સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે સિગારેટ છોડવી?

શા માટે સિગારેટ છોડવી?

શા માટે સિગારેટ છોડવી?

લાંબુ અને સુખી જીવન જીવવું હોય તો, તમારે ધૂમ્રપાન છોડવું જ જોઈએ. વર્ષોથી ધૂમ્રપાન કરનાર બે વ્યક્તિઓમાંથી એક તમાકુને કારણે મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના ડાયરેક્ટર જનરલ કહે છે: “સિગારેટમાં . . . વ્યક્તિને તલપ લાગે એટલું જ નિકોટીન મૂકવામાં આવે છે જેનાથી માણસ આખી જિંદગી એનો બંધાણી બની જાય છે અને છેવટે મોતને ભેટે છે.”

આમ, ધૂમ્રપાનથી આપણું સ્વાસ્થ્ય બગડતું હોવાથી આપણે એ છોડવું જ જોઈએ. એક અંદાજ મુજબ ધૂમ્રપાનથી ૨૫ કરતાં વધારે જીવલેણ બીમારીઓ થઈ શકે છે. દાખલા તરીકે, ધૂમ્રપાનથી હૃદયરોગનો હુમલો, લકવા, દમ તથા ફેફસાનું કૅન્સર થવાનું જોખમ વધી જાય છે.

એ ખરું છે કે વર્ષોથી ધૂમ્રપાન કરનારને બીમાર પડવાનું જોખમ વધારે રહેલું છે. એ ઉપરાંત ધૂમ્રપાન કરવાથી બીજા લોકો પર સારો પ્રભાવ પડતો નથી. જાહેરાતોમાં ધૂમ્રપાન કરનારાઓને ભલેને એકદમ સુંદર અને તંદુરસ્ત બતાવવામાં આવે, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે. લોકો ધૂમ્રપાન કરનારાઓ પાસે આવતા બીવે છે. ધૂમ્રપાન કરનારાઓના મોંમાંથી દુર્ગંધ આવે છે, તેઓના દાંત પીળા અને ગંદા થઈ જાય છે, આંગળીઓ પીળી પડી જાય છે. એનાથી પુરુષોએ માઠાં પરિણામો ભોગવવા પડે છે. તેઓને ખાંસી અને શ્વાસ ચડે છે. એ ઉપરાંત મોઢા પર કરચલીઓ પડવા માંડે છે અને ચામડીના રોગો થાય છે.

બીજાઓને પણ નુકશાન

બાઇબલ કહે છે: “પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) તમારો પ્રથમ પડોશી, તમારું પોતાનું કુટુંબ છે. તમે ખરેખર તેઓને ચાહતા હશો તો ધૂમ્રપાન કરવાનું છોડી દેશો.

ધૂમ્રપાન બીજાઓને નુકશાન પહોંચાડે છે. થોડા વર્ષો અગાઉ, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં ધૂમ્રપાન કરી શકતી હતી. પરંતુ હવે લોકો સજાગ બન્યા હોવાથી તેઓને ખબર પડી છે કે ધૂમ્રપાનનો ધુમાડો જોખમકારક છે અને એનાથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે, ધૂમ્રપાન કરનાર સાથે એક વ્યક્તિનું લગ્‍ન થાય તો એનાથી તેને પણ ફેફસાંનું કૅન્સર થવાનું જોખમ રહે છે. આ જોખમ ધૂમ્રપાન નહિ કરનારને ૩૦ ટકા વધારે રહે છે. માબાપ ધૂમ્રપાન કરતા હોય તો તેઓના બાળકોને એકાદ વર્ષમાં જ ન્યુમોનિયા કે દમની બીમારી થઈ શકે છે, જ્યારે કે ધૂમ્રપાન નહિ કરનાર કુટુંબોમાં બાળકોને એમ થવાની બીક રહેતી નથી.

