ઍનાકોંડા રહસ્ય છતું થાય છે
ઍનાકોંડા રહસ્ય છતું થાય છે
સજાગ બનો!ના અમારા લેખક તરફથી
તમને કયો સાપ ગમે છે? મને તો ફક્ત મોટા-મોટા સાપો વિષે જ જાણવાનું ગમે છે. એટલે કે હું ઍનાકોંડાની વાત કરી રહ્યો છું. તે બોઈડે જાતિનો સાપ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ સાપ બીજા સાપો કરતાં ખૂબ જ મોટા હોવા છતાં લોકોને એના વિષે જરા પણ માહિતી ન હતી. પરંતુ હવે લોકો એના વિષે ઘણી બધી માહિતી ધરાવે છે.
જીવવૈજ્ઞાનિક કેસૂસ એ. રીબાસની સાથે ન્યૂયૉર્કની વન્યપશુ રક્ષક સંસ્થા (WCS)ના સંશોધકો ૧૯૯૨માં પહેલી વાર વેનેઝુએલાના જંગલોમાં ઍનાકોંડા સાપોનો અભ્યાસ કરવા ગયા હતા. * ત્યાં છ વર્ષ અભ્યાસ કર્યા પછી સમાચાર છપાયા કે ઍનાકોંડા વિષે અમુક નવી માહિતી બહાર આવી છે. આ સમાચાર વાંચીને હું વિચારમાં પડી ગયો કે આ નવી માહિતી વળી શું હશે? મેં એ માહિતી મેળવવા પૂરો પ્રયત્ન કર્યો.
નામ અને જાતિ
એક દિવસ હું મારી બ્રુકલિન ઑફિસથી વન્યપશુ રક્ષક સંસ્થાની હેડ ઑફિસે ગયો. આ હેડ ઑફિસ ન્યૂયૉર્કના બ્રોન્ક્સ પ્રાણી સંગ્રહાલયમાં છે. ઍનાકોંડા વિષે હું થોડુંક જાણતો હતો.
આ સાપ દક્ષિણ અમેરિકામાં મળી આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે અહીંથી દૂરના સ્થળોએ આ સાપોનું નામ ઍનાકોંડા પડ્યું છે. કેટલાક માને છે કે ઍનાકોંડા નામ તામિલ શબ્દ યાનઈ અને કોલર્રે પરથી આવ્યું છે. યાનઈનો અર્થ “હાથી” અને કોલર્રેનો અર્થ “ખૂની” થાય છે. કેટલાકનું માનવું છે કે ઍનાકોંડા નામ શ્રીલંકાની સિંહાલી ભાષાના હેનાકાડ્યા શબ્દ પરથી લેવામાં આવ્યું છે. (હેનાનો અર્થ “વિજળી” અને કાડ્યાનો અર્થ “ધડ” થાય છે.) વાસ્તવમાં સિંહાલાનો આ શબ્દ શ્રીલંકામાં અજગર થાય છે. કદાચ આ નામ પોર્ટુગલના વેપારીઓએ રાખ્યું હશે
જેઓની એશિયાથી દક્ષિણ અમેરિકા વચ્ચે અવર-જવર હતી.ઍનાકોંડાનું વૈજ્ઞાનિક નામ યુનેક્ટસ મરિનસ છે જે એકદમ સાચું ન કહી શકાય. કારણ કે યુનેક્ટસનો અર્થ છે “સરસ તરવૈયો” જે સાચું છે, પરંતુ મરિનસનો અર્થ છે “રાખોડી રંગનો” જે એકદમ ખોટું છે. એક પુસ્તક જણાવે છે કે ભૂરા લીલા રંગના સાપ માટે મરિનસ “શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.”
