સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પીડામાંથી રાહત આપતું અનીસ્થીઆ

પીડામાંથી રાહત આપતું અનીસ્થીઆ

પીડામાંથી રાહત આપતું અનીસ્થીઆ

વર્ષ ૧૮૪૦ પહેલાં દરદીઓ ઑપરેશન રૂમમાં જતા ગભરાતા હતા. શા માટે? કારણ કે એ સમયે પીડામાં રાહત આપનાર અનીસ્થીઆ ન હતું. ડેનિસ ફ્રાડીન પોતાના “અમે દુઃખ પર વિજય મેળવ્યો” (અંગ્રેજી) પુસ્તકમાં કહે છે: “સર્જનો ઑપરેશન રૂમમાં બંને હાથમાં એક એક વ્હિસ્કીની બૉટલ લઈ જતા હતા. એક બૉટલ દરદી માટે અને બીજી બૉટલ પોતાના માટે, જેથી તેઓ દરદીઓની ચીસો સહન કરી શકે.”

દર્દીને દારૂ પીવડાવીને “બેહોશ” કરવો!

ડૉક્ટરો, દાંતના ડૉક્ટરો અને દરદીઓ, ઑપરેશનની પીડા ઓછી કરવા લગભગ બધા જ પ્રયત્નો કરતા હતા. ચીની અને ભારતીય ડૉક્ટરો બેહોશ કરવા માટે ભાંગ અને ગાંજાનો ઉપયોગ કરતા હતા. આલ્કોહોલની જેમ અફીણનો પણ જગતના જુદા જુદા ભાગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. પ્રાચીન ગ્રીક ડૉક્ટર ડિઓસ્કોરિડીસે સૌ પ્રથમ “અનીસ્થીઆ” શબ્દ વાપર્યો હતો. અનીસ્થીઆ બેભાન કરતી વનસ્પતિ અને વાઈનમાંથી બનાવવામાં આવતું હતુ. સમય જતાં અમુક ડૉક્ટરોએ વશીકરણ સાથે પણ એનો ઉપયોગ કર્યો હતો.

તોપણ, દુખાવામાંથી રાહત મળતી ન હતી. તેથી, સર્જનો અને દાંતના ડૉક્ટરો બની શકે એટલું ઝડપી કામ કરતા હતા; હકીકતમાં તેઓ પોતાના ઝડપી કામના લીધે વખણાતા પણ હતા. તોપણ દરદીઓની પીડામાં કંઈ ફરક પડતો ન હતો. તેથી લોકો ગાંઠ અને દાંતનો દુખાવો સહન કરતા, પણ ઑપરેશન કરાવતા ન હતા.

સ્વીટ વિટ્રીઓલ અને હાસ્ય વાયુ

વર્ષ ૧૨૭૫માં સ્પૅનિશ ડૉક્ટર રેમન્ડ લુલસે અલગ અલગ કેમિકલો પર પ્રયોગો કરીને સ્વીટ વિટ્રીઓલ નામનું દ્રાવણ બનાવ્યું. સોળમી સદીમાં સ્વિટ્‌ઝર્લૅન્ડના એક ડૉક્ટર, પારાસેલ્સયસે મરઘીઓને સ્વીટ વિટ્રીઓલ પીવડાવ્યું. તેમણે નોંધ્યું કે મરઘીઓ ફક્ત બેભાન જ ન હતી પરંતુ એઓને દુખાવાનો અહેસાસ પણ થતો ન હતો. પરંતુ તેમણે લુલસની જેમ કોઈ મનુષ્ય પર પ્રયોગ કર્યો ન હતો. વર્ષ ૧૭૩૦માં જર્મન રસાયણશાસ્ત્રી ફૉરબીન્યુસે સ્વીટ વિટ્રીઓલનું નવું નામ ઈથર આપ્યું જેનો અર્થ ગ્રીકમાં “ર્સ્વગ” થાય છે. પરંતુ ૧૧૨ વર્ષ પછી ઈથરમાં બેહોશ કરવાની શક્તિ છે એની જાણ થઈ.

સમય જતાં ૧૭૭૨માં અંગ્રેજી વૈજ્ઞાનિક જોસેફ પ્રીસ્ટલીએ નાઈટ્રસ ઑક્સાઈડ ગૅસની શોધ કરી. શરૂઆતમાં લોકો વિચારતા હતા કે આ ગૅસ થોડા પ્રમાણમાં પણ લેવો જોખમરૂપ છે. તેમ છતાં, ૧૭૯૯માં બ્રિટીશ રસાયણશાસ્ત્રી અને નવસર્જક હમ્પરી ડેવીએ પોતાના પર એ ગૅસનો પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. તેમને આશ્ચર્ય થયું કે નાઈટ્રસ ઑક્સાઈડના પ્રયોગ કર્યા પછી પોતે ઘણા હસતા હતા. તેથી, તેમણે એનું નામ હાસ્ય વાયુ પાડ્યું. ડેવીએ નાઈટ્રસ ઑક્સાઈડમાં નિશ્ચેતક કરવાની શક્તિ છે એ વિષે લખ્યું, પરંતુ એ સમયે કોઈએ પણ એના પર ધ્યાન આપ્યું ન હતું.