ગર્ભવતી સ્ત્રીઓ ધૂમ્રપાન કરે છે ત્યારે તેઓ પોતાના ગર્ભમાંના બાળકને જોખમમાં મૂકે છે. ધૂમ્રપાનના ધુમાડાથી નિકોટીન, કાર્બન મોનોક્સાઈડ અને બીજા ઝેરી રસાયણો, માતાના લોહી મારફતે બાળક સુધી પહોંચે છે. તેથી કદાચ ગર્ભપાત થઈ શકે છે. ઘણી વાર મરેલું બાળક જન્મે છે અથવા જન્મ બાદ થોડાક સમયમાં જ શિશુનું મૃત્યુ થઈ જાય છે. તેમ જ બાળકોનું નાનપણમાં જ મૃત્યુ પામવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.

ખર્ચાળ

ધૂમ્રપાનનો શોખ ખૂબ જ ખર્ચાળ હોવાથી તમારે એને છોડી દેવો જોઈએ. વર્લ્ડ બૅન્કના અંદાજ મુજબ ધૂમ્રપાનથી થનારી બીમારીઓના ઉપચાર માટે દર વર્ષે બસ્સો અબજ ડૉલર ખર્ચ થાય છે. પરંતુ આ બીમારીઓથી થતાં દુઃખ અને તકલીફનો તો કોઈ હિસાબ જ નથી.

ધૂમ્રપાનનો સીધેસીધો ખર્ચ ગણવો એકદમ સહેલું છે. તમે એક દિવસમાં ધૂમ્રપાન પાછળ જેટલો ખર્ચ કરતા હોવ એનો ૩૬૫ વડે ગુણાકાર કરો. એનાથી તમને ખબર પડશે કે તમે ધૂમ્રપાન પાછળ વર્ષમાં કેટલો ખર્ચ કરો છો. એ રકમને તમે ૧૦ વડે ગુણાકાર કરો તો તમને ખબર પડશે કે તમે પછીના દસ વર્ષોમાં ધૂમ્રપાન પાછળ કેટલો ખર્ચ કરશો. એ જાણીને તમે તમારા મોંમાં આંગળા નાખવા માંડશો. જરા વિચારો કે તમારી પાસે એટલા પૈસા હોય તો, તમે શું કરી શકો?

અન્ય પ્રકારની સિગારેટ

તમાકુ ઉદ્યોગ એવી સિગારેટની પણ જાહેરાત કરે છે જેમાં ટાર અને નિકોટીનની માત્રા એકદમ ઓછી હોય છે. એથી કહેવામાં આવે છે કે એને પીવાથી શરીરને કંઈ નુકશાન થતું નથી. પરંતુ, જેઓ દમદાર સિગારેટ છોડીને ઓછી નિકોટીનવાળી સિગારેટ પીવે છે તેઓનું શરીર પહેલા જેટલું જ નિકોટીન મેળવવાનું ઇચ્છે છે. એથી તેઓ નિકોટીનનું પૂરતું પ્રમાણ મેળવવા માટે ઓછા નિકોટીનવાળી વધારે સિગારેટો પીવે છે અને વધારે ઊંડો શ્વાસ લે છે. એક પ્રકારની સિગારેટ છોડીને અન્ય પ્રકારની સિગારેટ પીવાથી તેઓની તંદુરસ્તી પર કંઈ ખાસ અસર પડતી નથી. તમે સિગારેટ પીવાનું છોડી દેશો તો જ તમારી તંદુરસ્તી સુધરશે.

હુક્કો, ચુંગી કે સિગાર પીવા વિષે શું? તમાકુ વેચનાર કંપનીઓ એવી વ્યક્તિઓને મોટા માણસ તરીકે ચિત્રિત કરે છે. પરંતુ એનો ધુમાડો પણ સિગારેટ જેટલો જ જોખમકારક છે. તેઓ ભલેને ધુમાડો અંદર નથી લેતા છતાં, તેઓને હોઠ, મોઢું કે જીભનું કૅન્સર થવાનો ભય રહેલો છે.

