સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈસુને ભજવામાં કંઈ ખોટું છે?

શું ઈસુને ભજવામાં કંઈ ખોટું છે?

બાઇબલ શું કહે છે

શું ઈસુને ભજવામાં કંઈ ખોટું છે?

ખ્રિસ્તીરાષ્ટ્રમાં સદીઓથી ઘણા લોકો ઈસુને જ સર્વશક્તિમાન પરમેશ્વર માનીને તેમની ઉપાસના કરે છે. પરંતુ ઈસુએ શું કહ્યું હતું? નોંધ લો કે શેતાને પોતાની ઉપાસના કરાવવા માટે ઈસુને લાલચ આપી ત્યારે, તેમણે કહ્યું: “પ્રભુ [યહોવાહ] તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.” (માત્થી ૪:૧૦) ઈસુ પોતે પોતાના સ્વર્ગીય પિતા એટલે કે યહોવાહ પરમેશ્વરની ઉપાસના કરતા હતા. એથી ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું કે “પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમકે એક જે આકાશમાં છે, તે તમારો બાપ છે.”—માત્થી ૨૩:૯.

આ જ બાબત ઈસુએ એક સમરૂની સ્ત્રીને પણ જણાવી કે એ પ્રકારની ઉપાસના દરેકે કરવી જોઈએ. તેઓની ઉપાસના આત્મા અને સત્યતાથી હોવી જોઈએ. વાસ્તવમાં, “એવા ભજનારાઓને બાપ ઇચ્છે છે.” (યોહાન ૪:૨૩, ૨૪) ધ્યાન આપો કે ઈસુએ અહીં એમ નથી કહ્યું કે હું આવા ભજનારાઓને ઇચ્છું છું પરંતુ તેમણે કહ્યું કે “બાપ” એવા ભજનારાઓને ઇચ્છે છે. હા, ફક્ત સ્વર્ગીય પિતા યહોવાહ પરમેશ્વર જ આપણી ઉપાસના કે ભક્તિ મેળવવાને લાયક છે. તેમને છોડીને કોઈ બીજી વ્યક્તિ કે વસ્તુની ઉપાસના કરવી એ મૂર્તિપૂજા સમાન છે. વળી, બાઇબલના હેબ્રી અને ગ્રીક શાસ્ત્રવચનોમાં એને ઘૃણાસ્પદ કાર્ય ગણવામાં આવ્યું છે.—નિર્ગમન ૨૦:૪, ૫; ગલાતી ૫:૧૯, ૨૦.

પરંતુ કોઈ કદાચ કહે કે: ‘શું બાઇબલમાં એમ પણ નથી જણાવ્યું કે આપણે ઈસુની પણ ઉપાસના કરવી જોઈએ? શું પાઊલે હેબ્રી ૧:૬માં નથી કહ્યું: “દેવના સર્વ દૂતો તેનું [ઈસુનું] ભજન કરો.” એનો જવાબ મેળવવા માટે સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે બાઇબલ પ્રમાણે અહીં ઉપયોગ કરવામાં આવેલો શબ્દ “ભજન”નો અર્થ ઉપાસના કરવો છે કે નહિ?

“ભજન”નો અર્થ

ભજન શબ્દથી પાઊલ શું કહેવા માંગતા હતા? પાઊલે અહીં ભજન શબ્દ માટે ગ્રીક શબ્દ પ્રોસ્કીનીઓનો ઉપયોગ કર્યો અને અંગરનો બાઇબલ કોશ મુજબ એનો અર્થ ‘કોઈને આદર આપવા માટે તેનો હાથ ચૂમવો અથવા તેને માન-સમ્માન આપવું’ થાય છે. ડબ્‌લ્યુ. ઈ. વાઈનની એન એક્સપોઝીટરી ડિક્ષનરી ઑફ ન્યૂ ટેસ્ટામેન્ટ વડ્‌ર્સ કહે છે કે આ શબ્દનો અર્થ “શ્રદ્ધા બતાવવી થાય છે. એનો ઉપયોગ માણસો અને પરમેશ્વર એમ બંને માટે કરી શકાય.” બાઇબલ સમયમાં કોઈ મોટા માણસને આદર આપવા માટે તેની સામે નમવું પણ પ્રોસ્કીનીઓ હતું.

આ શબ્દને વધારે સારી રીતે સમજવા માટે ઈસુના જણાવેલા એક દૃષ્ટાંત પર વિચાર કરો. એક ચાકર પોતાના શેઠ પાસેથી ઉધાર લે છે પરંતુ એને ચૂકવી શકતો નથી. બાઇબલમાં લખેલું છે કે “દેવાદાર નમી પડીને આજીજી કરવા લાગ્યો, નામદાર કૃપા કરી ધીરજ રાખો હું તમામ દેવું ભરપાઈ કરી આપીશ.” (માત્થી ૧૮:૨૬ IBSI; અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) અહીં નમી પડીને શબ્દ માટે ગ્રીક શબ્દ પ્રોસ્કીનીઓનો જ ઉપયોગ કર્યો છે. તો શું આપણે એમ કહી શકીએ કે આ ચાકર પોતાના શેઠની ઉપાસના કરી રહ્યો હતો? જરા પણ નહિ. તે તો ફક્ત પોતાના શેઠ, રાજાને આદર આપી રહ્યો હતો.

