સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

ગંગામાં લાશો

ઇલેક્ટ્રોનિક ટેલિગ્રાફ કહે છે કે, “મૂએલાંને મોક્ષ મળે અને પુનર્જન્મના ચક્કરમાંથી મુક્ત થાય, એવી માન્યતાને કારણે સૈકાઓથી હિંદુઓ મૂએલાંના શરીરને ગંગામાં વહેતા મૂકે છે. લગભગ ૨,૫૦૦ કિલોમીટર લાંબી ગંગાનું પાણી ઊંડું હતું ત્યાં સુધી તો કંઈ સમસ્યા ન હતી, કારણ કે નદીના વહેતા પાણીમાં સેંકડો લાશો વહી જતી હતી. પરંતુ કેટલાક વર્ષોથી કારખાનાઓમાંથી ઘણો જ કચરો ગંગામાં નંખાય છે, જેને કારણે નદી છીછરી થતી જાય છે, અને પાણીનો પ્રવાહ પણ ધીમો થઈ ગયો છે.” એને કારણે લાશો વહેતા પાણીમાં આગળ જવાને બદલે “ઘાસ અને કચરામાં કેટલાય સપ્તાહો સુધી ફસાઈ રહે છે.” આ સમસ્યા ઉકેલવા સરકારે ૧૯૮૦ના અંતમાં, હજારોની સંખ્યામાં માંસાહારી કાચબા ગંગા નદીમાં છોડ્યા હતા. પરંતુ અસંખ્ય લાશોની સામે આ કાચબા ઓછા પડે છે. તેમ જ, શિકારીઓ આ કાચબાને પણ છોડતા નથી, એટલે કાચબા પણ ભયમાં હોવાથી, ૧૯૯૪માં આ યોજનાને બંધ કરવામાં આવી. હવે નવી યોજના મુજબ લોકોને પોતાના પ્રિયજનોના શબને અગ્‍નિસંસ્કાર કરવા કે દફનાવવા માટે મનાવવામાં આવે છે.

અપહરણનો ધંધો

યુ.એસ.ના સમાચાર અને જગતનો અહેવાલ (અંગ્રેજી) સામયિક કહે છે કે, “મૅક્સિકો, કોલંબિયા, હૉંગકૉંગ અને રશિયામાં અપહરણનો ધંધો એકદમ ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં, પૈસા માટે અપહરણ કરવાના કિસ્સાઓએ તો રેકોર્ડ તોડ્યો છે.” અત્યાર સુધી અપહરણના સૌથી વધારે કિસ્સા લૅટિન અમેરિકામાં જોવા મળ્યા, જ્યાં ૧૯૯૫થી ૧૯૯૮ વચ્ચે ૬,૭૫૫ અપહરણો થયા હતા. એના પછી એશિયા અને પૂર્વીય વિસ્તારોમાં (૬૧૭), યુરોપમાં (૨૭૧), આફ્રિકામાં (૨૧૧), મધ્ય-પૂર્વમાં (૧૧૮) અને દક્ષિણ અમેરિકામાં (૮૦) અપહરણો થયા છે. મોટા ભાગે વેપારીઓ અને જમીનદારોનું અપહરણ કરવામાં આવે છે, છતાં સ્વયંસેવકો, વેપાર માટે પ્રવાસ કરી રહેલા કે પર્યટકો જેવા સામાન્ય લોકો પણ શિકાર બની શકે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ હવે એવી પૉલિસીનો વીમો કઢાવે છે, જેમાં ખંડણીની કિંમત, અપહરણકર્તાઓ સાથે વાતચીત કરનાર, અને મનોચિકિત્સકોની પણ સગવડો આપવામાં આવતી હોય. પરંતુ અપહરણ કરનારાઓ હંમેશા બે પગલાં આગળ જ હોય છે. પ્રથમ, તેઓ જાણી લે છે કે જે વ્યક્તિનું અપહરણ કરવાના હોય એનાથી કેટલો ફાયદો અને કેટલું જોખમ રહેલું છે. તેઓ પોતાના કેદીઓ સાથે સારો વર્તાવ કરે છે કારણ કે એમ કરવાથી કેદીઓ નાસી જવાનો પ્રયત્ન નહિ કરે, અને તેઓને આરામથી પૈસા મળી જાય. “જો કે ૧૦ અપહરણોમાંથી ફક્ત ૧ વ્યક્તિનું જ મોત થાય છે,” એ સામયિક જણાવે છે. પરંતુ, એ ચેતવણી આપે છે: “પોલીસોથી સાવધ રહો, કારણ કે આ ધંધામાં ઘણી વાર તેઓ પણ બરાબર ભાગીદાર હોય છે.”

