સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પક્ષીઓએ કેદીઓને શું શીખવ્યું?

પક્ષીઓએ કેદીઓને શું શીખવ્યું?

પક્ષીઓએ કેદીઓને શું શીખવ્યું?

દક્ષિણ આફ્રિકામાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરના વર્તમાનપત્ર સંડે ટ્રીબ્યુનના અહેવાલ પ્રમાણે, પોલ્સમોર જેલમાં કેદીઓને નમ્ર સ્વભાવના બનાવવા માટે પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ જેલમાં, હાલમાં ૧૪ કેદીઓ ઑસ્ટ્રેલિયાના પોપટ અને લવબર્ડ પક્ષીઓની સંભાળ રાખવાનું કામ કરે છે.

આ કાર્યક્રમમાં શું કરવામાં આવે છે? દરેક કેદીને અમુક દિવસ માટે ઈંડા સેવવાનું મશીન આપવામાં આવે છે. ઈંડામાંથી બચ્ચાં નીકળે છે ત્યારે તેને સંભાળવાની જવાબદારી પણ કેદીઓને જ આપવામાં આવે છે. તેઓએ પાંચ સપ્તાહ સુધી રાત-દિવસ અસહાય બચ્ચાંને પોતાના હાથથી ખવડાવવાનું હોય છે. પાંચ સપ્તાહ પછી આ પક્ષીને રાખવા માટે પાંજરું આપવામાં આવે છે. પક્ષી મોટું થઈ જાય છે ત્યારે એને વેચી દેવામાં આવે છે. કેટલાક કેદીઓને આ પક્ષીઓ સાથે એટલું બધું ફાવી જાય છે કે જ્યારે તેને તેઓથી અલગ કરવામાં આવે છે ત્યારે તેઓ પોક મૂકીને રડી પડે છે.

કેટલાક પથ્થરદિલ ગુનેગારોનો સ્વભાવ પણ દરરોજ પક્ષીઓ સાથે વાત કરીને અને તેઓની સંભાળ રાખવાથી બદલાઈ ગયો હતો. એક કેદી કહે છે, “હું પક્ષીઓને ફક્ત પાળી શક્યો છું, પરંતુ તેઓએ તો મને માણસ બનવા મદદ કરી છે.” બીજો એક કેદી કહે છે કે “પક્ષીઓએ મને ધીરજવાન બનતા અને સંયમ રાખતા શીખવ્યું.” ચોરીની સજા ભોગવી રહેલા એક કેદીને પક્ષીઓની સંભાળ રાખવાથી ખ્યાલ આવ્યો કે માબાપની કેટલી “મોટી જવાબદારી” છે. તેને હવે પસ્તાવો થાય છે કે પોતે સ્વતંત્ર હતો ત્યારે, તેણે પોતાના બાળકોની જરા પણ સંભાળ રાખી નહોતી.

પક્ષીઓની સંભાળ રાખવાનો બીજો એક ફાયદો પણ રહેલો છે. આ કાર્યક્રમની શરૂઆત કરનાર વિકસ ગ્રિસાએ કહ્યું, “પક્ષીઓની સંભાળ રાખવાની તાલીમ બાદ, જેલમાંથી છૂટ્યા પછી આ કેદીઓને પક્ષીઓના ફાર્મમાં અથવા પશુઓના ડૉક્ટરના મદદગાર તરીકે નોકરી મળી શકે છે.”