ઍનાકોંડાના વૈજ્ઞાનિક નામ અને જાતિ વિષે છપાયેલા સામયિકો સામાન્ય રીતે કહે છે કે એ બે પ્રકારના હોય છે. એક લીલા રંગના હોય છે, જેના વિષે આ લેખમાં જણાવવામાં આવ્યું છે. એને પાણીના મોટા અજગર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ગયાનાના વિસ્તારોમાં પણ જોવા મળે છે. બીજો છે પીળા રંગનો નાનો ઍનાકોંડા (ઈ. નોટેયસ), આ બ્રાઝિલના દક્ષિણ ભાગમાં, ઉત્તર આર્જેન્ટિના અને પરાગ્વેમાં જોવા મળે છે.
એક નિષ્ણાત સાથે મુલાકાત
બ્રોન્ક્સ પ્રાણી સંગ્રહાલય ૨૬૫ એકરનું બનેલું છે અને એની ચોતરફ ઝાડ છે. અહીં લગભગ ૪,૦૦૦ કરતાં વધારે પશુઓ છે. એમાં એક ડઝન ઍનાકોંડા અજગરનો પણ સમાવેશ થાય છે. મારો આવકાર કરવા માટે ખાખી કપડાધારી શ્રી. વિલ્યમ હોલ્મસ્ટ્રમ પ્રાણી સંગ્રહાલયના દરવાજે ઊભા હતા. આ મોટી મૂછવાળા ન્યૂયૉર્કવાસીએ ચશ્મા પહેરેલા હતા, તેમના ચહેરા પર હંમેશા મંદ હાસ્ય જોવા મળે છે. તે ૫૧ વર્ષના છે. શ્રી. હોલ્મસ્ટ્રમ વન્યપશુ રક્ષક સંસ્થાના ‘પેટે ચાલનારાં જીવજંતુઓનો અભ્યાસ કરનાર વિભાગ,’ (Herpetology)ના પ્રમુખ છે. તે પણ વેનેઝુએલામાં ઍનાકોંડાનો અભ્યાસ કરનાર ટુકડી સાથે ગયા હતા. તેમના કહ્યા પ્રમાણે વૈજ્ઞાનિકોએ ત્રીજા પ્રકારના ઍનાકોંડા (ઈ. ડેશોનસે)ની શોધ કરી. એ ઉત્તર-પૂર્વી બ્રાઝિલ અને ફ્રેંચ ગયાનાના કિનારા પર મળી આવે છે. * આજે બપોરે ખાસ કરીને મારા માટે શ્રી. હોલ્મસ્ટ્રમ ગાઈડ બન્યા છે.
મને તરત જ ખબર પડી ગઈ કે જેમ લોકોને કૂતરા કે પોપટ ગમતા હોય છે એ જ રીતે મારા ગાઈડને સાપો ગમે છે. તેમણે જણાવ્યું કે તે નાના હતા ત્યારે તેમના પપ્પાએ કાચીંડો, દેડકા અને બીજા જીવજંતુઓ ઘરમાં રાખેલા હતા. “પપ્પાને આવા જીવજંતુઓ ગમતા હતા પરંતુ મમ્મી એ બધું સહન કરી લેતી હતી.” કહી શકાય કે શ્રી. હોલ્મસ્ટ્રમ તેમના પપ્પા જેવા જ શોખીન છે.
કદાવર શરીર અને વિશિષ્ટ લક્ષણો
પ્રાણી સંગ્રહાલયમાં પેટે ચાલનારા પ્રાણીઓનું આ સ્થળ ૧૦૦ વર્ષ જૂનું છે. અમે ઍનાકોંડાને રાખવામાં આવ્યા હતા એ સ્થળે પહોંચ્યા. જોકે મને ઍનાકોંડાના કદ વિષે અનુમાન તો હતું પરંતુ અહીં પોતાની સગી આંખે જોઈને મોંમાં આંગળા નાખી ગયો. પરંતુ એના મોંની સરખામણી જો એના શરીર સાથે કરવામાં આવે તો શરીર એકદમ નાનું હતું. મારા ગાઈડે મને જણાવ્યું કે આ માદા ઍનાકોંડા છે, એની લંબાઈ ૧૬ ફૂટ અને વજન ૮૦ કિલોગ્રામ છે. એની જાડાઈ ટેલિફોનના થાંભલા જેટલી છે. પરંતુ જ્યારે એની સરખામણી દુનિયાના સૌથી મોટા માદા ઍનાકોંડા સાથે કરીએ તો એ તેની સામે “નાના બચ્ચાં” જેવું લાગે. સૌથી મોટું માદા ઍનાકોંડા ૧૯૬૦માં પકડવામાં આવ્યું હતું જેનું વજન લગભગ ૨૨૭ કિલોગ્રામ હતું!
