સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારા સંસ્કારવાળી દુનિયા

સારા સંસ્કારવાળી દુનિયા

સારા સંસ્કારવાળી દુનિયા

તમે છેલ્લા થોડાં વર્ષ પર નજર નાખશો તો તમે લોકોના સંસ્કારમાં એવા ફેરફારો જોશો જે તમે અગાઉ કદી પણ જોયા નહિ હોય. આપણા સમયમાં શા માટે આટલો ફેરફાર થઈ રહ્યો છે? આખરે ભવિષ્યમાં શું થશે?

કેટલાક જણાવે છે કે આ સર્વ જગતના અંતની નિશાની છે. જલદી જ માનવજાતનો નાશ થઈ જશે. બીજી તરફ મોટા ભાગનાઓનું માનવું છે કે સદીઓથી આવા ફેરફારો થઈ રહ્યા છે. કળિયુગ પછી સતયુગ અને સતયુગ પછી ફરીથી કળિયુગ આવે છે. પરંતુ શું એ વાત સાચી છે?

‘છેલ્લો સમય’

હકીકત જાણવા માટે, ચાલો આપણે હાલની પરિસ્થિતિને એક એવા પુસ્તકની દૃષ્ટિએ જોઈએ જેને સદીઓથી લોકો સાચું પુસ્તક માને છે. એ પુસ્તક છે પરમેશ્વરનો શબ્દ બાઇબલ. એમાં એક એવા જ મોટા ફેરફારની ભવિષ્યવાણી કરવામાં આવી છે જે આજે આપણે આપણા સમયમાં જોઈ રહ્યાં છીએ. આપણા સમયને બાઇબલ ‘છેલ્લા સમયો’ અથવા “જગતના અંત”નો સમય કહે છે. (૨ તીમોથી ૩:૧; માત્થી ૨૪:૩) આ શબ્દોનો અર્થ છે કે કળિયુગનો અને એમાં રહેનારા દુષ્ટોનો હંમેશ માટે નાશ થઈ જશે. પરંતુ આ નાશ સાથે એક નવા યુગની શરૂઆત પણ થશે.

બાઇબલ જણાવે છે કે છેલ્લા સમયમાં “સંકટના વખતો આવશે.” ઉપરાંત ઘણી બધી નિશાનીઓ અને ઘટનાઓ જણાવવામાં આવી છે જે એક સમય દરમિયાન થતી જોવામાં આવી છે. ચાલો આપણે એની તપાસ કરીએ.

બગડેલો જમાનો

બાઇબલમાં છેલ્લા સમયની નિશાનીમાં જણાવવામાં આવ્યું છે કે ‘માણસો ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે.’ (૨ તીમોથી ૩:૨,) હાલના સમયમાં લોકો ધર્મની જેટલી અવગણના કરે છે એટલી ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી. આજે મોટા ભાગના લોકો પોતાની મરજી પ્રમાણે વર્તે છે. તેઓ પરમેશ્વરથી બીતા નથી અને તેમના શબ્દ બાઇબલને પણ માનતા નથી. આજે પુષ્કળ ધર્મો છે પરંતુ એ સર્વ ફક્ત નામના જ રહી ગયા છે.

બાઇબલ નિશાની વિષે આગળ જણાવે છે: “માણસો . . . સંયમ ન કરનારા, નિર્દય” થશે કારણ કે “અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ થંડો થઈ જશે.” (૨ તીમોથી ૩:૨, ૩; માત્થી ૨૪:૧૨) જે ગ્રીક શબ્દનું ભાષાંતર અહીં “નિર્દય” કરવામાં આવ્યું છે. પરંતુ એના ઘણા અર્થ છે, જેમ કે “માનવ સહાનુભૂતિ અને લાગણી વિનાના.” આજના સમયમાં એ કેટલું સાચું છે. આજે તો નાના બાળકો પણ એટલા નિર્દયી બની ગયા છે કે ઘણા તો ખરાબ ગુનાઓમાં પણ સંડોવાય છે.

