વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
વિદ્યાર્થીઓ તણાવમાં
મુંબઈનું એશિયન એજ છાપું અહેવાલ આપે છે કે ભારતમાં, સ્કૂલમાં લેવામાં આવતી વાર્ષિક પરિક્ષાઓને કારણે વિદ્યાર્થીઓમાં તણાવ વધી જાય છે. પરીક્ષાઓના થોડા સમય પહેલાં બાળકો સખત મહેનત કરતા હોય છે. પરંતુ રાતદિવસ વાંચીને સારા માર્ક મેળવવાના દબાણને કેટલાક બાળકો સહન કરી શકતા નથી. એના કારણે પરીક્ષાના સમયે મનોચિકિત્સકો પાસે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. કેટલાક માબાપ એવી ઇચ્છા રાખે છે કે તેમના બાળકો પરીક્ષામાં સારામાં સારા માર્ક લાવે. આથી તેઓ બાળકોને રમતગમત અને મનોરંજન બધું બંધ કરાવી દે છે. એક મનોચિકિત્સક વી. કે. મુન્દ્રા કહે છે કે, “અમુક ધ્યેયો બેસાડીને માબાપ બાળકો પર બહુ દબાણ લાવે છે. તેમ જ બાળકો પણ બીજાં બાળકોથી આગળ રહેવા હરીફાઈમાં લાગુ રહે છે.” તે આગળ જણાવે છે કે, કેટલાક માબાપને તો “એવી ખબર પણ હોતી નથી કે તેઓ પોતાનાં બાળકોને થોડો આરામ કરવા દે તો તેઓનો તણાવ ઓછો થઈ જાય છે અને તેઓ સ્વસ્થ મનથી સારી રીતે અભ્યાસ કરી શકશે.” ડૉ. હરીશ શેટ્ટી કહે છે કે આજે તો “એકથી સાતમા ધોરણના બાળકોમાં પણ” પરીક્ષાને લીધે તણાવ વધી ગયો છે. (g00 11/22)
શહેરોમાં આવેલાં ભૂંડો
જર્મનીનું સાપ્તાહિક છાપું ડી વોકમાં બતાવવામાં આવ્યું હતું કે જંગલમાં રહેનારાં ભૂંડો શહેરમાં આવી પહોંચ્યા. કારણ કે તેઓને શહેરમાં વધારે ખોરાક તેમ જ શિકારીઓથી રક્ષણ મળે છે. વળી, બર્લિન શહેરમાં તો કેટલીક જંગલી ભૂંડણોએ બચ્ચાંઓને પણ જન્મ આપ્યો છે. આ ભૂખ્યાં ભૂંડો જંગલ જેવા વિસ્તારો અને જાહેર બગીચાઓમાં જ ફરતા નથી, પરંતુ લોકોના ઘરોના બગીચાઓને પણ ખેદાનમેદાન કરી નાખે છે. આ ભૂંડોનું વજન લગભગ ૩૫૦ કિલોગ્રામ સુધીનું હોય શકે છે અને કેટલાય લોકો એઓથી ડરી ગયા છે. કેટલાક કિસ્સાઓમાં તો ભૂંડોથી બચવા લોકો ઝાડ પર ચઢી ગયા હતા અથવા તો ટૅલિફોન બૂથમાં છૂપાઈ ગયા હતા. આ ભૂંડોના લીધે કેટલાય અકસ્માતો થયા છે. નોકરીએથી પાછા ફરતા ઘણા લોકોને આ જંગલી ભૂંડોનો સામનો કરવો પડ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે, “મારા ઘર આગળ વીસેક જેટલા જંગલી ભૂંડો રસ્તો રોકીને ઊભા હોય તો હું કેવી રીતે મારા ઘરમાં જઈ શકું?” (g00 11/22)
નવી જાતિઓને પસંદગીનું નામ આપવું
