સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રશિયનોને વહાલી ધાર્મિક સ્વતંત્રતા

રશિયનોને વહાલી ધાર્મિક સ્વતંત્રતા

રશિયનોને વહાલી ધાર્મિક સ્વતંત્રતા

વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘના અનેક દેશો છૂટા પડ્યા ત્યારે, ત્યાંના લોકોને પોતાની પસંદગી અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી. કેવળ ત્યાંના રશિયનોને જ નહિ, પણ પરદેશમાં રહેતા રશિયનો પણ એવી ધાર્મિક સ્વતંત્રતાની ખૂબ જ કદર કરે છે.

સો વિયેત સંઘના ભાગલાને કારણે અલગ પડેલા દેશોમાં વસનારાઓ, આજે પોતાના પરમેશ્વરની જાહેરમાં સેવા કરી શકવાને કારણે ખુશ છે. જે કેટલાય વર્ષોથી શક્ય ન હતું.

વર્ષ ૧૯૧૭માં બોલ્સવિક ક્રાંતિ પછી, રશિયામાં ખુલ્લેઆમ બાઇબલ વાંચવું ગુનો બની ગયું હતું. તેથી, મોટા ભાગના લોકોએ બાઇબલ વાંચવાનું છોડી દીધું હતું, પણ યહોવાહના સાક્ષીઓ જુદા જ હતા. હકીકતમાં, એપ્રિલ ૧૬, ૧૯૫૬, એટલે કંઈક ૪૪ વર્ષ અગાઉ, ન્યૂઝવીક મેગેઝીને પૂર્વીય જર્મનીના એક યુવાનનો આમ કહેતા ઉલ્લેખ કર્યો કે, “ફક્ત યહોવાહના સાક્ષીઓ જ બાઇબલ વાંચે છે.” જો કે તેઓ સભાઓમાં બાઇબલ શીખતા હતા, અને બીજાઓને બાઇબલનો સંદેશો જણાવતા હતા, તેથી તેઓને જેલમાં પૂરવામાં આવ્યા. તેઓ પાસે સખત મજૂરી કરાવવામાં આવી. છતાં, તેઓ જ્યાં ગયા ત્યાં તેઓ બાઇબલની આશા પર ધ્યાન રાખીને જીવન જીવ્યા, જેમ અહીં આપેલું બૉક્સ બતાવે છે.

વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘની પડતી થવા માંડી ત્યારે, યહોવાહના સેવકોએ ત્યાં સાત મહાસંમેલનો ભર્યાં, જેમાં બાઇબલ શિક્ષણ આપવામાં આવ્યું. કુલ ૭૪,૨૫૨ લોકોએ એમાં હાજરી આપી. ફક્ત બે વર્ષ પછી, ૧૯૯૩માં અગાઉના સોવિયેત સંઘ *ના ૧૫ પ્રજાસત્તાકમાંથી ચારમાં આઠ મહાસંમેલનો ભરવામાં આવ્યા. એમાં ૧,૧૨,૩૨૬ લોકો હાજર હતા. એમાં હાજરી આપનારા હજારો ભાઈબહેનોમાંના ઘણા સોવિયેત સંઘની જેલો અને છાવણીઓમાં અનેક વર્ષો રહી ચૂક્યા હતા. આ વિશ્વાસુ ખ્રિસ્તીઓ હવે કોઈ જાતની રોકટોક વિના સ્વતંત્ર રીતે પરમેશ્વરની ઉપાસના કરી શકતા હોવાથી આભારી છે.

વર્ષ ૧૯૯૩થી અગાઉના સોવિયેત સંઘના પ્રજાસત્તાક દેશોમાં રહેનારા લોકો, ઉપાસના માટે જાહેરમાં આ સંમેલનોમાં ભેગા મળી શકે છે. દાખલા તરીકે, ગયા વર્ષે જ અગાઉના સોવિયેત સંઘના પ્રજાસત્તાક દેશોમાં “દેવનો પ્રબોધકીય શબ્દ” વિષય પર ૮૦ મહાસંમેલનો ભરવામાં આવ્યા, જેમાં હાજર ૨,૮૨,૩૩૩ યહોવાહના સાક્ષીઓ અને તેઓના મિત્રો ખૂબ જ ખુશ હતા કે તેઓ એકસાથે યહોવાહ પરમેશ્વરની ઉપાસના કરી શકે છે. કુલ ૧૩,૪૫૨ લોકોએ બાપ્તિસ્મા લીધું.