જંગલોમાં અભ્યાસ કરતી વખતે તેમણે જોયું કે નર ઍનાકોંડા માદા કરતાં એકદમ નાના હોય છે જાણે કે માદાના બચ્ચાં હોય. વધુમાં, અભ્યાસથી એ પણ ખબર પડી કે સામાન્ય રીતે માદા ઍનાકોંડા નરથી લગભગ પાંચ ગણા મોટા હોય છે. જીવવૈજ્ઞાનિક કેસૂસ રીબાસ પોતાના
અનુભવથી કહે છે કે નર અને માદામાં ઘણો ફરક હોવાથી કોઈ પણ સહેલાઈથી છેતરાઈ શકે. એક વાર કેસૂસ રીબાસે એક નાના ઍનાકોંડાને પાળ્યો હતો. પરંતુ એ તેમને વારંવાર કરડતો હતો. તે એનું કારણ જાણતા ન હતા. જંગલમાં અભ્યાસ કરતા જ કેસૂસને ખબર પડી કે તે બચ્ચું નહિ પરંતુ એક મોટો અને તેમનાથી ખીજાયેલો ઍનાકોંડા છે!પકડવાનું ઇનામ!
જોકે મોટા શરીરને કારણે ઍનાકોંડા પ્રખ્યાત થઈ ગયા છે પરંતુ એની લંબાઈ પણ કંઈ નાનીસૂની નથી. હોલીવુડની એક ફિલ્મમાં ઍનાકોંડાને ૪૦ ફૂટ લાંબા બતાવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઍનાકોંડા કંઈ ૪૦ ફૂટ લાંબા હોતા નથી. પરંતુ એમની સૌથી વધારે લંબાઈ ૩૦ ફૂટ હોય છે, અને એ પણ ગજબ કહેવાય.
આજે ૩૦ ફૂટ લાંબા ઍનાકોંડા શોધવા ખૂબ જ મુશ્કેલ છે. જંગલમાં અભ્યાસ કરતી વખતે વૈજ્ઞાનિકોએ જે સૌથી મોટી માદા ઍનાકોંડા પકડી હતી એની લંબાઈ ફક્ત ૧૭ ફૂટ હતી અને એનું વજન લગભગ ૯૦ કિલોગ્રામ હતું. વાસ્તવમાં, લાંબા ઍનાકોંડા એટલી મુશ્કેલીથી મળે છે કે ૯૦ વર્ષ પહેલા ન્યૂયૉર્કની પશુવિજ્ઞાન સંસ્થા (હાલની ન્યૂયૉર્કની વન્યપશુ રક્ષક સંસ્થા)એ જાહેરાત કરી હતી કે, જે કોઈ ૩૦ ફૂટ કરતાં વધારે લાંબા ઍનાકોંડાને જીવતો પકડશે તેને ૧,૦૦૦ ડૉલર ઇનામ આપવામાં આવશે. પરંતુ આજ સુધી કોઈ પણ એ ઇનામ જીતી શક્યું નથી. શ્રી. હોલ્મસ્ટ્રમે કહ્યું, “અમારા પર દર વર્ષે દક્ષિણ અમેરિકામાંથી બે-ત્રણ ફોન આવે છે જે એમ દાવો કરે છે કે તેઓએ ૩૦ ફૂટથી વધારે લાંબો ઍનાકોંડા પકડ્યો છે. પરંતુ જ્યારે અમે એની સાબિતી માંગીએ છીએ ત્યારે એ અમને કદી મળતી નથી.” અને હા, અમને આ માહિતી આપતા ખુશી થાય છે કે હવે ૩૦ ફૂટથી વધારે લાંબા ઍનાકોંડાને પકડવાનું ઇનામ વધારીને ૫૦,૦૦૦ ડૉલર કરવામાં આવ્યું છે!
