજિત અને ખતરનાક થતી નથી. શા માટે એ બચકું ભરીને શિકારને ઓકી નાખે છે?

એક વૈજ્ઞાનિક મુજબ એની આંખો અન્ય માછલીઓ કરતાં જુદી હોવાને કારણે એ એવું કરે છે. એની આંખોમાં ઈજાથી બચાવ થાય એવી કોઈ પણ પ્રકારની અંતરત્વચા હોતી નથી. શાર્ક સીલ પર હુમલો કરે છે ત્યારે, એ એની આંખો પર હુમલો કરે એ પહેલાં એને દાંત મારીને છોડી દે છે.

એ પણ યાદ રાખો કે આ સફેદ શાર્ક નાના બાળકની જેમ વર્તે છે, એ બધું જ મોંમાં નાખી દે છે. પરંતુ સિડની, ઑસ્ટ્રેલિયાના સમુદ્રના જીવવિજ્ઞાની જોન વેસ્ટ કહે છે કે, “એક મોટી સફેદ શાર્કનો પહેલો હુમલો એટલો ખતરનાક હોય શકે કે એનાથી બચવું અઘરું બની જાય છે.”

સફેદ શાર્ક ખતરનાક છે છતાં, એ ફક્ત માણસો પર હુમલો કરનાર નિર્દયી નથી. એક વ્યક્તિ સમુદ્રમાં ૬,૦૦૦ કલાક વિતાવ્યા પછી તેણે ફક્ત બે સફેદ શાર્કોને જ જોઈ હતી, અને એ બંનેએ તેના પર હુમલો પણ કર્યો ન હતો. હકીકતમાં, માણસોને જોઈને સફેદ શાર્ક નાસી જાય છે.

કેપ વર્દી ટાપુઓ પર સમુદ્રમાં સંશોધન કરી રહેલા જ્હાકીવ કસ્તુ અને તેના સાથીઓ એક વાર અચાનક એક મોટી સફેદ શાર્કની પાસે આવી પહોંચ્યા. કસ્તુ કહે છે: “એ શાર્કે જે કર્યું એ એકદમ વિચિત્ર હતું. બીકથી એને ત્યાં જ ઝાડો થઈ ગયો, અને ત્યાંથી પૂરઝડપે નાસી છૂટી. હું શાર્કો સાથેની મારી અનેક મુલાકાતો વિષે વિચારું છું ત્યાર મને આશ્ચર્ય થાય છે કે લોકો આ માછલી વિષે જે વિચારે છે એ હકીકતથી કેટલું જુદું છે.”

તેનો જ હવે શિકાર થાય છે

વર્ષ ૧૯૭૦માં જોઝ નવલકથા પરથી ફિલ્મ ખૂબ જ ચાલી હતી, અને એને કારણે લોકો શાર્ક વિષે કંઈક અલગ જ વિચારવા લાગ્યા હતા. રાતોરાત લોકો એને ક્રૂર માનવા લાગ્યા હતા, કારણ કે મહાન સફેદ શાર્ક (અંગ્રેજી) પુસ્તક કહે છે: “ઇનામ મેળવવા માટે શિકારીઓના ટોળાં આ માછલીનો શિકાર કરવા માટે નીકળી પડ્યા હતા. તેઓમાં શરત લાગી કે સૌથી પહેલાં આ ખતરનાક શાર્કનો શિકાર કરીને કોણ એના માથાને પોતાના ઘરની દીવાલ પર ટાંગશે.” ઑસ્ટ્રેલિયામાં સફેદ શાર્કના ફક્ત એક દાંતની કિંમત ૧,૦૦૦ ડૉલર અને આખા જડબાની ૨૦,૦૦૦ ડૉલરથી વધુ કિંમત હતી.

જો કે વેપારીઓની મોટી જાળોમાં ફસાઈને સફેદ શાર્કનું મોત થઈ જાય છે. શાર્કના પાંખિયાંમાંથી બનેલી ઘણી વસ્તુઓ આજે બજારમાં ખૂબ જ પ્રખ્યાત બની રહી છે. આ ધંધાને ચાલુ રાખવા માટે બીજી લાખો શાર્કનો શિકાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એની સંખ્યા ઓછી થઈ ગઈ ત્યારે હવે આખી દુનિયા એના વિષે ચિંતા કરવા લાગી છે.

વધુ જાણકારી

એવું કહેવામાં આવે છે કે શાર્ક માછલી મરેલી માછલી, અને અન્ય કચરો ખાય છે. એથી, સમુદ્રને ચોખ્ખો રાખવો હોય તો, એમાં મોટી સંખ્યામાં શાર્ક માછલીઓ હોવી જોઈએ.

ગુમ થઈ રહેલી શાર્ક માછલીઓને બચાવવા માટે એક સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થાએ એક વૃંદ બનાવ્યું છે જે ધીરે ધીરે શાર્ક માછલી વિષે વધારે માહિતી ભેગી કરે છે. પરંતુ, એ સહેલું નથી. શાર્ક માછલીની જન્મ આપવાની ક્ષમતા બહુ ઓછી છે. એનો અભ્યાસ કરવા માટે એને કેદ કરીને રાખવામાં આવે તો એ મરી જાય છે. તેથી, એના વિષે સંશોધન કરવા માટે સમુદ્રમાં જ જવું પડે, જે એનું ઘર છે.

શાર્ક માછલી વિષે માણસોની સમજણ વધી રહી છે તેમ, આ આકર્ષક માછલી પ્રત્યે લોકોના વિચાર પણ બદલાઈ રહ્યા છે. પરંતુ, એનો અર્થ એ નથી કે શાર્ક માછલી બદલાઈ રહી છે. એ કંઈ રાક્ષસ નથી, છતાં ખતરનાક છે જેની સાથે આપણે સાવચેતી અને આદરથી રહેવું જોઈએ!

[ફુટનોટ]

^ સફેદ શાર્ક માછલીનાં અનેક નામ છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં એને અણીવાળી સફેદ માછલી કહેવામાં આવે છે અને દક્ષિણ આફ્રિકામાં એને અણીવાળી આસમાની માછલી કહેવામાં આવે છે.

[પાન ૧૧ પર ચિત્ર]

શાર્ક માછલીનું મોઢું મોટું અને ડરામણું હોય છે

[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

Photos by Rodney Fox Reflections

South African White Shark Research Institute