આશ્ચર્યની વાત તો એ છે કે, ગયા વર્ષે દુનિયામાં બીજા દેશોમાં પણ રશિયન ભાષામાં મહાસંમેલનો ભરવામાં આવ્યાં. અગાઉના સોવિયેત સંઘની બહાર ભરવામાં આવેલા એવા ચાર મહાસંમેલનોમાં કુલ ૬,૩૩૬ લોકો હાજર હતા! એ ક્યાં ભરવામાં આવ્યાં હતાં? શા માટે આટલા બધા રશિયન-ભાષી લોકોને બાઇબલમાં બહુ રસ છે? ચાલો આપણે બીજા પ્રશ્નનો જવાબ પહેલા મેળવીએ.

તેઓ પરમેશ્વરના જ્ઞાનના ભૂખ્યા છે

રશિયા તો સદીઓથી ખૂબ ધાર્મિક દેશ હતો. સદીઓ અગાઉ ખ્રિસ્તીરાષ્ટ્રે મોટાં મોટાં ચર્ચો બાંધ્યાં હતાં, એમાંના ઘણા બહુ પ્રખ્યાત છે. છતાં, રોમન કૅથલિક ચર્ચની જેમ, રશિયન ચર્ચે પણ, લોકોને બાઇબલના જ્ઞાનથી અજાણ રાખ્યા છે.

રશિયાની કરુણ હાલત—ઇતિહાસનો બોજો (અંગ્રેજી) પુસ્તક “બાઇબલ” વિષે કહે છે: “રશિયન ઑર્થોડૉક્ષ ચર્ચો કદી એમાંથી શીખવતા નહિ.” એના પરિણામ શું આવ્યાં એ વિષે રશિયન ધાર્મિક પંડિત સ્યિરગ્યે ઈવાયેનકા કહે છે કે, “ઑર્થોડૉક્ષ ચર્ચના સભ્યોને બાઇબલનું જરા પણ જ્ઞાન નથી. બિનખ્રિસ્તીઓ કરતાં તેઓ અંધશ્રદ્ધા, જંતર-મંતર અને જાદુમાં વધારે માને છે.”

રશિયાના પ્રખ્યાત લેખક ટૉલસ્ટોયે પણ એવું જ નોંધ્યું છે. તેણે લખ્યું: “હું માનું છું કે, [રશિયન ઑર્થોડૉક્ષ] ચર્ચના શિક્ષણો જૂઠા, કપટી અને નુકશાનકારક છે. વળી, એના સભ્યોને ખ્રિસ્તનું શિક્ષણ શીખવવાને બદલે સંતાડી રાખ્યું છે. તેથી, એ સ્પષ્ટ થાય છે કે તેઓ અંધશ્રદ્ધામાં ડૂબેલા છે અને જંતરમંતર સિવાય તેઓને બીજું કંઈ નથી આવડતું.”

એનાથી સોવિયેત સામ્યવાદને પ્રોત્સાહન મળ્યું. તેથી, એ નાસ્તિકતાનો પ્રચાર કરતું હતું. વળી એનું માનવું હતું કે, “લોકો માટે ધર્મ એક અફીણ છે.” છતાં, અમુક સમય પછી સામ્યવાદ જ એક પ્રકારનો ધર્મ બની ગયું, જેને ‘રેડ રિલીજ્યન’ કહેવામાં આવતો. પરંતુ, આ ધર્મ વધારે સમય સુધી ટક્યો નહિ. એથી ૧૯૯૧માં સોવિયેત સંઘ પડી ભાંગ્યું ત્યારે, લાખો લોકો ગૂંચવણમાં હતા. હવે તેઓએ શું માનવું જોઈએ અને મદદ માટે ક્યાં જવું એ તેઓ જાણતા ન હતા. યહોવાહના સાક્ષીઓની મદદથી તેઓને પોતાના પ્રશ્નોના જવાબો બાઇબલમાંથી મળ્યા.

ત્યાં ભણતરની વ્યવસ્થા સારી હોવાથી મોટા ભાગના રશિયનો વધારે ભણેલા-ગણેલા છે. તેથી, મોટા ભાગના રશિયનો બાઇબલ વાંચે છે એટલું જ નહિ, પણ તેઓને એનું શિક્ષણ ખૂબ જ વહાલું છે. બીજી તર્ફે, લગભગ છેલ્લા દસ વર્ષમાં અગાઉના સોવિયેત સંઘમાંથી સેંકડો-હજારો લોકો જર્મની, ગ્રીસ અને અમેરિકા જેવા દેશોમાં જઈને વસ્યા છે. એનું પરિણામ શું આવ્યું?

