સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારું વિખરાયેલું કુટુંબ ફરીથી ભેગું થયું

અમારું વિખરાયેલું કુટુંબ ફરીથી ભેગું થયું

અમારું વિખરાયેલું કુટુંબ ફરીથી ભેગું થયું

લાર્સ અને જુડીથ વેસ્ટરગારના જણાવ્યા પ્રમાણે

ડે નમાર્કમાં એક સુખી કુટુંબ રહે છે. ઘરની આગળ સુંદર બગીચો છે અને ગામમાં બધે જ શાંતિ છે. ઘરમાં દીવાલ પર ત્રણ હસતા તંદુરસ્ત બાળકોનો ફોટો જોવા મળે છે.

પતિનું નામ લાર્સ છે અને તે હવે યહોવાહના સાક્ષીઓના મંડળમાં એક વડીલ છે. તેની પત્નીનું નામ જુડીથ છે અને તે એક પાયોનિયર (પૂરા સમયની પ્રચારક) છે. આજે તેઓ બંને સુખી છે પરંતુ બાબત હંમેશા એમ નહોતી. એક સમય એવો હતો જ્યારે લાર્સ અને જુડીથ એકબીજા પ્રત્યે નફરત કરવા લાગ્યા હતા. તેથી પરિણામ એ આવ્યું કે બંનેના છૂટાછેડા થઈ ગયા. બાળકોને પોતાના પપ્પા પાસેથી અલગ થવું પડ્યું. આમ આ સુખી કુટુંબ છિન્‍નભિન્‍ન થઈ ગયું.

આ કુટુંબ ફરીથી કઈ રીતે ભેગું થયું? એક સુખી કુટુંબમાં લાર્સ અને જુડીથે ક્યાં ભૂલ કરી હતી? તેઓએ પોતાની ભૂલ કઈ રીતે સુધારી? આ સર્વ પ્રશ્નોના જવાબ તેઓ ખુશીથી આપવા માંગે છે. તેઓને લાગે છે કે પોતાની સાથે જે બન્યું એની માહિતી જાણીને બીજાઓને પણ મદદ મળી શકે છે. લાર્સ અને જુડીથ પોતાની વાર્તા શરૂ કરે છે.

એક સારી શરૂઆત

લાર્સ: અમારું લગ્‍ન એપ્રિલ ૧૯૭૩માં થયું હતું. અમે બંને ખૂબ જ ખુશ હતા, જાણે આખી દુનિયાની ખુશી અમને મળી ગઈ હોય. અમને લાગ્યું કે જીવન આ રીતે આનંદથી વીતી જશે. અમે કદી બાઇબલ વાંચ્યું ન હતું, તેમ જ યહોવાહના સાક્ષીઓને પણ મળ્યા ન હતા. તોપણ અમને ખાતરી હતી કે દુનિયા ચોક્કસ આનંદનું ઘર બની શકે છે. એથી અમે રાજકારણમાં જોડાવા લાગ્યા. પછી અમારે ત્યાં ત્રણ તંદુરસ્ત બાળકો જન્મ્યા જેનાથી અમારી ખુશીમાં વધારો થયો. અમે અમારા છોકરાઓનું નામ માર્ટીન, થોમાસ અને યોનાસ રાખ્યું.

જુડીથ: સરકારી ખાતામાં હું સારા હોદ્દાએ નોકરી કરતી હતી. એ જ સમયે હું રાજકારણ અને મજૂર યુનિયનમાં ભાગ લેતી હતી. ધીરે ધીરે મને ઊંચા હોદ્દા મળતા ગયા.

લાર્સ: હું પણ એક મોટી લેબર યુનિયન પાર્ટીમાં કામ કરતો હતો અને હું પણ ઊંચા હોદ્દા પર હતો. અમે હરણફાળ સફળતા પ્રાપ્ત કરી રહ્યા હતા.

