લામુ એક ટાપુ જે ભૂલાયો નથી
લામુ એક ટાપુ જે ભૂલાયો નથી
કેન્યામાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
પંદરમી સદીમાં એક નાનકડું જહાજ હિંદ મહાસાગરમાં થઈને જઈ રહ્યું હતું. પવનથી જહાજ આગળ વધી રહ્યું હતું. એક નાવિક વહાણના કૂવાથંભ પર ચઢી જઈને દૂર દૂર સુધી નજર નાખીને લામુ નામનો ટાપુ શોધી રહ્યો હતો.
આ નાવિકો સમુદ્રી યાત્રા પર શા માટે નીકળ્યા હતા? તેઓ સોનું, હાથીદાંત, જાતજાતનાં મસાલા અને ગુલામો લઈ જવા માટે યાત્રા કરી રહ્યા હતા. આફ્રિકામાં એ સર્વ પુષ્કળ મળતું હતું. વળી, કેટલાક સાહસિકો નવા નવા સ્થળો શોધી કાઢવા અને ખજાનો મેળવવા પોતાના દેશથી દૂર, આફ્રિકાના પૂર્વ કિનારા સુધી સફર કરતા. ખજાના સુધી પહોંચવા માટે નાવિકોને ઘણા જોખમો અને તોફાની સમુદ્રનો પણ સામનો કરવો પડતો હતો. અનેક નાવિકો અને વેપારીઓ નાના નાના જહાજો પર ચઢીને ઘણે દૂરથી સમુદ્રી યાત્રા કરીને અહીં આવી પહોંચતા હતા.
આફ્રિકાની પૂર્વ કિનારે વચ્ચોવચ નાના નાના ટાપુઓ નજરે પડે છે, જેને લામુ આરકીપેલેગો કહેવામાં આવે છે. આ ટાપુના કારણે જહાજો માટે એ સૌથી સારું બંદર છે, કારણ કે એ ખડકથી ઘેરાયેલું છે. લામુ બંદરે નાવિકો રોકાઈને બાકીની સફર માટે જહાજોમાં અનાજ-પાણી અને જરૂરી સામાન ભરી લે છે.
પંદરમી સદી સુધી લામુ ટાપુ વેપારનું મોટું કેન્દ્ર બની ગયું હતું. સોળમી સદીમાં પોર્ટુગીઝ નાવિકો અહીં આવ્યા ત્યારે, અહીંના વેપારીઓને મોટો ઝભ્ભો પહેરતા અને માથે સિલ્કની પાઘડી બાંધતા જોયા. વળી, સ્ત્રીઓ હાથમાં સોનાની બંગડીઓ તથા પગમાં સોનાના કડા પહેરીને, સુગંધી અત્તર લગાવીને સાંકળી અને વાંકીચૂંકી ગલીઓમાં આમતેમ ફરતી નજરે પડતી. બંદરના એક ખૂણાથી બીજા ખૂણા સુધી માલથી ભરેલા જહાજો આવ-જાવ કરી રહેલા નજરે પડતા હતા. એ ઉપરાંત ગુલામોના ટોળેટોળાં જોવા મળતા. જેઓ એક-બીજા સાથે બાંધેલા હતા, અને રાહ જોતા હતા કે ક્યારે તેઓને લઈ જવામાં આવે.
પહેલી વાર યુરોપિયન લોકો લામુમાં આવ્યા ત્યારે, ત્યાંની સાફસફાઈની વ્યવસ્થા અને મકાનોની રચના જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા હતા. પરવાળા પથ્થરોની ખાણોમાંથી પથ્થર કાપીને સમુદ્ર કિનારે ઘરો બાંધવામાં આવ્યાં હતાં. આ ઘરોના એકદમ ભારે લાકડાના દરવાજામાં સુંદર રીતે કોતરકામ કરવામાં આવતું. અહીં ઘરોને આ રીતે એક હરોળમાં બાંધવામાં આવતા, જેથી સમુદ્રનો ઠંડો પવન વચ્ચેની સાંકળી ગલીઓમાંથી જઈ શકે અને લોકોને ધગધગતા તાપમાં રાહત મળે.
ધનવાનોના એકદમ મોટા મોટા ઘરો હતા અને બાથરૂમમાં નળીથી પાણી આવવાની વ્યવસ્થા હતી. તેમ જ સફાઈ વ્યવસ્થા એટલી આધુનિક હતી કે, મોટા ભાગના યુરોપિય દેશોમાં પણ એવું જોવા ન મળતું. મોટા પથ્થરના અને ઢોળાવવાળા નાળા બનાવવામાં આવ્યા હતા, જે ઘરનું ગંદું પાણી અને કચરાને સમુદ્રની પાસે બનેલા ઊંડા ખાડામાં લઈ જતું. આ ખાડાઓ ચોખ્ખા પાણીની ટાંકીઓથી એકદમ દૂર બનાવવામાં આવ્યા હતા. ઘરમાં ચોખ્ખા પાણી માટે પથ્થરની ટાંકીઓ બનાવીને એમાં નાની માછલી મૂકવામાં આવતી જેથી એ પાણીમાં મચ્છરના ઈંડા ખાઈ જાય. આમ મચ્છરો ઓછા થતા.
