સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આજના સંસ્કાર એટલા ખરાબ છે?

શું આજના સંસ્કાર એટલા ખરાબ છે?

શું આજના સંસ્કાર એટલા ખરાબ છે?

જો તમે ઇતિહાસકારોને આ પ્રશ્ન પૂછશો “શું આજના સંસ્કારો પહેલાં કરતા એટલા ખરાબ થઈ ગયા છે?” અમુક કહેશે કે, એ રીતે સરખામણી કરવી એ કંઈ સહેલું નથી. તેઓની નૈતિકતાને યોગ્ય કે ખોટી કહેતા પહેલા એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

દાખલા તરીકે, ૧૬મી સદીનો વિચાર કરો. એ સદીની શરૂઆતમાં યુરોપમાં હિંસા અને ગુનાઓ વધી રહ્યા છે. જોકે ૪૦૦ વર્ષ પહેલાં કૌટુંબિક દુશ્મનાવટને કારણે ખૂન કરવું એકદમ સામાન્ય હતું.

ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો થતો ગયો. ઇતિહાસકાર આરના યારિક અને યોહાન સોડરબેરના “માન અને સત્તા” પુસ્તક મુજબ, વર્ષ ૧,૬૦૦થી માંડીને ૧૮૫૦ વચ્ચેની પેઢીઓમાં લોકો “વધારે સભ્ય બનવા લાગ્યા હતા.” બીજા ઇતિહાસકાર પણ એમ જ કહેતા હતા કે હાલની સરખામણીમાં ૧૬મી સદીમાં લૂંટફાટ અને ગુનાઓ એકદમ ઓછા હતા. એ સમયે આપણા યુગની જેમ માફિયાઓ વિષે એકદમ થોડું જ સાંભળવા મળતું હતું.

જોકે એ સમય દરમિયાન યુરોપમાં ગુલામોનો વેપાર પણ કરવામાં આવતો હતો. વેપારીઓ આફ્રિકાથી લાખો લોકોનું અપહરણ કરીને બીજા દેશોમાં વેચી દેતા હતા અને આ ગુલામો સાથે જાનવર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.

પરંતુ સરવાળે આપણે એમ કહી શકીએ કે વર્ષો પહેલાં સારો અને ખરાબ સમાજ પણ હતો. જે કંઈ પણ હોય, ૨૦મી સદીમાં અમુક એવા મોટા ફેરફારો થયા છે જે અગાઉ કદી પણ જોવામાં આવ્યા નહોતા.

વીસમી સદી—સારા સંસ્કારમાં ઘટાડો

ઇતિહાસકાર યારિક અને સોડરબેર મુજબ: “૧૯૩૦ પછી ખૂનના કિસ્સાઓ ફરી એક વાર ઝડપથી વધી રહ્યા છે, અને દુઃખની વાત છે કે ગયા પચાસ વર્ષોથી એ વધતા જ જાય છે.”

ઉપરાંત, કેટલાક વિદ્વાનો મુજબ ૨૦મી સદી દરમિયાન લોકોનું નૈતિક સ્તર એકદમ નીચું ગયું છે. આચરણ વિષે એક લેખ જણાવે છે: “૩૦-૪૦ વર્ષ પહેલાં સમાજને સારા સંસ્કારની ખબર હતી, કારણ કે અમુક નિયમો હતા. પરંતુ આજે તો બધા પોતાને મનમાં ફાવે એમ કરે છે.”

આજે લોકો મનમાં ફાવે એમ જાતીયતા વિષે ધોરણો બનાવે છે અને એના પરિણામો આપણે જોઈ શકીએ છીએ. એ જ લેખ જણાવે છે, વર્ષ ૧૯૬૦માં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં જન્મેલા બાળકોમાંથી ૫.૩ ટકા ગેરકાયદેસર સંબંધથી જન્મ્યા હતા. પરંતુ વર્ષ ૧૯૯૦માં આવા સંબંધોથી જન્મનાર બાળકોની સંખ્યા વધીને ૨૮ ટકા થઈ ગઈ છે.