સંબંધ બગડ્યો

લાર્સ: પરંતુ અમે બંને કામમાં એટલા બધા ડૂબી ગયા કે અમારી પાસે સાથે બેસવાનો પણ સમય ન હતો. જોકે અમે બંને એક જ લેબર યુનિયન પાર્ટીમાં અલગ અલગ વિભાગમાં કામ કરતા હતા. અમે અમારા કામોમાં એટલા બધા રચ્યાપચ્યા રહેવા લાગ્યા કે એક સાથે બેસીને થોડો સમય પસાર કરવો પણ મુશ્કેલ બનવા લાગ્યું. અમારા ત્રણ બાળકો માટે પણ અમારી પાસે સમય ન હતો. એથી બાળકોની સંભાળ રાખવા અમે તેઓને કોઈના ઘરે અથવા બાળ ઉછેર-ઘરમાં મૂકીને કામ પર જતા. સમય ન હોવાને કારણે અમારું કૌટુંબિક જીવન વેરણ-છેરણ થઈ ગયું. વળી, અમે બંને ઘરે સાથે હોઈએ ત્યારે અમારી વચ્ચે ઝઘડા થતા. રોજબરોજની ખટપટને કારણે મેં પીવાનું શરૂ કરી દીધું.

જુડીથ: અમે બંને એકબીજાને ચાહતા હતા છતાં અમારો પ્રેમ વધવાને બદલે ધીરે ધીરે ઘટી રહ્યો હતો. અમારા વચ્ચેનું અંતર વધતું ગયું અને એનું પરિણામ અમારા બાળકોને ભોગવવું પડ્યું.

લાર્સ: કુટુંબના ભલા માટે મેં મારી નોકરી છોડી દીધી. અમે ૧૯૮૫માં એ શહેર છોડીને બીજા શહેરમાં જઈને વસ્યા. અહીં આવીને સ્થિતિ થોડીક સુધરવા લાગી હતી, પરંતુ થોડાક સમય પછી અમે ફરીથી પોત-પોતાના કામમાં પરોવાઈ ગયા. છેવટે, ફેબ્રુઆરી ૧૯૮૯માં લગ્‍નના ૧૬ વર્ષ પછી અમારા છૂટાછેડા થઈ ગયા. અમારું કૌટુંબિક જીવન વેરવિખેર થઈ ગયું.

જુડીથ: વિખેરાઈ ગયેલું કુટુંબ અને બાળકોની હાલત જોઈને મને ઘણું દુઃખ થયું. અમે એકબીજા પ્રત્યે એટલી નફરત કરતા હતા કે ત્રણેય બાળકોનું પાલનપોષણ અમે એકલા કરવા માંગતા હતા. છેવટે અદાલતે ફેંસલો આપ્યો કે ત્રણેય બાળકોની જવાબદારી હું સંભાળું.

લાર્સ: છૂટાછેડા થયા અગાઉ, કુટુંબની સુખશાંતિ માટે મેં જુડીથ સાથે અમુક વાર સમજૂતી કરવા પ્રયત્ન કર્યો હતો. મદદ માટે અમે પરમેશ્વરને પ્રાર્થના પણ કરી હતી. ત્યારે અમે પરમેશ્વર વિષે બહું જાણતા ન હતા, નહિતર છૂટાછેડા લેવાનો વારો ન આવત.

જુડીથ: એ પ્રાર્થનાનો જવાબ અમને તરત ન મળ્યો એથી અમે વિચાર્યું કે પરમેશ્વરે અમારી પ્રાર્થના સાંભળી નથી. ત્યાર પછી અમે શીખ્યા કે પરમેશ્વર પ્રાર્થનાઓને સાંભળે છે. એ માટે અમે તેમના આભારી છીએ.

લાર્સ: અમને ખબર જ ન હતી કે અમારે જીવનમાં મોટા ફેરફારો કરવાની જરૂર છે. તેથી છેવટે છૂટાછેડા લેવા પડ્યા.

અચાનક લાર્સના જીવનમાં બદલાણ

લાર્સ: છૂટાછેડા પછી હું એકલો રહેવા લાગ્યો, પછી કંઈક એવું બન્યું કે મારા જીવનમાં બદલાણ આવ્યું. એક દિવસ યહોવાહના સાક્ષીઓ મારા ઘરે આવ્યા. જોકે દર વખતે હું તેમને કાઢી મૂકતો હતો, પરંતુ આ વખતે મેં તેઓ સાથે વાત કરી અને તેઓ મને બે સામયિકો આપીને જતા રહ્યા. મેં સામયિકો વાંચ્યા ત્યારે મને ખબર પડી કે યહોવાહના સાક્ષીઓ પરમેશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં માને છે. મને એ જાણીને ખૂબ આશ્ચર્ય થયું કે સાક્ષીઓ વાસ્તવમાં ખ્રિસ્તીઓ જ હતા, કેમ કે પહેલા મને એની ખબર જ ન હતી.

