સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તરુણ પિતાઓ—શું ખરેખર છટકી શકશે?

તરુણ પિતાઓ—શું ખરેખર છટકી શકશે?

યુવાનો પૂછે છે . . .

તરુણ પિતાઓ—શું ખરેખર છટકી શકશે?

“તેણે કહ્યું કે ‘હું તારા બાળકની મા બનવાની છું,’ ત્યારે હું માની ન શક્યો. બાળકને કોણ સંભાળશે? ઘર-સંસારની જવાબદારી ઉપાડવા માટે હું જરા પણ તૈયાર ન હતો. મને થતું હતું કે હું ક્યાંક ભાગી જાઉં.”—જિમ. *

“એલન ગુટમાકર સંસ્થાનો એક અહેવાલ જણાવે છે, “દર વર્ષે લગભગ દશ લાખ છોકરીઓ . . . ગર્ભવતી બને છે.” જન્મનાર બાળકોમાંથી “૭૮ ટકા તો લગ્‍ન પહેલા જન્મેલા હોય છે.”

ભૂતકાળમાં જો કોઈ માણસના લગ્‍ન પહેલા બાળક જન્મે તો તે શરમને કારણે પોતાના સંતાનની જવાબદારી ઊઠાવતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તરુણ પિતાઓ (અંગ્રેજી) પુસ્તક કહે છે, “આજે તો યુવાનોને લગ્‍ન પહેલા બાળકના પિતા બનવાથી કોઈ શરમ લાગતી નથી, અને તેઓને બદનામીની પણ કંઈ જ ચિંતા નથી.” કેટલાક સમાજમાં તો યુવાનિયાઓ લગ્‍ન પહેલા બાળકના પિતા બને એને આબરુદાર ગણવામાં આવતા હતા! એ સાચું છે કે કેટલાક યુવાનો આ રીતે જન્મેલાં બાળકોની જવાબદારી સંભાળવા માટે તૈયાર થયા છે. પરંતુ મોટા ભાગના યુવાનો પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. *

પરંતુ શું એક યુવાન પોતાના અનૈતિક કાર્યોનાં પરિણામોથી બચી શકયા? બાઇબલ મુજબ તો જરા પણ નહિ. કારણ કે બાઇબલ ચેતવણી આપે છે: “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) અમારા આ લેખમાં એ જ જણાવવામાં આવ્યું છે કે જે છોકરા-છોકરીઓ ગેરકાયદેસર સંબંધ રાખે છે તેઓએ જીવનભર પોતાના પાપનું ફળ ભોગવવું પડે છે. એથી યુવાન આવા પરિણામથી બચવા માંગતો હોય તો તેણે બાઇબલમાં આપવામાં આવેલા નિયમોનું પાલન કરવું જ જોઈએ જે સ્પષ્ટપણે જણાવે છે કે વ્યભિચારથી દૂર રહો.

છટકવું સહેલું નથી

બાળકોને ઉછેરવા એ કંઈ નાનીસૂની વાત નથી. એમાં ફક્ત પુષ્કળ સમય અને પૈસાની જ નહિ પરંતુ માણસે પોતાની સ્વતંત્રતામાં કાપ મૂકવાની પણ જરૂર પડે છે. કુંવારા યુવાન પિતા (અંગ્રેજી) પુસ્તક કહે છે, “કેટલાક યુવાનિયાઓને ‘બીજા કોઈની સંભાળ રાખવાʼના વિચાર માત્રથી જ કંટાળો આવે છે અને ખાસ કરીને બીજાઓ માટે પૈસા કમાવવાના થાય છે ત્યારે.” આવા સ્વાર્થી યુવાનોએ પોતાનાં કર્મોની મોટી કિંમત ચૂકવવી પડે છે. અનેક દેશોની સરકાર અને અદાલત પોતાનાં બાળકોની જવાબદારીમાંથી છૂટવા માંગતા પુરુષો સાથે કડક રીતે વર્તે છે. એક વખત અદાલતમાં એ સાબિત થઈ જાય કે બાળકના પિતા કોણ છે એટલે કાયદો તેને બાળકના ઉછેરનો બધો જ ખર્ચો ઉઠાવવા માટે ફરજ પાડી શકે છે. આ જવાબદારીને ઉઠાવવા માટે કેટલાક યુવાનિયાઓએ જબરજસ્તીથી શાળા છોડીને ઓછા પગારવાળી નોકરી કરવી પડે છે. સ્કૂલ-એજ પ્રેગનન્સી ઍન્ડ પેરન્ટહૂડ પુસ્તકે કહ્યું, “જે યુવાન નાની ઉંમરે બાપ બને છે, તે વધારે અભ્યાસ નથી કરી શકતો કારણ કે બાળકના પાલનપોષણ માટે તેણે ભણવાનું પડતું મૂકીને કામ કરવું પડે છે.” તે બાળકનો ખર્ચ પૂરો ન કરી શકે તો તેણે કાયદા પ્રમાણે ખર્ચ પૂરો કરવા માટે ઉધાર લેવું પડે છે, જેનાથી તે ભારે દેવામાં ડૂબી શકે છે.

