એક સોનેરી ઝાડ
એક સોનેરી ઝાડ
ઇક્વેડોરના સજાગ બનો!ના લેખક તરફથી
ઇક્વેડોરના દરિયા કાંઠાના પ્રદેશોમાં, અડધો ડિસેમ્બર વીતી જવા છતાં હજુ મોસમ પ્રમાણે વરસાદ પડ્યો ન હતો. ઊંચા-નીચા પહાડો પર ધૂળ ઊડી હોવાથી ઝાડ-પાન ઝાંખા પડી ગયા હતા. વળી, આકાશમાં છવાયેલાં ગાઢાં વાદળોએ દિવસને ઘણો ધૂંધળો બનાવી દીધો હતા. એવામાં મુસાફરોનું એક ટોળું પૅસિફિક સમુદ્રના પશ્ચિમ તરફ જતા હાઈવે પર મુસાફરી કરી રહ્યું હતું. અચાનક, બધાની નજર રોડની બાજુએ આવેલા એક ઝાડ પર પડી. એકાએક કાર ઊભી રહી ગઈ. તેઓએ કયું ઝાડ જોયું હતું?
તેઓએ ગ્વાયાકન નામનું એક ઝાડ જોયું, જે સુંદર ફૂલોથી ખીલેલું હતું! આખરે, કોઈ બોલી ઊઠ્યું: “કેટલું સુંદર! શું તમે કદી પણ આવો સુંદર રંગ જોયો છે? મેં ઘણાં ફૂલોવાળાં ઝાડ જોયાં છે, જેઓનો રંગ ગુલાબી, જાંબુડિયો, લાલ કે નારંગી હોય છે. પરંતુ, આ ઝાડ તો બધી જ રીતે સુંદર છે!”
એ સોનેરી વૃક્ષની સુંદરતાના ગુણગાન ગાઈને, આખરે તેઓ આગળ વધ્યા. પરંતુ, તેઓને ક્યાં ખબર હતી કે એ તો શરૂઆત જ હતી. રસ્તામાં થોડે આગળ જતાં, તેઓએ એક પછી એક કરીને ઘણાં ગ્વાયાકન ઝાડ જોયા, જે સુંદર રીતે ખીલેલા હતા. એવું લાગતું હતું જાણે પહાડો પર સોનેરી રંગ છવાઈ ગયો હતો! વર્ષમાં એક વાર આવતી આ ગ્વાયાકનની મોસમ હતી, જ્યારે સાવ નિરસ લાગતા જંગલોમાં જાણે રંગોના ફુવારા ફૂટી નીકળ્યા હતા.
જોકે, ફૂલોથી છવાયેલાં આ ઝાડ કંઈ એક જ દેશમાં નથી. ખરું જોતાં, દક્ષિણ અને મધ્ય અમેરિકાના ઘણા ભાગોમાં આ ઝાડ જોવા મળે છે. એ ઘણા અલગ અલગ નામોથી ઓળખાય છે, જેમ કે સોનેરી રણશિંગડું, રણશિંગડાનું ઝાડ. એના ફૂલોનો આકાર રણશિંગડા જેવો હોવાથી એ નામ પડી ગયું છે. એનું વૈજ્ઞાનિક નામ ટાબેબ્યુઆ ક્રીસેન્થા છે.
આ ગ્વાયાકન ઝાડનું લાકડું ખૂબ મજબૂત હોય છે, જેનો વર્ષોથી ઉત્તમ ફર્નિચર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. જોકે, એ કારણે આ ઝાડ હવે ઓછા થઈ ગયા હોવાથી, અમુક દેશોએ એનું રક્ષણ કરવા નિયમો ઘડ્યા છે. જેથી ત્યાંના રહેવાસીઓ અને પર્યટકો એ ખીલેલું હોય ત્યારે, એની અજોડ સુંદરતાનો આનંદ માણી શકે. પછી ભલે એ ફક્ત થોડા દિવસ માટે કે વર્ષમાં એક જ વાર હોય.
એમાં કોઈ જ શંકા નથી કે ગ્વાયાકન વૃક્ષ આપણા મહાન ઉત્પન્નકર્તાને મહિમા આપતી એક જીવંત નિશાની છે. તે તો આપણી સુંદર પૃથ્વીના રચનાર છે. (g01 3/8)