લોહી વિનાની દવા અને સર્જરીની માંગ વધી રહી છે
લોહી વિનાની દવા અને સર્જરીની માંગ વધી રહી છે
“લોહીનો ઉપયોગ કરનારા અને સર્જરી માટે આવતા દર્દીની દેખરેખ કરનારા ડૉક્ટરોએ લોહી વિનાની સર્જરી વિષે વિચારવું જોઈએ.”—ડૉ. યોઆકીમ બોલ્ટ, એનેસ્થીસિઓલૉજી પ્રોફેસર, લુટવિગ્જહાફેન, જર્મની
એઈડ્સના રોગે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોને મહા મુસીબતમાં મૂકી દીધા છે. તેથી, તેઓ વધારેને વધારે સાવચેત રહે છે કે, ઑપરેશન થીયેટર સલામત જગ્યા બની રહે. હવે લોહીની વધુ પડતી તપાસ કરવામાં આવે છે. છતાં નિષ્ણાતો કહે છે કે, લોહીની આપ-લેથી ફેલાતી બીમારીને રોકવા આ પ્રયત્નો પૂરતા નથી. ટ્રાન્સફ્યુઝન મેગેઝીન કહે છે: “લોહીને પૂરેપૂરી રીતે જોખમથી મુક્ત કરવા માટે આપણે ભલેને ગમે તેટલા પ્રયત્નો કરીએ, છતાં એ નિષ્ફળ જાય છે. એથી અમને લાગે છે કે લોકો લોહી લેવાનું બંધ કરશે, કેમ કે બીમારીથી
એને તદ્દન સલામત રાખવાની કોઈ ગેરંટી નથી.”તેથી, આજે અનેક ડૉક્ટરો કોઈ વ્યક્તિને લોહી ચઢાવતા પહેલા બે વાર વિચારે, એમાં કંઈ આશ્ચર્ય નથી. સાન ફ્રાંસિસ્કો, કેલિફોર્નિયાના ડૉ. એલેક્ષ ઝાપોલાનશકી કહે છે: “લોહીની આપ-લે કરવાથી કોઈ લાભ નથી, એટલે તો અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈએ લોહી ન લેવું પડે.”
આજે લોકો પણ લોહીની આપ-લેના જોખમો વિષે સાવધ થતા જાય છે. વર્ષ ૧૯૯૬માં, કૅનેડામાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે ૮૯ ટકા લોકોએ કહ્યું કે, લોહીના બદલે કોઈક બીજો ઇલાજ હોય તો તેઓને બહુ જ ગમશે. જરનલ ઑફ વેસ્ક્યુલર સર્જરી કહે છે: “બધા જ દરદીઓ યહોવાહના સાક્ષીઓની જેમ લોહી લેવાની મનાઈ કરતા નથી. છતાં, લોહી લેવાથી જાતજાતની બીમારીઓ થવાનું જોખમ રહેલું છે, અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જઈ શકે છે. તેથી આપણે સર્વ દરદીઓ માટે કોઈ ઇલાજ શોધવો જ પડશે.”
મનગમતો ઇલાજ
જો કે આજે આપણે આભારી છીએ કે, લોહી વિના સર્જરી થઈ શકે છે અને દવાઓ પણ છે. દરદીઓ ન છૂટકે એ સ્વીકારતા નથી પણ એને પોતાના મનગમતા ઇલાજ તરીકે પસંદ કરે છે અને એનું સારું કારણ પણ છે. સ્ટીવન જેફરી પોલાર્ડ બ્રિટિશ સલાહકાર સર્જન કહે છે કે, જેઓનું લોહી વિના ઑપરેશન કરવામાં આવે છે, અને “જેઓ લોહી લે છે તેઓમાં બીમાર પડવાનું જોખમ એટલું જ રહે છે. પરંતુ, જેઓ લોહી નથી લેતા તેઓ ઑપરેશન પછીની સમસ્યાઓ અને આડ અસરોમાંથી બચી જાય છે.”