વળી, ઘણા પિતા શરૂઆતમાં પોતાની જવાબદારીને ગંભીરતાથી લે છે. એક સર્વેક્ષણ મુજબ ૭૫ ટકા તરુણ પિતાઓ પોતાના બાળકના જન્મ પછી તેને જોવા માટે હૉસ્પિટલમાં જાય છે. છતાં, થોડા સમય પછી મોટા ભાગના યુવાનો પોતાનાં બાળકોને સંભાળવાની જવાબદારીથી ગભરાઈ જાય છે.

એક સારી નોકરી પ્રાપ્ત કરવા માટે કુશળતા અને અનુભવ નહિ હોવાને કારણે ઘણા યુવાનો શરમ અનુભવે છે. એ કારણે તેઓ એક દિવસ પોતાની આ જવાબદારીમાંથી છટકબારી શોધે છે. પરંતુ લાગણી ઘણી વાર તેઓનો જીવનભર પીછો નથી છોડતી. એક યુવાન પિતા કબૂલે છે: “ઘણી વાર હું વિચારું છું કે ખબર નહિ મારા બાળકનું શું થયું હશે. . . . તેને છોડીને મેં ભૂલ કરી છે, પરંતુ અફસોસ કે હું હંમેશ માટે તેને ગુમાવી ચૂક્યો છું. કદાચ એક દિવસ તે મને શોધી કાઢશે.”

બાળકોને નુકશાન

એ ઉપરાંત, પોતાની જવાબદારીમાંથી છટકેલા યુવાનોને પોતાને એટલું અજુગતું લાગે છે કે તેઓ કાયરોની જેમ પોતાની જવાબદારી છોડીને દૂર આવતા રહ્યા છે. જોકે બાઇબલ કહે છે કે એક બાળકનું પાલનપોષણ કરવું માતા અને પિતા બંનેની જવાબદારી છે. (નિર્ગમન ૨૦:૧૨; નીતિવચન ૧:૮, ૯) એક યુવાન પોતાના સંતાનથી છટકવાનો પ્રયત્ન કરે છે ત્યારે, તે પોતાના હાથથી તેને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યૂમન સર્વિસીસનો એક અહેવાલ કહે છે: “હંમેશા જે બાળકોને માતા ઉછેરે છે તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેઓ ભણવામાં નબળા હોય છે, બીજાઓ સાથે તેઓનું વર્તન સારું હોતું નથી, તેઓમાં બીમારી અને કોઈ માનસિક વિકાર હોવાની વધારે બીક રહે છે. તેઓ મોટા થાય છે ત્યારે તેઓને એથી પણ વધારે ભયનો સામનો કરવો પડે છે. જેમ કે તેઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે, તેઓ નાની ઉંમરમાં માબાપ બની જાય છે, કોઈ ગુનાને કારણે જેલમાં જવું પડે છે અને કોઈ નોકરી નથી મળતી કે સારી રીતે ભણી પણ નથી શકતા.”

એટલૅંન્ટિક મંથલી સામયિક છેલ્લે જણાવે છે: “અનેક સાબિતી મુજબ છૂટાછેડાથી વિખૂટા પડી ગયેલા કુટુંબનાં બાળકો અને ગેરકાયદે સંબંધોથી જન્મેલાં બાળકોની સરખામણીમાં, પોતાના માબાપ સાથે રહેલાં બાળકો, જીવનમાં વધારે સફળ થાય છે. પોતાની માતા કે પિતાના સહારા વગર ઉછરેલાં બાળકો હંમેશા ગરીબીમાં જીવન વિતાવે છે અને આખું જીવન ગરીબ જ રહે છે.”

પરંતુ જરૂરી નથી કે આ વાત દરેક બાળક સંબંધી સાચી હોય કારણ કે આ સર્વેક્ષણ ફક્ત આંકડા પર જ આધારિત હોય છે. એવા પણ ઘણાં બાળકો છે જેમનું બાળપણ મુશ્કેલીઓમાં પસાર થયું હોય પરંતુ મોટા થઈને તેઓએ સમાજમાં પોતાનું એક સારું સ્થાન બનાવ્યું હોય. તો પણ જે યુવાનિયાઓ પોતાનાં બાળકોનો ત્યાગ કરી દે છે તેઓ આખું જીવન શાંતિથી રહી શકતા નથી. એક કુંવારો પિતા કહે છે, “હું કેવો પિતા છું કે મેં પોતે જ મારા સંતાનને મુશ્કેલીમાં ધકેલી દીધું.”—તરુણ પિતાઓ.

