સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મૂલ્યવાન સેવા આપતી નર્સો

મૂલ્યવાન સેવા આપતી નર્સો

મૂલ્યવાન સેવા આપતી નર્સો

“નર્સ એને કહેવાય જે દેખભાળ રાખે, ઉત્તેજન આપે અને સાચવે. જે બીમાર, ઘાયલ કે ઘરડા લોકોની સેવા કરવા સદા તૈયાર હોય.”—આજની દુનિયામાં નર્સિંગ—મુશ્કેલીઓ, વિવાદો, અને વલણ (અંગ્રેજી).

એક કુશળ નર્સ નિઃસ્વાર્થી હોય એટલું જ પૂરતું નથી. સારી નર્સ બનવા ઘણી તાલીમ અને અનુભવની જરૂર છે. એ માટે તેઓએ ચાર કે એથી વધુ વર્ષોનો અભ્યાસ કરવો પડે છે. વળી તેઓએ નર્સ તરીકે અનુભવ મેળવેલો હોવો જોઈએ. પરંતુ, એક સારી નર્સમાં કેવા ગુણ હોવા જોઈએ? સજાગ બનો!એ અનુભવી નર્સોના ઇન્ટર્વ્યૂં લીધા. તેઓએ આ પ્રમાણે જવાબ આપ્યા.

“ડૉક્ટર દરદીનો ઇલાજ કરે છે, પણ નર્સ તેઓની સંભાળ રાખે છે. મોટે ભાગે એમાં એવા દરદીઓની સંભાળ રાખવાનો સમાવેશ થાય છે, જેઓ મનથી અને શરીરથી ભાંગી પડ્યા હોય છે. દાખલા તરીકે, દરદીને જણાવવામાં આવે કે તેને ઘાતક રોગ થયો છે, અથવા આ રોગના કારણે જલદી જ તેનું મરણ થવાનું છે. એ વખતે નર્સે જાણે માની જેમ તેની સેવા કરવી પડે છે.”—કાર્મેન કીલમાર્ટિન, સ્પેન.

“નર્સ દરદીની વેદના અનુભવી શકે તો જ તે જરૂરી મદદ આપી શકે. માયાળુ બનવું અને ધીરજ બતાવવી, એ તો ખૂબ જ જરૂરી છે. તમને તમારા કામ અને દવાઓ વિષે હંમેશા વધારે શીખવાની હોંસ હોવી જોઈએ.”—ટાડેસી હાતાનો, જાપાન.

“આજની નર્સોને પોતાના કામનું વધારે જ્ઞાન હોવું જોઈએ. તેથી, તેઓએ હોંસથી શીખવાની અને સમજણ મેળવવાની ખૂબ જ જરૂર છે. તેમ જ, જરૂર પડે ત્યારે નર્સો ઝડપી નિર્ણય લઈને, સારવાર કરી શકતી હોવી જોઈએ.”—કૅકો કૅવાન, જાપાન.

“નર્સે પ્રેમાળ બનવું જોઈએ. તે ધીરજપૂર્વક દરદીને સમજી શકતી હોવી જોઈએ.”—આર્સેલી ગાર્સિયા પેડિયા, મૅક્સિકો.

“કાબેલ બનવા નર્સ સારી શીખનાર, ચતુર અને ખૂબ જ હોંશિયાર હોવી જોઈએ. જો તે સેવાભાવી હોવાને બદલે સ્વાર્થી હોય, અથવા તે વધારે અનુભવી વ્યક્તિની સલાહ માનતી ન હોય, તો તે દરદી કે સાથી કર્મચારીઓ માટે બોજરૂપ બનશે.—રોઝાનઝાલા, સંતોષ, બ્રાઝિલ.

“અમુક ગુણો ખૂબ જ મહત્ત્વના છે: સંજોગો પ્રમાણે અનુકૂળ થવું, સહન કરવું અને ધીરજવાન બનવું. તમારે મોટું મન રાખીને કર્મચારીઓ તથા ડૉક્ટરો સાથે હળીમળી જવું જોઈએ. તમારે સારી નર્સ બનવા માટે નવી નવી રીતો ઝડપથી શીખતા રહેવું પડે છે.”—માર્ક કોએલર, ફ્રાંસ.