લોહીની આપ-લે વિના થતી સર્જરી કઈ રીતે શરૂ થઈ? એક રીતે આ પ્રશ્ન જરા વિચિત્ર છે, કારણ કે લોહી વિનાની દવા તો લોહીનો ઉપયોગ થવા લાગ્યો એનાથી પણ જૂની છે. ખરું જોતા, લોહીની આપ-લે કરવાની રીતની પ્રગતિ તો વીસમી સદીની શરૂઆતમાં જ થઈ છે. તોપણ, છેલ્લા વીસ-ત્રીસ વર્ષોમાં લોહી વિના થતી સર્જરી લોકપ્રિય થઈ ગઈ છે. દાખલા તરીકે, સાઠના દાયકામાં
સર્જન ડેન્ટન કુલીએ પહેલી વાર લોહીની આપ-લે વિના હૃદયની સર્જરી કરી હતી.સિત્તેરના દાયકામાં લોહી લેવાથી ઘણા લોકોને હેપટાઇટિસનો ચેપ લાગતો હતો. એથી ઘણા ડૉક્ટરોએ લોહીને બદલે બીજું કંઈક શોધવાનું શરૂ કર્યું. આમ, એંશીનો દાયકો આવ્યો ત્યાં સુધીમાં અનેક ડૉક્ટરો લોહી વિના ઓપરેશનો કરવા લાગ્યા. પછી એઈડ્સના કારણે જેમ હાહાકાર મચવા લાગ્યો તેમ, બીજા ડૉક્ટરો પણ આ અનુભવી સર્જનો પાસેથી શીખવા લાગ્યા. નેવુંના દાયકામાં ઘણી હૉસ્પિટલોમાં દરદીને લોહીની આપ-લે વિના થતી સર્જરીની પસંદગી મળવા લાગી.
લોહીની આપ-લે વિના થતી સર્જરી એટલી સફળ થઈ હોવાથી હવે ડૉક્ટરો દરેક પ્રકારના ઑપરેશનોમાં પહેલાંની જેમ લોહીનો ઉપયોગ નથી કરતા. કૅનેડિયન જરનલ ઑફ ઍનેસ્થીશીયામાં ડી. એચ. ડબ્લ્યુ. વોન કહે છે: “હૃદય, રક્તવાહિની, સ્ત્રીને કે પ્રસૂતિને લગતા, ઑર્થોપેડિક કે મૂત્રાશયને લગતા મોટા ઑપરેશનો લોહી વિના સારી રીતે કરવામાં આવે છે.”
લોહીની આપ-લે વિના સર્જરી કરવાનો ઘણો ફાયદો છે કારણ કે એનાથી દરદીને સૌથી સારી સારવાર મળે છે. ક્લીવલૅન્ડ, ઓહાયોમાં ડૉ. બેન્જામીન જે. રેઈકસ્ટેન કહે છે કે, “આ રીતે ઑપરેશન કરવા અનુભવી સર્જન હોવો જોઈએ. જેથી ઓછામાં ઓછા લોહીનો બગાડ થાય.” દક્ષિણ આફ્રિકાનું કાયદા વિશેનું મેગેઝીન કહે છે કે, લોહી વિના સર્જરીમાં ઘણી વાર “ઓછો સમય લાગે છે, ચોખ્ખું કામ થાય છે, અને ઓછો ખર્ચ થાય છે. તેથી, ઑપરેશન પછી દરદીની સારવાર સસ્તી પડે છે અને ઓછો સમય માગે છે.” આ કારણથી આજે આખી દુનિયામાં ૧૮૦ કરતાં વધારે હૉસ્પિટલો છે જ્યાં લોહીની આપ-લે વિના સર્જરી અને સારવાર કરવામાં આવે છે.
લોહી વિષે યહોવાહના સાક્ષીઓ શું માને છે?