સાયન્સ મેગેઝિને પ્રશ્ન પૂછ્યો કે, “શું તમે તમારા પ્રિયજનને કંઈક અદ્ભુત ભેટ આપવા માંગો છો? એમ હોય તો મદદ હાજર છે. તમે ઑર્કિડ, મચ્છર અથવા તો દરિયાના નાના નાના પ્રાણીઓની શોધેલી નવી જાતિ માટે દાન આપી એને તમારા પ્રિયજનનું નામ આપી શકો છો. એ નામ વૈજ્ઞાનિક યાદીમાં હંમેશ માટે લખી લેવામાં આવશે.” અથવા તમે જે નામ આપો એ હંમેશ માટે રહેશે. તાજેતરના એક સંશોધને જણાવ્યું કે આજે અસ્તિત્વ ધરાવતી જાતિઓમાંથી ફક્ત એક દશાંશ અથવા ફક્ત થોડી જ જાતિઓનું વૈજ્ઞાનિક યાદીમાં વર્ણન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક યાદીમાં નામ આપ્યા વગરની અને એનું વર્ણન કર્યા વગરની એવી તો હજારો જાતિઓ મ્યુઝિયમમાં પડી રહી છે. હવે લોકો પોતાના કૉમ્પ્યુટરમાં વેબ સાઈટ ખોલીને આ નામ વગરના જંતુઓની સચિત્ર માહિતી મેળવી શકે છે. એઓને ફક્ત નામ આપવાની જરૂર છે અને વિજ્ઞાનના પુસ્તકોમાં એ નામ હંમેશ માટે આવી જશે. તમે ૨,૮૦૦ ડૉલર અથવા એનાથી વધારે દાનમાં આપીને તમારી પસંદગીના કોઈ પણ જીવજંતુને લૅટિન શબ્દ પરથી નામ આપી શકો છો. આ રીતે, “બાયોપૅટ” નામનું સંગઠન એ આશા રાખે છે કે તેઓને જે પૈસા મળશે એનાથી તેઓ નવા જીવજંતુઓ અને છોડની ઓળખાણ કરીને નવી નવી જાતિઓને બચાવી શકશે. (g00 11/8)
નાની ઉંમરે લગ્ન
તાજેતરમાં રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય ખાતાએ કરેલા સર્વેક્ષણ અનુસાર, ભારતમાં ૩૬ ટકા લગ્નો ૧૩થી ૧૬ વર્ષના બાળકોમાં થાય છે. એમાં મુંબઈના એશિયન એજ છાપાએ આપેલા અહેવાલ અનુસાર, એ પણ જાણવા મળ્યું કે ૧૭થી ૧૯ વર્ષની ૬૪ ટકા છોકરીઓએ બાળકોને જન્મ આપી દીધો હોય છે અથવા સગર્ભા હોય છે. અહેવાલે બતાવ્યું કે સગર્ભાવસ્થાને કારણે મૃત્યુ પામતી ૧૫થી ૧૯ વર્ષની માતાઓનું પ્રમાણ, ૨૦થી ૨૪ વર્ષની માતાઓ કરતાં બમણું છે. એ ઉપરાંત, છેલ્લા થોડાં વર્ષોમાં ૧૫થી ૨૪ વર્ષના યુવાનોમાં જાતીયતાથી વહન થતા રોગોનું પ્રમાણ પણ બમણું થઈ ગયું છે. નિષ્ણાતો આ વધતી જતી સમસ્યાઓનું કારણ જણાવતા કહે છે કે, યુવાનોમાં સેક્સ વિષેના જ્ઞાનનો અભાવ હોય છે. તેમ જ તેઓ મિત્રો અને મેગેઝિનો તથા ટીવીમાંથી ખોટી માહિતી મેળવે છે. (g00 11/22)
એકમાંથી બીજો રોગ થવો