“નર્સને લોકો માટે પ્રેમ અને તેઓને મદદ કરવાની ધગશ હોવી જોઈએ. તેઓ દબાણ હેઠળ પણ કામ કરી શકતી હોવી જોઈએ, કેમ કે નર્સના કામમાં બધું ઠીક હોય તો બરાબર, નહિ તો એક પછી બીજી આફત આવીને ઊભી જ રહે છે. તેઓને સંજોગો પ્રમાણે કામ કરતા આવડવું જોઈએ, કેમ કે ઓછો સ્ટાફ હોય તોપણ નર્સોએ બધું સંભાળી લેવાનું હોય છે, એ પણ સારી રીતે, વેઠ ઉતારીને નહિ.”—ક્લોદિયા રાયકર-બેકર, નેધરલૅન્ડ.

સંભાળ રાખતી નર્સ

“તંદુરસ્તી જાળવવાની વાત આવે ત્યારે આપણને તરત જ નર્સ યાદ આવે છે. આમ, આપણે દવાને દરદીના ઇલાજ સાથે અને નર્સને એ દરદીની સંભાળ રાખનાર તરીકે યાદ કરીએ છીએ,” એવું આજની દુનિયામાં નર્સિંગ કહે છે.

હા, નર્સો સેવા આપવા માટે હોય છે. તેથી, નર્સે દરદીની કાળજી રાખવી પડે છે. અમુક સમય અગાઉ, ગ્રેજ્યુએટ થયેલી ૧,૨૦૦ નર્સોને પૂછવામાં આવ્યું કે, “નર્સ તરીકે તમારા માટે સૌથી મહત્ત્વનું શું છે?” તેઓમાંથી ૯૮ ટકા નર્સોનો જવાબ હતો: દરદીની સૌથી સારી સેવા કરવી.

કેટલીક વાર નર્સોને ખબર હોતી નથી કે તેઓ દરદી માટે કેટલી મદદરૂપ છે. ઉપર જણાવાયેલી કાર્મેન કીલમાર્ટિનને નર્સ તરીકે ૧૨ વર્ષનો અનુભવ છે. તેમણે સજાગ બનો!ને જણાવ્યું: “એક વખત મેં મારી સખી આગળ કબૂલ્યું કે હું વધારે બીમાર લોકોની સારી રીતે સંભાળ રાખી શકતી નથી. જાણે હું કામ કરવા ખાતર જ કરતી હોઉં એમ મને લાગે છે. પરંતુ, મારી સખીએ જવાબ આપ્યો કે તું જે કરી રહી છે એ પણ બહુ જ મૂલ્યવાન છે. વ્યક્તિની જરૂરતના સમયમાં તું પ્રેમાળ નર્સ તરીકે તેની પાસે હોય છે. એનાથી વધારે દરદી શું માંગે?”

સ્વાભાવિક રીતે, દરરોજ કલાકો સુધી ઊભા પગે સેવા આપનાર નર્સો થાકીને લોથપોથ થઈ જાય છે! આ નિઃસ્વાર્થ અને બીજાની કાળજી લેનાર નર્સને શામાંથી પ્રેરણા મળે છે?

શા માટે નર્સ બનવું?

સજાગ બનો!એ જગત ફરતે અલગ અલગ નર્સોને ઇન્ટર્વ્યૂંમાં આ પ્રશ્ન પૂછ્યો: “તમને નર્સ બનવાની પ્રેરણા શામાંથી મળી?” તેઓના અમુક જવાબો નીચે મુજબ છે.

ટેરી વેધરસનને નર્સ તરીકે ૪૭ વર્ષનો અનુભવ છે. હવે તે ઇંગ્લૅન્ડમાં આવેલા માન્ચેસ્ટરની એક હૉસ્પિટલમાં યુરોલૉજી વિભાગમાં કાબેલ નર્સ તરીકે કામ કરે છે. તે કહે છે કે “મને કૅથલિક તરીકે ઉછેરવામાં આવી અને હું કૅથલિક બોર્ડિંગ સ્કૂલમાં ભણી હતી. હું નાની હતી ત્યારે જ, મેં નિર્ણય લીધો હતો કે હું કૅથલિક નન અથવા નર્સ બનીશ. હું મનથી લોકોની સેવા કરવા ચાહતી હતી. એમ કહી શકાય કે એ મારો ધ્યેય હતો. આખરે, હું નર્સ બની.”