યહોવાહના સાક્ષીઓ બાઇબલમાં આપવામાં આવેલા નિયમને કારણે લોહીની આપ-લે કરતા નથી. * પરંતુ, તેઓ લોહીને બદલે સૌથી સારી દવાઓ લે છે, અને લેવા તૈયાર છે. એક વખતના ન્યૂ યૉર્ક હૉસ્પિટલના ડાયરેક્ટર, ડૉ. રીચર્ડ કે. સ્પેન્સ કહે છે: “યહોવાહના સાક્ષીઓ સૌથી સારી સારવાર મેળવવા ખૂબ જ મહેનત કરે છે. સારવાર વિષે તેઓ જેવી માહિતી ધરાવનાર લોકો સર્જનને મળશે નહિ.”
યહોવાહના સાક્ષીઓ પર લોહીની આપ-લે વિના સર્જરી કરવામાં ડૉક્ટરો હવે એક્સપર્ટ થઈ ગયા છે. હૃદયના સર્જન ડેન્ટન કુલીના અનુભવનો વિચાર કરો. તેમની ટીમે ૨૭ વર્ષમાં, લોહીની આપ-લે વિના ૬૬૩ યહોવાહના સાક્ષીઓના હૃદયની સર્જરી કરી છે. એ બતાવી આપે છે કે, હૃદયના ઑપરેશનો પણ લોહીની આપ-લે વિના થઈ શકે છે.
એ ખરૂં છે કે, યહોવાહના સાક્ષીઓ લોહીની આપ-લે કરતા નથી. તેથી, ઘણા લોકો તેઓની વિરુદ્ધ બોલે છે. પરંતુ, બીજી બાજુ ગ્રેટ બ્રિટન અને આયર્લૅંન્ડના ઍનેસ્થેટિસ્ટોએ લખેલા એક પુસ્તકમાં યહોવાહના સાક્ષીઓની માન્યતા વિષે કહ્યું કે, તેઓ સાચે જ “જીવનની કદર કરે છે.” સાચું કહીએ તો, લોહીની આપ-લે વિના થતી સર્જરી અને દવાની શોધ પાછળ મુખ્ય કારણ યહોવાહના સાક્ષીઓની માન્યતા છે, જેનાથી હવે સર્વને લાભ થાય છે. નૉર્વેની નૅશનલ હૉસ્પિટલના પ્રોફેસર સ્ટેન એ. ઈવનસન કહે છે કે, “ઓપરેશનની જરૂર હતી એવા નૉર્વેના યહોવાહના સાક્ષીઓને કારણે નૉર્વેજીયન આરોગ્ય સેવા પર ઘણું દબાણ આવ્યું, જેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો.”
ડૉક્ટરો લોહી વિના સારવાર કરી શકે એ માટે યહોવાહના સાક્ષીઓએ હૉસ્પિટલ સાથે સંપર્ક સાધવા સમિતિ રચી. જગતવ્યાપી આજે ૧,૪૦૦ હૉસ્પિટલ લિએઝન સમિતિઓ છે. ડૉક્ટરોને અને આ ક્ષેત્રમાં કામ કરનારાને લોહીની આપ-લે વિના સર્જરી અને દવાની માહિતી આપવા માટે તેઓએ કૉમ્પ્યુટર પર ૩,૦૦૦થી વધારે લેખ તૈયાર કર્યા છે. આ સમિતિ વિષે બોસ્ટોન કૉલેજ લૉ સ્કૂલના પ્રોફેસર ડૉ. ચાર્લ્સ બેરન કહે છે: “હૉસ્પિટલ લિએઝન સમિતિઓને કારણે આજે ફક્ત યહોવાહના સાક્ષીઓને જ નહિ, પરંતુ સામાન્ય રીતે કોઈને પણ હવે જલદી લોહી આપવામાં નહિ આવે.” *
યહોવાહના સાક્ષીઓએ લોહીની આપ-લે વિના થતી સર્જરી અને સારવાર વિષે ભેગી કરેલી માહિતીને કારણે અનેક ડૉક્ટરોને એનાથી ફાયદો થયો છે. દાખલા તરીકે, ઑટોટ્રાંસ્ફ્યુઝન: થેરાપ્યુટિક પ્રિન્સિપલ્સ ઍન્ડ ટ્રેન્ડ્સ પુસ્તક લખતી વખતે, લેખકોએ યહોવાહના સાક્ષીઓ પાસેથી લોહીની આપ-લે વિના થતી સર્જરી અને સારવાર વિષે માહિતી માંગી. તેઓએ ખુશીથી માહિતી પૂરી પાડી. આ લેખકોએ આભાર માનતા જણાવ્યું: “આ વિષય પર અમે હમણાં સુધી જેટલું વાંચ્યું હતું, એમાં આટલી સાદી અને સ્પષ્ટ માહિતી નથી જોઈ, જેમાં જણાવાયું હોય કે કઈ રીતે લોહીની આપ-લે ટાળી શકાય.”