પાર્ટીઓમાં ઈથર અને હાસ્ય વાયુનો ઉપયોગ

હાસ્ય વાયુ સૂંઘવાને કારણે ડેવી જે અજુગતા કાર્યો કરતા હતા એને કારણે તે પ્રખ્યાત થયા હતા. થોડા જ સમયમાં હાસ્ય વાયુ સૂંઘવાનું એકદમ પ્રખ્યાત થઈ ગયું. શહેરે શહેરે થતા કાર્યક્રમોમાં પણ એના પર એક કાર્યક્રમ થતો હતો. શૉ કરાવતા માણસો શ્રોતાઓમાંથી એક વ્યક્તિને સ્વેચ્છાએ આવવા માટે આમંત્રણ આપતા હતા અને તેઓને નાઈટ્રસ ઑક્સાઈડ સુંઘાડતા. આ વાયુ સુંઘવાને કારણે તેઓ જે રીતે વર્તતા હતા એ જોઈને શ્રોતાઓને ઘણી મઝા આવતી હતી.

એ જ સમયે ઈથરનો ઉપયોગ પણ પ્રખ્યાત થયો. એક દિવસ એક યુવાન અમેરિકન ડૉક્ટર ક્રૉફોર્ડ ડબલ્યું. લૉન્ગે જોયું કે તેમના મિત્રોએ ઈથર લીધું હોવાને કારણે લથડિયા ખાતા ઘણું વાગ્યું હતું, પરંતુ તેઓને કંઈ દુખાવો થતો હોય એમ લાગતું ન હતું. તેથી તેણે ઈથરનો સર્જરીમાં ઉપયોગ કરવાનું વિચાર્યું. એ “ઈથર પાર્ટીમાં” જેમ્સ વેનેબલ નામનો એક વિદ્યાર્થી હતો, જેને બે નાની ગાંઠો હતી, એ તે કાઢી નાખવા ઇચ્છતો હતો. પરંતુ તેને ઑપરેશન કરાવવાની બીક લાગતી હતી તેથી તે કઢાવતો ન હતો. તેથી લૉન્ગે તેને ઈથરના ઉપયોગથી ઑપરેશન કરાવીને કાઢવા માટે સલાહ આપી. વેનેબલ સહમત થયો અને માર્ચ ૩૦, ૧૮૪૨ના રોજ પીડા વિનાનું તેનું પહેલું ઑપરેશન સફળ થયું. પરંતુ લૉન્ગે પોતાની શોધ વિષે ૧૮૪૯ સુધી કોઈને જણાવ્યું ન હતું.

દાંતના ડૉક્ટરોએ પણ અનીસ્થીઆની શોધ કરી

ડિસેમ્બર ૧૮૪૪માં યુ.એસ.ના એક દાંતના ડૉક્ટર, હૉર્સ વેલ્સે શહેરે શહેર થતા શૉમાં હાજરી આપી. અહીં તેમણે ગાર્ડનર ક્લોટનને નાઈટ્રસ ઑક્સાઈડનું પ્રદર્શન કરતા જોયા. વેલ્સે પોતે તેમ જ બીજી એક વ્યક્તિએ પણ આ વાયુ સૂંઘ્યો હતો, છતાં વેલ્સ હોશમાં હતા. પરંતુ, તેમણે જોયું કે તેમની સાથે જેમણે વાયુ સૂંઘ્યો હતો તેને પગમાં બેન્ચ વાગવાથી લોહી નીકળતું હતું, છતાં તેને કોઈ દુખાવો થતો ન હતો. એ રાત્રે વેલ્સે નાઈટ્રસ ઑક્સાઈડનો દાંતના કામમાં ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ સૌ પ્રથમ તે પોતાના પર પ્રયોગ કરવા ઇચ્છતા હતા. તેથી તેણે ક્લોટન પાસેથી નાઈટ્રસ ઑક્સાઈડ મેળવવાની ગોઠવણ કરી. તેમ જ પોતાના સાથી દાંતના ડૉક્ટર જૉન રીગ્સનને ડહાપણની દાઢ કાઢવા માટે કહ્યું. અને તેનું ઑપરેશન સફળ થયું.

