સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હતાશાનો સામનો કઈ રીતે કરવો

હતાશાનો સામનો કઈ રીતે કરવો

બાઇબલ શું કહે છે

હતાશાનો સામનો કઈ રીતે કરવો

દ રેક વ્યક્તિના જીવનમાં ક્યારેક હતાશ થવાનો વખત આવે જ છે. પરંતુ ઘણી વાર તો વ્યક્તિ એટલી ભાંગી પડે છે કે તેને મોત સિવાય અન્ય કોઈ ઉપાય સૂઝતો નથી.

બાઇબલ જણાવે છે કે પરમેશ્વરના વફાદાર સેવકો પણ હતાશ થઈ શકે છે. ઘણી વાર તેઓ જીવનની મુશ્કેલીઓનો સામનો કરતા કરતા આશા ગુમાવી બેસે છે. દાખલા તરીકે એલીયાહ અને અયૂબના ઉદાહરણનો વિચાર કરો. તેઓનો પરમેશ્વર સાથે ખૂબ જ ગાઢ સંબંધ હતો. એલીયાહને મારવા માટે દુષ્ટ રાણી ઇઝેબેલે પીછો કર્યો ત્યારે, તે પોતાનો જીવ બચાવીને ભાગ્યો. આ રીતે ભાગતા તે એટલો કંટાળી ગયો હતો કે તેણે કહ્યું, “હે યહોવાહ મારો જીવ લઈ લે.” (૧ રાજા ૧૯:૧-૪) ન્યાયી અયૂબ પર પણ એક પછી એક મુશ્કેલીઓ આવવા માંડી. તેના દસ બાળકો મરણ પામ્યા. એટલું જ નહિ તેને આખા શરીર પર ધૃણાજનક બીમારી થઈ. (અયૂબ ૧:૧૩-૧૯; ૨:૭, ૮) આવી ખરાબ પરિસ્થિતિમાં અયૂબે હતાશ થઈને કહ્યું, “મારો જીવ ગૂંગળાઇ મરવાને, અને મારા આ હાડપિંજર કરતાં મોત પસંદ કરે છે.” (અયૂબ ૭:૧૫) પરમેશ્વરના આ સેવકો એટલા હતાશ થઈ ગયા હતા કે તેઓને જીવવું પણ મુશ્કેલ લાગતું હતું.

આપણે પણ ઘણી વાર જીવનથી હતાશ થઈ જઈએ છીએ. એના ઘણા કારણો હોય શકે, જેમ કે વધતી ઉંમર, જીવન સાથીના મૃત્યુનું દુઃખ, ગરીબીને કારણે તણાવ. કેટલાક કોઈ ખતરનાક બનાવની યાદો ભૂલી શકતા નથી, ઘણા કુટુંબો મુશ્કેલીઓથી ઘેરાઈ વળ્યા છે અને એમાંથી છૂટવા માટે તેઓને કોઈ માર્ગ સૂઝતો નથી. એક માણસ કહે છે, “તમે પોતાને તુચ્છ ગણવા લાગો છો. તમે વિચારો છો કે તમારા મરણથી કોઈને કંઈ ફરક પડવાનો નથી. અને આ પ્રકારનું એકલાપણું સહન કરવું મુશ્કેલ બની જાય છે.”

કેટલાકની સ્થિતિ બદલાય છે અને તેઓને રાહત મળે છે. પરંતુ પરિસ્થિતિ ન બદલાય તો શું? આવા સમયે પરિસ્થિતિનો સામનો કરવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરી શકે?

બાઇબલ મદદ કરી શકે

મુશ્કેલીના સમયે એલીયાહ અને અયૂબને કોણે બચાવ્યા હતા? યહોવાહે. કારણ કે તેમની પાસે બચાવવાની ક્ષમતા અને શક્તિ બંને છે. (૧ રાજા ૧૯:૧૦-૧૨; અયૂબ ૪૨:૧-૬) એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે કે મુશ્કેલીના સમયે આપણે યહોવાહ પાસે જઈ શકીએ છીએ! બાઇબલ જણાવે છે, “દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.” (ગીતશાસ્ત્ર ૪૬:૧; ૫૫:૨૨) મુશ્કેલ પરિસ્થિતિ આપણને ભલેને ગમે તેટલી હતાશ કરી નાખે, પરંતુ યહોવાહ વચન આપે છે કે તે પોતાના ન્યાયી હાથથી આપણને સાચવશે. (યશાયાહ ૪૧:૧૦) યહોવાહ પાસેથી મદદ મેળવવા માટે આપણે શું કરવું પડશે?

બાઇબલ જણાવે છે કે આપણે પ્રાર્થના કરીશું તો “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) નિરાશાને કારણે આપણને કદાચ બધું જ અંધકારમય લાગે અને કોઈ માર્ગ ન સૂઝે. પરંતુ આપણે “પ્રાર્થનામાં લાગુ” રહીએ તો, યહોવાહ આપણા મન અને હૃદયનું રક્ષણ કરશે અને આપણને હતાશા સામે લડવાની શક્તિ આપશે.—રૂમી ૧૨:૧૨; યશાયાહ ૪૦:૨૮-૩૧; ૨ કોરીંથી ૧:૩, ૪; ફિલિપી ૪:૧૩.

