સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુંવારા બાપ શું એ મરદાનગીની નિશાની છે?

કુંવારા બાપ શું એ મરદાનગીની નિશાની છે?

યુવાનો પૂછે છે . . .

કુંવારા બાપ શું એ મરદાનગીની નિશાની છે?

“હું એવા કેટલાય [છોકરાઓ]ને ઓળખું છું જેઓ કહે છે કે ‘ફલાણી જગ્યાએ મારો દીકરો કે દીકરી ઊછરી રહ્યા છે.’ એવું લાગે છે જાણે તેઓને પોતાના બાળકો વિષે જરાય પડી નથી.”—હેરાલ્ડ.

યુનાઈટેડ સ્ટેટ્‌સમાં દર વર્ષે દસ લાખ છોકરીઓ નાની ઉંમરે જ ગર્ભવતી થાય છે અને એમાંની મોટા ભાગની ગેરકાયદેસર બાળકોને જન્મ આપે છે. એમાંથી ચારમાંથી એક છોકરી પછીના બે વર્ષોમાં ફરીથી ગેરકાયદેસર બાળકની મા બની જશે. ​ઍટલૅંટિક મંથલી સામયિક જણાવે છે: “આમ જ ચાલશે તો અમેરિકામાં હાલમાં જન્મનાર અડધા કરતાં વધારે બાળકો, માબાપ વગર જ મોટા થશે અથવા મોટે ભાગે માતાએ જ તેઓનું પાલનપોષણ કરવું પડશે.”

નાની ઉંમરે ગર્ભવતી થનારી છોકરીઓની સંખ્યા યુનાઈટેડ સ્ટેટ્‌સમાં પુષ્કળ છે, પરંતુ ગેરકાયદેસર બાળકોનો જન્મ, જગતના સર્વ દેશોની સમસ્યા છે. ઇંગ્લૅંન્ડ અને ફ્રાંસમાં પણ યુનાઈટેડ સ્ટેટ્‌સ જેટલા જ ગેરકાયદેસર બાળકો જન્મે છે. ઉપરાંત આફ્રિકા અને લૅટિન અમેરિકાના કેટલાક દેશોમાં નાની ઉંમરે બાળકોને જન્મ આપનાર છોકરીઓની સંખ્યા યુનાઈટેડ સ્ટેટ્‌સ કરતાં બમણી છે. આ સમસ્યા શા માટે આટલી બધી વધી રહી છે? છેવટે આ આગમાં કોણ ઘી હોમી રહ્યું છે?

સમસ્યાનું મૂળ

આ સમસ્યાઓનું સૌથી મુખ્ય કારણ એ છે કે આજે આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ અને લોકોનું નૈતિક ધોરણ નીચું જઈ રહ્યું છે. (૨ તીમોથી ૩:૧-૫) તાજેતરના કેટલાક વર્ષોમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોને લગ્‍નની જવાબદારીઓ ઊઠાવવાને બદલે અયોગ્ય સંબંધ રાખવાનું વધારે ગમે છે. સજાતીય સંબંધોને જીવવાની એક નવી ઢબ તરીકે ગણવામાં આવે છે. બીજી તર્ફે, આજના યુવાનિયાઓ માટે રાતદિવસ બીભત્સ સંગીત અને વિડીયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. સામયિકોમાં ગંદા લેખો અને જાહેરાતો બતાવવામાં આવે છે. હાલમાં ટીવી પર એવા કાર્યક્રમો અને ફિલ્મો બતાવવામાં આવે છે જેમાં ગેરકાયદે સંબંધોને સામાન્ય ગણવામાં આવે છે. એ ઉપરાંત ચોતરફ ગર્ભપાત કરાવવાની સગવડો અને ગર્ભ રોકવાની રીતોના પૂરથી યુવાનિયાઓને લાગે છે કે ગેરકાયદે સંબંધ રાખવાથી શું થઈ જવાનું છે? ગેરકાયદે બાળક ધરાવનાર એક કુંવારો પિતા કહે છે: “મારે જાતીયતા જોઈએ છે, જવાબદારી નહિ.” બીજા એકે કહ્યું “જાતીયતા તો એક મસ્ત મઝાની રમત છે.”

