સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું અંગ વીંધવામાં કંઈ ખોટું છે?

શું અંગ વીંધવામાં કંઈ ખોટું છે?

યુવાનો પૂછે છે . . .

શું અંગ વીંધવામાં કંઈ ખોટું છે?

‘મેં પહેલી વાર કોઈના હોઠ અને બીજા અંગો વીંધેલા જોયા ત્યારે, મને થયું કે, “વાહ, આ તો કંઈક નવીન વાત છે!” ’—લીસા.

ફક્ત લીસા એકલી નથી. દરરોજ એવા યુવાનિયાઓ વધતા જાય છે જેઓ અંગ વીંધાવીને વાળી કે અન્ય ઘરેણાં પહેરે છે. તેઓ ફક્ત નાક જ નહિ, પરંતુ ભમર, જીભ, હોઠ અને અરે નાભિ પણ વીંધાવે છે. *

સોળ વર્ષની હેધર પર પણ આ નવી ફૅશનની ધૂન સવાર થઈ છે. તે વિચારે છે કે નાભિમાં વાળી પહેરીએ તો “કેટલું સુંદર” લાગે છે. ઓગણીસ વર્ષના જૉએ પોતાની જીભ વીંધાવીને સોનાની બુટ્ટી પહેરી છે. બીજી એક છોકરીએ પોતાની ભમર વીંધાવીને કડી લગાવી છે, જેથી “લોકોની નજર એના પર પડે અને લોકો તેને જોયા જ કરે.”

ખરું કે, ઘરેણાં પહેરવાનો રિવાજ સદીઓ જૂનો છે. બાઇબલ જણાવે છે કે, રીબેકાએ સોનાની વાળી પહેરી હતી. (ઉત્પત્તિ ૨૪:૨૨, ૪૭) બાઇબલ એ પણ જણાવે છે કે ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે, તેઓના કાનોમાં કુંડળો હતા. (નિર્ગમન ૩૨:૨) પરંતુ, આપણને એની ખબર નથી કે આ ઘરેણાં પહેરવા માટે તેઓએ નાક કે કાન વીંધવા પડ્યા હશે કે નહિ? બાઇબલ એ જણાવે છે કે, જે દાસ પોતાના શેઠને છોડવા ઇચ્છતો ન હતો, તેના કાન વીંધવામાં આવતા હતા. (નિર્ગમન ૨૧:૬) કેટલીક પ્રાચીન સંસ્કૃતિમાં પણ અંગ વીંધવું લોકપ્રિય હતું. દાખલા તરીકે, એઝટેક અને માયા સંસ્કૃતિમાં લોકો તેઓના ધર્મના કારણે જીભ વીંધાવતા. જો કે આજે પણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં હોઠ વીંધાવવો લોકપ્રિય છે. તેમ જ ભારત અને પાકિસ્તાનમાં તથા ઑસ્ટ્રેલિયાની આસપાસના અમુક ટાપુઓમાં નથણી પહેરવી સામાન્ય છે.

પરંતુ, પશ્ચિમમાં થોડો સમય પહેલાં ફક્ત સ્ત્રીઓ કાન જ વીંધાવતી હતી. આજે નાના મોટા સ્ત્રી-પુરુષો મન ફાવે એમ અંગ વીંધાવીને ઘરેણા પહેરવા લાગ્યા છે.

તેઓ શા માટે એમ કરે છે?

કેટલાક એને એક નવી ફૅશન માનીને પોતાના અંગ વીંધાવે છે. અમુક વિચારે છે કે, એનાથી તેઓ સુંદર દેખાશે. વળી, કેટલાક પ્રખ્યાત કલાકારો, રમતવીરો કે સંગીત કલાકારોની નકલ કરીને એમ કરે છે. અમુક એવા પણ છે જેઓ દુનિયાથી ભિન્‍ન દેખાવા એમ કરે છે. જોન લીઓ લેખક જણાવે છે: “ઘણા યુવાનો પોતાના માબાપને ચીડવવા અને લોકોને આઘાત પમાડવા તેઓનાં શરીર વીંધાવે છે. મોટે ભાગે એ કારણે જ તેઓ આ ફૅશનને અપનાવી રહ્યા છે.” તેમ જ, ગુસ્સો, અસંતોષ વ્યક્ત કરવા, રિવાજ અને નિયમો તોડવા, પોતે સમાજની વિરુદ્ધ છે, એમ બતાવવા ઘણા એમ કરે છે.

