નર્સો આપણા જીવનમાં તેઓનું મહત્ત્વ
નર્સો આપણા જીવનમાં તેઓનું મહત્ત્વ
“કોઈની સારવાર કરવી કંઈ સહેલું નથી. પરંતુ લોકો પ્રત્યે દયા હોય તો પ્રેરણા મળી શકે. દરદીઓની કુશળ સારવાર માટે એ વિષેનું જ્ઞાન જરૂરી છે.”—મેરી એડલેડ નટીંગ, ૧૯૨૫, દુનિયામાં નર્સિંગના પ્રથમ પ્રોફેસર.
નર્સો હજારો વર્ષોથી લોકોની સેવા કરતી આવી છે. બાઇબલ પણ એ વિષે જણાવે છે. (૧ રાજા ૧:૨-૪) ઇતિહાસ એવી ઘણી નર્સો વિષે જણાવે છે, જેઓએ બીમાર લોકોની સારવાર કરી હતી. દાખલા તરીકે, રાજા એન્ડ્રુ બીજાની દીકરી, એલીઝાબેથ ઑફ હંગેરી (૧૨૦૭-૩૧)નો વિચાર કરો. તેમણે ૧૨૨૬ના દુકાળમાં ખોરાક વહેંચવાની ગોઠવણો કરી. પછી, તેમણે હૉસ્પિટલો બાંધવાની ગોઠવણો કરી અને ત્યાં તેમણે કોઢિયાઓની સેવા કરી. એલીઝાબેથ ફક્ત ૨૪ વર્ષની ઉંમરે મરણ પામ્યા, જેમાં મોટા ભાગે તેમણે બીમાર લોકોની ચાકરી કરી હતી.
નર્સોના ઇતિહાસની વાત થાય છે ત્યારે, ફ્લોરેન્સ નાઈટીંગેલને તો કેમ ભૂલાય? આ હિંમતવાન અંગ્રેજી નારીએ બીજી ૩૮ નર્સો સાથે મળીને, ૧૮૫૩-૫૬ના ક્રિમિયન યુદ્ધના સમયે ગજબનું કામ કર્યું. તેઓએ કોન્સ્ટેન્ટીનોપલના એક શહેર, સ્કુટારીની લશ્કરી હૉસ્પિટલના રંગરૂપ બદલી નાખ્યા. તે ત્યાં આવ્યા ત્યારે મરણનો દર લગભગ ૬૦ ટકા હતો. પરંતુ, ૧૮૫૬માં તે ત્યાંથી ગયા એ સમયે મરણનો દર બે ટકાથી ઓછો હતો.—પાન ૬ પરનું બૉક્સ જુઓ.
નાઈટીંગેલ ક્રિમિયા ગયા એ પહેલાં, જર્મનીમાં આવેલા કૈસર્સવર્થની એક સંસ્થામાં તેમણે તાલીમ લીધી. એ પ્રોટેસ્ટંટ સંસ્થા જેમાં સ્ત્રીઓ પાદરી હતી, એણે પણ નર્સિંગના ઇતિહાસ પર ઊંડી અસર પાડી હતી. સમય જતાં, નર્સો માટેના એવા બીજા જાણીતા સંગઠનો ઊભા થયાં. દાખલા તરીકે, એગ્નેસ કાર્લે ૧૯૦૩માં જર્મન નર્સો માટે પ્રોફેસનલ સંગઠન શરૂ કર્યું.
આજે આપણને તંદુરસ્ત રાખવા માટે નર્સોનો ખૂબ જ મોટો હાથ રહેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, હાલમાં ૧૪૧ દેશોમાં ૯૦,૦૦,૦૦૦થી પણ
વધારે અલગ અલગ પ્રકારની નર્સો છે. ખરેખર, તેઓ મહત્ત્વની સેવા બજાવે છે! ધી ઍટલાન્ટિક મન્થલી મૅગેઝીન કહે છે કે નર્સો “દરદીના ભલા માટે સારવાર, જ્ઞાન અને ભરોસો જાણે એકબીજા સાથે સુંદર રીતે ગૂંથી દે છે.” તેથી, કલ્પના કરો કે નર્સો વિના આપણા જીવનનું ગાડુ ચાલ્યું હોત ખરું?સાજા થવામાં તેઓની મદદ
એક વિશ્વજ્ઞાનકોષ નર્સોની સેવા વિષે આમ કહે છે: “એ એવી સેવા છે જેમાં નર્સ દરદીને બીમારી કે જખમથી સાજા થવા કે બની શકે એટલા પગભર થવા મદદ કરે છે.”
જોકે, એમાં એનાથી વધારે સમાયેલું છે. એમાં ફક્ત દરદીને તપાસવા કે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર માપી જવાનો જ સમાવેશ થતો નથી. નર્સ દરદીને સાજા થવામાં બહુ જરૂરી મદદ પૂરી પાડે છે. ધી અમેરિકન મેડિકલ એસોસીએશન એન્સાયક્લોપેડિયા ઑફ મેડિસિન પ્રમાણે, “નર્સો દરદીની બીમારી કરતાં, એની તેના પર શું અસર થાય છે એની ચિંતા કરે છે. તેમ જ, પોતાનાથી બનતું બધું જ કરે છે, જેથી દરદીનું દુઃખ, માનસિક વેદના ઓછા થાય, અને શક્ય હોય તો તબિયત વધારે ન બગડે.” વળી, નર્સો “સમજી વિચારીને સારવાર આપે છે, એટલે કે દરદીની ચિંતાઓ વિષે ધીરજથી સાંભળી અને દિલાસો તથા લાગણીમય ટેકો” આપે છે. એ જ એન્સાયક્લોપેડિયા જણાવે છે કે દરદી મરણ પથારીએ હોય ત્યારે, નર્સો “તેને મદદ કરે છે, જેથી તે શક્ય એટલા માનથી અને ઓછા દુઃખથી મરણ પામે.”
ઘણી નર્સો પોતાની ફરજ કરતાં વધારે કરે છે. દાખલા તરીકે, ન્યૂયૉર્ક સિટિ, મોન્ટીફીઓર મેડિકલ સેન્ટરમાં એલન ડી. બારે પોતાના અનુભવ વિષે લખ્યું. તેમને સર્જરી કરનારા સ્ટાફ સાથે સવારના રાઉન્ડમાં જવા ખાતર જવું ન હતું. તેમણે લખ્યું કે “મારે દરદીઓ સાથે શાંતિથી વાતચીત કરવી હતી. તેઓની સેવા કરવી હતી, સારી રીતે પાટાપિંડી કરવી હતી. તેઓના સવાલના જવાબ આપવા હતા, તેમને સમજણ પાડવી હતી, તેઓને દિલાસો આપવો હતો. મારે દરદીઓ સાથે સારો સંબંધ બાંધવો હતો, જેથી તેઓને સારી રીતે સમજી શકું.”
આપણે હૉસ્પિટલમાં રહ્યા હોઈએ તો, આપણને પણ એવી જ નિઃસ્વાર્થ અને માયાળુ નર્સ યાદ આવી શકે. પરંતુ, કુશળ નર્સ બનવા શાની જરૂર છે? (g00 11/8)
[પાન ૩ પર ચિત્ર]
ફ્લોરેન્સ નાઈટીંગેલ
[ક્રેડીટ લાઈન]
Courtesy National Library of Medicine