“ત્રીસ વર્ષ પહેલાં, પાંચમાંથી ત્રણ ઇજિપ્તના રહેવાસીઓને બિલહાર્જિયા રોગ થયો હતો જે [સ્નેઈલ ફીવર] પાણીમાં રહેલા પરોપજીવીના કારણે થયો હતો” ધ ઈકોનોમીસ્ટ મેગેઝિન જણાવે છે. નવી દવાઓ લેવાની ઝુંબેશના કારણે આ રોગને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતા મળી. તેમ છતાં, હવે જોવા મળે છે કે અગાઉની ઝુંબેશમાંની એકના લીધે “લાખો લોકોને હૅપટાઈટિસ-સીની અસર થઈ છે, આ રોગના કારણે મરણ પણ થઈ શકે. બિલહાર્જિયાની જગ્યાએ આ જે રોગ આવ્યો એ ઇજિપ્તમાં સૌથી વધારે ફેલાયેલો રોગ છે.” આ રોગ ફેલાવાનું મુખ્ય કારણ એ છે કે બિલહાર્જિયાના રોગ માટે આપવામાં આવેલાં ઇન્જેક્શનનો ઉપયોગ કર્યા પછી એની નિડલનો “ઘણી વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. એને બરાબર રીતે ઉકાળીને જીવાણુરહિત કરવામાં આવી ન હતી. . . . વૈજ્ઞાનિકો વર્ષ ૧૯૮૮ સુધી હૅપટાઈટિસ-સી વાયરસ
(એચસીવી), કે જે લોહીમાં થાય છે એને શોધી શક્યા ન હતા,” એમ મેગેઝિને બતાવ્યું. સર્વેક્ષણ બતાવે છે કે ઇજિપ્તમાં “આખા જગતના દેશો કરતાં સૌથી વધારે હૅપટાઈટિસ-સીના દરદીઓ જોવા મળે છે.” ઇજિપ્તમાં સરેરાશ ૬માંથી એક, અર્થાત્ ૧.૧ કરોડ લોકો આ રોગથી પીડાય છે. એના કારણે ૭૦ ટકા દરદીઓને ગંભીર યકૃતની બીમારી થઈ છે અને ૫ ટકા લોકો મરણ પામ્યા છે. લેખે બતાવ્યું: “હમણાં સુધી આ રીતે ડૉક્ટરો દ્વારા સૌથી વિસ્તૃત પ્રમાણમાં ફેલાયેલો એ રોગ છે. . . . પરંતુ સૌથી સારી બાબત એ છે કે કોઈ પણ પ્રકારની જાહેરમાં ચેતવણી આપવામાં આવી ન હોત તો ઘણા લોકો બિલહાર્જિયા રોગથી મરણ પામ્યા હોત.” (g00 11/22)ભોગ બનતા બાળકો
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનીસેફ) ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન ૨૦૦૦માં અહેવાલ આપે છે કે, “દરરોજ, . . . પાંચ વર્ષની અંદરના ૩૦,૫૦૦ બાળકો અટકાવી શકાય એવા કારણોસર મરણ પામે છે.” ધ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું બતાવે છે કે, “ગયા વર્ષોમાં, અંદાજે ૨૦ લાખ બાળકોને મારી નાખવામાં આવ્યા છે અને ૬૦ લાખ બાળકો યુદ્ધમાં ઘાયલ અથવા અપંગ થયા છે. એ ઉપરાંત બીજા લાખો બાળકોને કોઈ જાતનો માનવ હક્ક મળતો નથી.” તેમ જ ૧.