જર્મનીમાં ભક્તિની સ્વતંત્રતા

જર્મનીના ઘણા લોકો ૧૮થી-૧૯મી સદીમાં રશિયા આવીને રહેવા લાગ્યા. એ સમયે ખૂબ જ જાણીતી ૧૫ વર્ષની સોફી તે ૧૭૬૨માં પોતાના પતિની જગ્યાએ રશિયાની મહારાણી બની. પછી, સોફીનું નામ બદલીને કૅથરીન ધ ગ્રેટ રાખવામાં આવ્યું. પોતાના રાજમાં તેણે જર્મનીના અનેક ખેડૂતોને રશિયામાં રહેવા આમંત્રણ આપ્યું. પછી, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોએ સોવિયેત સંઘ પર આક્રમણ કર્યું ત્યારે, જર્મનીથી આવેલા મોટા ભાગના લોકોને સાઇબેરિયા અને કઝાખસ્તાન, કીરગીઝસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા સોવિયેત રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં રશિયન ભાષા બોલનારા અનેક જર્મનો અને અગાઉના સોવિયેત સંઘના બીજા લોકો પૈસા કમાવવા માટે જર્મનીમાં આવીને રહેવા લાગ્યા.

ડિસેમ્બર, ૧૯૯૨માં જર્મનીના બર્લિન શહેરમાં પ્રથમ નવું રશિયન-ભાષી મંડળ બનાવવામાં આવ્યું. ગયા વર્ષ સુધી, જર્મનીમાં રશિયન ભાષાની ત્રણ સરકીટોમાં ૫૨ નવા મંડળો અને ૪૩ નાના નાના વૃંદોનો બનાવવામાં આવ્યાં હતાં. ગયા વર્ષે જર્મનીના કલોન શહેરમાં, જુલાઈ ૩૦થી ઑગસ્ટ ૧ દરમિયાન રશિયન ભાષામાં “દેવનો પ્રબોધકીય શબ્દ” મહાસંમેલન ભરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનની હાજરી ૪,૯૨૦ હતી અને ૧૬૪ લોકો બાપ્તિસ્મા પામ્યા હતા. એ જ વર્ષે એપ્રિલ પહેલીએ જર્મનીમાં રશિયન-ભાષી મંડળોમાં ઈસુના સ્મરણપ્રસંગ ઉજવવા માટે ૬,૧૭૫ લોકો આવ્યા હતા.

અમેરિકામાં રશિયન લોકો

એ જ રીતે અમેરિકામાં પણ મોટી સંખ્યામાં અગાઉના સોવિયેત સંઘના રશિયન લોકો આવીને વસ્યા છે. એના વિશે ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ (અંગ્રેજી) જણાવે છે કે: “બ્રુકલિન શહેરમાં ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે, બીજા દેશોમાંથી આવેલા લોકોમાં સૌથી વધારે રશિયન લોકો છે. એ જ સમયમાં અમેરિકાની સરકારે ભૂતપૂર્વ સોવિયેત સંઘમાંથી આવેલા ૩,૩૯,૦૦૦ લોકોને પોતાના દેશમાં રહેવાની પરવાનગી આપી.”

વળી, એના વિષે જાન્યુઆરી ૧૯૯૯નું ટાઇમ્સ છાપું કહે છે કે, છેલ્લા દસ વર્ષોમાં લગભગ ૪,૦૦,૦૦૦ યહુદીઓ અગાઉના સોવિયેત સંઘમાંથી આવીને ન્યૂયૉર્ક શહેર અને એના આજુબાજુના વિસ્તારોમાં વસ્યા છે. એ ઉપરાંત થોડાં વર્ષોથી અમેરિકાના ભિન્‍ન વિસ્તારોમાં રશિયન લોકો હજારોની સંખ્યામાં આવીને રહે છે. દાખલા તરીકે, ન્યૂયૉર્કમાં બીજા પરદેશીઓ કરતાં સૌથી વધારે રશિયન લોકો છે, પછી લોસ એંજિલિસમાં અને ત્રીજો નંબર ઉત્તર કેલિફોર્નિયા, જ્યાં લગભગ ૩૫,૦૦૦ છે. આ રશિયન લોકો બાઇબલનો અભ્યાસ કરવા ઘણા આતુર હોવાથી, તેઓમાંથી સેંકડો લોકો સાચા પરમેશ્વર યહોવાહના સેવકો બન્યા છે.

અમેરિકાના બ્રુકલિન ન્યૂયૉર્કમાં, એપ્રિલ ૧, ૧૯૯૪ના રોજ રશિયન ભાષામાં પ્રથમવાર નવું મંડળ બન્યું. પછી, કેલીફોર્નિયામાં અને ધીરે ધીરે વૉશિંગ્ટનમાં પણ હવે મંડળો છે. એના પછી દેશના બીજા અનેક ભાગોમાં હવે નાના નાના વૃંદો છે.