મદદ કરવી સહેલી નથી

દરેક કુંવારા પિતા પોતાની જવાબદારીથી છટકી જતા નથી. કેટલાક એવા પણ છે જેઓ પોતાની જવાબદારી સમજે છે અને સ્વેચ્છાથી પોતાનાં બાળકોની સંભાળ રાખવા માંગે છે. પરંતુ ઇચ્છા રાખવી એક વાત છે અને એ પ્રમાણે કરવું એ બીજી વાત છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે કુંવારા પિતાને પોતાના બાળક પર વધારે કાયદેસર હક હોતો નથી. તે બાળક સાથે કેટલો સમય વિતાવી શકે એનો નિર્ણય છોકરી કે છોકરીના માબાપ કરે છે. શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલો જિમ કહે છે કે “બાળક પર કોનો હક છે, એ વાત પર ઝઘડો શરૂ થઈ જાય છે.” ઘણી વાર તો એક યુવાન પિતાની મરજી વિરુદ્ધ તેના બાળકને બીજા કોઈને દત્તક આપી દેવામાં આવે છે અથવા તેના નહિ જન્મેલા બાળકનો ગર્ભપાત કરી દેવામાં આવે છે. * એક યુવાન પિતા વિલાપ કરતા જણાવે છે કે “એ કેટલું મુશ્કેલ છે કે મારા બાળકને મારી આંખો આગળ કોઈ અજાણી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યું અને હું જોતો જ રહી ગયો.”

કેટલાક યુવાનો પોતાના બાળકની માતા સાથે લગ્‍ન કરવા તૈયાર હોય છે. * એ સાચું છે કે છોકરી બદનામીથી અમુક હદ સુધી બચી જાય અને બાળકને માબાપનો પ્રેમ મળી જાય. ઉપરાંત, એમ પણ થઈ શકે કે આ ભૂલ છતાં છોકરો-છોકરી બંને એકબીજાને પ્રેમ કરતા હોય. તોપણ, એનો અર્થ એ નથી કે છોકરો માનસિક રીતે એક પતિ અને પિતા તરીકેની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. લગ્‍ન પ્રસ્તાવ કરવાનો અર્થ પણ એમ નથી થતો કે તે પોતાની પત્ની અને સંતાનની જરૂરિયાતોને પૂરી કરવા માટે લાયક છે. અભ્યાસ મુજબ આ રીતના લગ્‍નો વધારે સમય સુધી ટકતા નથી. એથી લગ્‍ન કરવામાં ઉતાવડા ન થવું જોઈએ.

ઘણા યુવાન પિતાઓ પોતાના સંતાનનો ખર્ચ ઊઠાવવાની ઇચ્છા રાખે છે. પરંતુ અગાઉ જણાવ્યું તેમ એને માટે એક યુવાન પિતાએ દૃઢ નિર્ણય લેવાની જરૂર પડી શકે છે કારણ કે તેણે ફક્ત એકાદ વર્ષ માટે જ નહિ પરંતુ કદાચ ૧૮ કે એથી વધારે વર્ષ સુધી ખર્ચ ઊઠાવવો પડશે! જો આ રીતે નાણાકીય મદદ આપવામાં આવે તો, નિઃશંક માતા અને સંતાન, બંને આર્થિક ભીષણમાંથી બચી શકે છે.

પરંતુ સંતાનની ખરેખર સંભાળ રાખવા વિષે શું? એ એક મોટો મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. ઘણી વાર છોકરો અને છોકરીના માબાપને એ વાતની બીક રહે છે કે એક સાથે બાળકની સંભાળ રાખતી વખતે ક્યાંક તેઓ ફરીથી એમ ન કરી બેસે. એથી કદાચ તેઓ બંનેને અલગ રાખવાના પ્રયત્ન કરવામાં આવી શકે અને તેઓ બંનેને મળવા દેવામાં ન આવે. અથવા કદાચ છોકરી પોતે એ નિર્ણય લઈ લે કે જે છોકરો મારો પતિ ન હોય તો તેનો પડછાયો પણ મારા બાળક પર પડવો જોઈએ નહિ. જો પિતાને પોતાના સંતાનને મળવાની પરવાનગી મળી જાય તો કુટુંબના સભ્યોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મળતી વખતે છોકરા-છોકરી સાથે કોઈ મોટી વ્યક્તિ હાજર રહે જેથી તેઓ એ જ ભૂલ ફરીથી ન કરી બેસે.