૫ કરોડ કરતાં વધારે બાળકો ઘરબાર વગરના છે. દસ લાખ કરતાં વધારે બાળકો પોતાના માબાપથી વિખૂટાં પડી ગયા છે અથવા અનાથ બની ગયા છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને કરેલા અભ્યાસનો ઉલ્લેખ કરતા અહેવાલ બતાવે છે કે ૫થી ૧૪ વર્ષની વયના ઓછામાં ઓછા ૨૫ કરોડ બાળકો બાળમજૂરી કરે છે, તેમાંના ૨૦ ટકા બાળકોની પરિસ્થિતિ તો ખૂબ જ ભયંકર હોય છે. જગતવ્યાપી લગભગ દસ લાખ બાળકોને વેશ્યા તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવે છે અને ૨,૫૦,૦૦૦ બાળકો દર વર્ષે એચઆઈવીનો ભોગ બને છે. એ ઉપરાંત ૧૩ કરોડ બાળકો શાળામાં જઈ શકતા નથી જેઓમાં બે તૃત્યાંશ છોકરીઓ છે. (g00 11/8)
ચીનની સ્વાદિષ્ટ વાનગી
ચીનમાં લોકોની “જીવન-ઢબ અને ખાવાની ટેવોમાં ફેરફારો” થયા હોવાથી ત્યાંના જંગલી પ્રાણીઓનું જીવન જોખમમાં આવી પડ્યું છે, એમ ડાઉન ટુ અર્થ મેગેઝિને બતાવ્યું. એવી માન્યતા છે કે સામાન્ય ખોરાક લેવા કરતાં અમુક પ્રકારના જંગલી પ્રાણીઓને લેવા વધારે સારું છે. એના કારણે આ સ્વાદિષ્ટ પ્રકારના ખોરાકની માંગ વધી ગઈ છે. સાપની ઘણી માંગ છે અને એમાંય વળી ઝેરી સાપની કિંમત બમણી છે. આખા ચીનની દરેક રેસ્ટોરંટમાં જંગલી ડુક્કર, બિલાડીઓ, દેડકાં, અજગર, તિબેટના હરણ અને અમુક ખાસ પ્રકારના દુર્લભ પક્ષીઓની ઘણી માંગ છે. આમાંના ઘણા પ્રાણીઓની સંખ્યા એકદમ ઓછી થઈ ગઈ હોવાથી, સરકાર દ્વારા એઓને રક્ષણ આપવામાં આવે છે. તોપણ, કેટલાક રેસ્ટોરંટના માલિકો પોતાના ગ્રાહકોને એવી ખાતરી કરાવતા ચિહ્નો મૂકે છે કે તેઓને ખરેખર જંગલી પ્રાણીઓનું ભોજન પીરસવામાં આવ્યું છે, તેઓને છેતરવામાં આવ્યા નથી. ચીનની સરકારે ધનવાન અને આવા ખાસ પ્રાણીઓના ભૂખ્યા ગ્રાહકોથી જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવા એક સૂત્ર વહેતું મૂક્યું છે કે, “જંગલી પ્રાણીઓ ખાવાનો નકાર કરો.” (g00 11/8)
ધૂમ્રપાન કરનાર અને નહિ કરનારને થતી પ્રદૂષણની અસર
મુંબઈમાં, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રીસર્ચે આપેલા અહેવાલ અનુસાર, ભારતમાં બાળકો ઘણી નાની ઉંમરે ધૂમ્રપાન શરૂ કરે છે. વળી, રસ્તા પર રહેતાં બાળકો પર માબાપની દેખરેખ ન હોવાથી કેટલાક તો લગભગ ૮ વર્ષની ઉંમરે જ ધૂમ્રપાન શરૂ કરે છે. જ્યારે કે માબાપની દેખરેખ હેઠળ હોય એવા શાળામાં જતાં બાળકો ૧૧ વર્ષે ધૂમ્રપાન શરૂ કરે છે. તેમ છતાં, મુંબઈમાં કરવામાં આવેલા બીજા સર્વેક્ષણે બતાવ્યું કે, જે બાળકો સારી દેખરેખ હેઠળ છે અને કદી પણ ધૂમ્રપાન કર્યું નથી તેઓ એનો ધૂમાડો શ્વાસમાં લે છે