જાપાન, સાઈતામાની ચેવા માત્સુનાંગા આઠ વર્ષથી પોતે દવાખાનું ચલાવતી હતી. તે કહે છે: “મારા પિતા કહેતા હતા કે, ‘એવું કામ શીખો જે જીવનભર કામ આવે.’ તેથી, મેં નર્સનું કામ પસંદ કર્યું.”

જાપાન, ટોકિયોની એત્સકો કોટાનીને નર્સ તરીકે ૩૮ વર્ષનો અનુભવ છે અને હવે તે મેટ્રન તરીકે કામ કરે છે. તેમણે કહ્યું: “હું હજુ તો શાળામાં ભણતી હતી એ સમયે, મારા પિતા પડી જવાને કારણે તેમનું ઘણું લોહી વહી ગયું. હૉસ્પિટલમાં તેમની દેખભાળ કરતી વખતે મેં નિર્ણય કર્યો કે મારે નર્સ બનવું છે, જેથી હું બીમાર લોકોને મદદ કરી શકું.”

અમુક નર્સોને પોતે બીમારીનો ભોગ બની હોવાથી પ્રેરણા મળી હતી. એનાડા બેઈરા, મૅક્સિકોની એક નર્સ કહે છે કે, “હું છ વર્ષની હતી ત્યારે, મારી શ્વાસનળીમાં સોજો આવી જવાથી મારે બે અઠવાડિયા હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. એ સમયે જ મેં નિર્ણય કરી લીધો હતો કે મારે નર્સ બનવું છે.”

દેખીતું છે કે નર્સ તરીકે ઘણો ભોગ આપવો પડે છે. ચાલો હવે આપણે જોઈએ કે નર્સોને કેવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને છતાં કેવા બદલા પણ મળે છે.

નર્સોનો આનંદ

નર્સ તરીકે કામ કરવાથી કેવો આનંદ મળે છે? એનો જવાબ નર્સ શું કામ કરે છે, એના પર આધારિત છે. દાખલા તરીકે, સુવાવડ કરાવનાર નર્સને, સારી રીતે જન્મેલું દરેક બાળક જોઈને બહુ જ ખુશી થાય છે. નેધરલૅન્ડની એક નર્સ કહે છે કે માના પેટમાં રહેલા જે બાળકની “વૃદ્ધિ પર તમે દેખરેખ રાખી હોય, એવા તંદુરસ્ત બાળકનો જન્મ કરાવવાથી અનેરો આનંદ મળે છે.” નેધરલૅન્ડની બીજી એક નર્સ, યોલાન્ડા કેલાન-ફાન હૂફ્ટ કહે છે કે, “બાળકનો જન્મ તેના માબાપ અને નર્સ માટે સૌથી સુંદર અનુભવ છે. એ જાણે એક ચમત્કાર છે!”

ફ્રાંસમાં આવેલા દ્રામાં રહેતા રશીત એસામ લગભગ ચાળીસ વર્ષના છે. તે શીશી સૂંઘાડનાર (એનેસ્થેટીસ્ટ) છે. તેમને નર્સ તરીકે કામ કરવામાં શા માટે આનંદ મળે છે? તે કહે છે: “એનાથી સંતોષ મળે છે કે ઑપરેશનની સફળતામાં મારો પણ હાથ છે. તેમ જ, એ કદી કંટાળો ન આવે અને નવું નવું શીખવા મળતું રહે એવું કામ છે.” ફ્રાંસના આઈઝેક બેનગીલીએ કહ્યું કે, “ખાસ કરીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દરદીઓને માંડ માંડ બચાવી લેવામાં આવ્યા હોય, એ સમયે તેઓ અને તેઓનાં કુટુંબોએ કરેલી કદરની મારા પર ઊંડી અસર પડી.”

એવી કદર બતાવતો એક પત્ર આગળ જણાવાયેલી ટેરી વેધરસનને મળ્યો હતો. એક વિધવાએ લખ્યું કે, “ચાર્લ્સની બીમારી દરમિયાન તમારા શાંત અને દિલાસો આપનાર સ્વભાવથી અમને જે રાહત થઈ, એ વિષે હું હંમેશા વાત કરું છું. તમારો પ્રેમાળ સ્વભાવ અમારા માટે અંધકારમાં પ્રકાશ સમાન અને હિંમત આપનાર ખડક હતો.”