એ દરમિયાન મારી મુલાકાત એક સ્ત્રી સાથે થઈ અને અમે બંને સાથે રહેવા લાગ્યા. તે સ્ત્રી પહેલા એક યહોવાહની સાક્ષી હતી. મેં તેને અમુક પ્રશ્નો પૂછ્યા ત્યારે બાઇબલ ખોલીને તેણે મારા પ્રશ્નોના જવાબ આપ્યા. જેમ કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. અને “યહોવાહના સાક્ષી”નો અર્થ, “પરમેશ્વરના સાક્ષી” થાય છે!

પછી એ સ્ત્રીએ મને યહોવાહના સાક્ષીઓના સંમેલનમાં પ્રવચન સાંભળવા માટે આમંત્રણ આપ્યું. એ સંમેલનમાં મેં જે કંઈ પણ જોયું એનાથી સત્ય જાણવાની મારી ઇચ્છા જાગી. પછી હું તેઓની સભામાં ગયો અને ત્યાં મારા બાઇબલ અભ્યાસનો સમય નક્કી કર્યો. થોડા સમયમાં હું શીખ્યો કે જે રીતે હું રહેતો હતો એ સારું ન હતું. પછી મેં એ સ્ત્રીને પણ છોડી દીધી અને પોતાના શહેરમાં પાછો જઈને એકલો રહેવા લાગ્યો. હવે મને થોડીક બીક હતી પરંતુ મેં ફરીથી યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધ્યો અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.

છતાં, અમુક બાબતો વિષે મને શંકા હતી. જેમ કે પરમેશ્વરના સાચા સેવકો શું ફક્ત યહોવાહના સાક્ષીઓ જ છે? શું નાનપણથી જ મને જે શીખવવામાં આવ્યું હતું એ સર્વ ખોટું હતું? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે હું એક એડવેન્ટિસ્ટ ચર્ચના પાદરી પાસે ગયો કારણ કે હું સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ધર્મમાં ઊછર્યો હતો. પાદરી મને બાઇબલ વિષે શીખવવા માટે તૈયાર થઈ ગયા. આ રીતે હું દર સોમવારે યહોવાહના સાક્ષીઓ સાથે અને દર બુધવારે પાદરી સાથે બાઇબલ શીખવા લાગ્યો. મારે આ બંને ધર્મો પાસેથી ખાસ કરીને ચાર બાબતો સ્પષ્ટપણે જાણવી હતી: ઈસુ કઈ રીતે પાછા આવશે, લોકોને કઈ રીતે સજીવન કરવામાં આવશે, ત્રૈક્યનું શિક્ષણ અને મંડળ કેવું હોવું જોઈએ. થોડાક મહિનાઓમાં જ મારી શંકા દૂર થઈ ગઈ. મને ખબર પડી કે ફક્ત આ ચાર બાબતોમાં જ નહિ પરંતુ બીજી બાબતોમાં પણ કેવળ યહોવાહના સાક્ષીઓનું શિક્ષણ જ પૂરી રીતે બાઇબલ પર આધારિત છે. છેવટે હું આનંદથી મંડળના સર્વ કામમાં ભાગ લેવા લાગ્યો અને જલદી જ યહોવાહ પરમેશ્વરને સમર્પિત થયો. મે ૧૯૯૦માં મેં બાપ્તિસ્મા લીધું.

જુડીથનું શું થયું?

