સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધૂમ્રપાન છોડવાની રીતો

ધૂમ્રપાન છોડવાની રીતો

ધૂમ્રપાન છોડવાની રીતો

સા યકલ શીખવા માટે વ્યક્તિએ વારંવાર પ્રયત્ન કરવો પડે છે. એ જ રીતે તમાકુ લેવાની ટેવ સહેલાઈથી છૂટતી નથી. પહેલા ધડાકે જ સફળતા મળવી મુશ્કેલ છે. એ છોડવાનો તમે નિર્ણય કરી લીધો હોય તો જ્યાં સુધી છોડો નહિ ત્યાં સુધી તમારે પ્રયત્નો કરતા રહેવું પડશે. તમે ફરીથી પાછા ધૂમ્રપાન શરૂ કરી દો તોપણ હાર ન માનશો. એનાથી પાઠ શીખીને ફરીથી પ્રયત્ન કરો. કોઈ પણ સારું કામ કરતી વખતે મુશ્કેલીઓ તો પડે જ છે. નીચેના અમુક સૂચનોથી ઘણાને સફળતા મળી છે, કદાચ તમે પણ સફળ થઈ શકો.

ધૂમ્રપાન છોડવા પર પૂરું મન લગાડો

◼ સૌ પ્રથમ ખાતરી કરી લો કે તમાકુ છોડવાના ઘણા ફાયદાઓ છે. એ છોડવાથી શું લાભ થશે એની યાદી બનાવો. તમાકુ છોડ્યા પછી, આ યાદીને વાંચવાથી તમને તમારા નિર્ણય પર ટકી રહેવા માટે હિંમત મળશે. એને છોડવા માટેનું સૌથી મોટું કારણ પરમેશ્વરને ખુશ કરવાનું હોવું જોઈએ. બાઇબલ કહે છે કે આપણે પરમેશ્વરને પોતાના પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ. આપણે તમાકુના વ્યસનને પોતાની શક્તિથી છોડી શકતા નથી.—માર્ક ૧૨:૩૦.

◼ ધૂમ્રપાન વિષે વિચાર કરો કે તમે ક્યારે અને શા માટે કરો છો. એક કાગળ પર લખી લો કે તમે એક દિવસમાં ક્યારે અને ક્યાં ધૂમ્રપાન કરો છો. આ કાગળની મદદથી તમે એવી પરિસ્થિતિ ટાળી શકશો જેનાથી તમને સિગારેટ પીવાની ઇચ્છા થાય છે.

છોડવાની તારીખ નક્કી કરો

◼ તમાકુ છોડવા માટેની એક તારીખ નક્કી કરો અને તમારા કૅલેન્ડર પર એની નોંધ કરો. એવો દિવસ નક્કી કરો જ્યારે તમને જરાય તણાવ ન હોય. એ દિવસ આવે ત્યારે, ધૂમ્રપાન કરવાનું તદ્દન બંધ કરી દો.

◼ નક્કી કરેલો દિવસ આવતા પહેલાં જ તમે એશ-ટ્રે, માચિસ અને લાઇટર ફેંકી દો. તમાકુની ગંધવાળા સર્વ કપડાં ધોઈ નાખો.

◼ પોતાની સાથે કામ કરનારાઓ, મિત્રો અને પોતાના કુટુંબની મદદ લો. તમારી સામે ધૂમ્રપાન કરનારને ના પાડવા માટે ગભરાશો નહિ.

◼ તમે સિગારેટ છોડવાનો નિર્ણય કર્યો હોય એ દિવસે ક્યાંક ફરવા જવાનું ગોઠવો. તમે કોઈ એવા સ્થળે જઈ શકો છો જ્યાં ધૂમ્રપાન કરવાની મનાઈ હોય, જેમ કે સંગ્રહાલય કે થિયેટર. તમે કસરત કરી શકો, તરી શકો, સાયકલ ચલાવી શકો કે લાંબે અંતરે ચાલી શકો.

સહેવું કઈ રીતે?

તમે વધારે ધૂમ્રપાન કરતા હોવ તો શક્ય છે કે તમને વધારે તકલીફો પડશે. છેલ્લી સિગારેટ પીધા પછી થોડાક કલાકોમાં જ આ તકલીફો શરૂ થઈ જશે. સિગારેટ છોડવાથી તમે ચીડિયાપણું, બેચેની, ગુસ્સો, ચિંતા, નિરાશા, ઊંઘ ગુમાવવી, વ્યાકુળ થઈ જવું, ભૂખ વધારે લાગવી અને સિગારેટ પીવાની તલપ લાગવી વગેરે અનુભવશો. આ તકલીફોમાંથી થોડીક રાહત મેળવવા માટે કદાચ તમારા ડૉક્ટર પાસેથી અમુક દવાઓ લઈ શકો. એ ઉપરાંત, તમે અમુક એવા પગલાં પણ ભરી શકો જેનાથી આ લડાઈમાં સફળ થવામાં તમને મદદ મળે.