તેથી વેલ્સે પોતાના મિત્રો સામે પોતે જે શોધ કરી એ બતાવવાનો નિર્ણય કર્યો. તેમ છતાં, તે ખૂબ ગભરાઈ ગયા હોવાને લીધે તેમણે દરદીને પૂરતો વાયુ સૂંઘાડ્યો ન હતો. તેથી દરદીનો દાંત કાઢવામાં આવ્યો ત્યારે તેણે ચીસ પાડી. આ જોઈને વેલ્સના મિત્રોએ તેમની હાંસી ઉડાવી. પરંતુ તેઓએ દરદીને પૂછવું જોઈતું હતું કે શું થયુ? પછીથી દરદીએ વેલ્સ આગળ કબૂલ્યું કે પોતે બૂમ તો પાડી હતી, પરંતુ તેને મામૂલી જ દુખાવો થયો હતો.

સપ્ટેમ્બર ૩૦, ૧૮૪૬માં સાથી અમેરિકન ડૉક્ટર, વિલિયમ મોર્ટને ઈથરની મદદથી કોઈ પણ જાતના દુખાવા વિના દરદીનો એક દાંત કાઢ્યો. આ ઈથરનો ઉપયોગ ૧૮૪૨માં લૉન્ગે કર્યો. મોર્ટને પ્રખ્યાત રસાયણશાસ્ત્રી ચાર્લ્સ થોમસ જેક્સનની મદદથી પોતે જ ઈથર બનાવ્યું હતું. પરંતુ, લૉન્ગથી ભિન્‍ન મોર્ટને ઈથરની શક્તિથી દુખાવા વિનાની સર્જરી થાય છે એ જાહેરમાં બતાવવાની ગોઠવણ કરી. તેથી ઑક્ટોબર ૧૬, ૧૮૪૬માં બોસ્ટન, મૅસચ્યૂસિટ્‌સમાં મોર્ટને એક દરદીને અનીસ્થીઆ આપ્યું. પછી ડૉ. વૉરેને ઑપરેશન કરીને દરદીના જડબાં ઉપરની ગાંઠ પીડા વગર દૂર કરી. આમ, તેમનું ઑપરેશન સફળ થયું, તેથી યુનાઈટેડ સ્ટેટ્‌સ અને યુરોપમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ.

બીજી શોધો

આવી રોમાંચક શોધોને કારણે બીજી જુદી જુદી શોધ પર પ્રયોગ ચાલતા હતા. ક્લોરોફૉર્મની શોધ ૧૮૩૧માં થઈ અને એનો સફળતાપૂર્વક ઉપયોગ ૧૮૪૭માં થયો. અમુક જગ્યાઓએ અનીસ્થીઆ માટે એનો ઉપયોગ થવા લાગ્યો. જલદી જ ક્લોરોફોર્મનો ઉપયોગ પ્રસૂતિ વખતે સ્ત્રીઓને આપવા માટે કરવામાં આવ્યો. એ એપ્રિલ ૧૮૫૩માં ઇંગ્લૅંડની રાણી વિક્ટોરીયાને પણ આપવામાં આવ્યું હતુ.

પરંતુ દુઃખની વાત છે કે અનીસ્થીઆ પર વાદવિવાદ ચાલી રહ્યો છે. એ વાત પર ગરમાગરમ વાદવિવાદ ચાલે છે કે નામાંકિત વ્યક્તિઓ, લૉન્ગ, વેલ્સ, મોર્ટન કે જેક્સનમાંથી (રસાયણની શોધ કોણે કરી એના પર નહિ) અનીસ્થીઆની શોધ કોણે કરી, જેથી એને જશ આપી શકાય. એનો કોઈ ઉકેલ આવ્યો નથી, પણ ઘણા લોકોનું માનવું છે કે અનીસ્થીઆની શોધમાં આ ચારેય વ્યક્તિઓનો હાથ છે.

સમય જતા લોકલ અનીસ્થીઆમાં ઘણી પ્રગતિ થઈ. ઘણી વાર લોકલ અનીસ્થીઆને રીજનલ અનીસ્થીઆ પણ કહેવામાં આવે છે. લોકલ અનીસ્થીઆનો ઉપયોગ, દરદીનું ઑપરેશન કરવાનું હોય એ જગ્યાએ જ લગાવવા માટે થાય છે. દરદી જાગૃત અવસ્થામાં હોવા છતાં પણ તેને કંઈ ખબર પડતી નથી. હાલમાં, દાંતના સર્જનો દાંત કે પેઢાનું કામ કરતી વખતે લોકલ અનીસ્થીઆનો વધારે ઉપયોગ કરે છે. તેમ જ ડૉક્ટરો પણ એનો ઉપયોગ નાના ઑપરેશન માટે કરે છે. અનીસ્થીઓલૉજીસ્ટ અનીસ્થીઆનો ઉપયોગ પ્રસૂતિ માટે પણ કરે છે.

