સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખરો વિશ્વાસ કોને કહેવાય?

ખરો વિશ્વાસ કોને કહેવાય?

બાઇબલ શું કહે છે

ખરો વિશ્વાસ કોને કહેવાય?

“કોઈ વ્યકિત વિશ્વાસ વગર ઇશ્વરને પ્રસન્‍ન કરી શકતી નથી; કારણ, જે ઇશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઇશ્વર છે અને જેઓ તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે.”—હેબ્રી ૧૧:૬, પ્રેમસંદેશ.

વિશ્વાસ એટલે શું? કેટલાક કહે છે કે, પરમેશ્વર છે એની સાબિતી ન હોવા છતાં, તેમનામાં માનવું એને જ ખરો વિશ્વાસ કહેવાય. અમેરિકાના પત્રકાર એચ. એલ. મેંકન વિશ્વાસની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે: “જેની સાબિતી ન હોય એમાં માનવું.” શું બાઇબલ એવું શીખવે છે? ખરો વિશ્વાસ કોને કહેવાય એની સમજણ મેળવવી જરૂરી છે, કારણ કે “વિશ્વાસ વગર ઇશ્વરને પ્રસન્‍ન કરી શકાતા નથી.”

બાઇબલ કહે છે: “જેની આશા રાખીએ છીએ . . . તે વાસ્તવમાં બનશે જ એવો નિશ્ચિત ભરોસો એટલે વિશ્વાસ.” (હેબ્રી ૧૧:૧, ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયા) તેથી, વિશ્વાસ ચોકસાઈભર્યાં જ્ઞાન પર આધારિત છે, જેના આધારે આપણે ખરો નિર્ણય લઈ શકીએ.

દાખલા તરીકે, કદાચ તમે તમારા જિગરી દોસ્ત વિષે આમ કહેશો: “મને એના પર પૂરો ભરોસો છે. ‘પ્રાણ જાય પણ વચન ન જાય’, એ તે પાળી બતાવે છે. મને ખાતરી છે કે, કોઈ પણ મુશ્કેલીમાં તે મને મદદ કરશે.” પરંતુ, જેને તમે સારી રીતે ઓળખતા નથી તેના વિષે આમ કહી શકશો? ના. પરંતુ, તમે જેને સારી રીતે ઓળખાતા હો અને તમારા સારા અનુભવ થયા હોય તેઓ વિષે જ આમ કહેશો. એ જ રીતે પરમેશ્વર પર આપણા વિશ્વાસ વિષે પણ એમ જ છે. જેથી આપણો વિશ્વાસ વધે અને મનમાં ખાતરી થાય કે પરમેશ્વર ભરોસાપાત્ર છે.

વિશ્વાસ કે અંધશ્રદ્ધા?

આજે લોકો શ્રદ્ધાથી આંખો મીંચીને બધું જ માની લે છે. મોટા ભાગે આવો વિશ્વાસ અંધશ્રદ્ધા પર આધારિત હોય છે. પરંતુ, સાચો વિશ્વાસ આંધળો નથી હોતો.

અંધશ્રદ્ધાળુ કદાચ કોઈ પણ ઉતાવળે નિર્ણય લઈ લેશે જે બાઇબલ પ્રમાણે ન હોય. એથી બાઇબલ આપણને ચેતવણી આપે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચન ૧૪:૧૫) તેમ જ પ્રેષિત પાઊલે પણ લખ્યું: “સઘળાંની પારખ કરો; જે સારૂં છે તે ગ્રહણ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) બાઇબલ આપણને અંધશ્રદ્ધાળુ બનવાનું શીખવતું નથી. પરંતુ, પરમેશ્વરના સત્યમાં વિશ્વાસ મૂકવા બાઇબલ આપણને ઉત્તેજન આપે છે.

આપણે પરમેશ્વરનું સત્ય અને અંધશ્રદ્ધા વચ્ચેનો ફરક પારખી શકવા જોઈએ. કદાચ કોઈ ધાર્મિક હોય શકે, પણ એને વિશ્વાસ ન હોય. પાઊલે કહ્યું: “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) પરંતુ, આજે ફક્ત અમુક લોકો પાસે જ બાઇબલ આધારિત વિશ્વાસ છે, અને એ તેઓના જીવન પર ઊંડી અસર પાડે છે.