જુડીથ: છૂટાછેડા પછી હું ફરીથી ચર્ચમાં જવા લાગી. મેં જ્યારે સાંભળ્યું કે લાર્સ યહોવાહનો સાક્ષી બની ગયો છે ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો. હું ક્યારેક મારા દસ વર્ષના છોકરા યોનાસને તેના પપ્પાને મળવા જવા દેતી હતી. પરંતુ આ વખતે મેં લાર્સને ચોખ્ખું જણાવી દીધું કે તે યોનાસને સાક્ષીઓની કોઈ પણ સભાઓમાં લઈ જશે નહિ. એથી લાર્સે અદાલત પાસેથી પરવાનગી માંગી પરંતુ ફેંસલો મારા પક્ષે આવ્યો અને આ વખતે પણ હું જીતી ગઈ.

એ દરમિયાન એક વ્યક્તિ સાથે મારે દોસ્તી થઈ ગઈ. એ ઉપરાંત, હું રાજકારણ અને સમાજસેવાના કામોમાં પહેલા કરતાં વધારે ભાગ લેવા માંડી હતી. એથી અમારું વિખેરાઈ ગયેલું કુટુંબ ફરી સાથે રહે એ એકદમ અશક્ય હતું.

યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ કંઈક શોધવા હું ચર્ચના પાદરી પાસે ગઈ. પરંતુ પાદરીએ મને સ્પષ્ટ જણાવ્યું કે પોતે સાક્ષીઓ વિષે કંઈ જ જાણતા નથી અને પોતાની પાસે સાક્ષીઓનું કોઈ સાહિત્ય પણ નથી. છતાં તેણે ફક્ત એટલું જ કહ્યું કે સાક્ષીઓથી દૂર રહેવામાં જ સૌનું ભલું છે. પરંતુ પાદરીની વાતની મારા પર કોઈ જ અસર ન પડી. પછી એક દિવસ એવો આવ્યો જેના વિષે મેં સ્વપ્નેય વિચાર્યું ન હતું, મારે મજબૂરીથી સાક્ષીઓ સાથે વાત કરવી પડી.

મારો ભાઈ સ્વીડનમાં રહેતો હતો અને તે યહોવાહનો સાક્ષી બની ગયો હતો. તેણે પોતાના લગ્‍નમાં મને તેઓના રાજ્યગૃહમાં બોલાવી. આમ હું સાક્ષીઓને ઓળખતી થઈ. એનાથી સાક્ષીઓ વિષેનું મારું મંતવ્ય બદલાઈ ગયું. હું હંમેશા વિચારતી હતી કે તેઓ એકદમ નીરસ વ્યક્તિઓ છે. પરંતુ હું ખોટી હતી. હું એ જોઈને આશ્ચર્ય પામી કે તેઓ દયાળુ છે અને મજાક-મસ્તી પણ કરે છે.

બીજી તરફ લાર્સ એકદમ બદલાઈ ગયો હતો. તે હવે એક જવાબદાર વ્યક્તિ બની ગયો હતો. પ્રેમ અને આદરથી વાત કરતો, પહેલાની જેમ વધારે પીતો પણ નહોતો અને બાળકો સાથે સમય કાઢતો હતો. તેનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. મારી નજરમાં એક સારા પતિમાં જે ગુણ હોવા જોઈએ એ સર્વ તેનામાં હતા. મને પોતાના પર ગુસ્સો આવતો હતો કે હું શા માટે તેની પત્ની નથી. મને ચિંતા થતી હતી કે તેને બીજી કોઈ સ્ત્રી મળી જશે તો ચોક્કસ તે લગ્‍ન કરી લેશે!

મેં એક યોજના ઘડી. મેં યોનાસને લાર્સ પાસે રહેવા મોકલી દીધો. પછી મારી બે બહેનો પોતાના ભાણિયાને મળવા માંગે છે એ બહાના હેઠળ અમે તેમને એક બાગમાં મળવા ગયા. મારી બહેનો યોનાસ સાથે રમવા લાગી. હું અને લાર્સ, એક બાંકડા પર જઈને બેસી ગયા.

હું અમારા ભવિષ્ય વિષે જણાવવા જતી હતી ત્યાં જ તેણે પોતાના ખિસ્સામાંથી એક પુસ્તક કાઢ્યું અને મને આપ્યું. એ પુસ્તકનું નામ હતું તમારું કૌટુંબિક જીવન સુખી બનાવવું. * તેણે મને કુટુંબમાં પતિ-પત્નીની જવાબદારીઓ શું છે એ વિષેનું પ્રકરણ વાંચવા જણાવ્યું. તેણે ભારપૂર્વક એ પણ જણાવ્યું કે હું એ પુસ્તકમાં આપવામાં આવેલી બાઇબલ કલમોને પણ વાંચું.