શું તમાકુ ખાવી સલામત છે? તમાકુ બે પ્રકારની આવે છે: સૂંઘવાની છીંકણી અને ચાવવાની તમાકુ. છીંકણી નાની નાની ડબ્બીઓમાં કે પડીકીઓમાં વેચવામાં આવે છે. મોટા ભાગે છીંકણીને સૂંઘવામાં આવે છે, ઘણા લોકો એને પોતાના હોઠ નીચે મૂકીને ચૂસતા પણ હોય છે. ચાવવામાં આવતી તમાકુની પડીકીઓમાં મોટા ભાગે પાંદડાંનો ભૂક્કો ભરેલો હોય છે. આ પાંદડાંઓને ચાવવામાં આવે છે, એને ચૂસવામાં આવતા નથી. તમાકુ ચાવવાથી અને છીંકણી સુંઘવાથી મોઢામાંથી દુર્ગંધ આવે છે, દાંત પીળા પડી જાય છે, મોઢાનું અને ગળાનું કૅન્સર થઈ શકે, મોઢામાં સફેદ ચાંદાં પડી જાય છે. વળી સમય જતાં કૅન્સર પણ થઈ શકે, અવાળા અને દાંતની આસપાસના હાડકાં સડવા લાગે છે. તો પછી એ સ્પષ્ટ છે કે તમાકુ ચૂસવાથી કે ચાવવાથી ધૂમ્રપાન જેટલું જ નુકશાન થાય છે.

છોડવાના લાભો

ધારો કે તમે લાંબા સમયથી ધૂમ્રપાન કરી રહ્યા છો. તમે એ છોડી દો તો શું થઈ શકે? છેલ્લી સિગારેટ પીધા પછી ૨૦ મિનિટની અંદર જ તમારું લોહીનું દબાણ સામાન્ય થઈ જાય છે. એક સપ્તાહમાં તો તમારા શરીરમાંથી બધું નિકોટીન સાફ થઈને નીકળી જાય છે. એક મહિના પછી તમારી ખાંસી, કફ ઓછો થશે, શરીરમાં ફરી શક્તિ આવશે અને શ્વાસની તકલીફ ઓછી થવા લાગશે. એ છોડ્યા પછી પાંચ વર્ષમાં ઘણો સુધારો થશે જેમ કે ફેફસાંના કૅન્સરથી થતા મરણમાં પચાસ ટકા ઘટાડો થશે. પંદર વર્ષ પછી તો, હૃદયરોગનો હુમલો થવાનો ભય સામાન્ય વ્યક્તિની જેમ એકદમ ઓછો થઈ જશે.

તમને ભોજન સ્વાદિષ્ટ લાગશે. તમારા શ્વાસ, શરીર અને કપડાંમાંથી ગંધ દૂર થશે. આમ તમાકુનો ખર્ચો ઓછો થઈ જશે. તેથી તમે ખૂબ જ ખુશ થશો. તમારાં બાળકો સારા ઉદાહરણનું અનુકરણ કરશે અને કદી પણ ધૂમ્રપાન કરવાનું નહિ વિચારે. તમે લાંબુ જીવશો. આમ તમે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવી શકશો, કારણ કે બાઇબલ કહે છે કે: “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર” કરીએ. (૨ કોરીંથી ૭:૧) એવું કદીયે ન વિચારો કે બહું મોડું થઈ ગયું છે અને હવે હું આ ટેવ નહિ છોડી શકું, બની શકે એટલું જલદી છોડો તો સારું.

સિગારેટ છોડવી કેમ અઘરી છે?

વ્યક્તિ ભલેને ગમે તેટલો પાક્કો નિર્ણય કરે, ધૂમ્રપાન છોડવું કંઈ સહેલું નથી. એક વાર તમાકુમાં રહેલા નિકોટીનની ટેવ પડી જાય તો, વ્યક્તિ આખી જિંદગી એનો બંધાણી થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે, “મગજ પર અસર કરનાર હેરોઈન અને કોકીન જેવા ડ્રગ્સ કરતાં નિકોટીનની ટેવ વધારે ખતરનાક છે.” હેરોઈન અને કોકીન લેવાથી જેટલો નશો ચડે છે એટલો નિકોટીનથી તરત જ નથી ચડતો, તેથી એ પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવતું નથી. નિકોટીન લેવાથી લોકોને અમુક પ્રકારનો આનંદ મળતો હોવાથી તેઓ વારંવાર સિગારેટ ફૂંક્યા કરે છે. નિકોટીનની સાચે જ તમારા મગજ પર અસર પડે છે, એનાથી તમારી ચિંતા ઓછી થઈ જાય છે. પરંતુ ધૂમ્રપાન કરવાથી ચિંતા ઓછી થાય છે એનું મુખ્ય કારણ નિકોટીન પોતે જ છે.