નીકટથી જોવું
શ્રી. હોલ્મસ્ટ્રમ મને બીજા માળે લઈ ગયા, ત્યાં અનેક ઍનાકોંડાને પૂરીને રાખવામાં આવ્યા હતા. એ સ્થળ થોડુંક ગરમ અને ભેજવાળું હતું. ત્યાં આગળ ઘણા ઍનાકોંડા પેદા કરવામાં આવે છે. પછી અમે એક કાચના ઓરડા પાસે પહોંચ્યા અહીં એક લાંબી માદા ઍનાકોંડાને રાખવામાં આવી હતી. શ્રી. હોલ્મસ્ટ્રમે મારા માટે દરવાજો ખોલી નાખ્યો જેથી મને જોવામાં કંઈ તકલીફ ન પડે.
પછી અમે બંને ઓરડાની અંદર ગયા. અમારી અને ઍનાકોંડાની વચ્ચે ફક્ત બે મીટરનું અંતર રહ્યું હતું. ઍનાકોંડાએ ધીરેથી પોતાનું માથું ઊંચુ કર્યું અને અમારી તરફ ધીમે ધીમે આગળ વધી. હવે અમારા વચ્ચેનું અંતર ફક્ત એક મીટર રહી ગયું.
એકદમ શ્રી હોલ્મસ્ટ્રમે કહ્યું, “હવે આપણે અહીંથી નીકળવું જોઈએ નહિતર એ આપણાં ભૂક્કા બોલાવી દેશે.” એ સાંભળતાની સાથે હું તરત જ ઓરડાની બહાર ભાગ્યો. પછી અમે દરવાજો બંધ કરી દીધો અને એને જોવા લાગ્યા, એણે પોતાનું મોઢું પાછું ફેરવ્યું અને કુંડાળું વાળીને બેસી ગઈ.
તમે બીક રાખ્યા વિના એને ધ્યાનથી જોશો તો તમને એના માથાંના આગલા ભાગ પર એની આંખો અને નાક જોવા મળશે. એથી એ મગરની જેમ પોતાની આંખ અને નાક સિવાય આખું શરીર પાણીમાં ડૂબાડીને રાખી શકે છે તથા પાણીમાં સંતાઈને પોતાના શિકાર પર હુમલો કરી શકે છે.
મજબૂત પકડ અને ઢીલાં જડબાં
ઍનાકોંડા ઝેરી નથી હોતા. તે પોતાના શિકારને વીંટળાઈ વળે છે અને જ્યારે પણ શિકાર શ્વાસ છોડે છે ત્યારે તેને વધારે પકડમાં લે છે. શિકાર મરી ન જાય ત્યાં સુધી તેને મજબૂત રીતે પકડમાં લીધા રાખે છે. બતકથી માંડીને હરણ સુધી એના શિકાર બને છે. પરંતુ ઍનાકોંડાએ માણસને
શિકાર બનાવ્યો હોય એવો અહેવાલ ભાગ્યે જ મળ્યો છે.ઍનાકોંડા બચકું ભરી શકતા નથી અને ચાવી શકતા પણ નથી. એથી એની પાસે પોતાના શિકારને આખો ગળી જવા સિવાય કંઈ ઉપાય રહેતો નથી પછી ભલેને એનો શિકાર ગમે તેટલો મોટો હોય. જો તમે પણ ઍનાકોંડાની જેમ ખાવા લાગો તો એક નારિયેળને મગફળીની જેમ સહેલાઈથી ગળી શકો. એમ કઈ રીતે?
