કોપર કેન્યન જુઓ
કોપર કેન્યન જુઓ
મૅક્સિકોમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
કોપર કેન્યનની સુંદર ખીણો ઉત્તર મૅક્સિકોમાં આવેલી છે. એ સીએરા મેડ્રે ઑક્સીડેન્ટલ તરીકે ઓળખાતી પર્વતોની હારમાળામાં આવેલી છે. એ લગભગ ૫૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલી છે, જે કોસ્ટા રીકા જેટલો વિસ્તાર થાય છે.
જોકે, નામ પ્રમાણે એની કલ્પના કરશો નહિ. નામ પરથી લાગે છે કે કોપર કેન્યન એક જ ખીણ છે. પરંતુ એ ૨૦ અલગ અલગ ખીણોનું જોડાણ છે અને એમાંની એક કોપર કેન્યન છે, જેના પરથી એ બધી ખીણોનું નામ પડ્યું છે. સંશોધક રીચર્ડ ફીશરના કહ્યા પ્રમાણે, આમાંની ઓછામાં ઓછી ત્રણ ખીણો યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલી ગ્રૅન્ડ કેન્યન ખીણ કરતાં વધારે ઊંડી છે. *
કોપર કેન્યનની ખીણ ઘણી જ સુંદર છે. પરંતુ એનો
વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી, મોટા ભાગના ટુરિસ્ટો ફક્ત અમુક જ ભાગ જોઈ શકે છે. સૌથી સુંદર દૃશ્યો કોપર, સેનફોરોસા અને યુરીક ખીણો તરફ જોવા મળે છે. જોકે, કેટલાકનું માનવું છે કે દેવીશાદારો નામની જગ્યાએથી કોપર, યુરીક અને ટારારેક્વાની ખીણોના સુંદર દૃશ્યો એકસાથે જોઈ શકાય છે.બદલાતી મોસમ
કોપર કેન્યન ખીણ અમુક જગ્યાએ ઊંચી તો અમુક જગ્યાએ નીચી હોવાથી, એની મોસમ અને ઝાડ-પાન પર અસર થાય છે. મીગલ ગ્લીસન તેમના મિત્રો સાથે યુરીક કેન્યન પરથી ઊતરતા હતા ત્યારે તેમને આ અનુભવ થઈ ગયો. મૅક્સિકો ડેસ્કોનોસેડો મેગેઝિનમાં તે લખે છે: “અમને એકદમ જ ગરમી થવા લાગી, દેવદારના જંગલો જાણે અદૃશ્ય થઈ જવા માંડ્યા. એની જગ્યાએ અમને કેળાં, અવાકાડો, અરે, નારંગીના વૃક્ષ પણ દેખાવા લાગ્યા. અમે માની જ શકતા ન હતા. હું ફક્ત એટલું જ કહી શકું છું કે મારા જીવનમાં મેં કદી પણ આ રીતે થોડા સમય અને થોડા અંતરે આટલી ઠંડકવાળાં જંગલો પસાર કરીને ગરમીના પ્રદેશમાં પ્રવેશ કર્યો નથી.”
કેન્યનના પહાડોની ટોચ પરનો વિસ્તાર ૧૫ જાતના દેવદાર અને ૨૫ અલગ અલગ જાતના ઇમારતી લાકડાના વૃક્ષોથી ઢંકાયેલો છે. કોપર કેન્યન પર બીજા ઘણા જાતનાં વૃક્ષો જોવા મળે છે. ઉનાળાની મોસમમાં જાણે વિવિધ ફૂલોથી સજાવી દીધી હોય એમ, પર્વતોની આ હારમાળા પર બધી બાજુ ભાત ભાતનાં ફૂલો ખીલી ઊઠે છે. એમાંના કેટલાકનો ઉપયોગ ખોરાક કે દવા તરીકે ત્યાંના લોકો કરે છે, જે લોકો ટારાહુમારા તરીકે જાણીતા છે. આ ખીણો દરિયાની સપાટીથી ૧,૮૦૦ મીટરની ઊંચાઈ પર આવેલી હોવાથી ત્યાંની મોસમ મોટે ભાગે બદલાતી રહે છે, કોઈ વાર ગરમી તો કોઈ વાર ઠંડી. શિયાળામાં ઝીણો વરસાદ અને કોઈક વાર તો બરફ પણ પડે છે.
ટુરિસ્ટો નીચે ઊતરતા જાય છે તેમ, તેઓએ જાતજાતનાં વૃક્ષો અને કાંટાળા છોડ જોયા. ખીણના નીચેના વિસ્તારમાં શિયાળાની મોસમમાં પણ વધુ ઠંડી લાગતી નથી. ત્યાંનું ઉષ્ણતામાન સરેરાશ ૧૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે કે ઉનાળામાં ખૂબ જ ગરમી થઈ જાય છે, કેમ કે ત્યાંનું ઉષ્ણતામાન ૩૫થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે બદલાતું રહે છે. ત્યારે પુષ્કળ વરસાદ વરસે છે જે નદીઓને ભરી દે છે, અરે કોઈક વાર તો પૂર પણ આવી જાય છે.
