અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
અપંગ પ્રચારક “અપંગ છતાં ખુશહાલ” લેખમાં કોન્સેન્ટીન મોરોઝોવનો અનુભવ વાંચીને હું મારા આંસુ રોકી શકી નહિ. (ફેબ્રુઆરી ૨૨, ૨૦૦૦, અંગ્રેજી) હું એકલવાયી માતા છું અને મારે બે બાળકો છે. એ સહેલું નથી અને ઘણી વાર તો મને લાગે છે કે મારી સમસ્યાઓનો ક્યારેય અંત આવવાનો નથી. છતાં, કોન્સેન્ટીનની સરખામણીમાં એ તો કંઈ જ નથી!
આઈ., રશિયા
હું પૂરા સમયની સુવાર્તિક છું. મને આંખોની સમસ્યા હોવાથી વાંચતા ખૂબ જ મુશ્કેલી પડે છે. હું પહેલાં નિયમિત રીતે વાંચતી હતી તેથી, ઘણી વાર નાસીપાસ અને હતાશ થઈ જાઉં છું. કોન્સેન્ટીન વિષે વિચારું છું ત્યારે, મને લાગે છે કે મારે કદી પણ ફરિયાદ ન કરવી જોઈએ. તેમણે પહાડ જેવી મુશ્કેલીઓને આંબી છે અને પૂરા સમયના સુવાર્તિક તરીકે કામ કર્યું છે. ખરેખર યહોવાહ શક્તિ પૂરી પાડે છે!
ડબ્લ્યુ. ડબ્લ્યુ., ભારત
સોળ વર્ષની ઉંમરે મને પગે લકવા થઈ ગયો હતો. કોન્સેન્ટીનની જેમ, હું રોજ મુશ્કેલી અનુભવું છું. તેમ છતાં, લેખે બતાવ્યું કે અપંગ લોકો પણ સમાજમાં ઉપયોગી છે અને પરમેશ્વરની સેવા કરી શકે છે. જોકે હું સારી રીતે સાંભળી કે જોઈ શકતી નથી, પરંતુ હું ઘણી વાર ફળિયામાં દીવાલે ટેકો દઈને એકલી બેઠી હોઉં છું ત્યારે પ્રચાર કરું છું. કોન્સેન્ટીનના અદમ્ય ઉત્સાહ અને ભક્તિ માટે હું તેમને શુભેચ્છા વ્યક્ત કરું છું.
ડી. એફ., કોટ ડીવાંર (g00 11/22)
આધુનિક ગુલામી હું ૧૬ વર્ષની છું અને મને તમારો લેખ ખૂબ જ ગમ્યો. મને ખબર છે કે આજે પણ અમુક છોકરીઓ ગુલામી સહન કરી રહી છે. જે ઘરે તેઓને રાખવામાં આવે છે ત્યાં તેઓ તનતોડ મહેનત કરતી હોય છે. પરંતુ તેઓને કોઈ પણ પ્રકારના શિક્ષણ કે પ્રેમથી વંચિત રાખવામાં આવે છે. યહોવાહ તેઓને જુલમમાંથી છોડાવશે એમ બાઇબલમાં વાંચવાથી મને ઘણી રાહત મળી.
એ. ઓ., બર્કીના ફાસો (g00 11/22)
આપઘાત “આપઘાત—કોણ વધારે ભયમાં છે?” (માર્ચ ૮, ૨૦૦૦) એ લેખો ખરા સમયે જ આવ્યા. આઠ મહિના પહેલાં મારી મમ્મી અચાનક મૃત્યુ પામી. જોકે એ સમયે મારા પપ્પા બહાર ગામ ગયા હોવાથી પોતાને દોષિત માનતા હતા. તે હવે વધારે જીવવા માંગતા ન હતા. પરંતુ, એ લેખો મારા પપ્પાને અને મને ખૂબ જ મદદરૂપ સાબિત થયા.
આર. ઝેડ., જર્મની
મારા દાદાએ બે વર્ષ પહેલાં આપઘાત કર્યો હતો. દાદીના મૃત્યુ પછી તેમની માનસિક સ્થિતિ સારી ન હતી. તમારા લેખોએ મને એ સમજવામાં મદદ કરી કે તેમણે એમ શા માટે કર્યું હતું.
એ. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
જાન્યુઆરીમાં મારા ૪૮ વર્ષના ભાઈએ આપઘાત કર્યો હતો. તેમની દફનવિધિના બીજા દિવસે, મારા પિતા જે યહોવાહના સાક્ષી નથી, તેમને ટપાલથી સજાગ બનો!નો આ અંક મળ્યો. તેમણે અમને સ્તબ્ધ થઈને અને આંસુઓ સહિત એ અંક બતાવ્યો. એ દિલાસાજનક લેખોથી અમારા કુટુંબે આનંદ અને આભાર સહિત આંસુ વહાવ્યા.
બી. જે., યુનાઈટેડ સ્ટેટ્સ
અમારા જિલ્લાની શાળાઓમાં, એક જ વર્ષમાં છ બાળકોએ આપઘાત કર્યો. એવું ફરી ન થાય એ માટે શાળાના જિલ્લા અધિકારીઓએ સાવચેત રહેવા જણાવ્યું. સામાન્ય રીતે આપણો સંદેશો સાંભળતા નહોતા તેઓને અમે આ અંક વાંચવા માટે આપ્યો. ઘણી વાર તો અમે વાત પૂરી કરીએ એ પહેલાં જ લોકો અમારા હાથમાંથી મેગેઝિન લઈ જતા હતા!
સી. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
હું નાની હતી ત્યારે, મારા પપ્પાના મૃત્યુ બાદ મેં બે વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. અરે, એ વખતે લોકો પોતાના મોઢેથી “આપઘાત” શબ્દ ઉચ્ચારવાને પણ શરમજનક ગણતા હતા. સજાગ બનો!માં એને મથાળે રાખવા બદલ તમારો આભાર. મને આ લેખો સહજ, વાસ્તવિક અને સમજવા લાયક લાગ્યા.
એમ. જી., ફ્રાંસ (g00 11/8)
દોસ્તીમાં સમસ્યાઓ “યુવાનો પૂછે છે. . . મારા દોસ્તે મને કેમ દુઃખી કર્યો? લેખે મને ઘણી મદદ કરી. (માર્ચ ૮, ૨૦૦૦) છેલ્લા સાડા છ વર્ષથી અમે પાક્કી બહેનપણીઓ હતી, પરંતુ તેણે મને ખૂબ જ દુઃખી કરી હતી. તમારા લેખમાં આપવામાં આવેલા સૂચનોનો ઉપયોગ કરીને, મેં અને મારી બહેનપણીએ એકદમ શાંતિથી એ સંબંધી વાતચીત કરી. પરિણામે, હવે અમે પહેલાં કરતાં પણ વધારે ગાઢ બહેનપણીઓ છીએ.
એમ. એલ., યુનાઈટેડ સ્ટેટ્સ (g00 11/8)