સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું રાશિચક્ર તમને અસર કરે છે?

શું રાશિચક્ર તમને અસર કરે છે?

બાઇબલ શું કહે છે

શું રાશિચક્ર તમને અસર કરે છે?

“અસંખ્ય યુવાનો કે વૃદ્ધો પોતાનું ભવિષ્ય જાણવા રાશિ જુએ છે.”—પોપ જોન પૉલ બીજો.

એ ક સર્વેક્ષણ અનુસાર, અમેરિકામાં ચારમાંથી એક વ્યક્તિ નિર્ણયો લેતા પહેલા જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરે છે. ફક્ત અહીં જ નહિ પરંતુ આખા જગતમાં જ્યોતિષશાસ્ત્રનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આખા જગતમાં લોકો આર્થિક બાબતોમાં, મુસાફરીની યોજના કરતી વખતે, કારકિર્દી બદલતી વખતે, લગ્‍નની તારીખ નક્કી કરતી વખતે અને યુદ્ધમાં જતા પહેલા રાશિચક્ર જુએ છે. એવો દાવો કરવામાં આવે છે કે વ્યક્તિની કુંડળીના આધારે યોગ્ય જીવન સાથી નક્કી કરી શકાય છે. પૂર્વથી પશ્ચિમ સુધી, જ્યોતિષશાસ્ત્રમાં લાખો લોકોને રસ છે. પરંતુ આ રાશિચક્રનું મૂળ ક્યાં છે?

ઐતિહાસિક પાર્શ્વભૂમિકા

રાશિચક્રની શરૂઆત પ્રાચીન સમયની સંસ્કૃતિથી થઈ છે. બાઇબલ પણ ‘આખા જ્યોતિમંડળનો’ ઉલ્લેખ કરે છે. (૨ રાજા ૨૩:૫) પ્રાચીન સમયોમાં હિંદુઓ, ચીનાઓ, મિસરીઓ, ગ્રીકો અને બીજા લોકો રાશિચક્રનો ઉપયોગ કરતા હતા. તેમ છતાં, રાશિચક્ર વિષેની બાબતો સૌ પ્રથમ પ્રાચીન બાબેલોનમાં જોવા મળે છે.

બાબેલોનના લોકોએ ભવિષ્ય વિષે વધારે જાણકારી મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રની શરૂઆત કરી હતી. તેઓએ જેમ જેમ તારા અને ગ્રહોની ગતિ પર ધ્યાન આપવા માંડ્યું તેમ એની ગતિ પરથી નકશા અને યાદીઓ બનાવી. આ નકશા અને યાદીઓના આધારે તેઓ માનવોના જીવનમાં અથવા પૃથ્વી પર થનારી બાબતોની ભવિષ્યવાણી કરતા હતા. કોઈ વાર રાજકારણ અને લશ્કરીય કાર્યવાહીના વિષયોમાં પણ જ્યોતિષીઓને પૂછવામાં આવતું હતું. એ કારણે, ખાસ ડહાપણ અને ચમત્કારિક શક્તિઓ મેળવવાનો દાવો કરનારાઓને લોકો પર ઊંડી અસર હતી. પરિણામે, ચારે બાજુ તેઓનો પ્રભાવ વધી ગયો. એટલે સુધી કે બાબેલોનના મોટા મોટા મંદિરોમાં તારા અને ગ્રહોની ગતિ જોવા માટે અલગ જગ્યા કરવામાં આવી.

આધુનિક સમયોમાં રાશિચક્રએ ઘણા લોકોના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવવાનું ચાલુ રાખ્યું છે. અરે, જ્યોતિષશાસ્ત્રમાં ન માનવાનો દાવો કરનારાઓ પણ જીજ્ઞાસાથી ગમ્મત ખાતર એમાં જુએ છે. એ સાચું છે કે જ્યોતિષશાસ્ત્રીઓએ કરેલી અમુક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. પરંતુ શું એનો અર્થ એમ થાય છે કે રાશિચક્રમાં જોવું લાભદાયી છે? વાસ્તવમાં, પ્રાચીન સમયના પરમેશ્વરના સેવકો જ્યોતિષશાસ્ત્રને કઈ દૃષ્ટિએ જોતા હતા?

રહેલાં જોખમો

બાબેલોનના રહેવાસીઓથી ભિન્‍ન, વિશ્વાસુ યહુદીઓ સારાં કારણોસર જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતા ન હતા. પરમેશ્વરે તેઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી: “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે . . . જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમકે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવાહ કંટાળે છે; અને એવાં અમંગળ કામોને લીધે તો યહોવાહ તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.” * (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.

