સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચાલો મળીએ ઑસ્ટ્રેલિયાની ડંખ વિનાની મધમાખીને

ચાલો મળીએ ઑસ્ટ્રેલિયાની ડંખ વિનાની મધમાખીને

ચાલો મળીએ ઑસ્ટ્રેલિયાની ડંખ વિનાની મધમાખીને

ઑસ્ટ્રેલિયામાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

શું તમે કદી વસંત ઋતુની શરૂઆતના તેજસ્વી સૂર્યપ્રકાશમાં, એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડતી વ્યસ્ત મધમાખીઓના મધુર અવાજનો આનંદ માણ્યો છે? ખરેખર, એ તો મઝાનું જીવડું છે, પરંતુ જો એ ડંખ ન મારે તો!

તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થઈ શકે કે અમુક મધમાખી એવી પણ હોય છે જે ડંખ મારતી નથી. એને ઑસ્ટ્રેલિયાની ડંખ વિનાની મધમાખી તરીકે ઓળખવામાં આવે છે અને એ પૂર્વીય ઑસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં જોવા મળે છે. ડંખ વિનાની મધમાખી કંઈક ચારેક મિલિમીટર લંબાઈની હોય છે. એ કાળા રંગની હોય છે, એના મોઢાં પર અને આજુબાજુ જાડા સફેદ વાળ હોય છે. ઘણી મધમાખીઓને શરીરના મધ્ય ભાગમાંની ધારોએ નાનાં પીળાં ટપકાં હોય છે. દૂર ક્વીન્ઝલૅન્ડના ઉત્તર દરિયાકાંઠેથી માંડીને દક્ષિણના ન્યૂ સાઉથ વેલ્ઝ સુધી લગભગ દસ પ્રકારની ડંખ વિનાની મધમાખીઓ જોવા મળે છે. ઘણી મધમાખીઓ તો ખંડના અત્યંત ગરમ એવા ઉત્તરીય વિસ્તારોમાં પણ જોવા મળે છે.

મધપૂડામાંથી મધ કાઢનારાઓને મળતા ફાયદાઓનો વિચાર કરો. એક મધમાખી ઉછેરનાર કહે છે: “[બીજી માખીઓ] સાથે કામ કરતી વખતે મારે મોં પર રેશમી પડદો અને ગળું ઢંકાય એવા કૉલરવાળાં જૅકેટ સાથે બીજી ઘણી વસ્તુઓ પહેરવી પડતી, જ્યારે કે [ડંખ વિનાની મધમાખીઓ] સાથે કામ કરતી વખતે મારે મારા રક્ષણ માટે કંઈ જ કરવું પડતું નથી. મધપેટી ખોલ્યા બાદ જો હું પાંચેક મિનિટ જરા આઘોપાછો થાઉં તોપણ, મધમાખીઓ પોતાની મેળે પોતાનું કામ કર્યા કરે છે.”

અન્ય મધપૂડાઓ કરતાં ડંખ વિનાની મધમાખીઓના મધપૂડા થોડાંક અલગ પ્રકારના હોય છે. ઘણી વાર તો એને માળો પણ કહેવામાં આવે છે. પોતાનું મધ અને પુષ્પરજને સામાન્ય ષટ્‌કોણીય મધપૂડામાં ભેગું કરવાને બદલે, ડંખ વિનાની મધમાખીઓ એને પોતે બનાવેલ મીણના અંડાકાર પાત્રના ઝૂમખાઓમાં ભેગું કરે છે. એ પાત્ર ભરાઈ જાય એટલે એને બંધ કરીને એના પર અથવા એની આજુબાજુ બીજા પાત્ર બનાવવામાં આવે છે.

માળાની અંદર

ચાલો આપણે એ માળામાં ડોકિયું કરીએ, જે કંઈક ૧૫,૦૦૦ મધમાખીઓનું નિવાસસ્થાન છે. પરંતુ સાવધાન રહો, કેમ કે આ મધમાખી ડંખ તો નહિ મારે પણ પોતાના નીચલા જડબાથી બચકું જરૂર ભરી શકે છે.