ઓગણીસમી સદી સુધીમાં તો લામુ ટાપુ વેપારીઓને મોટી પ્રમાણમાં હાથીદાંત, તેલ, બી, પશુઓનાં ચામડાં, કાચબાના કવચ, દરિયાઈ ઘોડાના દાંત અને ગુલામો પૂરા પાડતું હતું. પરંતુ, સમય જતા લામુની સમૃદ્ધિ પડી ભાંગી. દુશ્મનોનું આક્રમણ અને ગુલામો વેચવા પર પ્રતિબંધના કારણે લામુનો વેપારધંધો પડી ભાંગ્યો.
ઇતિહાસમાં ડોકિયું કરવું
લામુ બંદર પર જવાથી એમ લાગે કે આપણે ઇતિહાસમાં પહોંચી ગયા છીએ. હિંદ મહાસાગરના ભૂરા પાણી પર મંદ મંદ પવન વાય છે. આસમાની રંગનાં પાણીના મોજાં સફેદ રેતાળ કિનારાને અફળાય છે. જૂના જમાનાના જહાજોની જેમ દેખાતા કેટલાક જહાજ લામુ બંદર તરફ આવે છે. લહેરાતા એના ત્રિકોણ સફેદ સઢ પતંગિયાની પાંખો જેવાં દેખાય છે. આ માછલી, ફળ, નારિયેળ, ગાય, મરઘી અને યાત્રીઓથી ભરેલા જહાજ લામુ બંદર તરફ જઈ રહ્યાં છે.
બંદર પર ગરમ પવન ફૂંકાતો હોવાથી નાળિયેરીના પાન જહાજ પર કામ કરનારાઓને છાંયડો આપે છે. બજારમાં લેવડ-દેવડ કરનારાઓની ભીડમાં શોરબકોર થઈ રહ્યો છે. આ વેપારીઓ સોનું, હાથીદાંત, કે ગુલામો લેવા નથી આવ્યા. પરંતુ ફક્ત કેળા, નારિયેળ, માછલીઓ અને ટોપલી લેવા આવ્યા છે.
મોટા આંબાના છાંયડા હેઠળ પુરુષો સૂતરના દોરડાં વણતા અને સઢને ઠીકઠાક કરતા હોય છે, જેથી જહાજ સહેલાઈથી મુસાફરી કરી શકે. નાની ગલીઓ લોકોથી ખીચોખીચ ભરેલી હોય છે. એક બાજુ વેપારીઓ સફેદ લાંબો ઝભ્ભો પહેરીને દુકાનોમાં બૂમો પાડીને ગ્રાહકોની સાથે વાત કરતા હોય છે. બીજી બાજુ ગધેડાં માંડ માંડ અનાજની ગાડી ખેંચીને લોકોની વચ્ચેથી આગળ નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે. અહીં મોટરગાડીઓ ન હોવાથી લામુના રહેવાસીઓ ટાપુના એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જાય છે. ફક્ત જહાજથી જ આ ટાપુ પર પહોંચી શકાય છે.
બપોરે સૂરજ માથા પર આવે ત્યારે એમ લાગે કે સમય ત્યાં જ થંભી ગયો છે. ધગધગતા તાપમાં બહુ જ થોડા લોકો આવ-જાવ કરતા હોય છે, ગધેડાં પણ આંખો મીંચીને તાપ ઓછો થાય એની રાહ જોતા હોય છે.
સૂર્ય આથમવા લાગે તેમ ઠંડક થવા લાગે છે અને ફરીથી લોકો દેખાય છે. દુકાનદારો ફરીથી દુકાનના દરવાજાઓ ખોલીને વેપાર કરવા લાગે છે. તેઓ દીવાઓ સળગાવીને મોડી રાત સુધી પોતાનો ધંધો કરે છે. સ્ત્રીઓ પોતાના બાળકોને નવડાવીને કોપરેલથી માલીસ કરીને તેઓની ચામડી ચમકતી કરી દે છે. પછી તેઓ નારિયેળના ઝાડના પાંદડાથી બનાવેલી ચટાઈ પર બેસીને રસોઈ કરવા લાગે છે. આ ટાપુમાં લોકો આજે પણ ચૂલા પર રસોઈ કરીને સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. આ પકવાન માછલીથી બનેલા હોય છે. એને સ્વાદિષ્ટ બનાવવા માટે સુગંધી મસાલો નાખીને નારિયેળના પાણીમાં ભાત બનાવે છે. અહીંના લોકો આરામથી કામ કરતા હોય છે, તેમ જ મળતાવડા અને પરોણાગત બતાવનારા છે. અહીંના લોકોને શાંતિથી કામ કરવાનું ગમે છે.
