સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તી પ્રેમને જ્વાળામુખી પણ અટકાવી શક્યો નહિ

ખ્રિસ્તી પ્રેમને જ્વાળામુખી પણ અટકાવી શક્યો નહિ

ખ્રિસ્તી પ્રેમને જ્વાળામુખી પણ અટકાવી શક્યો નહિ

કેમેરૂનમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

માર્ચ ૨૭, ૧૯૯૯ની બપોરે આફ્રિકાના કેમેરુન પર્વત પર જોરદાર વિસ્ફોટ થયો. એ પહાડ સમુદ્રની સપાટીથી ૪,૦૭૦ મીટર ઊંચો પર્વત છે. પહાડની નીચે આવેલા બુએઈ ગામના રહેવાસીઓના જણાવ્યા મુજબ એ એટલો મોટો ધડાકો હતો કે ઝાડની સાથોસાથ ઘરના પાયા પણ હાલી ગયા. બીજી સાંજે લગભગ સાડા આઠ વાગ્યે એટલો મોટો ધરતીકંપ થયો, જેની ભારે અસર ૭૦ કિલોમીટર દૂર આવેલા ડુઆલા શહેરને પણ પહોંચી હતી. વીસમી સદી દરમિયાન લગભગ ચાર વાર આવું બની ચૂકયું હતું. પરંતુ ગયા વર્ષે એ પાંચમી વાર ફાટ્યો ત્યારે, એનાથી અગાઉ કરતાં ભયંકર વિનાશ થયો.

માર્ચ ૩૦, ૧૯૯૯ના રોજ લા મેસાજ્હાં છાપાના મથાળાંમાં આમ લખેલું હતું: “કેમેરુનમાં જ્વાળામુખીથી ૨,૫૦,૦૦૦ લોકોના જીવ જોખમમાં!” આગળ કહે છે: “બે દિવસમાં લગભગ પચાસ વખત ધરતીકંપ થઈ ચૂક્યા છે, ચાર સ્થળે જમીન ખસવાથી ખાઈ બની ગઈ છે; સેંકડો ઘર બરબાદ થઈ ગયા અને બુએઈમાં રાષ્ટ્રપતિનો મહેલ પણ ભાંગીને ખંડેર બની ગયો છે.”

બુએઈ નગરમાં લગભગ ૮૦ યહોવાહના સાક્ષીઓ રહેતા હતા. એમાંના ઘણાના ઘર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા હતા. જ્યાં સભાઓ ભરવામાં આવતી હતી એ હૉલનો પણ નાશ થઈ ગયો હતો. પરંતુ આનંદની વાત છે કે કોઈ પણ મૃત્યુ પામ્યું નહોતું.

ખરો ખ્રિસ્તી પ્રેમ

ખબર પડતાની સાથે જ આપણા ખ્રિસ્તી ભાઈબહેનો તાબડતોબ કામે લાગી ગયા. યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથે એક સમિતિ નીમી અને આપત્તિનો ભોગ બનેલા ભાઈબહેનોની મદદ માટે પૈસા મોકલવાની વ્યવસ્થા કરી. એટલું જ નહિ, બીજા અનેક યહોવાહના સાક્ષીઓએ પણ મદદ કરવા માટે પોતાનો સમય, પૈસા, શક્તિ કામે લગાવ્યા. હા, ખ્રિસ્તી પ્રેમને જ્વાળામુખી પણ હોલવી શક્યો નહિ.

બીજી તર્ફે ખ્રિસ્તી મંડળોએ પણ અનાજ-પાણી મોકલ્યા. કેટલાક ભાઈબહેનોએ ભાંગેલા ઘરોને સમારવા માટેનો સામાન પૂરો પાડ્યો. એક ભાઈએ ૧,૦૦૦ સિમેન્ટની ઈંટો દાનમાં આપી. બીજા એક ભાઈ ઘરોના છાપરા માટે સસ્તામાં એલ્યુમિનિયમના પતરાં લઈ આવ્યા. બીજી એક વ્યક્તિએ ૧૬ કિલોમીટર ચાલીને લાકડાંની વ્યવસ્થા કરી આપી. એક યુવાન ભાઈએ પોતાના લગ્‍ન માટે કન્યાપક્ષને આપવા પૈસા એકઠા કર્યા હતા. પરંતુ આપત્તિની ખબર પડતા જ તેણે પોતાનું લગ્‍ન પાછું ઠેલવવાનો નિર્ણય કર્યો અને એકઠા કરેલા પૈસાથી પોતાનું લાકડાં કાપવાનું મશીન રિપેર કરાવ્યું. પછી જંગલમાં જઈને તેણે ત્રણ સપ્તાહ સુધી એટલા બધા લાકડાં કાપ્યાં કે એક આખું ઘર તૈયાર થઈ શકે! આપણા અમુક જોરાવર યુવાન ભાઈઓએ આ લાકડાંને પોતાના માથે ચઢાવીને પાંચ કિલોમીટર દૂર એક ટ્રક સુધી પહોંચાડ્યા.

