સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાસા ડૂબવા છતાં લોકપ્રિય

વાસા ડૂબવા છતાં લોકપ્રિય

વાસા ડૂબવા છતાં લોકપ્રિય

સ્વીડનમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

ઑગસ્ટ ૧૦, ૧૬૨૮માં સ્વીડનના પાટનગર સ્કોટહોમમાં આવેલું એક બંદર ખીચોખીચ ભરેલું હતું. લોકો વાસા નામનું યુદ્ધ-જહાજ જોવા માટે ઊમટ્યા હતા જે પહેલી વાર સમુદ્રમાં ઉતરવાનું હતું. એને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. એ કંઈ સામાન્ય જહાજ નહોતું.

સ્વીડનના રાજા ગસ્તવસ II અડોલ્ફસ વાસા ઇચ્છતો હતો કે એ દુનિયાનું સૌથી શક્તિશાળી જહાજ બને. કેટલાકના માનવા મુજબ તેને ખબર પડી કે ડેનમાર્કના રાજાએ પોતાના નવા યુદ્ધ-જહાજમાં બે ડેક બનાવડાવીને એમાં તોપ લગાવડાવી છે ત્યારે, તેણે પણ પોતાના આ જહાજમાં બે તોપવાળી ડેક બનાવડાવી. તે ઇચ્છતો હતો કે તેના રાજવંશનો ઝંડો લહેરાવનાર આ જહાજ, દુનિયાના કોઈ પણ જહાજ કરતા ઉચ્ચ કક્ષાનું હોય.

આ જહાજ બનાવવા માટે તેણે પાણીની જેમ પૈસા વાપર્યા હતા. એમાં ૬૪ તોપો લગાવવામાં આવી હતી. એટલું જ નહિ, આ જહાજની સુંદરતામાં વધારો કરવા માટે એમાં ૭૦૦ મૂર્તિઓ લગાવવામાં આવી હતી. આ સુંદર અને શક્તિશાળી જહાજ એ સમયનું સૌથી વૈભવી જહાજ હતું. રાજા વાસાએ પોતાનો વૈભવ અને બુદ્ધિ બતાવવા માટે આ જહાજનું ઉદ્‍ઘાટન ધામધૂમથી કર્યું. વાસા જહાજ પહેલી વાર સમુદ્રમાં ઉતર્યું ત્યારે, લોકો આનંદથી તાળીઓ પાડવા માંડ્યા.

સ્વીડનનો વૈભવ પાણીમાં

વાસા કેવળ એકાદ કિલોમીટર જ ગયું હશે અને જોરદાર પવનની લહેરમાં ઊંધું વળી ગયું. જહાજમાં પાણી ભરાવા માંડ્યું અને જોતજોતામાં તો જહાજ ડૂબી ગયું. ઇતિહાસમાં એવું ક્યારેય નથી થયું કે કોઈ જહાજ નીકળતાની સાથે જ સમુદ્રમાં ડૂબી ગયું હોય!

બંદર પર ઊભેલી મેદની ડોળા ફાડીને તાકતી જ રહી ગઈ. વાસા, દેશનું રક્ષણ કરતા નાશ નહોતું પામ્યું કે કોઈ ખતરનાક સમુદ્રી તોફાનથી પણ નાશ નહોતું પામ્યું. લોકોને માનવામાં જ નહોતું આવતું કે સ્વીડનનો વૈભવ એક નાનકડી પવનની લહેરખીથી નાશ પામશે. જહાજ તો ડૂબ્યું સાથોસાથ એમાં સફર કરનાર ૫૦ લોકોની જળસમાધી થઈ ગઈ. ત્યારથી વાસાનું નામ કાને પડતાની સાથે જ સ્વીડનના લોકો શરમથી પોતાનું મોં નીચું ઘાલે છે.

આ શરમજનક બનાવ પછી તરત જ એની તપાસ કરવામાં આવી. સર્વ જાણવા માંગતા હતા કે એને માટે કોણ જવાબદાર છે. પરંતુ જ્યારે ખબર પડી કે રાજા અને તેની નૌસેનાનો બીજો સૌથી મોટો સેનાપતિ ક્લાસ ફ્લેમિંગ જ એને માટે જવાબદાર છે ત્યારે એ બાબતને દાબી દેવામાં આવી.

રાજા શા માટે ગુનેગાર હતો? કારણ કે તે પોતાની પસંદગીનું જહાજ બનાવવા માંગતો હતો. જહાજ બનાવનારાઓએ પણ મજબૂરીમાં એની ડિઝાઈન પ્રમાણે જહાજ બનાવવું પડ્યું હતું જ્યારે કે તેઓને આ ડિઝાઈન વિષે કંઈ જ ખબર નહોતી. જહાજ બનીને તૈયાર થઈ ગયું ત્યારે, સેનાપતિ ફ્લેમિંગે એના સમતોલનની તપાસ કરવા માટે ૩૦ સૈનિકોને જહાજના એક ખૂણાથી બીજા ખૂણા સુધી દોડવા માટે જણાવ્યું. તેણે જોયું કે જ્યાં કંઈ સૈનિકો જતા હતા ત્યાં જહાજ નમી જતું હતું. ત્રીજી વાર તો એ લગભગ પલટી જ ખાવાનું હતું પરંતુ સેનાપતિ ફ્લેમિંગે સૈનિકોને રોકી દીધા. આ સર્વ જાણકારી હોવા છતાં જહાજને સમુદ્રમાં જવા દેવામાં આવ્યું. પરંતુ રાજા અને સેનાપતિ જેવા મોટા લોકો પર દોષ મૂકવાની હિંમત કોણ કરે?