જો કે લામુનો અગાઉનો ભપકો હવે નથી રહ્યો, પરંતુ ૨૦મી સદીની આફ્રિકાની સંસ્કૃતિ અહીં વધી રહી છે. ધગધગતા તાપમાં જીવન જેમ સદીઓથી ચાલતું આવ્યું છે એમ જ આજે પણ ચાલી રહ્યું છે. અહીં આપણે વીતેલા અને હાલના વર્ષોને એક સાથે જોઈ શકીએ છીએ. સાચે જ, લામુ વીતી ગયેલા દિવસોનું એક અનોખું અને સુંદર ટાપુ છે. હા, લામુ એવો ટાપુ છે જે સમય પસાર થવા છતાં ભૂલાયો નથી.
[પાન ૧૮, ૧૯ પર બોક્સ/ચિત્રો]
લામુની અમારી મુલાકાત
થોડાક દિવસ પહેલાં જ અમે લામુ ટાપુ પર ગયા હતા. જો કે ખરીદી કરવા નહિ પરંતુ આપણા ખ્રિસ્તી ભાઈબહેનોને મળવા માટે ગયા હતા. અમારું નાનું વિમાન કેન્યાના ઉત્તર પહાડો ઉપરથી સમુદ્રના કિનારા તરફ ઊડી રહ્યું હતું. નીચે, સમુદ્રના મોજાં ધીરે ધીરે કિનારાને અફળાતા હતાં. ભૂરો સમુદ્ર અને જંગલો વચ્ચે ચાંદીની જેમ ચમકતો રેતીનો પટ્ટો દેખાવા લાગ્યો. પછી અચાનક લામુ આરકીપેલેગો ટાપુઓ આસમાની પાણીમાં હીરાની માફક ચળકતા દેખાયા. આફ્રિકી ગરુડની જેમ અમારું વિમાન આકાશમાં ચક્કર મારીને કેન્યાના સમુદ્ર કિનારે હવાઈપટ્ટી પર ઉતર્યું. પછી અમે વિમાનની બહાર આવ્યા અને ત્યાંથી લામુ જઈ રહેલા જહાજમાં બેઠા.
આકાશમાં એક પણ વાદળું દેખાતું ન હતું. તેમ જ કુણો કુણો તડકો, મંદ મંદ પવન અને સુંદર દિવસ હતો. લામુ ટાપુ નજીક આવ્યો ત્યારે, બંદર પર ખૂબ જ ગીરદી દેખાવા લાગી. લોકો પોતાની પીઠ પર ભારે સામાન ઊંચકીને જહાજ પરથી ચઢ-ઊતર કરતા હતા. સ્ત્રીઓ પોતાના માથા પર સામાન લઈને આનંદથી ચાલતી હતી. અમે પણ અમારો સામાન ઉઠાવીને જહાજ પરથી ઉતરીને નાળિયેરીના છાંયડા નીચે ઊભા રહ્યા. આપણા ખ્રિસ્તી ભાઈબહેનોએ અમને શોધી કાઢ્યા અને દોડીને ભેટી પડ્યા. પછી અમને તેઓના ઘરે લઈ ગયા.
બીજા દિવસે સૂર્યોદય પહેલાં અમે તૈયાર થઈ ગયા, જેથી દરિયાકાંઠે ભાઈબહેનોને મળી શકાય. અમારે સભાઓમાં જવા માટે ઘણું દૂર ચાલીને જવાનું હતું. એથી અમે પણ બાકીના ભાઈબહેનો સાથે સમુદ્ર કિનારે જઈ પહોંચ્યા. સફર લાંબી હોવાથી અમે પૂરી તૈયારી કરી લીધી હતી. પીવાનું પાણી, મોટા મોટા ટોપા અને જોડાં સર્વ લઈને જહાજમાં બેસીને નીકળી પડ્યા ત્યારે સૂરજ ઊગતો દેખાયો.
