સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કઈ રીતે હું તેના લગ્‍ન પ્રસ્તાવને ના પાડી શકું?

કઈ રીતે હું તેના લગ્‍ન પ્રસ્તાવને ના પાડી શકું?

યુવાનો પૂછે છે . . .

કઈ રીતે હું તેના લગ્‍ન પ્રસ્તાવને ના પાડી શકું?

“આ ઉનાળામાં મારા જ મંડળનો એક ભાઈ મારા પ્રેમમાં પડી ગયો. જોકે તે મને ગમતો નથી. પરંતુ મને એ સમજ પડતી નથી કે તેની લાગણી દુભાવ્યા વગર હું કઈ રીતે તેને ના પાડી શકું.”—એલીઝાબેથ. *

“શું તું મારી મિત્ર બનીશ?” શું કોઈ વિરુદ્ધ જાતિના યુવાને તમને આવો પ્રશ્ન પૂછ્યો છે? આવો પ્રશ્ન પૂછાતા જ એક યુવતી * તરીકે, તમારું મન આનંદ વિભોર બની જાય અને તમે સ્વપ્નોમાં ખોવાઈ જઈ શકો! બીજી તર્ફે, તમે કદાચ એટલા ગૂંચવાઈ જઈ શકો કે શું જવાબ આપવો એ જ તમને સમજ ન પડે.

જ્યારે કોઈ યુવાન લગ્‍ન બાબતે તમારામાં રસ બતાવે તો તમે લાગણીઓના તણાવમાં વહી શકો. એમાંય તમે પરણવા માટે ઉંમરલાયક હોવ અને લગ્‍ન પ્રસ્તાવની અપેક્ષા રાખતા હોવ ત્યારે તો ખાસ રોમાંચ અનુભવી શકો. * તમે કેવો પ્રત્યાઘાત પાડશો એનો આધાર લગ્‍ન સંબંધિત પ્રસ્તાવ કોણે મૂક્યો છે એના પર છે. એ વ્યક્તિ લાગણીમય રીતે પરિપક્વ હોય અને તમને ગમતી હોય ત્યારે જવાબ આપવો સહેલો હોય શકે. પરંતુ તેનામાં યોગ્ય સાથી બનવાની લાયકાત ન હોય તો શું? અથવા તેનામાં સારા ગુણો હોવા છતાં તમને તે વ્યક્તિ ગમતી ન હોય તો શું?

એક યુવતીનો વિચાર કરો, જેણે એક યુવાન સાથે થોડા સમય સુધી મળવાનું ચાલુ રાખ્યું. પછી, તેને લાગ્યું કે તે તેની સાથે લગ્‍ન કરવા માંગતી નથી. છતાં તેની સાથેનો સંબંધ તોડી નાખવાને બદલે, તેણે મળવાનું ચાલુ જ રાખ્યું. તે પૂછે છે, “હું કઈ રીતે તેને ના પાડી શકું?”

તમે લગ્‍ન કરવા તૈયાર ન હોવ ત્યારે

પ્રાચીન સમયમાં, માબાપ પસંદ કરે તેની સાથે જ વ્યક્તિ લગ્‍ન કરતી હતી. (ઉત્પત્તિ ૨૪:૨-૪,) પશ્ચિમના દેશોમાં વ્યક્તિઓ પોતે જીવન સાથી પસંદ કરી શકે છે. બાઇબલ લગ્‍ન માટે એક જ જરૂરિયાત બતાવે છે કે ખ્રિસ્તીઓએ “કેવળ પ્રભુમાં” જ લગ્‍ન કરવું.—૧ કોરીંથી ૭:૩૯.

શું એનો અર્થ એવો થાય કે કોઈપણ ખ્રિસ્તી તમારામાં લગ્‍ન બાબતે રસ બતાવે અથવા કોઈ સાથે તમે થોડા સમય સુધી પરિચય કેળવો, તેથી તેની સાથે લગ્‍ન કરી લેવું જોઈએ? બાઇબલમાં બતાવ્યું છે તેમ, મધ્ય પૂર્વના શૂનેમ ગામની એક યુવાન કન્યા વિષે વિચારો. રાજા સુલેમાને તેને જોઈ ત્યારે તે તેના પ્રેમમાં પડી ગયા. તેમણે તેને મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે કન્યાએ ના પાડી. એ ઉપરાંત તેણે દરબારી સ્ત્રીઓને પણ વિનંતી કરી કે, મારા પોતાનામાં લાગણીઓ ઊભી ન થાય ત્યાં સુધી મારો પ્રેમ જગાડશો નહિ. (ગીતોનું ગીત ૨:૭) આ બુદ્ધિશાળી કન્યા બીજાઓ તેનામાં પ્રેમની લાગણીઓ જગાડે એવું ઇચ્છતી ન હતી. તેને રાજા સુલેમાનમાં રસ ન હતો કેમ કે તે એક દીન ભરવાડને ચાહતી હતી.