જહાજ ડુબવાના અમુક વર્ષો પછી વર્ષ ૧૬૬૪-૬૫માં સ્વીડનની સેનાનો એક અગાઉનો અધિકારી એક ઉપકરણની મદદથી વાસા જહાજમાં મૂકવામાં આવેલી તોપ કાઢવામાં સફળ થયો. ધીરે ધીરે વાસા, સમુદ્રની ૩૦ મીટર ઊંડાઈમાંના કીચડમાં ઘસડાઈ ગયું અને એની સાથે એની યાદો પણ દફન થઈ ગઈ.

કીચડમાંથી બહાર કાઢવું

કેટલાંય વર્ષોથી એન્ડર્સ ફ્રાંસેન નામનો એક પુરાતત્ત્વશાસ્ત્રી જૂના દસ્તાવેજોની મદદથી સમુદ્રની ઊંડાઈમાં દબાયેલા વાસાની શોધ કરી રહ્યો હતો. વર્ષ ૧૯૫૬માં તેની શોધ સફળ થઈ જ્યારે એક ઉપકરણની મદદથી વાસા જહાજને એકદમ સાવચેતીથી સમુદ્રમાંથી ખેંચીને બંદર સુધી લાવવામાં આવ્યું.

એપ્રિલ ૨૪, ૧૯૬૧ના રોજ, બરાબર ૩૩૩ વર્ષ પછી વાસા જહાજ ફરીથી સ્ટૉકહોમના બંદર પર ઊભું હતું અને ફરી એક વાર લોકો આનંદથી તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ હવે આ જહાજ પર્યટકોને બતાવવા માટે રાખવામાં આવ્યું છે. એ ઉપરાંત સમુદ્રી પુરાતત્ત્વશાસ્ત્રીઓ માટે આ એક ખજાનારૂપ છે કારણ કે આ જહાજથી તેઓને ઘણું બધું જાણવા મળે છે. જેમ કે આ ૧૭મી સદીના જહાજમાં ૨૫,૦૦૦થી પણ વધારે કલાકૃતિ છે જે આ જહાજની નાનામાં નાની માહિતી આપે છે. એ ઉપરાંત એનાથી એ સમયની જહાજ બનાવવાની રીતો અને મૂર્તિઓની શિલ્પકળાને સારી રીતે સમજવામાં મદદ મળે છે.

વાસા જહાજની સર્વ વસ્તુઓ અત્યાર સુધી સલામત કઈ રીતે રહી શકી? એક કારણ એ છે કે આ જહાજ એકદમ નવું હતું. બીજું, એ સમુદ્રના કીચડમાં ફસાયેલું હોવાથી ખારા પાણીમાં પડેલા લાકડાને કોતરી ખાનાર જીવાત એને લાગી નહોતી.

તજજ્ઞો મુજબ વાસા જહાજને સ્થિર રાખવા માટે ૨૪૦ ટન કરતાં વધારે વજનની જરૂર હતી. પરંતુ વાસામાં ફક્ત ૧૨૦ ટન વજન મૂકવામાં આવ્યું હતું. કારણ કે વધારે વજનને કારણે જહાજ વજનવાળું થઈ જાત જેનાથી નીચલા તોપ ડેકના કાણામાંથી પાણી ભરાઈ જાત અને જહાજ ડૂબી જવાની શક્યતા વધારે રહેત. વાસા દેખાવમાં તો એકદમ સરસ હતું પરંતુ સમતોલપણું નહિ હોવાને કારણે એ ડૂબી ગયું.

હવે આ જહાજ સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યું છે. એ દુનિયાનું સૌથી જૂનું જહાજ છે જેની સર્વ વસ્તુ વર્ષ ૧૬૨૮ની દુર્ઘટના પછી પણ સહીસલામત છે. સંગ્રહાલયમાં દર વર્ષે ૮,૫૦,૦૦૦ પર્યટકો આ ૧૭મી સદીના વૈભવી અને આકર્ષક જહાજને જોવા આવે છે. આ જહાજ આપણને યાદ અપાવડાવે છે કે સત્તાધીશો કઈ રીતે પોતાના અહંકાર અને લાપરવાહીને કારણે જહાજનું બાંધકામ કરાવતી વખતે સલામતી પ્રત્યે આંખ આડા કાન કરે છે.

[પાન ૨૬ પર ચિત્ર]

રાજા ગસ્તવસ II અડોલ્ફસ વાસા

[ક્રેડીટ લાઈન]

Foto: Nationalmuseum, Stockholm

[પાન ૨૬, ૨૭ પર ચિત્રો]

સમુદ્રના પેટાળમાં ૩૦૦ કરતાં વધારે વર્ષો સુધી દબાઈ રહેલું “વાસા” અત્યારે વિશ્વ-વિખ્યાત છે

[ક્રેડીટ લાઈન]

Genom tillmötesgående från Vasamuseet, Stockholm

[પાન ૨૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Målning av det kapsejsande Vasa, av konstnär Nils Stödberg