પાણીના બે મોટા ધોધ એ વિસ્તારની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે.
દુનિયાના સૌથી ઊંચા ધોધમાંનો એક, પ્યાડ્રા બોલાડા ૪૫૩ મીટર, અને બીજો બેસાસીએચીક ૨૪૬ મીટરની ઊંચાઈથી નીચે પડે છે.પશુપક્ષીઓનું ઘર
ભાતભાતના પશુપક્ષીઓ માટે કોપર કેન્યન સલામત ઘર છે. કહેવામાં આવે છે કે મૅક્સિકોના રજિસ્ટર થયેલા પ્રાણીઓમાંથી ૩૦ ટકા આ વિસ્તારમાં રહે છે. એમાં કાળા રીંછ, જંગલી બિલાડી, જળબિલાડી, હરણ, મૅક્સિકન શિયાળ, જંગલી સૂવર, ચામાચીડિયું, ખિસકોલી, સસલાં અને બીજા અનેક પ્રકારના પ્રાણીઓ રહે છે.
કોપર કેન્યનમાં લગભગ ૪૦૦ જાતનાં પક્ષીઓ રહે છે, જેમાં સોનેરી ગરુડ અને બાજ પક્ષીનો સમાવેશ થાય છે. કેન્યન ખીણો ઉત્તર અને મધ્ય અમેરિકાની વચ્ચે મહત્ત્વની જગ્યાએ આવેલી છે. તેથી, ઘણા પક્ષીઓ કાતિલ ઠંડીથી બચવા શિયાળામાં અહીં આવીને રહે છે. બીજા પક્ષીઓ ફક્ત વિસામો લઈ, મુસાફરી ચાલુ રાખે છે.
ખરેખર, કોપર કેન્યન સર્વ સૃષ્ટિના ઉત્પન્નકર્તા, યહોવાહ પરમેશ્વરને મહિમા આપે છે. રાજા દાઊદે પણ મહિમા આપતા કહ્યું હતું: “હે યહોવાહ, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તારાં છે; કેમકે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઇ છે તે સર્વ તારૂં છે.”—૧ કાળવૃત્તાંત ૨૯:૧૧. (g00 11/8)
[ફુટનોટ]
^ યુરીક ખીણ ૧,૮૭૯ મીટર ઊંડી છે; સેનફોરોસા ૧,૮૩૦ મીટર ઊંડી છે; અને બાટોપેલાસ ખીણ ૧,૮૦૦ મીટર ઊંડી છે. જ્યારે ગ્રૅન્ડ કેન્યન ખીણ લગભગ ૧,૬૧૫ મીટર ઊંડી છે.
[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]
ટ્રેનમાંથી દેખાતું દૃશ્ય
ચિવાવા-પૅસિફિક રેલવે યુ. એસ.-મૅક્સિકો સરહદે આવેલા ઑજિનાગાથી પૅસિફિક મહાસાગર પાસે આવેલા ટપોલોબામ્પો બંદર સુધી ૯૪૧ કિલોમીટરનું અંતર કાપે છે. એ મુસાફરીમાં વચ્ચે કોપર કેન્યન ખીણો પણ આવે છે. એના સુંદર દૃશ્યોને કારણે, આ રેલવેને ઇજનેરી કળાનું એક પરાક્રમ કહેવાય છે. એ મુસાફરીમાં ટ્રેન કંઈક ૩૭ મોટા પુલ પરથી પસાર થાય છે, જેમાંનો લાંબામાં લાંબો ૫૦૦ મીટરનો પુલ ફ્યુર્ટો નદી પર આવેલો છે. એમાંનો ઊંચામાં ઊંચો પુલ ચીનીપાસ નદી પર છે, જેની ઊંચાઈ ૯૦ મીટર છે.
એ ટ્રેન ૯૯ બોગદાંમાંથી પણ પસાર થાય છે. એમાંનું સૌથી લાંબું બોગદું એલ ડિસ્કેનસો છે, જેની લંબાઈ ૧,૮૧૦ મીટર છે. આ મુસાફરીમાં ટુરિસ્ટો કોપર કેન્યનના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે છે.
[પાન ૧૫ પર નકશો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
મૅક્સિકો
ચિવાવાઑજિનાગા
ચિવાવા
કોપર કેન્યનનો વિસ્તાર
લા જુન્ટા
ક્રીલ
દીવીસાદેરો
ટપોલોબામ્પો
[પાન ૧૫ પર ચિત્ર]
બેસાસીએચીક ધોધ
[ક્રેડીટ લાઈન]
© Tom Till
[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]
દેવીશાદારોથી દેખાતું એક દૃશ્ય
[ક્રેડીટ લાઈન]
© Tom Till
[પાન ૧૭ પર ચિત્ર]
ટારાહુમારા લોકો કેન્યનમાં બધી બાજુએ રહે છે
[ક્રેડીટ લાઈન]
George Hunter/ H. Armstrong Roberts
[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]
અરારેકો સરોવર
[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
George Hunter/ H. Armstrong Roberts