આવું વલણ ખાસ કરીને ગરીબ યુવાનિયાઓમાં જોવા મળે છે. સંશોધક એલોઈઝા એન્ડર્સને શહેરના કેટલાક યુવાનોના ઇન્ટર્વ્યૂં લીધા પછી જણાવ્યું: “ઘણા યુવાનોનું માનવું છે કે એક છોકરો જેટલી વધારે છોકરીઓ સાથે સંબંધ રાખે એટલું જ વધારે તે પોતાના વિસ્તારમાં માન કમાય છે.” આ યુવાનોમાંથી એક યુવાને સજાગ બનો!ને જણાવ્યું કે, છોકરાઓમાં એની હરીફાઈ થાય છે, છોકરીઓ સાથે સંબંધ ધરાવવાથી “પોતે જાણે ઇનામ જીતી ગયો હોય એમ તેને લાગે છે.” પરંતુ આ યુવાનિયાઓ શા માટે આવા હલકા વિચારો ધરાવે છે? એન્ડર્સન સમજાવે છે કે “તેઓ આ યુવાનિયાઓના ટોળાની જ” નકલ કરતા હોય છે. “જીવન કઈ રીતે જીવવાનું છે એ આ ટોળું જ નક્કી કરે છે. દરેક છોકરો પોતાના ટોળાની વાહ વાહ મેળવવા ઇચ્છે છે, એથી આંખો મીંચીને તેઓની વાત માને છે.”

એન્ડર્સન કહે છે કે મોટા ભાગના યુવાનો માટે ગેરકાયદે સંબંધ રાખવો એક રમત જેવું છે, જેમાં “એક છોકરીને પોતાની જાળમાં ફસાવીને તેનો ફાયદો ઉઠાવવામાં આવે છે.” તે આગળ જણાવે છે, “છોકરીઓને ફસાવવા માટે છોકરાઓ પૂરી તૈયારી અને ચાલાકી વાપરે છે. તેઓ પહેરવેશ, વાળની સ્ટાઇલ, દેખાવ, ડાન્સ કરવાની કળા અને વાત કરવાની રીતનો પૂરેપૂરો ઉપયોગ કરે છે.” અનેક છોકરાઓ તો આ ‘રમતથી’ વાકેફ છે. પરંતુ “તેઓની જાળમાં કોઈ છોકરી ફસાઈને ગર્ભવતી બને છે ત્યારે, તે એમાંથી છૂટવાનો માર્ગ શોધે છે.”—કુંવારા યુવાન પિતા—બદલાતી ભૂમિકાઓ અને નવી નીતિઓ (અંગ્રેજી), રોબર્ટ લરમન અને થીઓડોર ઉમ્સ.

પરમેશ્વરની દૃષ્ટિ

શું લગ્‍ન પહેલા બાપ બનવું એ મરદાનગી છે? શું જાતીયતા માત્ર એક રમત છે? આપણા ઉત્પન્‍નકર્તા યહોવાહ એને કોઈ રમત સમજતા નથી. તેમણે બાઇબલમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરિણીત સ્ત્રી-પુરુષનો સંબંધ જ યોગ્ય છે. પ્રથમ પુરુષ અને સ્ત્રીની ઉત્પત્તિ વિષે જણાવ્યા પછી બાઇબલ કહે છે: “દેવે તેઓને આશીર્વાદ દીધો; અને દેવે તેઓને કહ્યું, કે સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) અહીં જરા પણ એમ કહેવામાં આવ્યું નથી કે પિતાઓ પોતાના બાળકોનો ત્યાગ કરે. તેમણે પ્રથમ પુરુષ અને સ્ત્રીને લગ્‍નના કાયમી બંધનમાં બાંધ્યા હતા. (ઉત્પત્તિ ૨:૨૪) એથી તે ઇચ્છે છે કે દરેક માતા અને પિતા પોતાના બાળકો પાસે રહે.

જોકે, પુરાતન સમયમાં પુરુષો અનેક સ્ત્રીઓ સાથે લગ્‍ન કરતા હતા. (ઉત્પત્તિ ૪:૧૯) ઉત્પત્તિ ૬:૨ આપણને જણાવે છે કે કેટલાક દૂતોએ “માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે.” આ દૂતોએ મનુષ્યનો અવતાર લઈને “જે સર્વને પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) પરંતુ જળપ્રલય સમયે આ દુષ્ટ સ્વર્ગદૂતો પોતાનું માનવ શરીર છોડીને પાછા ચાલ્યા ગયા. વળી, બાઇબલ જણાવે છે કે આપણા સમયમાં તેઓને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા છે. (પ્રકટીકરણ ૧૨:૯-૧૨) એથી આજે શેતાન અને તેના ભૂતો આ દુનિયાને ભમાવી રહ્યા છે. (એફેસી ૨:૨) પોતાના બાળકોને એમ જ ભટકતા છોડી મૂકનાર યુવાનિયાઓ, અજાણતાથી આ ભૂતો જેવો જ વ્યવહાર કરે છે, જેઓ જળપ્રલય સમયે પોતાના કુટુંબોને છોડીને નાસી છૂટ્યા હતા.