જે દિવસના બે પૅકેટ સીગારેટ પીવા બરાબર છે! ધ એશિયન એજ છાપાએ અહેવાલ આપ્યો કે મુંબઈ અને દિલ્હી આખી દુનિયામાં સૌથી વધારે પ્રદૂષિત પાંચ શહેરોમાંના બે શહેરો છે. મુંબઈના રસ્તાઓ પર લગભગ ૯,૦૦,૦૦૦ વાહનો નિયમિતપણે દોડે છે. અને બીજા ૩,૦૦,૦૦૦ શહેરની આજુબાજુ દોડતા જોવા મળે છે. અહેવાલે નોંધ્યું તેમ, હવા પ્રદૂષણનો દર વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઠરાવેલી હદ કરતાં ૬૦૦થી ૮૦૦ ટકા વધારે છે. (g00 11/8)
પક્ષીઓને જોખમ
કૅનેડા, ટોરન્ટોનું ધ ગ્લોબ ઍન્ડ મેઈલ મેગેઝિને બતાવ્યું કે, “ઉત્તર અમેરિકાની ઑફિસના મકાનો અને ટ્રાન્સમીટર ટાવરો ઠંડા કલેજે પક્ષીઓનું ખૂન કરે છે. માનવામાં આવે છે કે બાંધકામો અને ઘરની બારીઓએ વાર્ષિક ૧૦ કરોડ પક્ષીઓને મારી નાખ્યા.” રાત્રે ઑફિસની લાઈટો ચાલુ રાખવાના કારણે સ્થળાંતર કરતાં પક્ષીઓને દિશા નક્કી કરવામાં મુશ્કેલી પડે છે. નિષ્ણાતો કહે છે કે ચારે બાજુ આ સમસ્યા જોવા મળે છે. પક્ષીઓના નિષ્ણાત ડેવિડ વિલાર્ડે કહ્યું કે, “ઉત્તર અમેરિકામાં એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં આવું જોવા ન મળતું હોય.” ટોરન્ટોમાં એવા ઘણાં વૃંદો નીકળ્યા છે, જેઓ લાઈટથી થતા અકસ્માતો ટાળવા ઑફિસના કર્મચારીઓને રાત્રે લાઈટ બંધ કરી દેવા વિષેનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
વધુમાં, જર્મન દૈનિક ફ્રંકફર્ટર એલગેમેઈન ઝૈતુંગએ અહેવાલ આપ્યો કે, ‘ડિસ્કો કે મનોરંજનની જગ્યાઓએ લોકોને આકર્ષવા આકાશ તરફ પ્રકાશ ફેંકનાર’—સ્પોટલાઈટ્સ ઝળહળી ઊઠે છે. પરંતુ, એ નિશાચર પ્રાણીઓનો માર્ગ બદલે છે. પક્ષીઓ અને ચામાચીડિયાના સ્થળાંતર કરવાની પ્રક્રિયાને પ્રકાશ ખલેલ પહોંચાડે છે. જાણવા મળ્યું છે કે, પ્રકાશથી મૂંઝાઈને પક્ષીઓ પોતાના વૃંદથી વિખૂટા પડી જાય છે, દિશા બદલાઈ ગઈ હોવાથી ચિંતાના કારણે મદદ માટે એઓ બૂમો પાડતા હોય છે અથવા પોતાની મુસાફરી વચ્ચે જ અટકાવી દે છે. કેટલીક વાર પક્ષીઓ મૂંઝવણના કારણે આકાશમાં એક જ જગ્યાએ કલાકો સુધી ગોળ ગોળ ફર્યા કરીને થાકીને જમીન પર પડે છે. કેટલાક કમજોર પક્ષીઓ ત્યાં જ મરી જાય છે. જર્મનીના ફૅંકફુર્ટમાં પક્ષીઓનું રક્ષણ કરનાર એક ઇન્સ્ટિટ્યૂટે “આકાશ તરફ પ્રકાશ ફેંકનાર” લાઇટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. (g00 11/8)