ઉપરાંત, ટેકનોલૉજી અને વેપારમાં થયેલી પ્રગતિને કારણે લોકો લોભીયા બની ગયા છે. પરિણામ એ આવ્યું છે કે તેઓ વધુમાં વધુ પૈસા, નામ કે વૈભવ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે, પોતાની પ્રમાણિકતા પણ જતી કરવા તૈયાર થઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જુગાર રમનારાઓ અને ગુનેગારોની સંખ્યામાં મોટો ઉછાળો પણ આજે વધી રહેલા લોભ અને સ્વાર્થની મોટી સાબિતી છે.

આજે બીજી એક બાબત પણ સ્પષ્ટ જોવા મળે છે: “માણસો . . . દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” બનશે. (૨ તીમોથી ૩:૨,) એનું એક ઉદાહરણ જગતમાં ફેલાયેલી અનૈતિકતા છે, લોકો લગ્‍ન બહાર જાતીયતા ઇચ્છે છે. તેઓ આખું જીવન એક જ સાથી સાથે રહેવા માંગતા નથી. પરિણામે કૌટુંબિક ભંગાણ, છૂટાછેડા, માબાપ હોવા છતાં દુઃખી અને નિરાધાર બાળકો, ઉપરાંત જાતીયતાથી ફેલાતા રોગોમાં વધારો થયો છે.

છેલ્લા દિવસની નિશાનીનું બીજું એક પાસું આ છે: “માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી” થશે. (૨ તીમોથી ૩:૨) જર્મનીનું સામયિક ડી જાઈટ મુજબ “[આજની આર્થિક] વ્યવસ્થાની પાછળ સ્વાર્થનો સૌથી મોટો હાથ છે.” આજે પૈસા જ લોકો માટે પરમેશ્વર છે. તેઓના લોભને કોઈ થોભ નથી અને સ્વાર્થે તેઓને એટલા આંધળા કરી દીધા છે કે તેઓ સંસ્કારને સદંતર ભૂલી જ ગયા છે.

જગતના બનાવો

લોકોના સંસ્કારમાં થનાર ફેરફાર વિષે જણાવવા ઉપરાંત બાઇબલ છેલ્લા દિવસોની બીજી એક નિશાની બતાવે છે, એમાં દુનિયાને હચમચાવી નાખનાર બનાવો વિષે જણાવવામાં આવ્યું છે. દાખલા તરીકે બાઇબલ કહે છે, “પ્રજા પ્રજાની વિરૂદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે; અને મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠામેઠામ દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે.”—લુક ૨૧:૧૦, ૧૧.

ઇતિહાસને તપાસીએ તો ખબર પડે છે કે ૨૦મી સદીની જેમ ઓછા સમયમાં આટલા બનાવો કદી નથી બન્યા. આ બનાવોમાં એટલા બધા લોકોના જીવન બરબાદ થઈ ગયા કે એવું અગાઉ ક્યારેય બન્યું નથી. ઉદાહરણ તરીકે, આ સદી દરમિયાન ૧૦ કરોડથી વધારે લોકો યુદ્ધમાં માર્યા ગયા. આ સંખ્યા ગઈ કેટલીક સદીઓ દરમિયાન યુદ્ધોમાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા કરતા કેટલાય ટકા વધારે હતી. વીસમી સદીમાં બે એવા મહાયુદ્ધ લડવામાં આવ્યા જે બીજા યુદ્ધો કરતાં એટલા બધા વિનાશક હતા કે એને વિશ્વયુદ્ધનો ખિતાબ આપવામાં આવ્યો. અગાઉ આવા યુદ્ધો કદી પણ લડવામાં આવ્યા નહોતા જેમાં વિશ્વના બધા દેશોએ ભાગ લીધો હોય.

ભમાવનાર શેતાન

બાઇબલ એક શક્તિશાળી, અદૃશ્ય “દુષ્ટાત્મા તથા શેતાન” વિષે જણાવે છે કે, એ “[પૃથ્વી પર] ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.

શેતાન વિષે બાઇબલ કહે છે કે તે ‘વાયુની સત્તાનો અધિકારી છે, એટલે એ આત્મા જે આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે.’ (એફેસી ૨:૨) જેમ આપણને હવામાં ફેલાયેલો ઝેરી ગૅસ નજરે નથી પડતો અને આપણે એમાં શ્વાસ લેતા રહીએ છીએ તેમ, આજે મોટા ભાગના લોકો એ વાતથી એકદમ અજાણ છે કે તેઓ પોતે દુષ્ટાત્મા અથવા શેતાનના કબજામાં છે.