અમેરિકામાં પહેલીવાર

ગયા વર્ષે ઑગસ્ટ ૨૦થી ૨૨ દરમિયાન, ન્યૂયૉર્ક શહેરમાં પહેલી વાર રશિયન ભાષામાં મહાસંમેલન ભરવામાં આવ્યું હતું. એમાં અમેરિકા અને કૅનેડાથી ૬૭૦ લોકો આવ્યા હોવાથી, તેઓ ખૂબ જ આનંદી હતા. સર્વ પ્રવચનો રશિયન ભાષામાં આપવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત યાકૂબ અને એસાવનો બાઇબલમાંથી લીધેલો ડ્રામા પણ હતો. એ લોસ એંજેલિસ, કેલીફોર્નિયાના રશિયન-ભાષી મંડળે રજૂ કર્યું હતું. સાચે જ, મહાસંમેલનનો એ ખાસ પ્રોગ્રામ હતો.

મહાસંમેલનમાં બીજી એક ખાસ બાબત એ હતી કે, ત્યાં ૧૪ લોકો બાપ્તિસ્મા પામ્યા જેમનું ચિત્ર તમે અહીં જોઈ શકો છો. એમાંથી કેટલાક ૪,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરીને ન્યૂયૉર્ક શહેરમાં બાપ્તિસ્મા લેવા આવ્યા હતા. જેમ કે પોર્ટલૅન્ડ, ઓરીગોન, કેલિફોર્નિયા, લોસ એંજેલિસ અને સાન ફ્રાંસિસ્કોથી પણ આવ્યા હતા. પહેલાં, આ ૧૪ વ્યક્તિઓ અગાઉના સોવિયેત સંઘના આર્મેનિયા, અઝરબૈજાન, બેલારુસ, મોલ્દોવા, રશિયા અને યુક્રેઇન પ્રજાસત્તાકમાં રહેતા હતા. તેઓના અનુભવોમાંથી એ જોવા મળે છે કે, પરમેશ્વરનું જ્ઞાન અને તેમની ભક્તિ કરવાની સ્વતંત્રતાને તેઓ કેટલી મૂલ્યવાન ગણે છે.

શ્વેતલાના (પહેલી હરોળમાં, ડાબેથી ત્રીજે) મોસ્કોમાં મોટી થઈ હતી. તે ૧૭ વર્ષની હતી ત્યારે, તેણે એક મોટી ઉંમરના પ્રખ્યાત ગાયક સાથે લગ્‍ન કર્યા હતા. પછી, ૧૯૮૯માં બંને જણ તેઓના નાના છોકરા સાથે અમેરિકા આવ્યા. તેના પતિ કામને લીધે મોટે ભાગે બધી બાજુ ફરતા, અને પાંચ વર્ષ પછી તેઓના છૂટાછેડા થઈ ગયા.

શ્વેતલાના તેના કામ પર એક યહોવાહના સાક્ષીને મળી ત્યારે, તેની બહેનપણીઓએ કહ્યું કે, તેઓથી સાવચેત રહેજે. એનું કારણ એ કે, “એ પંથ [તને] વશ કરી લેશે અને [તારા] બધા જ પૈસા પડાવી લેશે.” છતાં, તે બાઇબલમાંથી શીખવા તૈયાર હતી. પરમેશ્વરનું નામ બાઇબલમાં જોયા પછી તેણે કહ્યું: “મને બહુ જ નવાઈ થઈ કે, ફક્ત યહોવાહના સાક્ષીઓ જ પરમેશ્વરના નામ વિષે જણાવે છે.”

નાનપણથી આન્દ્રે (પાછળની હરોળમાં, ડાબેથી ત્રીજે) સાઇબિરીયા છોડીને રમતગમતની તાલીમ માટે સેંટ પિટર્સબર્ગ ગયો. વર્ષ ૧૯૯૩માં સોવિયેત સંઘ પડી ભાંગ્યું ત્યારે, આન્દ્રે ૨૨ વર્ષની ઉંમરે અમેરિકા આવી પહોંચ્યો. તે કહે છે: “હું પરમેશ્વર વિષે વિચારવા લાગ્યો, તેથી, હું રશિયન ઑર્થોડૉક્ષ ચર્ચમાં જોડાયો. એક વખત, રશિયન ઇસ્ટર ઉજવણી દરમિયાન પરમેશ્વર વિષે વધુ જાણવા માટે મેં આખી રાત ચર્ચમાં પસાર કરી હતી.”

એ દરમિયાન શ્વેતલાનાનો આન્દ્રેની સાથે મેળાપ થયો. બાઇબલમાંથી પોતે જે શીખી રહી હતી એના વિષે તેણે આન્દ્રેને જણાવ્યું. આમ આન્દ્રે શ્વેતલાના સાથે યહોવાહના સાક્ષીઓની સભામાં જવા માટે તૈયાર થઈ ગયો, અને પછી તેણે પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પછી, જાન્યુઆરી ૧૯૯૯માં તેઓએ લગ્‍ન કર્યા. હવે તેઓના બાપ્તિસ્મા પછી બંને બહુ જ ખુશ છે.