પરમેશ્વરના સેવકો જ્યોતિષશાસ્ત્રમાં માનતા ન હતા. દાખલા તરીકે, વિશ્વાસુ રાજા યોશીઆહે ‘બઆલને સારૂ, સૂર્યને સારૂ, ચંદ્રને સારૂ, ગ્રહોને સારૂ, તથા આખા જ્યોતિમંડળને સારૂ જે ધૂપ બાળનારા હતા તેઓને દૂર કર્યા.’ યોશીયાહે લીધેલાં પગલાં “યહોવાહની દૃષ્ટિમાં” યોગ્ય હતાં અને પરમેશ્વરે એના માટે તેને આશીર્વાદ આપ્યો. (૨ રાજા ૨૨:૨; ૨૩:૫) પરંતુ કેટલાક વિચારશે કે, ‘શું જ્યોતિષીઓએ કરેલી અમુક ભવિષ્યવાણીઓ સાચી નથી પડી?’

જોકે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં આપણને વાંચવા મળે છે કે એક છોકરી “ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.” દેખીતી રીતે જ, આ છોકરીએ ભાખેલી કેટલીક બાબતો સાચી પડી હતી, કેમ કે તેના માલિકોને તેની આ શક્તિથી લાભ થતો હતો. પરંતુ આ છોકરી ભવિષ્ય ભાખી શકતી હતી એ પાછળ કોની શક્તિ હતી? બાઇબલ બતાવે છે કે તેને “અગમસૂચક આત્મા” વળગ્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૬.

બાઇબલ બતાવે છે કે “આખું જગત તે [શેતાન] દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) શેતાન અને તેના અપદૂતોએ ચાલાકીથી અમુક બાબતો કરી જેથી અમુક ભવિષ્યવાણીઓ સાચી પડી અને એમ કરીને તેઓએ લાખો લોકોનું ધ્યાન પોતાના તરફ દોર્યું છે.

સાદી ભાષામાં કહીએ તો, જ્યોતિષશાસ્ત્ર ‘શેતાનનું એક હથિયાર’ છે. જેથી એના વડે તે લોકોને પોતાના પંજામાં રાખીને પોતાનો હેતુ પાર પાડી શકે. આમ, બાઇબલ ખ્રિસ્તીઓને સલાહ આપે છે કે શેતાનની કુયુક્તિઓ સામે ‘દૃઢ રહો’ કે જેમાં જ્યોતિષશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. (એફેસી ૬:૧૧) પરંતુ શું એનો અર્થ એમ થાય કે આપણી પાસે ભાવિ વિષે કોઈ માર્ગદર્શન નથી?

બાઇબલ-ભરોસાપાત્ર માર્ગદર્શન

લાખો લોકોને નિર્ણય લેવામાં બાઇબલનું માર્ગદર્શન ભરોસાપાત્ર લાગ્યું છે. ગીતશાસ્ત્રમાંના એક લેખક દાઊદે આમ કહ્યું કે, “યહોવાહની સાક્ષી [યહોવાહનાં સૂચનો] વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૭; ૧૧૯:૧૦૫) પરંતુ એનો અર્થ એ નથી થતો કે દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ શું કરવું જોઈએ એ વિષે બાઇબલ સ્પષ્ટપણે બતાવે છે. બાઇબલમાં સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કે જે વ્યક્તિને ખરું-ખોટું પારખવામાં મદદ કરી શકે. તેમ જ એ આપણને ખરું-ખોટું પારખવા અને યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે.—હેબ્રી ૫:૧૪.

આમ, યોગ્ય કારણોસર જ સાચા ખ્રિસ્તીઓ રાશિચક્ર વિષે વાંચતા નથી, અરે ફક્ત મજાક માટે પણ નહિ. એના બદલે, તેઓ બાઇબલમાં અપદૂતોની અસર અને એની કુયુક્તિઓ વિષે આપવામાં આવેલી ચેતવણીને ધ્યાન આપે છે. જ્યોતિષશાસ્ત્ર કરતાં, તમારા જીવનમાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડીને તમે પરમેશ્વરનો હંમેશ માટેનો આશીર્વાદ મેળવી શકો છો.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯, ૩૮. (g00 11/8)

[ફુટનોટ]

^ શુકન જોવામાં, ધંતરમંતર દ્વારા ખાસ કરીને ભવિષ્યના બનાવો વિષેનું જ્ઞાન મેળવવું થાય છે.

[પાન ૨૬ પર ચિત્ર]

પૂર્વીય જ્યોતિષશાસ્ત્ર

[પાન ૨૬ પર ચિત્ર]

પશ્ચિમી જ્યોતિષશાસ્ત્ર