કૅન્સરનો ઇલાજ ટામેટાં

અમેરિકન એસોસિએશન ફોર કૅન્સર રિસર્ચે તાજેતરમાં કરેલા અભ્યાસો પરથી ખબર પડી છે કે ટામેટાંમાં એવું તત્ત્વ રહેલું છે જે પ્રોસ્ટેટ કૅન્સરને વધતા રોકી શકે. આ અભ્યાસો મુજબ ટામેટાને લાલ રંગ આપતું તત્ત્વ, લિકોપીન પ્રોસ્ટેટ કૅન્સરની ગાંઠ ઘટાડી શકે, અને શરીરના બીજા ભાગમાં ફેલાવાથી પણ રોકી શકે છે. સાથોસાથ, યુ.એસ. નેશનલ કૅન્સર ઈન્સ્ટીટ્યુટે પોતાના અભ્યાસમાં જણાવ્યું કે “એમ જાણવામાં આવ્યું છે કે ટામેટાંના બધા જ તત્ત્વો પ્રોસ્ટેટ કૅન્સર જ નહિ, પણ સ્વાદુપિંડ, ફેફસાં અને કોલન (બૃહદંત્ર)ના કૅન્સરને પણ વધવાથી રોકી શકે છે.”

માતાની કિંમત

એમાં કંઈ શંકા નથી કે આપણી મમ્મી ઘરનું બધું કામ કરે છે. પરંતુ આ સર્વ કામ માટે તેમને પગાર આપવાનો થાત તો વર્ષની કેટલી કિંમત ચૂકવવાની થાત? ધ વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે, એક અભ્યાસ કરવામાં આવ્યો. એમાં એ શોધવામાં આવ્યું કે માતા કરે છે, એવા કામ માટે લોકોને વર્ષનો સરેરાશ કેટલો પગાર મળે છે. આ છાપામાં એવા લગભગ ૧૭ કામોની ગણતરી કરી છે. જેમ કે બાળકોની સંભાળ રાખવા ૧૩,૦૦૦, બસ ડ્રાયવર માટે ૩૨,૦૦૦, મનોવૈજ્ઞાનિક માટે ૨૯,૦૦૦, પશુઓની દેખરેખ રાખવા ૧૭,૦૦૦, નર્સ માટે ૩૫,૦૦૦, જમવાનું બનાવવા માટે ૪૦,૦૦૦ અને ક્લાર્ક તરીકે નાનું મોટું કામ કરવા ૧૯,૦૦૦ ડૉલર. અરે બાપરે! આ હિસાબ મુજબ તો, આ સર્વ કામ કરવા બદલ દરેક મમ્મીને વર્ષે ૫,૦૮,૭૦૦ ડૉલર મળવા જોઈએ. આ અભ્યાસ નાણાકીય સેવા આપતી કંપનીએ કર્યો હતો. આ કંપનીના સંચાલક રિક એડલમેન મુજબ આ ગણતરી તો એકદમ થોડી જ છે. શા માટે? એનું કારણ એ કે એમાં સામાજિક સલામતી અને નિવૃત્તિ પછી મળનાર લાભોનો તો સમાવેશ જ કર્યો નથી.

વાંસનું ફૂલ એક મુસીબત

ભારતના મણીપુર અને મિઝોરમ રાજ્યના જંગલોમાં પુષ્કળ વાંસ જોવા મળે છે. આ પ્રદેશોમાં એક ખાસ પ્રકારના વાંસના છોડ, મોતંગને ૫૦ વર્ષમાં એક વાર ફૂલો લાગે છે. પરંતુ, તેમાં ફૂલ લાગવાનો સમય આવે છે ત્યારે લોકોમાં ભય વ્યાપી જાય છે. શા માટે? એનું કારણ એ કે એનાથી ઉંદરો આકર્ષાય છે, અને જ્યાં જુઓ ત્યાં ઉંદરડા જ નજરે પડે છે. આ ફૂલ ખાવાથી ઉંદરડા વધારે ઉંદરને જન્મ આપે છે. છેવટે ઉંદરડાની સેના સર્વ પાકને સફાચટ કરી નાખે છે. પરિણામે, ત્યાં દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ ૧૯૫૪/૫૫માં આ વૃક્ષો પર ફૂલ લાગ્યા હતા ત્યારે, ૧૯૫૭માં દુકાળ પડ્યો હતો. આ વખતે આવો સંહાર રોકવા માટે મિઝોરમ સરકારે ઉંદરને મારવાની યોજના બનાવી છે. તેઓએ ઉંદરની એક પૂંછડીના બદલામાં એક રૂપિયો ઇનામ આપવાનું નક્કી કર્યું. પરિણામ? વર્ષ ૧૯૯૯ના એપ્રિલ સુધીમાં ઉંદરની ૯૦,૦૦૦ પૂંછડીઓ મળી અને આ કાર્યક્રમને ચાલુ રાખવા માટે સરકાર એથી પણ વધારે પૈસા રોકવા માટે રાહ જોઈ રહી છે.