પાવેલનો (પાછળની હરોળમાં, ડાબેથી ચોથો) જન્મ કજાખસ્તાનના શહેર કારાગાન્ડી પાસે થયો હતો. પરંતુ, પછી તે રશિયાના એક મોટા શહેર નાલિચિકમાં રહેવા લાગ્યો. આ શહેર ચેચન્યા અને ડાગિસ્તાનની નજીક છે, જ્યાં પુષ્કળ લડાઈ થઈ હતી. પાવેલ ત્યાં પ્રથમવાર યહોવાહના સાક્ષીઓને ઑગસ્ટ ૧૯૯૬માં મળ્યો હતો. પરંતુ, તેના બીજા મહિને તે સાન ફ્રાંસિસ્કો રહેવા જતો રહ્યો. પછી પાવેલ ડ્રગ્ઝ લેતો થઈ ગયો. તેની એક દીકરી પણ હતી જેને તે તેની મા પાસે રશિયામાં મૂકીને આવ્યો હતો.

અમેરિકા પહોંચતા જ તેણે યહોવાહના સાક્ષીઓને શોધી કાઢ્યા અને તેઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગ્યો. તેણે પોતાના જીવનમાં સુધારા કર્યા, અને જે સ્ત્રીએ તેની દીકરીને જન્મ દીધો હતો, તેને પાવેલે પોતાના નવા ધર્મ વિષે લખ્યું. હવે તે પણ રશિયામાં યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરે છે. પાવેલ તેઓને અમેરિકા લાવવાની વ્યવસ્થા કરી રહ્યો છે, જેથી તેઓ પરણી શકે અને પોતાની દીકરી સાથે કેલીફોર્નિયામાં યહોવાહની સેવા કરી શકે.

જ્યોર્જ (પાછળની હરોળમાં, ડાબેથી બીજો) મોસ્કોમાં મોટો થયો હતો. તે ૧૯૯૬માં અમેરિકા આવ્યો અને તેના પછીના વર્ષે તેમણે ફ્લોરા સાથે લગ્‍ન કર્યા. ખરી રીતે ફલોરા અજરબેજાનમાં મોટી થઈ હતી. જો કે જ્યોર્જ રશિયન ઑર્થોડૉક્ષ ચર્ચમાં જતો હતો, પણ એક ચોકીબુરજ મેગેઝીન વાંચ્યા પછી, તેને ત્રૈક્યની માન્યતા વિષે અનેક પ્રશ્નો ઊભા થયા. તેણે વૉચ ટાવર સોસાયટીને એક પત્ર લખ્યો. એના જવાબમાં તેઓએ તેને શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ? પુસ્તિકા મોકલી. વર્ષ ૧૯૯૮માં તેઓ બંનેએ બાઇબલ શીખવાનું શરૂ કર્યું, અને હવે ફ્લોરા પણ બાપ્તિસ્મા લેવા માંગે છે.

આ મહાસંમેલનમાં એક ખાસ બનાવ એ હતો કે, મોસ્કોમાં પણ એ જ સપ્તાહમાં એક મહાસંમેલન ભરવામાં આવ્યું હતું જ્યાં ૧૫,૧૦૮ ભાઈ-બહેનોએ ભેગા થયા હતા. તેઓએ ન્યૂયૉર્ક મહાસંમેલનમાં ભેગા મળેલા ભાઈઓને પોતાનો ખ્રિસ્તી પ્રેમ મોકલ્યો હતો. મોસ્કોમાં ૬૦૦ ભાઈ-બહેનોએ બાપ્તિસ્મા લીધું. એ સાંભળીને ન્યૂયૉર્કમાં ભેગા મળેલા ભાઈ-બહેનો ખૂબ જ રોમાંચ પામ્યા હતાં! એનું કારણ કે, અમેરિકામાં આ મહાસંમેલન થયું એના અગાઉ ત્યાંના છાપાઓમાં અને ટેલિવિઝન પર એના વિષે ઘણી અફવા ફેલાઈ હતી. છતાં, આખરે મહાસંમેલન સફળ રહ્યું હતું.