પ્રાર્થના કરતી વખતે આપણે યહોવાહને આપણા મનની વાત સ્પષ્ટ રીતે કહેવી જોઈએ. એ સાચું છે કે આપણી લાગણીઓ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હોય શકે. પરંતુ આપણે યહોવાહને વિના સંકોચે જણાવી શકીએ કે આપણને કેવું લાગી રહ્યું છે અને આ મુશ્કેલીનું કારણ શું છે. આપણે તેમની પાસે શક્તિ માંગવી જોઈએ જેથી આપણે દરરોજ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકીએ. આપણી પાસે ખાતરી છે કે, “તેના [યહોવાહના] ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯.

પ્રાર્થના કરવા ઉપરાંત આપણે અતડાપણાથી દૂર રહેવું જોઈએ. (નીતિવચન ૧૮:૧) બીજાઓને મદદ કરવાથી પણ આપણે સારું અનુભવીશું. (નીતિવચન ૧૯:૧૭; લુક ૬:૩૮) મારીયા * નામની એક સ્ત્રીનો વિચાર કરો. તેને કૅન્સર થયું હતું એટલું જ નહિ તેણે એક વર્ષની અંદર પોતાના કુટુંબના આઠ સભ્યોને મરણમાં ગુમાવ્યા હતા. તેમ છતાં, મારીયા નાસીપાસ ન થઈ. તે પથારીમાં પડ્યા રહેવાને બદલે પોતાની દિનચર્યામાં લાગી જાય છે. લગભગ દરરોજ તે બીજાઓને બાઇબલ શીખવે છે અને દરેક ખ્રિસ્તી સભામાં હાજરી આપે છે. ઘરે પાછા ફરતા મારીયાને ફરીથી હતાશા ઘેરી વળતી. છતાં, તે બીજાઓને કઈ રીતે વધારે મદદ કરી શકે એ પર વધારે ધ્યાન આપીને હતાશા સામે લડી શકી છે.

પરંતુ આપણને પ્રાર્થના કરતા મુશ્કેલી પડે અને કોશિશ કરવા છતાં એકલાપણું અનુભવીએ તો આપણે શું કરી શકીએ? આવા સમયે આપણે બીજાઓની મદદ લેવાની જરૂર છે. બાઇબલ પણ આપણને “મંડળીના વડીલો” પાસે જવાની સલાહ આપે છે. (યાકૂબ ૫:૧૩-૧૬) ઘણા લાંબા સમયથી હતાશાનો સામનો કરનાર એક માણસ જણાવે છે, “ઘણી વાર તમારા ખાસ મિત્ર સાથે વાત કરી લેવાથી તમારા મનનો બોજ હલકો થઈ શકે છે અને તમને માનસિક શાંતિ મળે છે. પછી તમે ઠંડા મગજે એ વિચારી શકશો કે સમસ્યાનો ઉકેલ કઈ રીતે શોધી શકાય.” (નીતિવચન ૧૭:૧૭) અલબત્ત, ઘણા કિસ્સાઓમાં હતાશા કોઈ બીમારીને કારણે હોય શકે, એ સમયે ડૉક્ટર પાસે જવાની જરૂર પડી શકે. *માત્થી ૯:૧૨.

એ સાચું છે કે સમસ્યા એટલી સરળ રીતે હલ થઈ જતી નથી, પરંતુ એકવાર યહોવાહ પર ભરોસો મૂકીને તો જુઓ. આપણે તેમની મદદ કરવાની શક્તિનું કદી પણ ઓછું મૂલ્ય ન આંકવું જોઈએ. (૨ કોરીંથી ૪:૮) પ્રાર્થનામાં લાગુ રહેવા, એકલાપણાથી બચવા અને વડીલોની મદદ લેવાથી આપણે હતાશા સામે લડી શકીએ છીએ. બાઇબલ વચન આપે છે કે પરમેશ્વર જલદી જ બધા પ્રકારની હતાશાઓને મૂળમાંથી ઉખેડી નાખશે. “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ” એ દિવસની વાટ જોતાં, ખ્રિસ્તીઓ પરમેશ્વર પર ભરોસો રાખવા માટે કૃતનિશ્ચયી છે.—યશાયાહ ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૪.

[ફુટનોટ્‌સ]

^ નામ બદલવામાં આવ્યું છે.

^ સજાગ બનો! કોઈ ખાસ પ્રકારના ઇલાજની ભલામણ કરતું નથી. ખ્રિસ્તીઓએ ખાતરી કરવી જોઈએ કે પોતે જે કંઈ પણ ઇલાજ કરાવે એ બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધમાં ન હોય. આ વિષે વધારે માહિતી માટે ઑક્ટોબર ૧૫, ૧૯૮૮ ચોકીબુરજ (અંગ્રેજી)નું પાન ૨૫-૯ જુઓ.