ઉદાહરણ તરીકે આજે વિડીયો, ફિલ્મો, ટેલિવિઝન, ઇંટરનેટ, જાહેરાતો, પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્ર જેવા સાધનોનો ઉપયોગ કરીને શેતાન લોકોને જાતિભેદ, જંતરમંતર, અનૈતિકતા અને હિંસા જેવી ભડકાવનારી બાબતો શિખવી રહ્યો છે. એ ખાસ કરીને અણસમજુ યુવાનિયાઓને પોતાનો શિકાર બનાવે છે.

બાઇબલમાં આપવામાં આવેલી છેલ્લા દિવસોની બધી ભવિષ્યવાણીઓ જે રીતે આજે પૂરી થઈ રહી છે એને જોઈને અનેક નમ્રજનો આશ્ચર્ય પામે છે. એ સાચું છે કે ૨૦મી સદીની અગાઉ પણ ઇતિહાસમાં બનેલા બનાવો અમુક રીતે બાઇબલમાં આપવામાં આવેલી ભવિષ્યવાણીઓ જેવા જ હતા. પરંતુ ફક્ત ૨૦મી અને ૨૧મી સદીમાં જ છેલ્લા દિવસોની બધી જ નિશાનીઓ એકસાથે પરિપૂર્ણ થતી જોવા મળી રહી છે.

સારા સંસ્કારવાળી દુનિયા

સર્વ માનવજાત નાશ પામશે અથવા દુનિયા આમ જ ચાલતી રહેશે એવું માનનારાઓ ખોટા છે. બાઇબલ સ્પષ્ટપણે જણાવે છે કે હાલનું દુષ્ટ જગત હંમેશ માટે નાશ પામશે અને એને સ્થાને સારા સંસ્કારવાળી દુનિયા આવશે.

છેલ્લા દિવસોના ચિહ્‍ન જણાવ્યા પછી ઈસુએ કહ્યું: “તેમજ તમે પણ આ સઘળાં થતાં જુઓ ત્યારે જાણજો કે દેવનું રાજ પાસે છે.” (લુક ૨૧:૩૧) ઈસુના પ્રચારનો મુખ્ય વિષય હતો પરમેશ્વરનું રાજ્ય. (માત્થી ૬:૯, ૧૦) પરમેશ્વરે ઈસુને જ પોતાના રાજ્યના રાજા બનાવ્યા છે અને આ રાજ્ય બહું જલદી જ આખી પૃથ્વી પર રાજ કરશે.—લુક ૮:૧; પ્રકટીકરણ ૧૧:૧૫; ૨૦:૧-૬.

જલદી જ યહોવાહના આકાશી રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત, આ દુષ્ટ જગતની સાથે શેતાન અને તેના સંગાથીઓનું નામોનિશાન મીટાવી દેશે. આજના આ ખરાબ અને અધમ જગતનું સ્થાન, એક સુંદર, સુખી જગત લેશે. (દાનીયેલ ૨:૪૪) ફક્ત સારા, નીતિમાન લોકો જ આ જગતમાં હશે. આખી પૃથ્વી સુંદર બગીચો બની જશે.—લુક ૨૩:૪૩; ૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

આ વિશ્વના માલિક યહોવાહ પરમેશ્વર, આપણને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમણે આ વચન આપ્યું છે. જેઓ અત્યારના જગતથી દુઃખી થઈ ગયા છે અને સમજે છે કે આજના બનાવો છેલ્લા દિવસોના ચિહ્‍ન છે, તેઓ આવનાર સંસ્કારી જગતની આશા રાખી શકે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; ૧ પીતર ૫:૬, ૭.

આપણા પ્રેમાળ સરજનહાર, યહોવાહ પરમેશ્વર સત્યની શોધ કરનાર દરેકને આવનાર સુખી જગતમાં હંમેશાનું જીવન આપવાની ઇચ્છા રાખે છે. તો ચાલો આપણે યહોવાહના સાક્ષીઓ પાસેથી આના વિષે વધારે માહિતી મેળવીએ. બાઇબલ કહે છે કે “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

[પાન ૧૦ પર ચિત્ર]

ફક્ત સારા, નીતિમાન લોકો જ આ સુખી જગતમાં હશે