એ અત્યારે લગ્‍ન કરવા ઇચ્છતી વ્યક્તિઓને સારો બોધપાઠ પૂરો પાડે છે કે તમે ગમે તેના પ્રેમમાં ન પડી શકો. કોઈ યુવાન સાથે પરિચય મેળવ્યા પછી યુવતીને લાગી શકે કે પોતાને તે યુવાન માટે રોમાંચક લાગણીઓ નથી. કદાચ યુવાનના ચારિત્ર્યમાં કંઈક ખામી જોઈ હોવાથી યુવતીની લાગણીઓ બદલાઈ હોય શકે. અથવા તે તેનાથી આકર્ષિત ન થઈ હોય. આવી નકારાત્મક લાગણીઓને ધ્યાનમાં ન લેવી એ મૂર્ખતા છે. આવી લાગણીઓ ટાળવાથી એ દૂર થઈ જશે નહિ. * તામારા એક યુવાનને મળતી હતી. તેણે કહ્યું, “મારા મનમાં તેના વિષે બહુ શંકાઓ હતી.” “ફક્ત નાની શંકાઓ જ નહિ પરંતુ મોટી શંકાઓ કે જેના કારણે હું બહુ તણાવ અનુભવતી હતી અને તે મારી સાથે હોય ત્યારે હું બેચેન બની જતી હતી.” પરંતુ પછીથી તેને લાગ્યું કે આ બધી શંકાઓને લીધે તેણે સંબંધ તોડી નાખવો જોઈએ.

ના કહેવું કેમ સહેલું નથી

જોકે, કોઈ યુવાનને ના પાડવી એટલું સહેલું નથી. શરૂઆતમાં ઉલ્લેખ કરેલી એલીઝાબેથની જેમ, તમે પણ તેની લાગણીઓને દુભાવવા માંગતા નહિ હોવ. એ સાચી વાત છે કે આપણે બીજાઓની લાગણીઓનો વિચાર કરવો જોઈએ. બાઇબલ ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છે કે દયાળુ હૃદય તથા મમતા રાખો અને તમે પોતાને જેવું ઇચ્છો છો એવું જ બીજાને કરો. (કોલોસી ૩:૧૨; માત્થી ૭:૧૨) શું એનો અર્થ એવો થાય કે તમારે પ્રેમ કરતા હોવ એવો દેખાવ ચાલુ જ રાખવો જોઈએ, જેથી તે યુવાન નારાજ ન થઈ જાય અથવા તેની લાગણીઓ ન દુભાય? પરંતુ આજ નહિ તો કાલે તમે તેના વિષે કેવું અનુભવો છો અને તમે વફાદાર રહ્યા નથી એ વિષે તેને ખબર પડશે ત્યારે તે ચોક્કસ વધુ દુઃખી થશે. વળી, તમે તેની દયા ખાઈને તેની સાથે લગ્‍ન કરશો, એ તો એથીયે વધારે દુઃખની વાત થશે. દયા ખાઈને લગ્‍ન કરવાથી લગ્‍નજીવન સુખી થતું નથી.

કદાચ તમે એવું વિચારતા હોવ કે, ‘હું તેની સાથે લગ્‍ન નહિ કરું તો બીજું કોઈ મને નહિ મળે.’ તરુણ (અંગ્રેજી) સામયિકના એક લેખમાં એક છોકરી આ રીતે દલીલ કરે છે: “મને જોઈએ છે એવો તે નથી પરંતુ કોઈ ના હોય એના કરતાં કોઈ હોય એ સારું છે અને હું કંઈ કુંવારી રહેવા માંગતી નથી.” એ વાત સાચી છે કે સાથી માટેની ઇચ્છા બહુ તીવ્ર હોય છે. તેમ છતાં, આ ઇચ્છાને સંતોષવાનો અર્થ ગમે તેની સાથે લગ્‍ન કરવું થતો નથી. લગ્‍ન કરવામાં તમે તેને સાચો પ્રેમ કરતા હોવ અને તે શાસ્ત્રીય રીતે લગ્‍નની જવાબદારીઓ નિભાવવા તૈયાર હોય એ જરૂરી છે. (એફેસી ૫:૩૩) તેથી, સાથી મેળવવા ઉતાવળ ન કરો! કેમ કે એવું કરનારા ઘણા પાછળથી પસ્તાય છે.