વ્યક્તિ પોતે સિગારેટની બંધાણી બની ગઈ હોવાથી એ છોડવી અઘરી છે. એ ઉપરાંત નિકોટીનના વ્યસનીને વારંવાર લાઇટર કે માચીસ સળગાવવાની અને ફૂંકવાની આદત પડી ગઈ હોય છે. વળી, કેટલાકનું કહેવું છે કે ‘તમારા હાથ પોતાની મેળે જ એમ કરવા માંડે છે.’ ‘એનાથી સમય એકદમ આરામથી પસાર થઈ જાય છે.’

ત્રીજી મુશ્કેલી એ છે કે તમાકુ જીવનનો એક ભાગ બની ગયું હોય છે. તમાકુ ઉદ્યોગ દર વર્ષે જાહેરાતો પાછળ લગભગ છ અબજ ડૉલર ખર્ચ કરે છે. આ જાહેરાતોમાં ધૂમ્રપાન કરનારાઓને અતિસુંદર, તાજગીવાળા, તંદુરસ્ત અને બુદ્ધિશાળી બતાવવામાં આવ્યા છે. ઘણી વાર તેઓને ઘોડેસવારી કરતા, તરતા, ટેનિસ રમતાં કે કોઈ અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેતા બતાવવામાં આવે છે. તમાકુને કાયદેસર રીતે વેચવામાં આવે છે અને એ ગમે ત્યાં કોઈ પણ સ્થળે મળી શકે છે. આપણી ફરતે પણ અનેક લોકો બીડી કે સિગારેટ પીતા જોવા મળી આવે છે. એના ધુમાડાથી બચવું ખરેખર મુશ્કેલ છે.

માથાના દુઃખાવાથી રાહત મેળવવા માટે આપણે તરત જ ઍસ્પિરિન જેવી કોઈ ગોળી લઈએ છીએ, પરંતુ દુઃખની વાત છે કે ધૂમ્રપાન છોડવા માટે એવી કોઈ ગોળી નથી. સિગારેટ છોડવા પાછળ ઘણા કારણો રહેલા છે. જેમ વજન ઘટાડવા માટે સમય અને મહેનતની જરૂર પડે છે તેમ, ધૂમ્રપાન છોડવા માટે પુષ્કળ મહેનતની જરૂર છે. પૂરેપૂરી કોશિશ કરવાથી વ્યક્તિને ધૂમ્રપાન છોડવામાં ચોક્કસ સફળતા મળે છે.

[પાન ૫ પર બોક્સ]

નાનપણથી લત પડવી

અમેરિકામાંના એક સંશોધને બતાવ્યું કે પહેલી વાર સિગારેટ પીનાર ૪માંથી ૧ વ્યક્તિને એની લત પડી જાય છે. કોકીન અને હેરોઈનના બંધાણીઓની સંખ્યા પણ એમ જ સૂચવે છે. ધૂમ્રપાન શરૂ કરનાર યુવાનોમાંના ૭૦ ટકાને, આ આદતની શરૂઆત કરવા બદલ અફસોસ હોય છે, પરંતુ બહું થોડા જ એને છોડી શકે છે.

[પાન ૫ પર બોક્સ]

સિગારેટના ધુમાડામાં શું હોય છે?

સિગારેટના ધુમાડામાં ટાર હોય છે, જેમાં ૪,૦૦૦થી વધારે તત્ત્વો હોય છે. એમાંના ૪૩ તત્ત્વો એવા છે જેનાથી કૅન્સર થઈ શકે છે. એમાંના અમુક છે સાઈનાઈડ, બેન્જીન, મિથેનોલ અને એસિટીલીન (વેલ્ડીંગ મશીનોમાં ઉપયોગી ઈંધણ). સિગારેટના ધુમાડામાં નાઇટ્રોજન ઑક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ગૅસ પણ હોય છે. ધુમાડામાં નિકોટીનનું પ્રમાણ પુષ્કળ હોય છે જેની લત પડી જવાથી લોકો એના બંધાણી બની જાય છે.