અમે ઊભા થયા ત્યારે, હું લાર્સનો હાથ પકડવા ગઈ પણ તેણે શાંતિથી ના પાડી દીધી. પરંતુ પછી મને ખાતરી થઈ કે લાર્સે યોગ્ય જ કર્યું હતું, કારણ કે એમાં જ મારી ભલાઈ હતી. હકીકતમાં લાર્સ મારી સાથે ફરીથી કોઈ પણ નવો સંબંધ બાંધતા પહેલાં, પોતાના ધર્મ વિષે મારો શો અભિપ્રાય છે એ જાણવા માંગતો હતો.

આ સર્વ બાબતોને કારણે હું હવે યહોવાહના સાક્ષીઓ વિષે વધારે જાણવા માંગતી હતી. બીજા દિવસે હું જઈને એક યહોવાહના સાક્ષીને મળી. તે અને તેનો પતિ મારા ઘરે આવીને મને તેઓના ધર્મ વિષે જણાવવા તૈયાર થઈ ગયા. મારા ઢગલેબંધ પ્રશ્નોના જવાબ તેમણે બાઇબલ ખોલીને બતાવ્યા. મેં જોયું કે યહોવાહના સાક્ષીઓ બધું બાઇબલમાંથી જ શીખવે છે. એક પછી એક વિષયો પર વાતચીત કર્યા પછી મારે કબૂલવું પડ્યું કે સાક્ષીઓ જ સત્ય શીખવે છે.

પછી મેં ઈવેન્જલીકલ લુથરન ચર્ચ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને રાજકારણમાંથી રાજીનામું આપી દીધું. પરંતુ સિગારેટ છોડવી મારા માટે સૌથી અઘરું હતું, છેવટે હું એ છોડવામાં પણ સફળ થઈ. ઑગસ્ટ ૧૯૯૦માં મેં બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એપ્રિલ ૧૯૯૧માં મેં બાપ્તિસ્મા લીધું અને એક યહોવાહની સાક્ષી બની ગઈ.

અમારા બીજા લગ્‍ન

જુડીથ: જોકે અમે અલગ થઈ ગયા હતા પરંતુ બાઇબલ અભ્યાસ કરવાથી અને એ જીવનમાં લાગુ પાડવાથી અમારા સ્વભાવમાં ઘણા ફેરફારો આવ્યા. આજે અમે બંને યહોવાહના સાક્ષીઓ છીએ, અને હવે એકબીજાને ખૂબ જ ચાહીએ છીએ. અમે બંને ફરીથી લગ્‍ન કરવા માટે સ્વતંત્ર હતા. તેથી, અમે એમ જ કર્યું. આ વખતે અમારું લગ્‍ન યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહમાં થયું.

લાર્સ: અશક્ય બાબત શક્ય બની. અમારું કુટુંબ ફરીથી એક બની ગયું! અમારી પાસે અમારો આનંદ વ્યક્ત કરવા માટે પૂરતા શબ્દો નથી!

જુડીથ: અમારા જીવનનો એ ખાસ દિવસ હું કદી નહિ ભૂલું. અમે સર્વ ખુશ હતા. અમારા ત્રણેય બાળકો, નવા-જૂના મિત્રો અને સર્વ સંબંધીઓ અમારા લગ્‍નમાં આવ્યા હતા. અમારા પહેલા લગ્‍નથી જ અમને ઓળખતા હતા તેઓ પણ અમને ફરીથી એક થયેલા જોઈને ખૂબ જ ખુશ થયા અને યહોવાહના સાક્ષીઓ વચ્ચે ખરો આનંદ જોઈને નવાઈ પામ્યાં.

બાળકો

લાર્સ: અમારા બાપ્તિસ્મા લીધા પછી અમારા બે દીકરાઓએ પણ પોતાનું જીવન યહોવાહને સમર્પિત કર્યું જેનાથી અમને ખૂબ જ આનંદ થયો.