મુશ્કેલીઓ

પરંતુ, નર્સ તરીકે મળતા બદલાની સાથે સાથે ઘણી મુશ્કેલીઓ પણ રહેલી છે. એમાં ભૂલ કરવી પોસાય જ નહિ! ભલે નર્સ દવા આપતી હોય કે તપાસ માટે લોહી લેતી હોય, અથવા તો ઇંજેક્શન મારતી હોય કે દરદીને એકથી બીજી જગ્યાએ ખસેડતી હોય, છતાં તેણે ખૂબ જ સાવચેતી રાખવાની હોય છે. કોઈ પણ નર્સને ભૂલ કરવી ભારે પડી જાય, અને ખાસ કરીને એવા દેશોમાં જ્યાં અદાલતમાં નુકસાનનો દાવો માંડવામાં આવતો હોય છે. તેમ છતાં, કોઈક વાર નર્સ મુશ્કેલીમાં મૂકાય જાય છે. દાખલા તરીકે, નર્સને લાગે કે ડૉક્ટરે દરદીને ખોટી દવા લખી આપી છે, અથવા એવું કંઈક કરવા કહ્યું છે જે દરદીના ભલા માટે નથી. આવા સમયે નર્સ શું કરી શકે? શું તેણે ડૉક્ટર સાથે દલીલો કરવી જોઈએ? એવા સંજોગો હિંમત, ચતુરાઈ અને આવડત માંગી લે છે. વળી, એમાં જોખમ પણ રહેલું છે. દુઃખની વાત છે કે કેટલાક ડૉક્ટરો પોતાના હાથ નીચે કામ કરનારાનાં સૂચનો ખુશીથી સ્વીકારતા નથી.

અમુક નર્સોને એ વિષે કેવું લાગે છે? વીસ્કોન્સીન, યુ.એસ.એ.ની બાર્બરા રેઈનીકે ૩૪ વર્ષથી નર્સ તરીકે કામ કરે છે. તેણે સજાગ બનો!ને જણાવ્યું: “નર્સે હિંમત બતાવવી જોઈએ. સૌ પ્રથમ તો, તેણે આપેલી કોઈ પણ દવા કે સારવાર દ્વારા થયેલા નુકસાન માટે, કાયદેસર રીતે તે પોતે જવાબદાર છે. જો તેને લાગે કે ડૉક્ટરે જે કરવા કહ્યું છે, એ પોતાના અનુભવ પ્રમાણે બરાબર નથી, તો તેણે એમ કરવાની ચોખ્ખી ના પાડવી જોઈએ. ફ્લોરેન્સ નાઈટીંગેલના સમય કે ૫૦ વર્ષ પહેલાંના સમય કરતાં, આજની નર્સનું કામ ઘણું જ અલગ છે. હવે તો નર્સે પારખવાની જરૂર છે કે ડૉક્ટરને ક્યારે ના કહેવું. તેમ જ, અડધી રાતે પણ ક્યારે ડૉક્ટરને ભારપૂર્વક કહેવું કે આવીને દરદીને જુએ. વળી, એવો સ્વભાવ રાખો કે તમે ખોટા હો અને ડૉક્ટર ગુસ્સે થાય, તોપણ તમને ખોટું ન લાગે.”

નર્સોને નડતી બીજી મુશ્કેલી નોકરી પર થતી હેરાનગતિ છે. દક્ષિણ આફ્રિકાનો અહેવાલ કહે છે કે નર્સો પર “નોકરીએ અત્યાચાર થાય છે કે મારઝૂડ કરવામાં આવે છે, એ વાત સાચી છે. જેલના ચોકીદાર કે પોલીસ અધિકારીઓ કરતાં, તેઓ પર સૌથી વધુ હુમલા થાય છે અને ૭૨ ટકા નર્સોને એવું લાગે છે કે હુમલા સામે તેઓને કોઈ રક્ષણ નથી.” યુનાઇટેડ કિંગ્ડમમાં પણ એવી જ હાલત છે. વર્ષ ૧૯૯૯માં થયેલા સર્વે મુજબ ૯૭ ટકા નર્સો જાણતી હતી કે એક નર્સ પર પાછલા વર્ષે હુમલો થયો હતો. આવી હિંસાનું કારણ શું છે? ઘણી વાર ડ્રગ્સના વ્યસનીઓ, દારુ પીનારાઓ અથવા તણાવમાં કે શોકમાં ડૂબેલા દરદીઓ હુમલા કરતા હોય છે.