બાઇબલ સમયમાં કોઈને આદર બતાવવા માટે તેની આગળ નમવું એક સામાન્ય બાબત હતી. યાકૂબ પોતાના ભાઈ એસાવને મળ્યો ત્યારે તેણે સાત વાર જમીન સુધી નમીને તેને દંડવત્‌ પ્રણામ કર્યા. યુસફના ભાઈઓએ પણ ભોંય લગી માથાં નમાવીને તેને સાષ્ટાંત દંડવત્‌ પ્રણામ કર્યા કારણ કે યુસફ એ સમયે મિસરનો અધિપતિ હતો. (ઉત્પત્તિ ૪૨:૬) આ ઉદાહરણોથી આપણને સમજણ પડે છે કે માગીઓ ઈસુને મળવા આવ્યા ત્યારે તેઓએ શું કર્યું હશે. તેઓ મુજબ ઈસુ ‘યહુદીઓના રાજા’ હતા. તો પછી તેઓએ ઈસુને આદર આપવા માટે શું કર્યું? બાઇબલ જણાવે છે કે તેઓએ “પગે પડીને [પ્રોસ્કીનીઓ] તેનું ભજન કર્યું.”—માત્થી ૨:૨, ૧૧.

સ્પષ્ટપણે, કેટલાક બાઇબલમાં પ્રોસ્કીનીઓ શબ્દને યહોવાહ પરમેશ્વર ઉપરાંત માણસો માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એથી પરમેશ્વરને આપવામાં આવેલી ઉપાસના અને માણસોને આપવામાં આવેલા આદર વચ્ચે ભિન્‍નતા બતાવવા માટે કેટલાક બાઇબલ ભાષાંતરમાં હેબ્રી ૧:૬માં પ્રોસ્કીનીઓનો આ રીતે અનુવાદ કરવામાં આવ્યો છે “તેને પ્રણામ કરો” (સંપૂર્ણ બાઇબલ) “તેમને નમસ્કાર કરો” (ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન).

ઈસુ દંડવત્‌ પ્રણામ કરવાને યોગ્ય હતા

શું ઈસુ દંડવત્‌ પ્રણામ કરવાને યોગ્ય છે? પ્રેષિત પાઊલે જેમ હેબ્રીઓને જણાવ્યું કે “સઘળાંનો વારસ” હોવાને કારણે “મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બેઠો છે.” (હેબ્રી ૧:૨-૪) આમ, “આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ તળેનાં સર્વે ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.”—ફિલિપી ૨:૧૦, ૧૧.

જલદી જ ઈસુ પોતાના આ ઊંચા સ્થાનનો ઉપયોગ કરીને આ દુનિયાની દુષ્ટતાનો નાશ કરી દેશે. તે આખી પૃથ્વીને પોતાના અધિકાર હેઠળ સુંદર બગીચા જેવી બનાવશે. પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ તે પોતાના વફાદાર લોકોની ખાતર પોતાના ખંડણીમય બલિદાનનો ઉપયોગ કરીને, જગતમાંથી સર્વ દુઃખ, પીડા અને મુશ્કેલીઓને કાઢી નાખશે. ત્યારે આ પૃથ્વી પર આશીર્વાદ આવશે. તો શું આ સર્વ માટે ઈસુ આપણા માન, સમ્માન અને દંડવત્‌ પ્રણામને યોગ્ય નથી? હા ચોક્કસ છે!—ગીતશાસ્ત્ર ૨:૧૨; યશાયાહ ૯:૬; લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

“આવેશી દેવ”

આપણી ઉપાસના અને ભક્તિની વાત આવે છે ત્યારે એના વિષે બાઇબલ સ્પષ્ટ કહે છે કે એ કેવળ પરમેશ્વરને જ જવી જોઈએ. મુસાએ જણાવ્યું કે તે “આવેશી દેવ” છે. અને બાઇબલ જણાવે છે કે “જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યાં, તેની આરાધના કરો.”—પુનર્નિયમ ૪:૨૪; પ્રકટીકરણ ૧૪:૭.

વાસ્તવમાં, યહોવાહ પરમેશ્વરની સાચી ઉપાસનાની વ્યવસ્થામાં ઈસુ ઊંચું પદ ધરાવે છે અને એક મહત્ત્વની ભૂમિકા નિભાવે છે એથી તે આપણા માન અને સમ્માનને યોગ્ય છે. (૨ કોરીંથી ૧:૨૦, ૨૧; ૧ તીમોથી ૨:૫) ફક્ત તેમની મારફતે જ આપણે યહોવાહની નજીક જઈ શકીએ છીએ. (યોહાન ૧૪:૬) પરંતુ ઉપાસના અને ભક્તિની વાત આવે છે ત્યારે, સાચા ખ્રિસ્તીઓ ફક્ત સર્વશક્તિમાન પરમેશ્વર યહોવાહની જ ઉપાસના કરે છે.