એક યુ.એસ. સીનેટ-સભ્ય, જે. લીબર્મેન મુજબ આપણા સમયમાં નૈતિકતા જેવું “કંઈ જ રહ્યું નથી . . . અગાઉ જે નૈતિકતાનું પાલન કરવામાં આવતું હતું એ આજે જોવા પણ મળતી નથી.” લીબર્મેન મુજબ “ખાસ કરીને ૨૦મી સદીમાં સમાજની નૈતિકતામાં ઘટાડો થયો છે.”

ધર્મની પડતી

વીસમી સદીમાં નૈતિકતાનું શા માટે પતન થયું છે? માન અને સત્તા પુસ્તક જણાવે છે, એના સૌથી મોટા બે કારણો એ છે કે “છેલ્લા બે વર્ષથી સમાજે ધર્મની અવગણના કરી છે. અઢારમી સદીના કેટલાક વિદ્વાનોએ બાઇબલના શિક્ષણને અવગણવાનું શરૂ કર્યું ત્યારથી એમ થવા માંડ્યુ છે.” આ વિદ્વાનોએ શીખવ્યું છે કે સાચા-ખોટાનો નિર્ણય હવે ધર્મ નહિ પણ “લોકો પોતાની મરજી પ્રમાણે કરે છે.” પરિણામ એ આવ્યું છે કે આજે લોકોના હૃદયમાં ધાર્મિક શિક્ષણની પહેલા જેવી શ્રદ્ધા નથી.

પરંતુ જે વિચાર ૧૮મી સદીમાં શરૂ થયેલો એની આટલી ભારે અસર આજે આપણા સમયમાં શા માટે થઈ રહી છે? માન અને સત્તા પુસ્તક એનો જવાબ આપે છે, ‘આવા વિચારો ફેલાતા ઘણી વાર લાગી. કારણ કે લોકોના મનમાં જે શ્રદ્ધા હતી એને ઓછી થતા ૨૦૦ વર્ષ લાગ્યા.’

અઢારમી સદીમાં ધર્મ માટે લોકોને જે શ્રદ્ધા હતી એ ૨૦મી સદીમાં એકદમ ઘટી ગઈ. ધર્મને કારણે લોકોમાં જે ત્યાગની ભાવના, સચ્ચાઈ અને પ્રમાણિકતા હતી એ ધીમે ધીમે અલોપ થવા માંડી. ખાસ કરીને છેલ્લા ત્રીસ-ચાળીસ વર્ષોમાં લોકોની નૈતિકતાનું એકદમ પતન થયું છે. આવા પતનનું કારણ શું છે?

સ્વાર્થ અને લોભ

આ ૨૦મી સદીમાં નૈતિકતાના પતનનું સૌથી મોટું કારણ, ટેકનોલૉજી અને બીઝનેસમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ છે. જર્મનીનું છાપું ડી જાઈટનો એક લેખ કહે છે કે “આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે, જ્યારે કે અગાઉની સદીઓ એવી નહોતી.” આ લેખ આગળ જણાવે છે આવી પ્રગતિ અને ફેરફારના કારણે આજે લોકો કોઈ પણ હાલતમાં સફળ થવા ઇચ્છે છે, તેઓ બીજાઓને નુકશાન પહોંચાડીને કોઈ પણ રીતે આગળ વધી જવા માંગે છે.

આ લેખ આગળ જણાવે છે, “આ સ્વાર્થ અને લોભને કોઈ રોકી શકે એમ નથી. એને કારણે સામાન્ય લોકોથી માંડીને સરકારી ઑફિસર સુધી લોકો ભ્રષ્ટ થઈ ગયા છે. લોકો ફક્ત પોતાના વિષે જ વિચારે છે અને બની શકે ત્યાં સુધી પોતાની ઇચ્છાઓને પૂરી કરવા માટે પ્રયત્ન કરે છે.”

દાખલા તરીકે, અમેરિકાના એક સર્વેક્ષણ મુજબ ખબર પડી છે કે આજે અમેરિકાના લોકોમાં, ગઈ પેઢીની સરખામણીમાં પૈસાનો લોભ ઘણો વધી ગયો છે. આ સર્વેક્ષણ મુજબ, “આજે સમાજમાં એકબીજાને માન આપવું, પ્રમાણિકતાથી કામ કરવું અને સમાજસેવા જેવા સારા કામને કોઈ નથી માનતું એ વિષે અનેક અમેરિકનો ચિંતીત છે.”