ઘણી વાર નર્સો તણાવને કારણે થાકીને લોથપોથ થઈ જાય છે. એનું એક કારણ ઓછો સ્ટાફ પણ હોય શકે. પુષ્કળ કામને કારણે દરદીની પૂરતી સંભાળ રાખી શકતી નથી ત્યારે, નર્સ પર દબાણ વધી જાય છે. દરદીની સંભાળ રાખવા ખાવાપીવાનું પડતું મૂકવાથી કે ઓવરટાઈમ કરવાથી કંઈ હાલત સુધરતી નથી.

જ્યાં જુઓ ત્યાં હૉસ્પિટલોમાં અપૂરતા સ્ટાફની બૂમો સાંભળવા મળે છે. મૅડ્રિડના મન્ડો સેનીટેરિયો મેગેઝિનનો અહેવાલ કહે છે કે, “અમારી હૉસ્પિટલોમાં પૂરતી નર્સો નથી. એ તો જેને સારવારની જરૂર પડી છે, એ જ નર્સોનું મહત્ત્વ સમજે છે.” પૂરતી નર્સો ન હોવાનું કારણ શું છે? રૂપિયા બચાવવા! ઉપરનો અહેવાલ બતાવે છે કે મૅડ્રિડની હૉસ્પિટલોમાં ૧૩,૦૦૦ નર્સોની જરૂર છે!

નર્સોના તણાવનું બીજું કારણ એ છે કે કલાકો સુધી વૈતરું કરવા છતાં, તેઓને પૂરતો પગાર મળતો નથી. ધ સ્કોટ્‌સમેન જણાવે છે: “યુનીસન, જાહેર સેવા યુનિયન પ્રમાણે બ્રિટનની દર પાંચમાંથી એક નર્સ અને તેઓની ચોથા ભાગની સહાયકોને, પૂરતું કમાવા બીજી નોકરી પણ કરવી પડે છે.” ચારમાંથી ત્રણ નર્સોને એવું લાગે છે કે તેઓને બહુ ઓછો પગાર આપવામાં આવે છે. તેથી, ઘણી નર્સો એ કામ પડતું મૂકવાનું વિચારે છે.

બીજી પણ ઘણી મુશ્કેલીઓ છે, જે નર્સોના તણાવમાં ઉમેરો કરે છે. સજાગ બનો!ને દુનિયાભરની અલગ અલગ નર્સોએ જે કહ્યું, એના પરથી દેખાય આવે છે કે તેઓ પર દરદીના મરણની પણ અસર પડે છે. ઇજિપ્તથી આવતી માગ્દા સ્વાંગ નામની નર્સ બ્રુકલિન, ન્યૂયૉર્કમાં નોકરી કરે છે. તેમને પૂછવામાં આવ્યું કે નર્સ તરીકે તેમને સૌથી અઘરું શું લાગ્યું? તેમણે જવાબ આપ્યો કે, “મેં દેખરેખ રાખી હતી એવા ગંભીર બીમારીવાળા લગભગ ૩૦ દરદીઓ દસેક વર્ષના સમયગાળામાં મરણ પામતા જોવા હચમચાવી નાખે છે.” એટલા માટે જ તો એમ કહેવામાં આવે છે, કે “મરી રહેલા દરદીઓની દેખભાળ રાખવા, વ્યક્તિએ પોતે ભારે કિંમત ચૂકવવી પડે છે.”

નર્સોનું ભાવિ

વધતી જતી ટેકનોલૉજી અને એની અસર નર્સોની દુનિયા પર ઘણું દબાણ લાવે છે. દરદીઓ પ્રત્યે માનવતા બતાવવા, ટેકનોલૉજી અને પ્રેમને એકબીજા સાથે ગૂંથી દેવા કંઈ સહેલું નથી. કોઈ પણ મશીન કદી પણ નર્સો જેવી ભાવના બતાવીને દેખરેખ રાખી ન શકે.