મોસ્કોમાં શું થઈ રહ્યું હતું

મોસ્કોમાં એક ઑલિમ્પિક સ્ટેડિયમ છે અને એની બાજુમાં જ એક મોટું ઑર્થોડૉક્ષ ચર્ચ છે. જુલાઈ ૨૧, ૧૯૯૯ના રોજ યહોવાહના સાક્ષીઓએ મહાસંમેલન માટે એ સ્ટેડિયમ ભાડે રાખવા કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા પણ કર્યા. પરંતુ મહાસંમેલનના એક સપ્તાહ અગાઉ એમ લાગતું હતું કે, વિરોધ તો ચોક્કસ થશે જ. યહોવાહના સાક્ષીઓએ સ્ટેડિયમનું ભાડું પણ ચૂકવી દીધું હતું. છતાં ઑગસ્ટ ૧૮ સુધી સ્ટેડિયમ વાપરવા માટે પરવાનગી મળી ન હતી. સ્ટેડિયમના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે, રશિયામાં યહોવાહના સાક્ષીઓના ધાર્મિક સંગઠનને કાયદેસર હક્ક આપવામાં આવ્યો છે, જેમ કે પાન ૨૮ પર આપવામાં આવેલું છે.

એનું કારણ કે, લગભગ ૧૫,૦૦૦ લોકો શુક્રવાર સવાર મહાસંમેલનમાં આવવાના હતા, તેની તૈયારી થઈ રહી હતી. છતાં પરવાનગી મળી ન હોવાથી, સાક્ષીઓના આગેવાનો ચિંતામાં હતા. એ ઉપરાંત કેટલાક ભાઈ-બહેનોને તો પોતપોતાના નગરોથી મોસ્કો સુધી આવવા માટે લાંબી મુસાફરી કરી રહ્યા હતા. તેથી, સ્ટેડિયમ મેનેજમેન્ટ સાથે કેટલાક કલાકોની સમજૂતી ચાલી. છેવટે, ઑગસ્ટ ૧૯, ગુરુવારે સાંજે આઠ વાગ્યે તેઓએ ખુશીથી સાક્ષીઓને જણાવ્યું કે, તેઓ સ્ટેડિયમ વાપરી શકે છે. શહેરના અધિકારીઓને પણ આ મહાસંમેલન વિષે કંઈ વાંધો ન હતો.

બીજી સવારે હજારો સ્વયંસેવકો મહાસંમેલનની તૈયારી માટે આવી ગયા, અને આખી રાત કામ કર્યું. તેઓની સાથે સાથે ન્યૂઝ રીપોર્ટર પણ આવ્યા હતા. તેઓને અગાઉથી જણાવવામાં આવ્યું હતું કે, આ મહાસંમેલન રાખવામાં ન આવે માટે એનો વિરોધ કરવામાં આવે છે. એથી એક રીપોર્ટરે જણાવ્યું કે, “તમને ખૂબ જ અભિનંદન! અમને એ જાણીને ખૂબ જ ખુશી થઈ કે તમારું મહાસંમેલન રાખવામાં આવી રહ્યું છે.”

નમૂનારૂપ વર્તણુક

સ્ટેડિયમના મેનેજમેન્ટને સલામતીની વ્યવસ્થા કરવી જરૂરી લાગ્યું. જેમ એરપોર્ટ પરના યાત્રીઓની તપાસ કરવામાં આવે એ રીતે તપાસ કરવામાં આવી હતી. આ રીતે સ્ટેડિયમના માણસો બધા જ દરવાજે ઊભા રાખવામાં આવ્યા હતા. તેમ જ સ્ટેડિયમની અંદર બધી જ જગ્યાઓએ પોલીસ રાખવામાં આવી હતી. મહાસંમેલન રોકવા માટે અનેક ધમકીઓ છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિથી રજૂ કરવામાં આવ્યો હતો.

શનિવાર સવારે કોઈએ ફોન કરીને જણાવ્યું કે સ્ટેડિયમમાં બૉમ્બ મૂકવામાં આવ્યો છે. એ દિવસનો કાર્યક્રમ હજી પૂરો થવાની વાર હતી ત્યારે ખબર મળી. એથી, સ્ટેડિયમ મેનેજમેન્ટની અરજથી જાહેરાત કરીને સ્ટેડિયમને તરત જ ખાલી કરવામાં આવ્યું. સર્વ લોકો શાંતિથી અને કોઈ પણ ધમાલ કર્યા વિના સ્ટેડિયમ ખાલી કર્યું. ત્યારે, સ્ટેડિયમના અધિકારીઓ અને પોલીસ આશ્ચર્ય પામી. તેઓએ આવું કદી જોયું ન હતું! પછી તેઓએ ભાઈઓને પૂછ્યું કે, શું તમે અગાઉથી જ પ્રેક્ટીસ કરીને આવ્યા છો?