આપત્તિનો ભોગ બનેલા ભાઈબહેનોની જરૂરતોને પૂરી કર્યા પછી, એપ્રિલ ૨૪ના રોજ ૬૦ ભાઈબહેનોએ બુએઈમાં તેઓના ભાંગેલા ઘરને ફરીથી બાંધવામાં મદદ કરી. દર સપ્તાહઅંતે ૨૦૦થી પણ વધારે ભાઈબહેનો કામમાં મદદ કરતા હતા. ત્રણ ખ્રિસ્તી ભાઈઓ તો એવા હતા જેઓ આખો દિવસ નોકરી કરીને આવ્યા પછી, મોડી રાત સુધી ઘર બાંધવામાં મદદ કરતા હતા. ડુઆલાના એક ખ્રિસ્તી ભાઈ આખો દિવસ નોકરી કર્યા પછી પોતાની મોટરસાયકલ પર ૭૦ કિલોમીટરની મુસાફરી કરીને આ કામમાં મદદ કરવા માટે આવતા અને અડધી રાત સુધી કામ કરતા હતા. આ ભાઈબહેનોની મદદથી બે મહિનામાં જ છ ઘર ઊભા કરવામાં આવ્યા. એ દરમિયાન બુએઈ મંડળની સભાઓ એક ભાઈના ઘરમાં રાખવામાં આવતી અને સભાઓની હાજરી પહેલાં કરતા બમણી થઈ ગઈ હતી.

પોતાના ભાઈબહેનોને મદદ કરવા ઉપરાંત રાહત સમિતિએ પ્રદૂષિત પાણીને સાફ કરવા માટે ૪૦,૦૦૦થી પણ વધારે ગોળીઓ બીજાઓને વહેંચી. જ્વાળામુખીના ઝેરી ગૅસ અને રાખને કારણે, શ્વાસની તકલીફ થઈ હતી એવા ૧૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરીને યોગ્ય મદદ પૂરી પાડવામાં આવી. યહોવાહના સાક્ષીઓએ આ રીતે મદદ કરીને ખ્રિસ્તી પ્રેમ બતાવ્યો હોવાથી બીજા લોકોને કેવું લાગ્યું?

ખ્રિસ્તી પ્રેમનો વિજય

યહોવાહના સાક્ષીઓએ એક ઘર બાંધ્યું હતું એ જોઈને એક અધિકારીએ આમ કહ્યું: “આ ઘર પોતે જ . . . , એ વાતની એટલી મોટી સાબિતી છે કે કેવળ આ લોકોમાં જ સાચો પ્રેમ છે.” એક શિક્ષિકાએ પણ એમ જ કહ્યું: “મેં કદી આવું જોયું નથી. . . . આનાથી ખરેખર સાચા ખ્રિસ્તીઓ ઓળખાઈ આવે છે.”

જે લોકોને આ ખ્રિસ્તી પ્રેમથી લાભ થયો છે તેઓ પણ એના વખાણ કરતા થાકતા નથી. પાંસઠ વર્ષના બીમાર તીમોથી કહે છે: “અમે અમારા નવા ઘરને જોઈએ છીએ ત્યારે અમારી આંખો ભરાઈ આવે છે. યહોવાહે અમારા માટે જે કંઈ કર્યું એના માટે અમે ખૂબ જ ઉપકાર માનીએ છીએ.” એક વિધવા સ્ત્રી જે યહોવાહની સાક્ષી નથી તેને ચાર બાળકો હતા. તેનું ઘર ભાંગી પડવાથી તેનું સર્વસ્વ નાશ પામ્યું. પછી તેનું ઘર બાંધવા માટે સરકારે જેઓને કૉન્ટ્રાક્ટ સોંપ્યો હતો તેઓ છાપરાનો સામાન ચોરીને નાસી ગયા. આવા સમયે યહોવાહના સાક્ષીઓએ તેને મદદ કરી. તે કહે છે: “મને ખબર નથી કે હું કઈ રીતે તેઓનો આભાર માનું! હું ખૂબ જ ખુશ છું.” એક ખ્રિસ્તી વડીલની પત્ની એલીઝાબેથ કહે છે: “મને એ જોઈને આનંદ થાય છે કે યહોવાહના લોકોમાં આટલો બધો પ્રેમ છે! આવા પ્રેમથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આપણે સાચે જ સાચા પરમેશ્વરની સેવા કરીએ છીએ.”

આ જ્વાળામુખીના વિસ્ફોટથી ચોતરફ વિનાશ સર્જાયો, છતાં ખ્રિસ્તી પ્રેમ ટકી રહ્યો. પ્રેષિત પાઊલે ઠીક જ લખ્યું હતું, “પ્રીતિ કદી ખૂટતી નથી.”—૧ કોરીંથી ૧૩:૮.

[પાન ૧૦ પર ચિત્રો]

વહેતા લાવાથી ચારે બાજુ વિનાશ સર્જાયો

[પાન ૧૧ પર ચિત્ર]

સ્વયંસેવકોએ ભાંગેલા ઘરોને ફરીથી બાંધવા માટે પુષ્કળ મહેનત કરી

[પાન ૧૦, ૧૧ પર ચિત્ર]

કેમેરુન પર્વત