અનીસ્થીઓલૉજી તબીબી ક્ષેત્રે ખાસ મહત્ત્વનું બની ગયું છે. આજે અનીસ્થીઓલૉજીસ્ટ એનો ઉપયોગ દરદીઓની સર્જરી માટે કરે છે. તેઓ આધુનિક યંત્રોની મદદથી રસાયણ અને ઑક્સિજનથી બનેલા અનીસ્થીઆથી દરદીને બેહોશ કરે છે. હકીકતમાં, ઘણા દરદીઓને ખબર પણ નથી હોતી કે ડૉક્ટરે અનીસ્થેટીક ગૅસનો ઉપયોગ કર્યો છે. કેમ કે શરૂઆતમાં જ તેઓને અનીસ્થીઆ આપીને બેહોશ કરવામાં આવે છે. ઑપરેશન પછી પણ કોઈ જાતનો દુખાવો થાય ત્યારે અનીસ્થીઆ આપીને રાહત આપવામાં આવે છે.

તેથી કોઈ દિવસ તમારે પણ ઑપરેશન કરાવવાની જરૂર પડે તો ગભરાશો નહિ. એ રીતે જરા વિચાર કરો કે બે સદી અગાઉ તમે ઑપરેશનના ટેબલ પર ઑપરેશન કરાવવા ગયા છો. અને ઑપરેશન થિએટરનો દરવાજો ખુલે છે, સર્જન તેમની સાથે બે વ્હિસ્કીની બૉટલ પણ સાથે લાવે છે. એ જોઈને તમારી શું દશા થશે? એના કરતાં તો અનીસ્થીઓલૉજીસ્ટના આધુનિક યંત્રો કેટલા લાભદાયી છે. ખરું કે નહિ? (g00 11/22)

[પાન ૨૦ પર બોક્સ]

એક્યુપંક્ચર એશિયામાં દુખાવામાંથી રાહત આપે છે

એક્યુપંક્ચર એ પ્રાચીન ચીનની ખાસ રીત છે જેનો ઉપયોગ દુખાવામાંથી રાહત મેળવવા થાય છે. ડૉક્ટરો જ્યાં ઇલાજ કરવાનો હોય એ શરીરના અમુક ભાગથી થોડે દૂર ખાસ બિંદુઓ પર સોય ભોંકે છે. સોય ભોંક્યા પછી એને ફેરવવામાં આવે છે અથવા ઓછા વૉલ્ટેજનો ઈલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે. એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા કહે છે કે, “ચીની એક્યુપંક્ચરનો ઉપયોગ ઑપરેશન દરમિયાન અનીસ્થીઆની જેમ કરવામાં આવે છે. પશ્ચિમના મુલાકાતીઓએ ચીની દરદીઓ પર થયેલા આવા ઑપરેશન જોયા છે જે જટિલ (સામાન્ય પણે દર્દભર્યા) હોય છે. આવા ઑપરેશનમાં દરદીને સંપૂર્ણ બેભાન કરવામાં આવતા નથી. કેમ કે એક્યુપંક્ચર દ્વારા જે ભાગનું ઑપરેશન કરવાનું હોય તે ભાગને જ નિશ્ચેત કરવામાં આવે છે.”

એક્યુપંક્ચરનો ઉપયોગ એની તાલીમ લીધેલા ડૉક્ટરોએ જ કરવો જોઈએ. એન્સાયક્લોપેડિયા અમેરિકાના પ્રમાણે “ઍક્યુપંક્ચરની સોયો હૃદય, ફેફસાં જેવી ખોટી જગ્યાઓએ ભોંકવાથી ખરાબ પરિણામો આવ્યા છે. સોયને કીટાણુંરહિત કર્યા વિના ઉપયોગ કરવામાં આવે તો યકૃતનો સોજો પણ થઈ શકે છે.” પરંતુ અનીસ્થીઆનો ઉપયોગ કરેલા ઑપરેશનમાં પણ ભય રહેલો છે. પછી ભલેને ગમે તે રૂપમાં અનીસ્થીઆનો ઉપયોગ કર્યો હોય.

[પાન ૨૧ પર ચિત્ર]

અનીસ્થીઓલૉજી તબીબી ક્ષેત્રે ખાસ મહત્ત્વનું બની ગયું છે

[ક્રેડીટ લાઈન]

Courtesy of Departments of Anesthesia and Bloodless Medicine and Surgery, Bridgeport Hospital - CT

[પાન ૧૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પાન ૨ અને ૧૯: Reproduced from Medicine and the Artist (Ars Medica) by permission of the Philadelphia Museum of Art/Carl Zigrosser/ Dover Publications, Inc.