[પાન ૬ પર બોક્સ]

પ્રિયજનોને સિગારેટ છોડવા મદદ કરવી

તમે ધૂમ્રપાન ન કરતા હોવ, પરંતુ એના જોખમોથી સારી રીતે પરિચિત હોવ તો, તમારા મિત્રો અથવા સ્નેહીજનોને ધૂમ્રપાન કરતા જોઈને તમને દુઃખ થઈ શકે. સિગારેટ છોડવા માટે તમે તેઓને કઈ રીતે મદદ કરી શકો? વારંવાર ટોક્યા કરવાથી, આજીજીઓ કરવાથી, દબાણ કરવાથી અને મજાક કરવાથી તમે મદદ નહિ કરી શકો. અથવા તો લાંબા લાંબા ભાષણો આપવાથી પણ મદદ નહિ કરી શકો. એમ ​કરવાથી સિગારેટ પીનાર હેરાન થઈ જશે અને પોતાની હેરાનગતિ દૂર કરવા ફરીથી સિગારેટ પીવા લાગશે. તેથી ​સમજવાની કોશિશ કરો કે આ ટેવને છોડવી એટલું સહેલું નથી અને કેટલાકને એ છોડવું વધારે મુશ્કેલ પણ લાગી શકે.

બીજા પર બળજબરી કરવાથી ધૂમ્રપાન છોડાવી નહિ શકાય. વ્યક્તિએ પોતે હિંમતપૂર્વક અને પાક્કા નિર્ણયથી એ છોડવા ઇચ્છા રાખવી જોઈએ. તમે પ્રેમથી તેના નિર્ણયમાં સાથ આપવા ભિન્‍ન રીતોનો ઉપયોગ કરીને મદદ કરી શકો.

તમે એમ કઈ રીતે કરી શકો? યોગ્ય સમયે, તે વ્યક્તિને પ્રેમ બતાવો અને તેમને જણાવો કે ‘તમારી ધૂમ્રપાનની ટેવને કારણે હું ખૂબ જ ચિંતિત છું.’ તેઓને જણાવો કે તે ધૂમ્રપાન છોડવાનો નિર્ણય કરશે તો તમે તેઓને પૂરેપૂરી મદદ કરશો. જોકે વારંવાર એક જ રીતનો ઉપયોગ કરવાથી પૂરતી મદદ નહિ મળે.

તમારું સ્નેહીજન ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લે તો તમે શું કરી શકો? એ કદી ન ભૂલો કે ધૂમ્રપાન છોડતી વખતે વ્યક્તિને ઘણી તકલીફો પડે છે. તે નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશે અને ચિડાઈ પણ જશે. તેનું માથું ભમવા માંડશે અને સારી રીતે ઊંઘ પણ નહિ આવે. આવા સમયે તમારા સ્નેહીજનને દિલાસો આપો કે આ તકલીફો કેવળ થોડા સમય માટે જ છે અને એ બતાવી આપે છે કે તમારું શરીર સ્વસ્થ થઈ રહ્યું છે. આનંદી અને આશાવાદી બનો. તેમને જણાવો કે ધૂમ્રપાન છોડવાના નિર્ણયથી તમે કેટલા ખુશ છો. ધૂમ્રપાન છોડવાથી થતી તકલીફો દરમિયાન પોતાના સ્નેહીજનને પૂરી મદદ કરો જેથી તે ચેન મેળવવા માટે ફરીથી ધૂમ્રપાન ન કરે.

તે ફરીથી સિગારેટ પીવા માંડે તો શું? ઉશ્કેરાઈ જવાને બદલે શાંત રહો. તેની પરિસ્થિતિને સમજો. આ નિષ્ફળતાથી તમે બંને પાઠ શીખો છો, જેનાથી ફરી વાર પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળશે.

[પાન ૭ પર ચિત્ર]

તમાકુ કંપનીઓ દર વર્ષે જાહેરાતો પાછળ લગભગ છ અબજ ડૉલર ખર્ચે છે