માળાની આંટીઘૂંટીમાં ટહેલતી વખતે આપણે એમાં દુનિયાભરની પ્રવૃત્તિઓનો અહેસાસ કરી શકીએ છીએ. આ મધમાખીઓ સાચે જ એકતામાં કામ કરે છે. દરેકને ખબર હોય છે કે પોતે શું કામ કરવાનું છે અને ક્યાં વધુ જરૂર રહેલી છે. અમે એક નાનકડી મધમાખીને કોઈ પણ જાતના માપવાના સાધન સિવાય એકસરખાં માપના ખાનાંવાળાં સુંદર મધપાત્રને આકાર આપતા અને ચમકાવતા જોઈએ છીએ. અમારી આજુબાજુ રહેલી બીજી ચાર મધમાખીઓ હમણાં જ ભરવામાં આવેલ મધપાત્રને બંધ કરવામાં લાગી ગયેલી જોવા મળે છે. ત્રણ પરિમાણવાળાં મોટાં માળખાના ચોકઠામાં મધપાત્રો બનાવવામાં આવે છે. આ ઉચ્ચ કોટિની ઇજનેરી રચના મધના વજનને ઝીલવા ટેકા સમાન છે.

હવે આપણે બીજા એક વિભાગમાં પ્રવેશીએ અને અન્ય સર્વ કરતાં ખૂબ જ મોટી મધમાખીને નિહાળીએ. એ સર્વમાં મહારાણી છે! ચળકતા કાળા પહેરવેશ તથા સોનાની વીંટીઓથી આભૂષિત લાગતી એ સુંદર રાણી અન્ય વ્યસ્ત મધમાખીઓ વચ્ચે ઘેરાયેલી જોવા મળે છે! હવે રાણી તૈયાર કરવામાં આવેલ ૬૦ ખાનાંમાં ઇંડા મૂકવાનું શરૂ કરે છે. બાળકને પારણામાં મૂકતી વખતે માતા જે કાળજી રાખે છે એટલી જ કાળજીથી તે ઇંડા મૂકી રહી છે! ખરેખર તે ખૂબ જ સમજદાર અને ચીવટવાળી છે. જુઓ, ઇંડા મૂક્યા બાદ તેની સાથેની મધમાખીઓ ફટાફટ ખાનાને બંધ પણ કરી દે છે. થોડી જ પળોમાં સઘળું કામ પૂરું થઈ જાય છે.

ઇંડા ફૂટે છે ત્યારે

ઇંડા ફૂટે છે ત્યારે, નવજાત મધમાખીઓ માટે ખોરાક તૈયાર જ હોય છે. શરૂઆતમાં મીણીયા ખાનામાં ઇયળ પોતે રેશમી કોશેટો બનાવે છે. આ કોશેટામાં એનો વિકાસ થઈ ગયા પછી એ મધમાખી તરીકે બહાર નીકળે છે. પછીથી, દેખભાળ રાખનાર કોઈ મધમાખીના થોડાક લાડકોડ બાદ, એ કામ કરવાનું શરૂ કરી દે છે. મીણીયા ખાનાઓનું શું થાય છે? એને ભેગા કરવામાં આવે છે અને સામગ્રીને ફરીથી ઉપયોગમાં લેવાય છે. એક વાર મધમાખી કોશેટામાંથી બહાર નીકળી જાય પછી કોશેટાની કંઈ જરૂર રહેતી નથી. એને ત્યાં જ પડતા મૂકવામાં આવે છે, એ માળામાં ગમે ત્યાં પડી રહે છે. છેવટે સાફસફાઈ કરનાર મધમાખીઓનું લશ્કર આવીને સર્વ કચરાનો નિકાલ કરી નાખે છે.

ડંખ વિનાની મધમાખીઓની અમુક જાતિઓ બાંધકામ સામગ્રી ઉત્પન્‍ન કરે છે જેને કર્ણમળ તરીકે ઓળખવામાં આવે છે. એ મધમાખીના પોતાના શરીરમાંથી નીકળેલ મીણ છે જે છોડવાઓ અને ઝાડ પરથી તેઓએ ભેગા કરેલ રાળના મિશ્રણનું બનેલું છે. સ્તંભ અને પાટડાનું ચોકઠું બનાવવા તથા સાંધાઓ જોડવા માટે કર્ણમળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચોકઠાંમાં મધ અને પુષ્પપરાગ મૂકવામાં આવે છે ત્યારે, મધમાખીઓ પાત્રની અંદર તથા આસપાસ આંટાફેરા મારે છે, પછી કર્ણમળને આકાર આપીને એને શક્ય એટલું દબાવે છે. પછી પાત્રને ભરીને એને સંગ્રહી રાખવા બંધ કરવામાં આવે છે. સહજતાથી જ, મધમાખીઓ છોડવાઓ માટે ઋતુઓનું મૂલ્ય અને ઋતુઓ પ્રમાણે મોસમના ભયથી પણ પરિચિત હોય છે. એઓ ભાવિ માટે ખોરાકને ભેગો કરવા અને એનું જતન કરવા વિષે સારી રીતે જાણતી હોય એમ લાગે છે.