તેથી બાઇબલ કહે છે: “દેવની ઇચ્છા એવી છે, કે તમારૂં પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; અને તમારામાંનો દરેક, દેવને ન જાણનારા વિદેશીઓની પેઠે, વિષયવાસનામાં નહિ, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે; અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ; કારણ કે પ્રભુ એવાં સઘળાં કામનો બદલો લેનાર છે.”—૧ થેસ્સાલોનીકી ૪:૩-૬.

“વ્યભિચારથી દૂર” રહેવું? એ સાચું છે કે યુવાનીમાં જાતીય લાગણીઓ પુષ્કળ હોય છે. પરંતુ ધ્યાન આપો કે વ્યભિચાર કરવો એ ‘અપરાધ’ કે કોઈની સાથે ‘અન્યાય’ કરવા બરાબર છે. શું એમ કરવું છોકરીની વિરુદ્ધ અપરાધ નથી થતો જેઓને પોતાના પતિની મદદ વિના જ બાળકોનું પાલનપોષણ કરવા માટે મજબૂર કરવામાં આવે છે? વળી, જેનિટલ હર્પીઝ, સિફલીસ, ગોનોરીયા કે એઈડ્‌સ જેવી જાતીય બીમારી થાય તો એની જવાબદારી કોની? એ સાચું છે કે ઘણી વાર આવી બધી મુશ્કેલીઓમાંથી બચી શકાય છે. પરંતુ લગ્‍ન અગાઉ જાતીય સંબંધ બાંધવો એ છોકરી સામે અન્યાય કરવા બરાબર છે, કારણ કે તે પોતે તો બદનામ થાય છે જ, સાથોસાથ પોતે લગ્‍ન કરવા ઇચ્છતી હોય તોપણ તેને એક વાતનો વસવસો રહી જાય છે કે પોતે મોટું પાપ કર્યું છે. એથી વ્યભિચારથી દૂર રહેવું ડહાપણભર્યું છે અને એ જ મરદાનગી બતાવે છે. એ સાચું છે કે પોતાના પાત્રને વશમાં રાખવા અને લગ્‍ન પહેલા જાતીય સંબંધોથી દૂર રહેવા માટે સંયમ રાખવો જરૂરી છે. વળી, યશાયાહ ૪૮:૧૭, ૧૮ આપણને જણાવે છે કે પરમેશ્વર, પોતાના નિયમો મારફતે ‘આપણા લાભને અર્થે આપણને શીખવે છે.’

“પુરુષાતન દેખાડો”

પરંતુ, એક યુવાન ખરા અર્થમાં પોતાનું પુરુષાતન કઈ રીતે દેખાડી શકે? તે ગેરકાયદેસર બાળકો પેદા ન કરીને દેખાડી શકે. પરંતુ બાઇબલ જણાવે છે: “સાવધ રહો, વિશ્વાસમાં દૃઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ. જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો.”—૧ કોરીંથી ૧૬:૧૩, ૧૪.

નોંધ લો કે ‘પુરુષાતન દેખાડવામાં’ કઈ બાબતોનો સમાવેશ થાય છે: સાવધાન રહેવું, વિશ્વાસમાં દૃઢ રહેવું, હિંમતવાન રહીને બીજાઓ સાથે પ્રેમથી વ્યવહાર કરવો. આ સર્વ સિદ્ધાંતો સ્ત્રીઓ અને પુરુષો બધાને લાગુ પડે છે. પરંતુ તમે આવા ગુણો કેળવશો તો, લોકો તમને માન આપશે અને તમારા ખરેખરા વખાણ કરશે! એક સૌથી મહાન માણસ, ઈસુ ખ્રિસ્ત પાસેથી આપણે ઘણું શીખી શકીએ. તેમને કેટલા રિબાવીને મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ ઈસુએ સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કર્યો હતો?