જુડીથ: લાર્સે નાની ઉંમરથી જ યોનાસને બાઇબલ શીખવવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી જ યોનાસને સત્ય ગમતું હતું. યોનાસ ફક્ત દસ વર્ષનો હતો ત્યારે તે પોતાના પપ્પા સાથે રહેવા માંગતો હતો. તે કહેતો હતો, “પપ્પા બાઇબલ પ્રમાણે ચાલે છે.” ચૌદ વર્ષની ઉંમરે યોનાસે બાપ્તિસ્મા લઈ લીધું. તેણે શાળાનું શિક્ષણ પૂરું કરી દીધું છે અને હવે તે પૂરા સમયનો પ્રચારક છે.

લાર્સ: અમારા સૌથી મોટા પુત્ર માર્ટીને અમને ફરીથી લગ્‍ન કરતા જોયા એનાથી તે અમારા ધર્મ વિષે વધારે વિચારવા લાગ્યો. તે પોતાના પગભર થઈ ગયો હોવાથી હવે બીજા શહેરમાં જઈને રહેતો હતો. બે વર્ષ પહેલા માર્ટીને યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરી દીધો અને પાંચ મહિના પછી જ બાપ્તિસ્મા લઈ લીધું હતું. આજે માર્ટીન ૨૭ વર્ષનો છે. એક ખ્રિસ્તી તરીકે તે ઘણું બધું કરવા માંગે છે અને તે એમ જ કરવામાં મશગુલ છે.

અમારો બીજો છોકરો, થોમાસ સત્યમાં નથી. પરંતુ તેની સાથે અમારો સારો સંબંધ છે અને અમે તેને ખૂબ જ ચાહીએ છીએ. અમને એક થયેલા જોઈને તે ખૂબ જ ખુશ હતો. બધાનું માનવું છે કે લાર્સ અને જુડીથનું મિલન એટલા માટે શક્ય બન્યું કારણ કે તેઓએ બાઇબલના નિયમો પ્રમાણે જીવવાનું શરૂ કર્યું. એ કેટલું આશીર્વાદરૂપ છે કે અમે એક જ ઘરમાં, પોતાના ત્રણેય દીકરાઓ સાથે ભેગા મળી શકીએ છીએ!

અમારું હાલનું જીવન

લાર્સ: અમે પોતાની મોટાઈ નથી બતાવતા, પરંતુ એ સાચું છે કે અમે ઘણું બધું શીખ્યા છીએ. અમને એ ખબર પડી છે કે એક સુખી વૈવાહિક જીવન માટે પતિ-પત્નીમાં પ્રેમ અને આદર હોવો ખૂબ જ જરૂરી છે. આજે અમારા લગ્‍નનો પાયો પહેલા જેવો નથી. હવે હું અને જુડીથ યહોવાહ પરમેશ્વરને સર્વોચ્ચ અધિકારી માનીએ છીએ, અને તેમના નિયમો પ્રમાણે જીવીએ છીએ. અમે લગ્‍ન બંધનમાં બંધાયેલા છીએ અને અમને કોઈ પણ અલગ નહિ કરી શકે.

જુડીથ: સુખી કુટુંબ માટે યહોવાહે માણસોને જે નિયમો આપ્યા છે એ જ સૌથી ઉત્તમ છે. એ માટે અમે જીવતો જાગતો પુરાવો છીએ.

[ફુટનોટ]

^ આ પુસ્તક ૧૯૭૮માં વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીએ પ્રકાશિત કર્યું હતું. હવે આ પુસ્તક ફરીથી છાપવામાં આવતું નથી.

[પાન ૨૨ પર ચિત્ર]

વર્ષ ૧૯૭૩માં લાર્સ અને જુડીથનું પહેલું લગ્‍ન થયું ત્યારે

[પાન ૨૩ પર ચિત્ર]

ત્રણ પુત્રોએ પોતાનું સુખી કુટુંબ ગુમાવીને ફરીથી મેળવ્યું

[પાન ૨૫ પર ચિત્ર]

બાઇબલના નિયમો પ્રમાણે ચાલીને લાર્સ અને જુડીથ ફરીથી એક બની ગયા