શ્રી. હોલ્મસ્ટ્રમે જણાવ્યું, “ઍનાકોંડા ધીમે-ધીમે પોતાના શિકારને મોઢાની અંદર લે છે.” તેમણે સમજાવ્યું કે ઍનાકોંડાના ઉપરના જડબાના બે ભાગ હોય છે અને નીચેના જડબામાં પણ બે ભાગ હોય છે. અને આ જડબાં માથા સાથે અડેલા હોય છે. એથી એ પોતાના કોઈ મોટા શિકારને ખાય છે ત્યારે નીચેના જડબા ફેલાઈ જાય છે અને ડાબો ભાગ આગળ તરફ આવીને શિકારને અંદર તરફ ખેંચે છે અને જમણું જડબું પણ એમ જ કરે છે. અમુક માત્રામાં ઉપરનું જડબું પણ એમ જ કરી શકે છે. પોતાના શિકારનો ભક્ષ કરતા ઍનાકોંડાને કલાકો લાગી જાય છે. અને જ્યારે શિકાર આખો અંદર જતો રહે છે ત્યારે એ એકાદ વખત બગાસું ખાય છે જેથી એના જડબાં ફરીથી સંકોચાઈ જાય છે અને આખું મોંઢું પહેલા જેવું થઈ જાય છે.
ઍનાકોંડા પોતાના શિકારને ગળે છે ત્યારે, શું એને શ્વાસ લેવામાં કંઈ તકલીફ નથી પડતી? ના. કારણ કે એના મોઢાના નીચેના ભાગમાં એક લાંબી શ્વાસનળી હોય છે. શિકારને ગળતી વખતે ઍનાકોંડા પોતાની શ્વાસનળીને બહાર તરફ ધકેલી નાખે છે. આ રીતે ઍનાકોંડા ખાતી વખતે પોતે શ્વાસ લેતા રહે છે.
કઈ રીતે ઓળખવા?
મારા ગાઈડે એક ખાસ ડબ્બાનું ઢાંકણું હટાવ્યું. એમાં ઍનાકોંડાના બે નાના-નાના બચ્ચાં હતાં. આ બંને એક સરખાં જ દેખાતા હતા. અને હું વિચારમાં પડી ગયો કે વેનેઝુએલાના જંગલોમાં અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ સેંકડો ઍનાકોંડાઓમાં કઈ રીતે ફરક પારખ્યો હશે.
શ્રી. હોલ્મસ્ટ્રમે મને જણાવ્યું કે આ સમસ્યાને હલ કરવા માટે તેઓ પેપર ક્લિપથી નાના નંબર બનાવીને એને ડામ દે છે. આ રીત એકદમ વ્યવહારું સાબિત થઈ હતી પરંતુ ઍનાકોંડા પોતાની કાંચડી ઉતારે છે ત્યારે એની સાથે નંબર પણ ઉતરી જાય છે! આ રીતે બધી જ મહેનત પાણીમાં ફરી વળતી હતી. પછી, સંશોધકોને ખબર પડી કે દરેક ઍનાકોંડાની પૂંછડી પર પીળા રંગની નીચે કાળા ડાઘ હોય છે. જેમ દરેક માણસના અંગૂઠાની નિશાની અલગ હોય છે તેમ દરેક ઍનાકોંડાના ડાઘ પણ એકબીજાથી એકદમ અલગ હોય છે. “ઓળખ માટે આપણે ફક્ત એની પૂંછડી પરથી ૧૫ નાના-નાના ડાઘાની છાપ એક કાગળ પર લેવી પડે છે. અભ્યાસ કરતી વખતે આ રીતે અમે સહેલાઈથી ૮૦૦ ઍનાકોંડામાં ભિન્નતા સમજી શક્યા છીએ.”