વળી, કેટલાક યુવાનો પોતાનું શરીર વીંધાવીને સંતોષ માણે છે. દાખલા તરીકે, કેટલાક યુવાનો માને છે કે, એમ કરવાથી તેઓનું સ્વમાન વધશે. વળી, નાનપણમાં કેટલાક સાથે અત્યાચાર થયો હોવાથી તેઓ હવે બતાવવા ચાહે છે કે, તેઓના શરીર પર પોતાનો હક્ક છે.

શરીરને નુકસાન

શું આ રીતે શરીર વીંધાવવામાં કંઈ જોખમ રહેલું છે? ઘણા ડૉક્ટરનું કહેવું છે કે, ‘કેટલાક કિસ્સાઓમાં એ ખતરનાક સાબિત થઈ શકે છે.’ તમે પોતે જ તમારું અંગ વીંધવા બેસી જાવ તો, એ મોતને આમંત્રણ આપવા બરાબર થઈ શકે. તમે કહેવાતા ‘પ્રોફેશનલ’ પાસે જાવ તો પણ જોખમ રહેલું છે. એનું કારણ એ કે તેઓ કદાચ તેઓના મિત્રો પાસેથી, મેગેઝીનમાંથી અથવા વિડીયો જોઈને ધંધાદારી બની ગયા હોય શકે. તેથી, તેઓને એની ચોખ્ખાઈ કે શરીર વીંધવાના જોખમ વિષે કંઈ જ ખબર હોતી નથી. ઘણા કહેવાતા ‘પ્રોફેશનલ’ લોકોને તો શરીરની રચના વિષે કક્કોય આવડતો નથી હોતો. ખોટી જગ્યાએ કાણું પાડી દે કે ભૂલથી કોઈ નસમાં જ કાણું પાડી દે તો એનાથી તમને જોખમમાં મૂકી શકે.

બીજું કે એમાં ઇન્ફેક્શન થવાનો ભય રહેલો છે. જંતુઓથી મુક્ત સાધનનો ઉપયોગ કરવામાં ન આવે તો, હેપટાઈટિસ, એઈડ્‌સ, ટીબી અને ધનુર્વા જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. જંતુરહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે તોપણ, વીંધાવ્યા પછી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે નાભિ વીંધાવવામાં આવે તો, એના ઘાને વારંવાર કપડાં અડશે જેનાથી એને રૂઝ આવતા આઠ-નવ મહિના લાગી શકે.

ડૉક્ટરો કહે છે કે, કાન કરતાં નાક વીંધાવવું વધારે જોખમકારક છે. અમેરિકન અકાડમી ઑફ ફેશીયલ પ્લાસ્ટિક ઍન્ડ રિકન્સટ્રક્ટિવ સર્જરીના પત્રમાં આમ કહે છે: “ખાસ કરીને કાનના ઉપરના ભાગમાં અનેક બુટ્ટી પહેરવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જેમ કે ઈન્ફેક્શન એટલું વધી શકે કે કાનનો આખો ઉપરનો ભાગ નકામો બની શકે. નાકની નથણીથી પણ ઘણો ભય રહે છે, કારણ કે એનાથી આજુબાજુની નસોમાં ઈન્ફેક્શન લાગી શકે છે, અને એ મગજ સુધી ફેલાઈ શકે છે. એથી સૌથી સારું એ છે કે કાનની બુટ્ટી સિવાય શરીરના અન્ય કોઈ પણ અંગ વીંધાવવા ન જોઈએ.”