પોતાના સંતાનની નજીક આવવા માટે કેટલાક કુંવારા પિતાઓએ બાળકને સંભાળવા માટે બાળકોને કઈ રીતે નવડાવવું, ખવડાવવું કે તેઓને વાંચી સંભળાવવું જેવી જરૂરી બાબતો શીખી છે. જે યુવાનો બાઇબલનાં ધોરણોની કદર કરવાનું શીખ્યા હોય તેઓ પોતાના સંતાનને પરમેશ્વરના શબ્દમાંથી અમુક સિદ્ધાંત શીખવી શકે છે. (એફેસી ૬:૪) એક સંતાન માટે પિતા નહિ હોવા કરતાં તેને પિતાનો થોડોક પણ પ્રેમ મળે એ લાખ દરજે સારું છે. અને એનાથી પણ વધારે સારું એ થશે કે પિતા હંમેશ માટે બાળકની સાથે જ રહે. અને જો બાળકની માતાનું લગ્‍ન બીજા કોઈ છોકરા સાથે થઈ જાય તો તેનો પતિ બાળકોને સંભાળવાની જવાબદારી લઈ લે છે. આવા સમયે એક યુવાન પિતાને ફક્ત જોયા કરવાનો વારો આવે છે.

તો એ એકદમ સ્પષ્ટ છે કે લગ્‍ન પહેલાં બાળકો પેદા કરવાથી માબાપ અને સંતાન પર દુઃખના ડુંગર તૂટી પડે છે. એ ઉપરાંત, સૌથી મોટો ભય પરમેશ્વર યહોવાહને નાખુશ કરવાનો છે કારણ કે તે ગેરકાયદેસર સંબંધોની મના કરે છે. (૧ થેસ્સાલોનીકી ૪:૩) લગ્‍ન પહેલા મા-બાપ બનવાની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકાય છે. પરંતુ શરૂઆતમાં જ આવા ગેરકાયદેસર સંબંધોથી દૂર રહેવું કેટલું ડહાપણભર્યું લેખાશે. એક યુવાન પિતા કબૂલે છે, “એક વાર લગ્‍ન પહેલા તમે પિતા બનવાની સાથે જ તમારું આખું જીવન બરબાદ થઈ જાય છે.” હા, એક યુવાન પિતાએ જીવનભર પોતાની ભૂલના પરિણામ સાથે જીવવું પડી શકે છે. (ગલાતી ૬:૮) તો પછી બાઇબલની સલાહ કેટલી લાભદાય છે જ્યારે એ કહે છે “વ્યભિચારથી નાસો.”—૧ કોરીંથી ૬:૧૮.

[ફુટનોટ્‌સ]

^ અમુક નામ બદલવામાં આવ્યાં છે.

^ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૦ના સજાગ બનો!ના અંકમાં લેખ “યુવાન લોકો પૂછે છે . . . કુંવારા બાપ—શું એ મરદાનગીની નિશાની છે?” જુઓ. લગ્‍ન પહેલા માતા બનવાનાં પરિણામો વિષે જુલાઈ ૨૨, ૧૯૮૫ના અંગ્રેજી સજાગ બનો!માં આપવામાં આવેલો લેખ “યુવાનો પૂછે છે . . . લગ્‍ન પહેલા માતા બનવું—શું એ કદી મારા માટે પણ શક્ય બની શકે?” જુઓ.

^ માર્ચ ૮, ૧૯૯૫ના અંગ્રેજી સજાગ બનો!નો લેખ “યુવાનો પૂછે છે . . . શું ગર્ભપાત કરાવવો જોઈએ? જુઓ.

^ મુસાના નિયમ પ્રમાણે જે પુરુષ એક કુંવારી કન્યાને છેતરીને તેની સાથે કુકર્મ કરે તો તેણે તે જ કન્યા સાથે લગ્‍ન કરવું પડતું હતું. (પુનર્નિયમ ૨૨:૨૮, ૨૯) તેમ છતાં બધા જ કિસ્સામાં આપોઆપ એમ થઈ જતું નથી કારણ કે કુમારિકાના પિતા આ લગ્‍નનો ઇનકાર કરી શકતો હતો. (નિર્ગમન ૨૨:૧૬, ૧૭) આજે ખ્રિસ્તીઓ પર આ નિયમ લાગુ પડતો નથી છતાં, એનાથી આપણને એ સમજવામાં ચોક્કસ મદદ મળે છે કે લગ્‍ન પહેલા ગેરકાયદેસર સંબંધ રાખવો મોટું પાપ છે.—નવેમ્બર ૧૫, ૧૯૮૯ના અંગ્રેજી ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

[પાન ૧૫ પર ચિત્ર]

શરૂઆતથી જ અનૈતિક સંબંધથી દૂર રહેવામાં ભલાઈ છે