સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભારતમાં ચીની જાળનો ઉપયોગ

ભારતમાં ચીની જાળનો ઉપયોગ

ભારતમાં ચીની જાળનો ઉપયોગ

ભારતમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

ભારતના પશ્ચિમી દરિયાકાંઠે કોચી નામનું શહેર આવેલું છે, ત્યાં તમને લાંબા-લાંબા વાંસ પર લટકાવેલી અનોખી જાળ જોવા મળશે. પરંતુ આ પ્રકારની જાળ તો ચીનમાં જ બનતી હતી તો પછી આ જાળ ભારતમાં ક્યાંથી આવી?

વાસ્તવમાં આઠમી સદીથી ચીની લોકોએ કોચીમાં આવીને વસવાટ કર્યો. એવું માનવામાં આવે છે કે ૧૪મી સદીની આસપાસ, ચીનના રાજા કુબલાયી ખાને ચીની વેપારીઓને ભારત મોકલ્યા હતા અને એ વખતે પહેલી વાર આ વેપારીઓ પોતાની સાથે ચીની જાળ લઈને આવ્યા હતા. આ જાળોની ખાસિયત એ છે કે એનાથી દરિયાકાંઠે ઢગલેબંધ માછલીઓ પકડી શકાય છે. લગભગ સો વર્ષ સુધી કોચીમાં રહેનારા ચીનાઓ આ જાળનો ઉપયોગ કરતા હતા. પરંતુ આરબો ભારત આવ્યા ત્યારે તેમણે કોચીમાંથી ચીનાઓને ભગાડી મૂક્યા.

ચીનાઓ જતા રહ્યા ત્યારે આ જાળ પણ ગાયબ થઈ ગઈ. પરંતુ ૧૬મી સદીમાં જ્યારે પોર્ટુગીઝોએ આ વિસ્તાર પર કબજો કર્યો ત્યારે તેઓએ આરબોને ભગાડી મૂક્યા. કહેવામાં આવે છે કે પોર્ટુગીઝોએ જ દક્ષિણ-પૂર્વ ચીનના મકાઉ ટાપુથી આ જાળ ફરીથી મંગાવીને અહીં લગાવી દીધી.

આ જાળોથી માછલી પકડવાની રીત સૈકાઓ જૂની છે પરંતુ આજે પણ આ જાળ ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત એની રચનામાં કંઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ આ જાળ પર અનેક લોકોનું ભરણપોષણ નિર્ભર છે. હકીકતમાં, એક જાળથી પકડવામાં આવતી માછલીઓથી આખા ગામનું પેટ ભરાઈ શકે છે. ઉપરાંત આ જાળ એટલી આકર્ષક છે કે સૂર્ય આથમતો હોય ત્યારે એના પ્રકાશમાં આ જાળ સુંદર લાગે છે.

એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે?

દોરડાથી બાંધેલી એક ડોલને કૂવામાં નાખીને પાણી ખેંચવામાં આવે છે તેમ, એક મોટા વાંસની મદદથી નાના-નાના વાંસોથી બાંધેલી આ જાળ પાણીમાં નાખીને માછલીઓ પકડવામાં આવે છે. માછલીઓથી ભરેલી જાળને ઉપર ખેંચવા માટે એ મોટા વાંસ સાથે મોટા દોરડા બાંધેલા હોય છે જેના પર વજન લટકાવેલું હોય છે. આ વજનને ઉપર તરફ ખેંચવામાં આવે તો જાળ નીચે જવા લાગે છે અને વજનને નીચે ખેંચવામાં આવે તો જાળ ઉપર આવવા લાગે છે. સૂર્ય ઊગતા પહેલાં જ માછીમારો કામે લાગી જાય છે અને ચાર-પાંચ કલાક સુધી માછલાઓ પકડે છે. જાળને દરિયામાં નાખવા માટે બધા માછીમારો ભેગા મળીને દોરડાઓથી બાંધેલા વજનને ઉપર ખેંચે છે અથવા ઘણી વાર માછીમારોનો સરદાર જાળની પાછળ બાંધેલા મોટા વાંસ પર ચઢી જાય છે. જાળને ધીરેધીરે પાણીમાં છોડ્યા પછી પાંચથી વીસ મિનિટ સુધી રાહ જોવામાં આવે છે. માછીમારોનો સરદાર પોતાના અનુભવથી જાણે છે કે કેટલા સમયમાં વધારેમાં વધારે માછલીઓ જાળમાં આવી જાય છે. પછી તે જાળને પાણીમાંથી બહાર કાઢવા માટે ઇશારો કરે છે.

સરદારના ઇશારાથી પાંચ કે છ માછીમારો દોરડાથી બાંધેલા વજનને નીચે તરફ લાવવા માટે કામે લાગી જાય છે. એનાથી જાળની કિનારીઓ ઉપર આવે છે અને માછલીઓથી ભરેલી જાળ એક કટોરાની જેમ બહાર આવવા લાગે છે. વાહ, કેટલી બધી માછલીઓ પકડાઈ! બધા માછીમારો આનંદથી એકબીજાની પીઠ થાબડે છે. પછી આ માછલીઓને વેચવામાં આવે છે જેને વેપારીઓ, ગૃહિણીઓ અને પર્યટકો ખરીદી લે છે.

ચીનાઓ, પોર્ટુગીઝો આવ્યા અને ચાલ્યા ગયા. પરંતુ આ ચીની જાળ આજે પણ કોચીના દરિયાકાંઠે શોભા વધારી રહી છે. આજથી ૬૦૦ વર્ષ પહેલા જે રીતે માછલીઓ પકડવામાં આવતી હતી એ જ રીતે આજે પણ માછલીઓ પકડવામાં આવી રહી છે.

[પાન ૩૧ પર નકશા]

કોચી

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.