સ્ટેડિયમમાં કોઈ બૉમ્બ ન મળ્યો અને બીજા દિવસે, શનિવારે રહી ગયેલું એક પ્રવચન રવિવારે આપવામાં આવ્યું. આ મહાસંમેલનથી સ્ટેડિયમ મેનેજમેન્ટને આનંદ થયો.

ગ્રીસ અને બીજા સ્થળોએ

ગ્રીસમાં પણ રશિયન ભાષાનું મહાસંમેલન ભરવાની ગોઠવણ કરવામાં આવી હતી. ત્યાં ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં પ્રથમ એથેન્સમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં થેસ્સાલોનીકીમાં મહાસંમેલન ભરવામાં આવ્યું. કુલ ૭૪૬ ત્યાં હાજર હતા અને ૩૪ લોકોએ બાપ્તિસ્મા લીધું. ગ્રીસમાં ૮ રશિયન-ભાષી મંડળો છે અને ૧૭ નાના નાના વૃંદો છે જેઓ અગાઉના સોવિયેત સંઘના દક્ષિણ પ્રજાસત્તાકમાંથી આવેલા છે. આ મંડળોની સભાઓ રશિયન અને અન્ય બીજી ભાષાઓમાં થાય છે.

એથેન્સમાં બાપ્તિસ્મા લેનાર વિક્ટર અગાઉ નાસ્તિક હતો. ઑગસ્ટ ૧૯૯૮માં એથેન્સમાં યહોવાહના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં તેની પત્ની સાથે તે ગયો હતો. એ મહાસંમેલનમાં તેની પત્નીએ બાપ્તિસ્મા લીધું હતું. તેણે કહ્યું કે, ભાઈ-બહેનોના પ્રેમની મારા પર ઊંડી અસર થઈ. તેથી, તે પણ બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગયા.

તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તક વાંચ્યા પછી ઈગર પર ઊંડી અસર થઈ. તે મૂર્તિપૂજા છોડી દીધી. પોતે યહોવાહનો સાક્ષી ન હોવા છતાં, તે પોતાને યહોવાહનો સાક્ષી તરીકે ઓળખાવતો હતો. પછી, તેણે યહોવાહનો સાક્ષીઓની એથેન્સની શાખામાં લખ્યું અને નવેમ્બર ૧૯૯૮માં સાક્ષીઓ તેમને મળવા આવ્યા. ત્યારથી એ નિયમિત રીતે સભામાં જવા લાગ્યો અને અત્યાર સુધી તે એક પણ સભા ચૂક્યો નથી. હવે ઈગર પણ બાપ્તિસ્મા લેવા ચાહે છે, જેથી પોતે પણ પૂરા-સમયનો પ્રચારક બની શકે.

રશિયન લોકો અનેક દેશોમાં વસે છે તેઓના વિષે આપણે ચર્ચા કરી શક્યા નથી. એમાંના ઘણા રશિયનોને ધાર્મિક સ્વતંત્રતા વહાલી હોવાથી તેઓ હવે બાઇબલ વિષે શીખી રહ્યા છે, અને છૂટથી પરમેશ્વરની સેવા કરી શકે છે તેથી તેઓ ખુશ છે. તેઓને આ સ્વતંત્રતા ખૂબ જ વહાલી છે!

[ફુટનોટ]

^ અગાઉના સોવિયેત સંઘના ૧૫ પ્રજાસત્તાકોનાં નામ આ પ્રમાણે છે, જે હવે સ્વતંત્ર દેશો છે: અઝરબૈજાન, આર્મેનિયા, ઉઝબેકિસ્તાન, એસ્તોનિયા, કઝાખસ્તાન, કિરગીઝસ્તાન, જ્યોર્જિયા, તાજિકીસ્તાન, તુર્કમેનીસ્તાન, બેલારુસ, મોલ્દોવા, યુક્રેઇન, રશિયા, લિથુએનિયા અને લૅટ્‍વીઆ.

[પાન ૨૨ પર બોક્સ]

રશિયાના લોકોને બાઇબલ પ્રિય છે

સ્યિરગ્યે ઈવાયેનકા, રશિયાના એક જાણીતા ધાર્મિક પંડિત છે, જેમણે લખ્યું કે, યહોવાહના સાક્ષીઓ જ ખરા અર્થમાં બાઇબલનો અભ્યાસ કરે છે. તેમણે સોવિયેત સંઘમાં રહેતા યહોવાહના સાક્ષીઓના ઇતિહાસ વિષે, બાઇબલને હંમેશા પોતાની પાસે રાખતા લોકો (રશિયન) પુસ્તક લખ્યું: “યહોવાહના સાક્ષીઓ પોતાના ધર્મને વફાદાર હોવાથી તેઓને જેલમાં પૂરવામાં આવતા હતા. છતાં, તેઓ કોઈ પણ રીતે બાઇબલ સંતાડી રાખવાનું શોધી કાઢતા.” એ સમજાવવા તેમણે નીચેનો અનુભવ જણાવ્યો.