એક મેગેઝિન કહે છે કે, “નર્સની સેવા કાયમ રહેશે. . . . જ્યાં સુધી મનુષ્ય રહેશે ત્યાં સુધી સારવાર આપવાની, પ્રેમ અને સમજણ બતાવવાની જરૂર રહેશે.” નર્સો એ જરૂરિયાત પૂરી પાડે છે. પરંતુ, કાયમી તંદુરસ્તી માટે એક વધારે સારું ભાવિ રહેલું છે. બાઇબલ એવા સમય વિષે કહે છે, જ્યારે “હું માંદો છું” એવું કોઈ પણ વ્યક્તિ કહેશે નહિ. (યશાયાહ ૩૩:૨૪) યહોવાહ પરમેશ્વરે વચન આપ્યા પ્રમાણે આવનાર નવી દુનિયામાં બીમારીઓ ન હોવાથી ડૉક્ટરો, નર્સો અને હૉસ્પિટલોની જરૂર પડશે નહિ!—યશાયાહ ૬૫:૧૭; ૨ પીતર ૩:૧૩.

બાઇબલ એવું પણ વચન આપે છે કે, યહોવાહ “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) જોકે, એ સમય સુધી નર્સો જે રીતે આપણી સેવા કરી રહી છે, એની આપણે ખરેખર કદર કરીએ છીએ. તેઓ વિના હૉસ્પિટલમાં સારવાર અશક્ય તો નહિ પરંતુ અઘરી જરૂર બની ગઈ હોત! તેથી, આ પ્રશ્ન ખરેખર યોગ્ય છે, “નર્સો વિના આપણું શું થાય?” (g00 11/8)

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

ફ્લોરેન્સ નાઈટીંગેલ—આજના નર્સિંગની પાયોનિયર

ઇટાલીમાં ૧૮૨૦ની સાલમાં એક ધનવાન બ્રિટીશ કુટુંબમાં જન્મેલી, ફ્લોરેન્સ નાઈટીંગેલ બચપણથી જ લાડમાં ઉછરી હતી. સમય જતાં, ફ્લોરેન્સે લગ્‍નના માંગા નકારીને, નર્સિંગ વિષેનું શિક્ષણ લેવા અને ગરીબોને મદદ કરવા પાછળ મન લગાડ્યું. માબાપના વિરોધ છતાં ફ્લોરેન્સે કૈસર્સવર્થ, જર્મનીમાં નર્સોને તાલીમ આપવાની નોકરી સ્વીકારી. પછી, તેમણે પૅરિસમાં વધારે શિક્ષણ મેળવ્યું અને ૩૩ વર્ષની ઉંમરે તો તેમને સ્ત્રીઓ માટેની લંડનની હૉસ્પિટલનો કારભાર સોંપવામાં આવ્યો.

પરંતુ, ક્રિમિયા યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સારવાર કરવા ગયા ત્યારે, તેમણે સૌથી મોટી મુશ્કેલી અનુભવી. ત્યાં તેમણે બીજી ૩૮ નર્સો સાથે મળીને ઉંદરડાઓથી ભરેલી હૉસ્પિટલ સાફ કરી. એ ખૂબ જ અઘરું કામ હતું, કેમ કે ત્યાં સાબુ ન હતો, નાહવાની વ્યવસ્થા કે ટુવાલો પણ ન હતા. તેમ જ, ત્યાં ઊંઘવાની પૂરતી વ્યવસ્થા કે ગાદલા, કે જખમો પર બાંધવા પાટા પણ ન હતા. તેમ છતાં ફ્લોરેન્સ અને તેમની સાથીઓએ એ કામ ઊપાડી લીધું. એ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો, જાણે તેમણે આખી દુનિયામાં નર્સિંગ અને હૉસ્પિટલના વહીવટમાં સુધારો લાવી દીધો. ફ્લોરેન્સે ૧૮૬૦માં સેન્ટ થોમસ હૉસ્પિટલમાં નર્સો માટે નાઈટીંગેલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી. નર્સો માટેની એ પહેલી શાળા હતી, જેમાં ધર્મ સંડોવાયેલો ન હતો. તેમનું ૧૯૧૦માં મરણ થયું એ પહેલાં, વર્ષો સુધી તે પથારીવશ હતા. તેમ છતાં, તેમણે તંદુરસ્તી સુધારવા, પુસ્તકો અને પત્રિકાઓ લખવાનું ચાલુ રાખ્યું.