સૌથી શક્તિશાળી, સૌથી ઝડપી?
શ્રી. હોલ્મસ્ટ્રમે પોતાની ઑફિસમાં મને વેનેઝુએલામાં પાડેલો એક ફોટો બતાવ્યો. એ ફોટામાં અનેક નર ઍનાકોંડા એકબીજા સાથે વીંટળાયેલા હતા. એમને જોઈને હું આશ્ચર્ય પામ્યો. હોલ્મસ્ટ્રમે જણાવ્યું કે ઍનાકોંડા આ રીતે વીંટળાયેલા હોય તો માનવું કે એઓ માદા સાથે સંસર્ગ કરવા માંગે છે. જેને અંગ્રેજીમાં બ્રીડીંગ બૉલ કહેવામાં આવે છે. (પાન ૨૬ પરનું ચિત્ર જુઓ.) “આ ટોળામાં ક્યાંક એક માદા ઍનાકોંડા છે. એક વખત તો અમે જોયું કે એક માદા ઍનાકોંડાને ૧૩ નર વીંટળાયેલા હતા. અત્યાર સુધીનો એ રેકૉર્ડ છે.”
શું આ નર એકબીજા સાથે લડી રહ્યા હતા? હા, એક પ્રકારની એઓની મંદ ગતિની કુસ્તી ચાલી રહી હતી. દરેક નર રમતવીર બીજાઓને ટોળામાંથી બહાર ખેંચી કાઢીને પોતે માદાની નજીક પહોંચવાનો પ્રયત્ન કરતો હતો જેથી એની સાથે સંસર્ગ કરી શકે. તેમની આ કુસ્તી ઓછામાં ઓછા બે-ચાર અઠવાડિયાં સુધી ચાલતી. જીત કોની થાય છે? શું સૌથી શક્તિશાળી, સૌથી સ્ફૂર્તિલા કે સૌથી શુક્રાણુંવાળાની? સંશોધકો આ પ્રશ્નનો જવાબ શોધવામાં મશગુલ છે.
આટલી સરસ ટૂર પછી મેં મારા ગાઈડનો આભાર માન્યો. મારી ઑફિસ તરફ પાછા ફરતા હમણાં શીખેલી બાબતોનો મેં વિચાર કરવા માંડ્યો. કેસૂસ રીબાસ મુજબ “ઍનાકોંડા એક ગમતિયાળ” પ્રાણી છે.” હું તેમની આ વાત સાથે સહમત નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે ઍનાકોંડાએ મારું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વૈજ્ઞાનિકો ઍનાકોંડા વિષે હજુ ઘણી માહિતી પ્રાપ્ત કરવામાં લાગ્યા છે. આ મોટા સાપો વિષે હજુ બીજી નવી-નવી બાબતો જાણવાની ચોક્કસ મઝા આવશે.
[ફુટનોટ્સ]
^ વેનેઝુએલાના ‘વન્યપશુ વિભાગ’ અને ‘આંતરરાષ્ટ્રીય વનસ્પતિ અને વન્યપશુ રક્ષક વિભાગʼએ આ શોધખોળ માટેનો ખર્ચ ઊઠાવ્યો હતો.
^ ઉભયજીવી અને પેટે ચાલનારાં જીવજંતુઓની શોધ કરનાર સંસ્થા દ્વારા છાપવામાં આવેલ ૧૯૯૭ની જર્નલ ઑફ હર્પટલૉજી મેગેઝીનનો ચોથો ગ્રંથ પાન ૬૦૭-૯.
[પાન ૨૬ પર ચિત્ર]
વેનેઝુએલાના જંગલોમાં ઍનાકોંડા પર અભ્યાસ
[પાન ૨૭ પર ચિત્ર]
વિલ્યમ હોલ્મસ્ટ્રમ
[પાન ૨૮ પર ચિત્ર]
માદા સાથે સંસર્ગ કરવા માંગે છે