વીંધવામાં આવેલી જગ્યાએ કદરૂપું ચાઠું પડી શકે અને આ અંગોમાં ઘરેણાં પહેરવાથી એલર્જી પણ થઈ શકે છે. જો સ્તન કે એવા નાજુક અંગોમાં કડી પહેરવામાં આવે તો એમાં કપડા ભરાવવાથી ઘણું નુકશાન પહોંચી શકે છે. છોકરીના સ્તન પર નુકશાન પહોંચી શકે અને જો જલદી દવા ન કરાવે તો, સમય જતાં તે છોકરી બાળકને ધવરાવી નહિ શકે.

તાજેતરમાં જ અમેરિકનમાં દાંતના ડૉક્ટરોએ જણાવ્યું કે મોઢાના કોઈ પણ ભાગ વીંધાવવાથી જોખમ રહેલું છે. દાખલા તરીકે, મોઢાનો કોઈ પણ ભાગ વીંધવામાં આવે તો ઘરેણું ગળી જવાનું, શ્વાસ રૂંધાવાનું, ખાતી વખતે અતરાઈ જવાનું અને શ્વાસ લેવાનું પણ જોખમ ઊભું થઈ શકે. આમ જીભ નકામી બની શકે અને મોઢામાં લાળ આવ્યા કરે, મોઢામાં ઘાને કારણે લોહી વહ્યા કરે અને બોલવામાં તકલીફ પડી શકે. એ ઉપરાંત મોઢાના ઘરેણાંથી દાંતને નુક્શાન પહોંચી શકે છે. કેંદ્રા નામની એક છોકરીએ પોતાની જીભ વીંધાવી ત્યારે, તેની જીભ “ફૂગ્ગાની જેમ ફૂલી ગઈ.” એ ઉપરાંત વીંધનારે દાઢીમાં લગાવવાની બુટ્ટી જીભમાં લગાવી હોવાથી કેંદ્રાની જીભ કપાઈ, અને તે મૂંગી થઈ જવાની હતી.

પરમેશ્વર યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ આપીને શીખવ્યું હતું કે, તમારા શરીરની કાળજી રાખજો અને એને જરા પણ નુકશાન ન પહોંચાડશો. (લેવીય ૧૯:૨૮; ૨૧:૫; પુનર્નિયમ ૧૪:૧) જો કે આજે ખ્રિસ્તીઓ મુસાના નિયમ હેઠળ તો નથી. પરંતુ, આજે પણ પરમેશ્વર ઇચ્છે છે કે આપણે આપણા શરીરની કાળજી રાખીએ. (રૂમી ૧૨:૧) તેથી, આપણે જાણીજોઈને પોતાના પગ પર કુહાડો મારવાનો બદલે, ખોટાં જોખમથી દૂર રહીએ. છતાં, શરીર વીંધવાથી થતા રોગ સિવાય બીજી ઘણી બાબતોનો વિચાર કરવો જોઈએ.

લોકો પર આપણી શું છાપ પડશે?

શરીર વીંધાવવા વિષે બાઇબલમાં કોઈ સ્પષ્ટ નિયમ આપવામાં આવ્યો નથી. પરંતુ આપણને ઉત્તેજન આપવામાં આવે છે કે આપણે “મર્યાદા તથા ગાંભીર્ય રાખીને” રહીએ. (૧ તીમોથી ૨:૯) ઘણા દેશોમાં નાક-કાન વીંધાવવા સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, તમે રહો છો ત્યાં લોકો એને કઈ રીતે જુએ છે? દાખલા તરીકે, કદાચ કોઈ દેશમાં સ્ત્રીઓ કાન વીંધાવે એ સામાન્ય હોય, પરંતુ બીજા દેશમાં એ સામાન્ય ન પણ હોય.