અમુક લોકો ફ્લોરેન્સ નાઈટીંગેલના બિનસ્વાર્થી જીવનની જે કદર થાય છે, એની સામે વાંધો ઉઠાવે છે. તેઓ દલીલ કરે છે કે બીજાઓએ પણ નર્સો માટે ઘણું કર્યું છે, જેઓની પણ કદર થવી જ જોઈએ. વળી, તેમના સ્વભાવ વિષે પણ ગરમાગરમ દલીલો ચાલી હતી. નર્સિંગનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તક પ્રમાણે, કેટલાકનો એવો દાવો છે કે તે ‘મનમોજી, પોતાનો કક્કો ખરો કરાવનારી, અને બધા પર હુકમ ચલાવનારી’ હતી. જ્યારે કે બીજા લોકોને તેની “બુદ્ધિ, લોકોના દિલ જીતી લેનારો સ્વભાવ, તેનો જુસ્સો અને તેનો બદલાતો રહેતો મિજાજ” ખૂબ જ ગમતા હતા. તે હકીકતમાં ભલેને ગમે તેવા હતા, પણ એક વાત સાચી છે: નર્સિંગ અને હૉસ્પિટલના વહીવટમાં તેમની રીતો જગજાહેર છે. આજની નર્સિંગની દુનિયાની તે પાયોનિયર ગણાય છે.

[ચિત્ર]

નર્સો માટેની નાઈટીંગેલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના થઈ પછી, સેન્ટ થોમસની હૉસ્પિટલ

[ક્રેડીટ લાઈન]

Courtesy National Library of Medicine

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

નર્સ માટેની લાયકાતો

નર્સ: “નર્સ તરીકે તાલીમ પામેલી વ્યક્તિ, જે જરૂરી શિક્ષણ પામેલી અને કાબેલ હોય.”

રજીસ્ટર થયેલી નર્સ: “નર્સોના સરકારી બોર્ડની પરીક્ષામાં ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ, જેને નર્સ તરીકે કામ કરવાની કાયદેસર સત્તા મળી હોય (રજીસ્ટર થયેલી હોય), . . . અને જેને આર. એન. (રજીસ્ટર્ડ નર્સ) તરીકે કાયદેસર નામ આપવામાં આવ્યું હોય.”

મેડિકલ ક્ષેત્રમાં ખાસ તાલીમ પામેલી નર્સ: “રજીસ્ટર થયેલી નર્સ જેણે કોઈ ખાસ ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમ લઈ ડિગ્રી મેળવી હોય.”

સુવાવડ કરાવતી નર્સ: “જેને નર્સ તરીકે અને બાળકનો જન્મ કરાવનાર તરીકે તાલીમ આપવામાં આવી હોય.”

પ્રેક્ટીકલ નર્સ: “નર્સ તરીકે કામ કરવાનો અનુભવ હોય, પરંતુ નર્સિંગની કોઈ ડિગ્રી મેળવી ન હોય એવી વ્યક્તિ.”

લાયસન્સ પામેલી પ્રેક્ટીકલ નર્સ: “પ્રેક્ટીકલ નર્સિંગમાં ગ્રેજ્યુએટ થયેલી . . . જેને કાયદેસર લાયસન્સ સાથે નર્સ તરીકે કામ કરવાની છૂટ મળી હોય.”

[ક્રેડીટ લાઈન]

ડોરલૅન્ડ્‌ઝની ચિત્રવાળી મેડિકલ ડિક્શનરી (અંગ્રેજી), જે યુ.એસ.નું પ્રકાશન છે

UN/J. Isaac

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

‘આરોગ્ય સેવાનો આધાર’

જૂન ૧૯૯૯માં થયેલી નર્સોની ઇન્ટરનેશનલ કાઉન્સિલ કોન્ફરેન્સમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર-જનરલ, ડૉ. ગ્રો હાર્લેમ બ્રન્ડટલૅન્ડે કહ્યું:

“આરોગ્ય ખાતામાં મુખ્ય નિષ્ણાતોની જેમ, નર્સો ઘણું મહત્ત્વનું કામ કરે છે અને આપણને તંદુરસ્ત રાખે છે. . . . મોટા ભાગના દેશોમાં આરોગ્ય ખાતાના કુશળ કામદારોમાં ૮૦ ટકા નર્સો અને સુવાવડ કરાવનારી નર્સોનો સમાવેશ થાય છે. તેઓ ભાવિનો એવો સમાજ છે જે ૨૧મી સદીમાં સર્વ માટે તંદુરસ્તી લાવવા જરૂરી ફેરફારો લાવશે. ખરેખર, તેઓ તંદુરસ્તી માટે અલગ અલગ સેવાઓ આપે છે. . . . હા, નર્સો તો આરોગ્ય સેવાનો આધાર છે.”