“કેદીઓને બાઇબલ રાખવાની છૂટ ન હતી. વળી, તપાસ કરતી વખતે કોઈની પાસે બાઇબલ મળી આવતું તો, એને છીનવી લેવામાં આવતું. ઉત્તરની એક મજૂરી છાવણીમાં એક યહોવાહનો સાક્ષી ઇલેક્ટ્રીશ્યન હતો. તેણે પોતાના બાઇબલના નાના નાના ભાગ કરી હજારો વોલ્ટવાળા ટ્રાંસફોર્મરમાં સંતાડી રાખ્યા હતા. તેણે એ ભાગો એવી રીતે અલગ અલગ તાર સાથે બાંધ્યા હતા કે, ફક્ત તેને જ ખબર હતી કે મોતને ઘાટ ઉતારી દે, એવો કરંટ લાગ્યા વિના કયો ભાગ ક્યાંથી લેવો. દાખલા તરીકે માત્થીનું પુસ્તક ક્યા તારમાંથી મળી શકે. સિપાઈઓએ આખી છાવણી ફેંદી નાખી, છતાં તેઓને ખબર ન પડી કે બાઇબલ ક્યાં સંતાડવામાં આવ્યું છે.”

[પાન ૨૮ પર બોક્સ]

રશિયામાં યહોવાહના સાક્ષીઓ ફરીથી રજીસ્ટર થયા

રશિયામાં એકસો કરતાં વધારે વર્ષોથી યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે. છતાં પ્રતિબંધને કારણે, તેઓના સંગઠનની સરકારે કાયદેસર નોંધણી કરી ન હતી. જો કે માર્ચ ૨૭, ૧૯૯૧ના રોજ યુ.એસ.એસ.આર.માં યહોવાહના સાક્ષીઓના ધાર્મિક સંગઠનના મંડળ તરીકે તેઓની નોંધણી કરવામાં આવી.

પછી, સપ્ટેમ્બર ૨૬, ૧૯૯૭ના રોજ “વ્યક્તિને અંતઃકરણ અને ધાર્મિક સંગઠનની સ્વતંત્રતા” પર કાયદો બહાર પડ્યો. આ નવા કાયદા વિષે દુનિયાભરના છાપાઓમાં આપવામાં આવ્યું હતુ. શા માટે? એનું કારણ એ હતું કે ઘણાને લાગ્યું કે, આ કાયદાથી રશિયાના નાના નાના ધર્મો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

યહોવાહના સાક્ષીઓએ ૧૯૯૧માં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના સંગઠનની નોંધણી કરાવી હતી. પરંતુ, હવે આ નવા કાયદા મુજબ યહોવાહના સાક્ષીઓ ઉપરાંત બધા જ ધાર્મિક સંગઠનોની ફરીથી નોંધણી કરાવવામાં આવી. એનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા. શું આ કાયદાથી રશિયાની સરકાર યહોવાહના સાક્ષીઓ પર ફરીથી પ્રતિબંધ લાવવાનો પ્રયત્ન કરશે? કે પછી, રશિયન ફેડરેશનનો કાયદો દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવા માટેની સ્વતંત્રતા આપશે કે નહિ?

છેવટે આ પ્રશ્નોના જવાબો મળ્યા. યહોવાહના સાક્ષીઓ રશિયાના ન્યાય મંત્રાલયમાંથી એક નોંધણી પ્રમાણપત્ર મેળવીને કેટલા ખુશ થયા, જેમાં તેઓને એપ્રિલ ૨૯, ૧૯૯૯થી ફરીથી “રશિયામાં યહોવાહના સાક્ષીઓનું મંડળ” નામે રજીસ્ટર કરવામાં આવ્યા!

[પાન ૨૩ પર ચિત્ર]

અમેરિકામાં રશિયન ભાષામાં પ્રથમ મહાસંમેલન

[પાન ૨૪ પર ચિત્ર]

લોસ એંજેલિસના રશિયન મંડળે ન્યૂયૉર્કમાં રજૂ કરેલો બાઇબલ ડ્રામા

[પાન ૨૫ પર ચિત્ર]

સોવિયેત સંઘના અગાઉના છ પ્રજાસત્તાકમાંથી આવેલા ૧૪ જણે ન્યૂયૉર્કમાં બાપ્તિસ્મા લીધું

[પાન ૨૬, ૨૭ પર ચિત્ર]

મોસ્કોના ઑલિમ્પિક સ્ટેડિયમમાં ૧૫,૦૦૦થી વધારે લોકો ભેગા મળ્યા