સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયા સિગારેટના પંજામાં

દુનિયા સિગારેટના પંજામાં

દુનિયા સિગારેટના પંજામાં

બિલ દયાળુ, હોંશિયાર અને બળવાન હતો. તે પોતાના કુટુંબને ખૂબ જ ચાહતો હતો. પરંતુ નાનપણથી જ તેને સિગારેટ પીવાની આદત પડી ગઈ હતી. વર્ષો પછી તે એ વ્યસનને ધિક્કારવા લાગ્યો. પોતે સિગારેટ પીતો અને પોતાના બાળકોને શિખામણ આપતો કે તમે એવી મૂર્ખાઈ કદી કરશો નહિ. ઘણી વાર તો તે સિગારેટના પાકીટને હાથથી મસળીને ફેંકી દેતો અને સમ ખાતો કે હવેથી હું કદી પણ સિગારેટ નહિ પીઉં. તોપણ, થોડા જ સમયમાં તે ચોરીછૂપીથી સિગારેટ પીવા લાગતો અને પછી તો ફરીથી બધાની વચ્ચે પીવાનું શરૂ કરી દેતો.

પંદર વર્ષ પહેલા બિલ કૅન્સરથી મૃત્યુ પામ્યો. તે ગુજરી ગયો એ પહેલાં કૅન્સરથી કેટલાય મહિના સુધી પીડાયો હતો. તેને સિગારેટ પીવાની ટેવ ન હોત તો આજે તે જીવતો હોત. તેની પત્ની આજે વિધવા ન હોત, તેના બાળકોને પિતાની ખોટ ન સાલત.

સિગારેટને કારણે બિલના કુટુંબે ઘણું દુઃખ સહન કરવું પડ્યું, કોણ જાણે બીજા કેટલાં કુટુંબો એ સહન કરતા હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) મુજબ તમાકુને કારણે દર વર્ષે ચાળીસ લાખ લોકો, એટલે કે દર આઠ સેકંડે એક વ્યક્તિ મરી જાય છે. લોકો તમાકુનો ઉપયોગ કરવાનું બંધ કરી દે તો જગતવ્યાપી અનેક બીમારીઓ રોકી શકાય. પરંતુ તમાકુનો ઉપયોગ ચાલુ જ રહેશે તો, ૨૦ વર્ષ પછી એઈડ્‌સ, ટીબી, પ્રસૂતિ સમયે મરનાર બાળકો, અકસ્માત, આપઘાત અને ખૂનથી મરનાર લોકોની સંખ્યા કરતાં તમાકુથી મરનારા અને અપંગ થનારાઓની સંખ્યા વધારે હશે.

સિગારેટ લોકોને મારી નાખે છે. છતાં તમે ચોતરફ લોકોને બીડી, સિગારેટ ફૂંકતા જોઈ શકો છો. હૂ સંસ્થા મુજબ આખી દુનિયામાં ઓછામાં ઓછા એક અબજ દસ કરોડ લોકો સિગારેટ પીવે છે, એટલે કે દર ત્રણમાંથી એક પુખ્ત એના ધુમાડામાં ફસાયેલો છે.

તજજ્ઞો મુજબ તમાકુની કંપનીઓ પોતાની વિરુદ્ધ લડવામાં આવી રહેલા મુકદ્‌માઓમાં કરોડો ડૉલર ખર્ચે છે. પરંતુ એનાથી કંઈ ફેર પડતો નથી કારણ કે તેઓ પોતાના વેપારથી અબજો ડૉલર કમાય છે. ફક્ત અમેરિકાની તમાકુની ફૅક્ટરીઓમાં દરરોજ દોઢ અબજ સિગારેટ બનાવવામાં આવે છે. એ ઉપરાંત આખી દુનિયામાં દર વર્ષે સરકારી અને અન્ય કંપનીઓ દોઢ અબજ સિગારેટ વેચે છે.

શા માટે આટલા બધા લોકો આ જીવલેણ વ્યસનમાં સંડોવાયા છે? તમે ધૂમ્રપાન કરતા હોવ તો તમે એ કઈ રીતે છોડી શકો? આ પ્રશ્નોના જવાબ અમારા હવે પછીના લેખમાં આપવામાં આવશે.