મૅક્સિકોના અગાઉના પ્રમુખ, અર્નેસ્ટો સેદીયો પોન્સા દે લીયોને પ્રવચનમાં મૅક્સિકોની નર્સોની ખાસ પ્રશંસા કરી, જેમાં તેમણે કહ્યું: “તમે સર્વ . . . દરરોજ મૅક્સિકોના લોકોની તંદુરસ્તી મેળવવા અને જાળવી રાખવા, તમારું જ્ઞાન, તમારો સંપ અને તમારી સેવા આપો છો. તમે એવા લોકોની સેવા કરો છો, જેઓને ફક્ત તમારી કુશળતાની જ નહિ, પણ તમારા માયાળુ અને પ્રેમાળ સ્વભાવથી મળતા દિલાસાની પણ જરૂર છે. . . . તમે આપણા આરોગ્ય ખાતાના મહત્ત્વના સભ્યો છો . . . ભલે એ બચી ગયેલો દરદી હોય, બાળકને રસી મૂકાઈ હોય, બાળકનો જન્મ થયો હોય, સ્વાસ્થ્ય વિષયક ચર્ચા થતી હોય, દરદીનો ઇલાજ થયો હોય કે એને મદદ આપવામાં આવી હોય, એ દરેક બાબતમાં નર્સો મહત્ત્વનો ભાગ ભજવે છે.”

[ક્રેડીટ લાઈન્સ]

UN/DPI Photo by Greg Kinch

UN/DPI Photo by Evan Schneider

[પાન ૧૧ પર બોક્સ/ચિત્ર]

કદરદાન ડૉક્ટર

ન્યૂયૉર્ક પ્રેસ્બીટેરીયન હૉસ્પિટલના ડૉ. સંદીપ જોહરે કુશળ નર્સો માટે આભાર વ્યક્ત કર્યો. એક વખત એક નર્સે તેમને સમજાવ્યું કે મરણ પથારી પરના દરદીને વધારે મોરફીન (દુઃખાવો ઘટાડનાર દવા)ની જરૂર છે. તેમણે લખ્યું: “કુશળ નર્સો ડૉક્ટરને શીખવી શકે છે. ઇન્ટેન્સીવ કેર યુનિટ જેવા (ખાસ દેખરેખ હેઠળ હોય એવા દરદીઓના) વૉર્ડમાંની કુશળ નર્સો હૉસ્પિટલની સૌથી કાબેલ નર્સો છે. હું નવો નવો હતો ત્યારે, દરદીને શ્વાસ લેવા મદદ કરતા મશીનો કઈ રીતે ગોઠવવાં, એ નર્સોએ મને શીખવાડ્યું હતું. તેઓએ મને એ પણ જણાવ્યું કે કઈ દવાઓ આપવી નહિ.”

તેમણે આગળ કહ્યું: “દરદીઓને જરૂરી માનસિક અને લાગણીમય ટેકો નર્સો જ પૂરો પાડે છે, કેમ કે તેઓ દરદીઓ સાથે વધારે સમય વીતાવતી હોય છે. . . . હું જે નર્સો પર ભરોસો રાખું છું એ જણાવે કે કોઈ દરદીને હમણાં જ મદદની જરૂર છે, તો હું ત્યાં ફટાફટ પહોંચી જાઉં છું.”

[પાન ૭ પર ચિત્ર]

“મારે બીજાની સેવા કરવી હતી.”—ટેરી વેધરસન, ઇંગ્લૅંડ.

[પાન ૭ પર ચિત્ર]

‘મારા પિતા હૉસ્પિટલમાં હતા ત્યારે જ મેં નિર્ણય લીધો કે મારે નર્સ બનવું છે.’—એત્સકો કોટાની, જાપાન.

[પાન ૭ પર ચિત્ર]

‘બાળકનો જન્મ નર્સ માટે ઘણી ખુશીનો અનુભવ છે.યોલાન્ડા કેલાન-ફાન હૂફ્ટ, નેધરલૅન્ડ.

[પાન ૮ પર ચિત્ર]

સુવાવડ કરાવનાર નર્સને અનેરો આનંદ અને સંતોષ મળે છે