અહીંના ભાઈબહેનો કંઈક નિરાળા હતા. તેઓ જહાજમાં બેસીને યાત્રાનો આનંદ માણવાને બદલે બીજા યાત્રીઓની સાથે બાઇબલ ચર્ચા કરવા લાગ્યા. અમે અનેક
લોકો સાથે બાઇબલની ચર્ચા કરી, અને સામયિકો પણ આપ્યાં. જહાજ પરથી ઉતર્યા પછી અમે કાચો રસ્તો પકડ્યો. સખત ગરમી લાગી રહી હતી. અમે સુમસામ જંગલ, ઝાડીઓમાંથી જઈ રહ્યા હતા ત્યારે, આપણા ભાઈઓએ કહ્યું કે, જરા ધ્યાન રાખજો, અહીં જંગલી પ્રાણીઓ પણ રહે છે, ઘણી વાર તો જંગલી હાથીની સામા થવું પડે છે. ભાઈઓ આનંદથી વાતો કરતા ચાલતા હતા અને અમારું મુકામ પાસે આવી રહ્યું હતું.ચાલતા ચાલતા અમે એક ગામમાં પહોંચ્યાં જ્યાં એક મંડળ હતું અને ત્યાં અમને બીજા ઘણા ભાઈ-બહેનો મળ્યા. તેઓ દૂર દૂરથી ચાલીને આવ્યા હતા. લોકો એટલા દૂર રહેતા હોવાથી એક જ દિવસમાં ચાર સભાઓ રાખવામાં આવતી.
જે ઓરડામાં સભા ચાલી રહી હતી એ પથ્થરથી બનેલી એક નાની શાળા હતી, એમાં ફક્ત બારી-દરવાજાના કેવળ ચોકઠાં જ જોવા મળતા હતા. અમે લગભગ ૧૫ લોકો સાંકળી બેન્ચો પર બેસી ગયા અને એ પછી એ ભવ્ય માહિતીવાળી ખ્રિસ્તી સભાનો પૂરો આનંદ માણ્યો. સર્વ લોકો કાર્યક્રમ સાંભળવામાં એટલા બધા વ્યસ્ત હતા કે પતરામાંથી આવતી ગરમીની તેઓને જરા પણ ચિંતા નહોતી. એકબીજાને મળીને બધા ખુશ હતા. ચાર કલાક પછી સભા પૂરી થઈ ત્યારે, સર્વએ એકબીજાને આવજો કર્યું અને પોતપોતાના ઘરે રવાના થયા. અમે અમારા ટાપુએ પાછા પહોંચ્યા ત્યારે, સાંજ પડી ગઈ હતી, અને સૂર્ય આથમી રહ્યો હતો.
એ સાંજે અમને એક કુટુંબે જમવા માટે બોલાવ્યા હતા. સાંજના ઠંડા વાતાવરણમાં તેઓ સાથે સાદો ખોરાક ખાવાની મઝા આવી. બીજા દિવસે અમે તેઓ સાથે પ્રચારમાં પણ ગયા, ત્યાંની સાંકળી અને વાંકીચૂકી ગલીઓમાં સત્યની ભૂખ અને તરસ ધરાવતા લોકો મળ્યા. સાચે જ લામુના આ થોડાક ભાઈઓનો ઉત્સાહ અને સાહસ જોઈને અમને હિંમત મળી.
છેવટે લામુના આ ભાઈઓને આવજો કહેવાનો સમય આવી પહોંચ્યો. ભાઈઓ અમને વળાવવા બંદર સુધી આવ્યા અને ભારે હૈયે આવજો કર્યું. તેઓની હિંમત વધારવા બદલ તેઓએ અમારો આભાર માન્યો. અમને પણ તેઓથી ઘણી હિંમત મળી હતી! પછી અમે વિમાનમાં બેસીને રવાના થયા. અમારું વિમાન ઉપર ચઢી રહ્યું હતું ત્યારે અમે નજર ફેરવીને નાનકડા સુંદર ટાપુને ફરીથી જોયો. અહીં રહેતા આપણા ભાઈબહેનોનો મજબૂત વિશ્વાસ, સભાઓમાં આવવા માટે અનેક કિલોમીટરની મુસાફરી અને સૌથી મહત્ત્વની વાત તો સત્ય માટે તેઓનો અત્યંત ઉત્સાહ અને ઊંડો પ્રેમ અમે વાગોળતા ગયા. આ એવી વાત છે જે ગીતશાસ્ત્ર ૯૭:૧માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી: “યહોવાહ રાજ કરે છે; પૃથ્વીના લોકો હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) નિઃશંક, આ છુટાછવાયા લામુ ટાપુ પર પણ, લોકોને દેવના રાજ્ય હેઠળ ભાવિ પારાદૈસની ભવ્ય આશામાં આનંદ કરવાનો મોકો આપવામાં આવ્યો છે.—સ્વેચ્છાથી આપેલો લેખ.
[નકશો/પાન ૧૭ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
આફ્રિકા
કેન્યા
લામુ
[પાન ૧૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Alice Garrard
[પાન ૧૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Alice Garrard