મધમાખી બાંધકામ સામગ્રી માટે તથા ફૂલરસ અને પુષ્પપરાગની શોધમાં માળો અને ખોરાક છોડીને જાય છે. એક વાર માળાની બહાર જવાથી મધમાખી અનુભવી પાઇલોટ જેવી બની જાય છે. મધમાખી એ પણ જાણે છે કે શું ભેગું કરવું જોઈએ અને ક્યાંથી ભેગું કરવું જોઈએ.

નવું ઘર

વસાહતમાં વધારો થાય છે તેમ, માળો એકદમ ભરચક થઈ જાય છે. હવે શું કરવું? “આપણે હવે બીજું ઘર બનાવવું જોઈએ” એવો સંદેશો મધમાખી પરિવારમાં પહોંચાડી દેવામાં આવે છે. સમયોસમય, એક મધમાખી યોગ્ય માળા માટે એક ઉત્તમ સ્થાનની શોધ કરે છે. પછી “એન્જિનિયરો”નો વારો આવે છે. સામાન્ય રીતે ૩૦થી ૫૦ નિષ્ણાત મધમાખીઓ કેટલાય કલાકો સુધી નક્કી કરેલા સ્થાનની અંદરની બાજુએ તપાસ કરે છે, લીટીઓ દોરે છે અને ક્ષેત્ર નક્કી કરે છે. પછી, ઘરે પાછા ફરતા યોગ્ય સ્થાન મળ્યાની ખબર આપે છે. પછી, ૪૮ કલાકની અંદર જ “બાંધકામ કરનાર” માખીઓ આવી પહોંચે છે. ત્યાં હજારો મધમાખીઓનું ટોળું ઊમટે છે પરંતુ એઓમાં કોઈ રાણી હોતી નથી. એ બધી જ કામે વળગે છે, ઊડીને માળામાંની માતા પાસેથી બાંધકામ સામગ્રી અને ખોરાક લઈ આવે છે.

આ નવા માળામાં રાણીના આગમનની તૈયારીમાં, લગભગ ૨૮ ડિગ્રી સેલ્સિયસ જેવું યોગ્ય તાપમાન જળવાય એવો માળો બાંધવામાં આવે છે. એ માટે કામદાર મધમાખીઓ, માળાની દિવાલ ફરતે જાણે કામળો વીંટાળી દીધો હોય એમ કર્ણમળનું આવરણ લગાવી દે છે. આ હોંશિયાર મધમાખીઓ સારી રીતે વાકેફ હોય છે કે ઇંડાને હૂંફાળા રાખવા જોઈએ. હવે બધું જ તૈયાર હોય છે ત્યારે, નવમા દિવસે નવી રાણી અંદર પ્રવેશ કરે છે. આ નવી રાણીને તેના જૂના માળામાં પહેલેથી જ તૈયાર કરવામાં આવી હોય છે. પછી તરત જ એ ઇંડા મૂકે છે જેથી એનો મહેલ નવી મધમાખીઓથી ભરાઈ જાય.

ધીરે ધીરે, જૂના માળામાંથી આવેલી મધમાખીઓ મરણ પામે છે અને એનું સ્થાન બીજી મધમાખીઓ લે છે જે આ નવા ઘરમાં યુવાન છે. સમય જતાં, આ માળામાંની મધમાખીઓને નવું ઘર બાંધવાની જરૂર જણાય છે. અને આ રીતે અજોડ સર્જકો બીજા એક ​બાંધકામમાં કામે લાગી જાય છે! (g00 11/8)

[પાન ૧૩ પર ચિત્ર]

ષટ્‌કોણીય મધપૂડો બાંધવાને બદલે, ડંખ વિનાની મધમાખીઓ અંડાકાર પાત્રના ઝૂમખાઓ બનાવે છે

[પાન ૧૪ પર ચિત્ર]

ઑસ્ટ્રેલિયામાં લગભગ દસ પ્રકારની ડંખ વિનાની મધમાખીઓ જોવા મળે છે