કંપનીઓના મોટા મોટા ઑફિસરોનો વિચાર કરો. તેઓ પોતાના હાથ નીચે કામ કરનારાઓની જરૂરિયાતો પૂરી કરવાની આનાકાની કરે છે, પરંતુ પોતે ખાસો એવો પગાર લેતા હોય છે. એટલું જ નહિ તેઓ નિવૃત્તિ પછી પણ કંપની પાસેથી સારું એવું ભથ્થું પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરી લે છે. સ્વીડનના એક પ્રાધ્યાપક, કેલ ઉવા નિલ્સોને કહ્યું, “આ ઑફિસરોની રીતને જોઈને સામાન્ય કર્મચારી પણ તેઓની જેમ જ લોભી બની જાય છે. તેઓ માટે મર્યાદા ઓળંગવી સહેલું થઈ પડે છે, એને કારણે આખા સમાજની નૈતિકતાનું પતન થઈ રહ્યું છે.”

મનોરંજન જગત

વીસમી સદીમાં નૈતિકતાના પતનનું બીજું એક કારણ છે, મનોરંજન જગત. સીનેટ-લીબર્મેને જણાવ્યું, “ટીવી કાર્યક્રમ અને ફિલ્મોના નિર્માતાઓ, ફૅશન જાહેરાતવાળાઓ, રૅપ અને હેવી-મેટલ મ્યૂઝિકની લોકોના જીવન પર ભારે અસર પડે છે. આપણો આખો સમાજ એની પકડમાં છે, એમાંય ખાસ કરીને બાળકો એની પકડમાં છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે સમાજની નૈતિકતાનું પતન થઈ રહ્યું હોવા છતાં તેઓના મન જરા પણ કચવાતા નથી.”

શ્રી લીબર્મેને એક ગીતના આલ્બમનું ઉદાહરણ આપ્યું જેને કેનિબલ કૉર્પ્સ (નરમાંસ ભક્ષક) નામના હેવી-મેટલ ગૃપે તૈયાર કર્યું હતું. એમાં ગાયક જણાવે છે કે કઈ રીતે ચપ્પુની ધાર પર એક સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે છે. શ્રી લીબર્મેન અને એના સાથીઓએ આ આલ્બમને રોકવાની પૂરી કોશિશ કરી, તેઓએ કૅસેટ બનાવનાર કંપનીને ઘણી વિનંતી પણ કરી પરંતુ કંઈ જ ફાયદો ન થયો.

એથી આજે જવાબદાર માબાપો માટે મનોરંજન જગતથી પોતાના બાળકોનું રક્ષણ કરવું અઘરું થઈ ગયું છે. પરંતુ એવા બાળકો વિષે વિચારો જેમના માબાપ તેઓની જરા પણ ચિંતા નથી કરતા. શ્રી લીબર્મેન મુજબ, “મનોરંજન જગત જ આવા બાળકોના માબાપ બની જાય છે, એ જ તેઓને સારા-ખોટાનું શિક્ષણ આપે છે. ટેલિવિઝન, ફિલ્મો અને સીડી પ્લેયર જે કંઈ પણ શીખવે છે એ બાળકો માટે નૈતિકતા બની જાય છે.” અને એમાં કંઈક ખૂટતું હોય એમ ઇંટરનેટ પોતાનો ભાગ ભજવી રહ્યું છે.

“ખરા-ખોટાથી અજાણ”

અત્યાર સુધી આપણે જે ખરાબ અસરોને જોઈ, એ સર્વની યુવાનોના મન પર કેવી અસર પડી છે? છેલ્લા કેટલાક વર્ષોમાં એવા અનેક ડરામણા બનાવો બન્યા છે, જેમાં યુવાનો અરે નાના બાળકો પણ ગુનેગાર હતા.