પરમેશ્વરમાં ખરો વિશ્વાસ હોવો જરૂરી છે

વિશ્વાસ અને ભરોસો ચેઈનમાંની કડી સમાન છે, જે માણસને પરમેશ્વર સાથે જોડે છે. જો કે આવો ભરોસો આપોઆપ આવી જતો નથી. એને કેળવવો પડે છે. પરંતુ, તમે કઈ રીતે આવો વિશ્વાસ કેળવી શકો? બાઇબલ જણાવે છે: “સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે, તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.”—રૂમી ૧૦:૧૭.

ખરો વિશ્વાસ કેળવવા માટે તમને પ્રથમ પરમેશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત વિષે શીખવું જોઈએ. આ જ્ઞાન આપોઆપ આવી જતું નથી. (નીતિવચન ૨:૧-૯) એના માટે તમને પોતાને શોધ કરવી પડશે કે બાઇબલ શું કહે છે. જેથી તમે જોઈ શકો કે બાઇબલમાં જે લખેલું છે એ સત્ય છે.

છતાં, એટલું જ પૂરતું નથી કે મગજમાં ફક્ત જ્ઞાન ભરી લઈએ અથવા માની લઈએ કે એ સાચું છે. પરંતુ, આ જ્ઞાન હૃદયમાં ઉતારવાની જરૂર છે. રૂમી ૧૦:૧૦ કહે છે: “માણસ હૃદયથી વિશ્વાસ કરે છે.” ( પ્રેમસંદેશ) પરંતુ એનો શું અર્થ થાય? એનો એવો અર્થ થાય કે, બાઇબલ વાંચીને એના પર તમે મનન કરો, એની કદર કરો અને એ તમારા હૃદયમાં ઉતારો. તમે પરમેશ્વરનાં આ વચનો પ્રમાણે કામ કરશો તો, તમારો વિશ્વાસ એકદમ દૃઢ થશે અને એથી તમને પુષ્કળ આશીર્વાદ મળશે.—૨ થેસ્સાલોનીકી ૧:૩.

ખરો વિશ્વાસ કેટલો મૂલ્યવાન છે! આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે પરમેશ્વર પર પૂરો ભરોસો મૂકી શકીએ છીએ કે તે આપણી કાળજી રાખશે, સાચો માર્ગ બતાવશે અને આપણી જરૂરિયાતો પૂરી પાડશે. એ ઉપરાંત તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તે વિશ્વાસના બીજા એક ફાયદા વિષે જણાવતા કહ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬, ત્રાંસા અક્ષરો અમારા છે.) હા, અનંતજીવન એ ભવ્ય આશીર્વાદ છે અને ફક્ત ખરા ભક્તોને જ મળશે!

પરમેશ્વર પોતાના સેવકોને ચોક્કસ આશીર્વાદ આપશે એવો આપણને વિશ્વાસ હશે તો, જીવન વિષે આપણો ધ્યેય અલગ હશે. હેબ્રી ૧૧:૬ મુજબ ખરા વિશ્વાસનો એવો અર્થ થાય કે જેઓ પરમેશ્વરને “શોધે છે તેઓને તે બદલો આપે છે.” એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે, સાચો વિશ્વાસ અંધશ્રદ્ધાળુ નથી. અને ફક્ત પરમેશ્વર છે એવું માની લેવું એટલું જ પૂરતુ પણ નથી. એનો એવો અર્થ થાય કે, જેઓ પરમેશ્વરને ખંતથી શોધે છે તેઓને તે ફળ આપી શકે છે અને આપશે એવો વિશ્વાસ કેળવવો જોઈએ. શું તમને ખરેખર પરમેશ્વર વિષે શીખવું છે? જો શીખવું હોય તો બાઇબલમાંથી પરમેશ્વર વિષે તમે શીખો અને ખાતરી રાખો કે તમારા વિશ્વાસનું તમને ચોક્કસ ફળ મળશે.—કોલોસી ૧:૯, ૧૦.

[પાન ૨૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Drawings of Albrecht Dürer/Dover Publications, Inc.