પશ્ચિમ દેશોમાં ઘણા કલાકારો નાક-કાન વીંધાવે છે. પરંતુ સામાન્ય લોકો એને ગાંડપણ સમજે છે. લોકોને કોઈ એવી વ્યક્તિ જોવા મળે તો તેઓ એમ જ વિચારે છે કે આ માણસ કદાચ જેલમાં જઈ આવ્યો હશે, મોટરસાયકલ ગેંગનો, પંક રોકનો, કે સજાતીય સંબંધ ધરાવતા પંથનો હશે. એનું કારણ એ છે કે, મોટા ભાગે એવા લોકો નાક-કાન વીંધાવતા હોય છે. ઘણાને આવા લોકો જોઈને એવું થઈ આવે છે કે, તેઓ નફ્ફટ લોકો છે. ખ્રિસ્તી છોકરી એશલી કહે છે કે, “મારા વર્ગમાંનો એક છોકરો નાકમાં વાળી પહેરતો હોવાથી, પોતાને હીરો સમજતો હતો. તેને જોઈને જ મને તો નફરત આવતી હતી!”

પ્રખ્યાત અમેરિકાના એક સ્ટોરમાં એવો નિયમ છે કે, ગ્રાહકો સાથે લેવડદેવડ કરતા કર્મચારીઓ ફક્ત કાનમાં જ બુટ્ટી પહેરી શકે. જો અન્ય કોઈ અંગ વીંધ્યા હોય તો તે કામ ન કરી શકે. કંપનીની વક્તા કહે છે: “કંપનીની આબરૂનો સવાલ છે, એમ નહિ કરીએ તો કોને ખબર કે અમારા ગ્રાહકો અમારા વિષે શું વિચારશે.” ધંધાનો સલાહકાર નોકરી શોધી રહેલા કૉલેજના વિદ્યાર્થીઓને એવી જ સલાહ આપે છે કે, “છોકરીઓને પણ કાનની બુટ્ટી કે શરીરના કોઈ ભાગમાં વીંધીને કંઈ ન પહેરવું જોઈએ, નાકમાં નથણી પણ નહિ.” છોકરાઓને તો એવું કંઈ હોવું ન જોઈએ.

એના વિષે ખ્રિસ્તી યુવાનોને ખાસ સાવધ રહેવું જોઈએ. જેથી બીજાઓ પર પોતાના વિષે સારી છાપ પડે, ખાસ કરીને પ્રચારકાર્યમાં. ‘તેઓની સેવાનો દોષ કાઢવામાં ન આવે માટે, તેઓ કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપે નહિ.’ (૨ કોરીંથી ૬:૩, ૪) આના વિષે તમારો વિચાર ભલેને ગમે એ હોય, પરંતુ, યાદ રાખો કે તમારા દેખાવથી બીજાઓ તમારા વિષે ઘણું જણી શકે છે. આના વિષે તમારું શું માનવું છે?

આના વિષે ફક્ત તમે અને તમારા માબાપ જ નિર્ણય લઈ શકે. પરંતુ બાઇબલની સલાહ એ છે કે “આ જગતનું રૂપ તમે ન ધરો.” (રૂમી ૧૨:૨) એનું કારણ કે, એનું પરિણામ છેવટે તમારે જ ભોગવવું પડશે.

[ફુટનોટ]

^ અહીં એવા લોકોની વાત નથી થતી, જેઓના દેશમાં કાનમાં બુટ્ટી અને નાકમાં નથણી પહેરવી સામાન્ય ગણાય છે, અને એને ખોટું ગણવામાં નથી આવતું. પરંતુ, અમે નવી ફૅશનની વાત કરી રહ્યા છીએ, જેની પાછળ ગાંડા થઈને આજના યુવાનિયાઓને અંગો વીંધાવવાની ધૂન ચડી છે.—ચોકીબુરજ (અંગ્રેજી) મે ૧૫, ૧૯૭૪, પાન ૩૧૮-૧૯ જુઓ.

[પાન ૧૪ પર ચિત્રો]

આજકાલના યુવાનિયાઓમાં શરીર વીંધાવવાની નવી ફેશન