વર્ષ ૧૯૯૮માં સ્વીડનની એક ઘટનાએ લોકોમાં હાહાકાર મચાવી દીધો. બે નાના છોકરાઓ જેમની ઉંમર પાંચ અને સાત વર્ષની હતી, તેઓએ પોતાના ચાર વર્ષના મિત્રનું ગળું દબાવીને તેને મારી નાખ્યો! આ સાંભળીને અનેક લોકોએ પ્રશ્ન ઊઠાવ્યા: નાના બાળકો કઈ રીતે એક રીઢા ખૂનીની જેમ કોઈને મારી શકે? શું તેઓના હૃદયમાં કુદરતી દયા નથી હોતી? એક મનોવૈજ્ઞાનિક એનો જવાબ આપે છે: “બાળકોમાં દયા આપોઆપ નથી આવી જતી, આ ગુણ કેળવવા પડે છે. તેઓ મોટાઓને જોઈને તેઓનું અનુકરણ કરે છે.”

આ બાબત કઠોર ગુનેગારોના વિષે પણ સાચી છે. સ્વીડનમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર સ્ટેન લેવેંડર મુજબ, જેલમાંના ૧૫થી ૨૦ ટકા કેદીઓમાં પણ કોઈ જાતની દયાની લાગણી નથી. વાસ્તવમાં તેઓને ખબર જ નથી કે ખરું-ખોટું શું છે. આજે તો એવી હાલત છે કે જે બાળકોને માનસિક રીતે સ્વસ્થ સમજવામાં આવે છે તેઓમાં પણ સારા-ખોટાની સમજણ નથી હોતી. તત્ત્વજ્ઞાનની પ્રોફેસર ક્રિસ્ટીના હૉફ સોમર્સ મુજબ જ્યારે વિદ્યાર્થીઓને ખરાં-ખોટાં વચ્ચેનો ભેદ કરવાનો આવે છે ત્યારે તેઓ ગૂંચવણમાં પડી જાય છે. કેટલાક યુવાનિયાઓ જવાબ આપે છે કે ખરું-ખોટું જેવી કોઈ બાબત હોતી જ નથી. તેઓ માને છે કે ખરાં-ખોટાંનો નિર્ણય કરવો એ દરેક માણસની વ્યક્તિગત બાબત છે.

આ જ પ્રોફેસરે પોતાના કેટલાક વિદ્યાર્થીઓને પૂછ્યું કે જો તમારું પાળેલું પશુ અને અજાણ વ્યક્તિનો જીવ જોખમમાં હોય અને બેમાંથી એક જ જણને બચાવવાનો મોકો હોય તો તમે કોને બચાવશો? ઘણાનો જવાબ હતો ‘પોતાનું પાળેલું પશુ.’ માણસોને સ્થાને પશુને બચાવવાના નિર્ણયથી સ્પષ્ટ જાહેર થાય છે કે તેઓને ખરાં-ખોટાંનો ખ્યાલ જ નથી.

પ્રોફેસર સોમર્સ મુજબ “વાત એમ નથી કે યુવાનોમાં બુદ્ધિ નથી કે ભરોસાને લાયક નથી કે તેઓ નિર્દયી અને અપ્રમાણિક છે. પરંતુ સાચી વાત એ છે કે તેઓને એ શીખવવામાં જ નથી આવ્યું કે ખરું-ખોટું શું છે.” વાસ્તવમાં આજે, અનેક યુવાનો પ્રશ્ન ઊઠાવે છે કે, ‘શું નૈતિકતા જેવું કંઈક છે કે નહિ?’ આવો વિચાર સમાજ માટે સૌથી મોટો ભય છે.

નિઃશંક આજે દુનિયામાં નૈતિકતાનું પતન થયું છે. લોકોને બીક છે કે એનું પરિણામ ભયંકર આવી શકે. ડી જાઈટ વર્તમાનપત્ર મુજબ “આ પતન જલદી જ આખી વ્યવસ્થા અને સમાજને લઈ ડૂબશે.”

પરંતુ આવું બધું શા માટે થઈ રહ્યું છે? આ વીસમી સદીમાં નૈતિકતાના પતન પાછળ શું કોઈ ખાસ કારણ રહેલું છે? આખરે ભવિષ્યમાં શું રહેલું છે?

[પાન ૬, ૭ પર ચિત્રો]

“ટીવી કાર્યક્રમ અને ફિલ્મોના નિર્માતાઓ, ફૅશન જાહેરાતવાળાઓ, રૅપ અને હેવી-મેટલ મ્યૂઝિકની લોકોના જીવન પર ભારે અસર પડે છે.”