આજે મેડિકલ ક્ષેત્રમાં એટલી પ્રગતિ થઈ છે, કે ઘણા લોકો લોહીની આપ-લે વિના થતી સારવાર શોધી રહ્યા છે. પરંતુ, આ બધું આપણને ક્યાં દોરી જશે? એઈડ્સ વાઈરસની શોધ કરનાર પ્રોફેસર લુક મૉન્ટાન્યે કહે છે: “આપણી આંખો પરથી પડદો ઊઠી રહ્યો છે, હવે એવું લાગે છે કે જલદી જ એવો સમય આવશે, જ્યારે લોહીની આપ-લે સાવ બંધ થઈ ગઈ હશે.” જો કે આજે લોહીની આપ-લે વિના થતી સર્જરી અને દવાથી લોકોનાં જીવન બચી રહ્યાં છે.
[ફુટનોટ્સ]
^ હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરો હૉસ્પિટલ લિએઝન સમિતિને આમંત્રણ આપે તો, તેઓ આવીને તમને એના વિષે વધારે માહિતી આપી શકે છે. તેમ જ, કોઈ દરદી સારવાર માટે પોતાના ડૉક્ટર સાથે વાતચીત કરવા તેઓની મદદ માંગે તો, તેઓ ખુશીથી મદદ આપવા તૈયાર છે.
[પાન ૭ પર બોક્સ/ચિત્રો]
કેટલાક ડૉક્ટરો શું કહે છે
‘લોહીની આપ-લે વિનાની સર્જરી ફક્ત યહોવાહના સાક્ષીઓ માટે જ નથી, પરંતુ દરેક માટે છે. મને લાગે છે કે બધા જ ડૉક્ટરોએ આ રીતે સારવાર આપવી જોઈએ.’—ડૉ. યોઆકીમ બોલ્ટ, લુટવિગ્જહાફેન, જર્મનીમાં એનેસ્થીસિઓલૉજીના પ્રોફેસર.
“લોહીની આપ-લેમાં પહેલાનાં કરતાં ઘણા સુધારા થયા છે. છતાં, હજુ ઘણા જોખમ રહેલા છે, જેમ કે રોગ પ્રતિકારક શક્તિને હાનિ પહોંચી શકે, હેપટાઈટિસ થઈ શકે, અથવા જાતીયતાથી પસાર કરેલા રોગનો ચેપ લાગી શકે છે.”—ડૉ. ટેરેન્સ જે. સાકી, મેડિસિનના આસિસ્ટંટ પ્રોફેસર.
“મોટા ભાગના ડૉક્ટરો મોકો મળતા જ લોહી આપવા લાગે છે. પરંતુ હું એમ નથી કરતો.”—ડૉ. એલેક્ષ જાપોલેન્સ્કી, સાન ફ્રાંસિસ્કો હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર.
“મને નથી લાગતું કે, સામાન્ય ઑપરેશનમાં પણ દરદીને લોહી આપવું જોઈએ.”—ડૉ. યોહાનેસ શેલા, જર્મનીમાં જેના શહેરના સર્જરીના પ્રોફેસર.
[ચિત્રો]
ડૉ. ટેરેન્સ જે. સાકી
ડૉ. યોઆકીમ બોલ્ટ