ખરેખર ઈસુ અનેક સ્ત્રીઓને સારી રીતે ઓળખતા હતા. અરે કેટલીક સ્ત્રીઓ તો તેમની શિષ્ય પણ હતી, જેમાંથી અમુક “પોતાની પૂંજીમાંથી તેની [અને તેના પ્રેષિતોની] સેવા કરતી હતી.” (લુક ૮:૩) ખાસ કરીને લાજરસની બે બહેનો ઈસુની સારી મિત્ર હતી. હકીકતમાં, બાઇબલ જણાવે છે કે “મારથા તથા તેની બહેન . . . ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો.” (યોહાન ૧૧:૫) ઈસુ સંપૂર્ણ હોવાથી બુદ્ધિ અને દેખાવમાં આકર્ષક હતા. પરંતુ શું ઈસુએ પોતાનો દેખાવ અને બુદ્ધિનો ઉપયોગ સ્ત્રીઓને ફસાવવા માટે કર્યો? જરા પણ નહિ. એના બદલે બાઇબલ તો એમ જણાવે છે કે ઈસુએ “કંઈ પાપ કર્યું નહિ.” (૧ પીતર ૨:૨૨) વળી, એક પાપી વેશ્યા “રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી” ત્યારે પણ ઈસુએ એનો ગેરલાભ ઊઠાવ્યો નહિ. (લુક ૭:૩૭, ૩૮) ઈસુએ એક દુઃખી સ્ત્રીનો ગેરલાભ ઊઠાવવાનો વિચાર સુદ્ધા ન કર્યો! તેમણે બતાવ્યું કે તેમની લાગણીઓ પૂરી રીતે તેમના અંકુશમાં હતી. આ રીતે તે ખરેખર મરદ સાબિત થયા. ઈસુએ સ્ત્રીઓનો ગેરલાભ ઊઠાવવાનો વિચાર સુદ્ધા કર્યો ન હતો! પરંતુ તેમણે હંમેશા તેઓ સાથે પ્રેમ અને આદરથી વર્તાવ કર્યો.

તમે એક યુવાન ખ્રિસ્તી હોવ તો, પોતાના મિત્રોની નકલ કરવાને બદલે ઈસુના ઉદાહરણ પ્રમાણે ચાલો. એમ કરીને તમે કોઈની વિરુદ્ધ “અપરાધ” કે “અન્યાય” પણ નહિ કરો. એ ઉપરાંત ઈસુનું ઉદાહરણ તમને લગ્‍ન અગાઉ પિતા બનવાના દુઃખોથી બચાવશે. જોકે વ્યભિચાર ન કરવાને કારણે તમારા મિત્રો તમારી મશ્કરી કરશે. પરંતુ ખરાબ માર્ગે લઈ જતા મિત્રોને બદલે પરમેશ્વરને ખુશ કરવાથી તમને કાયમી લાભ પ્રાપ્ત થશે.—નીતિવચન ૨૭:૧૧.

પરંતુ એવા યુવાનો વિષે શું જેઓએ અગાઉ ગેરકાયદેસર સંબંધ બાંધ્યો હોય અને હવે એ માટે ખરા હૃદયથી પસ્તાવો કરીને એમ કરવાનું છોડી દીધું છે? એમ હશે તો તેઓ પણ સાચો પસ્તાવો બતાવનાર રાજા દાઊદની જેમ ખાતરી રાખી શકે કે પરમેશ્વરે તેઓને માફ કર્યા છે. (૨ શમૂએલ ૧૧:૨-૫; ૧૨:૧૩; ગીતશાસ્ત્ર ૫૧:૧, ૨) ગેરકાયદે સંબંધથી છોકરી ગર્ભવતી થઈ હોય તો, તેવા યુવાનોએ ખરેખર ઘણા ગંભીર નિર્ણયો લેવા પડશે. શું તેણે એ છોકરી સાથે લગ્‍ન કરી લેવા જોઈએ? શું પોતાના બાળક પ્રત્યે તેની કોઈ જવાબદારી છે? આ પ્રશ્નોની ચર્ચા, આ સામયિકના ભાવિ લેખોમાં કરવામાં આવશે.

[પાન ૧૫ પર ચિત્રો]

ઘણા યુવાનો માને છે કે ગેરકાયદેસર સંબંધોથી કંઈ થવાનું નથી