◼ ધૂમ્રપાન છોડ્યા પછી, શરૂઆતના થોડાક સપ્તાહ મુશ્કેલ હશે. એ દરમિયાન તમે ઓછી ચરબીવાળો ખોરાક ખાવ અને ખૂબ જ પાણી પીઓ. કેટલાકને કાચા શાકભાજી જેમ કે ગાજર અને સેલરી ખાવાથી સારું લાગે છે. જો તમે કસરત કરો તો, તમારું વજન ઓછું થશે અને ગભરામણ નહિ થાય.

◼ ધૂમ્રપાન કરવાની ઇચ્છા થાય એવા સ્થળો અને પરિસ્થિતિ ટાળો.

◼ ધૂમ્રપાન કરવાની તલપ લાગે ત્યારે ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો. ધૂમ્રપાન છોડવા માટે તકલીફોનો સામનો કરતી વ્યક્તિના મનમાં નીચે પ્રમાણેના વિચારો આવી શકે: ‘કંઈ વાંધો નહિ, આ તકલીફને દૂર કરવા માટે હું ફક્ત આજનો દિવસ ધૂમ્રપાન કરી લઉં.’ ‘હું ફક્ત મજબૂરીથી જ સિગારેટ પીઉં છું! મને લાગે છે કે હું એને નહિ છોડી શકું.’ ‘તમાકુ કંઈ એટલી ખરાબ નથી; પુષ્કળ લોકો ધૂમ્રપાન કરે છે અને કેટલાક લોકો તો ૯૦ વર્ષ પણ જીવે છે.’ ‘કોઈને કોઈ બાબતથી એક દિવસ તો મરવાનું જ છે ને, તો પછી ભલેને ધૂમ્રપાનથી મરી જઉં.’ ‘તમાકુ વગર જીવન નકામું છે.’

◼ તમે હારી ગયા હોવ તો પણ ધૂમ્રપાન કરશો નહિ. ફક્ત દસ મિનિટ થોભવાથી તમારી ધૂમ્રપાન કરવાની તલપ ઓછી થઈ શકે. કાયમ માટે છોડવાનો નિર્ણય કરવો ઘણી વાર અઘરું લાગી શકે. તમે એવું અનુભવતા હોવ તોપણ સિગારેટ છોડવા વિષે વિચારો.

◼ તમે પરમેશ્વરની સેવા કરવા ઇચ્છતા હોવ તો મદદ માટે પ્રાર્થના કરો. આપણા પ્રેમાળ ઉત્પન્‍નકર્તા “અગત્યને પ્રસંગે સહાય” કરી શકે છે. (હેબ્રી ૪:૧૬) તમે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા ચાહતા હોવ તો તે જરૂર તમને મદદ કરશે. પરંતુ કોઈ ચમત્કારની આશા ન રાખશો. તમે ધૂમ્રપાન છોડવા માટે પ્રાર્થના કરો છો તો તમારે એ પ્રમાણે કામ પણ કરવું પડશે.

હંમેશા એનાથી દૂર રહો

◼ ધૂમ્રપાન છોડ્યા પછીના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ તકલીફ પડશે. પરંતુ ત્રણ મહિના પછી પણ બની શકે ત્યાં સુધી ધૂમ્રપાન કરનારાઓથી અને એવા સંજોગોથી દૂર રહો જેથી તમને ફરીથી શરૂ કરવાનું મન ન થાય.

◼ ઘણા વિચારે છે કે ધૂમ્રપાન છોડ્યા બાદ, એકાદ વર્ષ પછી આપણે કોઈ કોઈ વાર સિગારેટ પી લઈએ તો એનાથી આપણે ફરીથી એના વ્યસની નહિ બનીએ. પરંતુ એમ વિચારીને પોતાને છેતરશો નહિ.

◼ “ફક્ત એક સિગારેટ’ પીવાની લાલચ ન કરશો. “ફક્ત એક” પછી બીજી આવશે અને આમ ધૂમ્રપાન છોડવા માટેની તમારી બધી મહેનત પાણીમાં જશે. તમારાથી રહી ન શકાય અને તમે સિગારેટ પી લો તો તમારે બીજી પીવાની કોઈ જરૂર નથી. તમે બીજી વાર સિગારેટ પી લો તોપણ ફરીથી છોડી દેવા માટે પ્રયત્ન કરો.

ધૂમ્રપાન કરનારા લાખો લોકો એને છોડવામાં સફળ થયા છે. તમે છોડવા તૈયાર હશો અને પ્રયત્ન કરતા રહેશો તો જરૂર સફળ થશો!