ઘણી વખત, કેટલીક યુવતીઓ યુવાનોમાં ગંભીર ખામીઓ જોયા પછી પણ તેને મળવાનું ચાલુ રાખે છે. તેઓ એવી દલીલ કરે છે કે, “થોડો સમય જશે એટલે તે સુધરી જશે.” શું એમ કહેવું ખરેખર સમજદારી છે? છેવટે તો, કુટેવો અને ખરાબ વર્તન એવાં ઘર કરી ગયા હોય છે કે એને કાઢવા કે બદલવા બહુ મુશ્કેલ હોય છે. શરૂઆતમાં તે પોતાનામાં થોડાં બદલાણ લાવે એનો અર્થ શું એવો થાય કે તે કાયમ માટે સુધરી જશે? આવી જ પરિસ્થિતિમાં, કેરન નામની યુવતીને લાગ્યું કે તેઓ બંનેના ધ્યેયો એક નથી ત્યારે, તેણે સંબંધનો અંત લાવી દેવાનો સાચો નિર્ણય કર્યો. તે કબૂલે છે, “તેને ના પાડી દેવી સહેલું ન હતું કેમ કે હું તેનાથી આકર્ષાઈ હતી.” પરંતુ મારા માટે સંબંધ તોડી નાખવો જ યોગ્ય હતું.”

સમજદારીથી વર્તો

એ સાચું છે કે કોઈના લગ્‍ન પ્રસ્તાવને ઠુકરાવવો સહેલી બાબત નથી. કાચની વસ્તુઓને પેક કરતી વખતે બહુ કાળજી લેવી પડે છે એ જ રીતે દિલ દુભાય નહિ એ રીતે સમજદારીથી વર્તો. અહીં અમુક સૂચનો આપવામાં આવ્યાં છે કે જે મદદરૂપ નીવડી શકે.

એ વિષે તમારાં માબાપ અથવા મંડળની કોઈ પરિપક્વ વ્યક્તિ સાથે ચર્ચા કરો. તમારી અપેક્ષા અવાસ્તવિક હશે તો તેઓ તમને નક્કી કરવામાં મદદ કરી શકશે.

સ્પષ્ટ અને સીધેસીધું કહી દો. તમને તેના માટે જે લાગણી હોય એ વિષે એવી સ્પષ્ટ રીતે કહી દો કે તેના મનમાં કોઈ શંકા રહી ન જાય. “ના, મને રસ નથી,” એવું કહેવાથી, બીજી યોગ્ય વ્યક્તિઓ પણ તમને ભાવિમાં પૂછતા અચકાશે. જો જરૂર હોય તો, તમે કડક શબ્દોમાં ના પાડી શકો, જેમ કે “મને માફ કરજો, પરંતુ મને ખરેખર તમારામાં રસ નથી.” તમે એવી છાપ ન ઉપસાવો, જેથી સામેવાળી વ્યક્તિને લાગે કે થોડું દબાણ કરવાથી તમે માની જશો. તમે તેને ચાહતા નથી એ સ્પષ્ટ શબ્દોમાં જણાવવાથી ગૂંચવણ પેદા થશે નહિ અને તેની નિરાશા દૂર કરવી સહેલું બનશે.

નિખાલસ છતાં ચપળ બનો. નીતિવચન ૧૨:૧૮ જણાવે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” સીધેસીધું કહેવું મહત્ત્વનું છે છતાં, બાઇબલ કહે છે કે આપણું બોલવું “હમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.”—કોલોસી ૪:૬.

તમારા નિર્ણયને વળગી રહો. તમારું ભલું ઇચ્છતા મિત્રો, જેઓ તમારા ના કહેવા પાછળના કારણ વિષે બહુ ઓછું જાણતા હોય, તે તમને સંબંધ તોડી ન નાખવા દબાણ કરી શકે. પરંતુ યાદ રાખો કે છેવટે તો તમારે જ તમારા નિર્ણય પ્રમાણે જીવવાનું છે તમારા મિત્રોએ નહિ.

તમે જે કહ્યું હોય એ પ્રમાણે જ વર્તો. પહેલાં તમે બંને સારા મિત્રો હોઈ શકો અને સ્વાભાવિક રીતે જ તમને લાગી શકે કે, હવે ફરીથી પહેલાં જેવો જ સંબંધ રહે. પરંતુ એ વ્યવહારુ કે શક્ય નથી. એનું કારણ એ છે કે તેને તમારા માટે રોમાંચક લાગણીઓ ઊભી થઈ છે. શું એવું વિચારવું યોગ્ય છે કે હવે તે એ લાગણીઓને ધ્યાન નહિ આપે અને એવી રીતે વર્તશે કે જાણે કશું જ બન્યું નથી? તેથી, હવે તમે એકબીજા સાથે બદલાયેલા સંજોગો પ્રમાણે વર્તો એ યોગ્ય થશે. હંમેશા ફોન પર વાત કરતા રહેવાથી અથવા સામાજિક મેળાવડાઓમાં સાથે ઘણો સમય વીતાવવાથી તેનું દુઃખ વધતું જ જશે. એ તેની લાગણીઓ સાથે રમવા બરાબર થશે જે ખરેખર યોગ્ય નથી.

પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને એકબીજા સાથે ‘સાચું બોલવાની’ અરજ કરી. (એફેસી ૪:૨૫) એમ કરવું મુશ્કેલ લાગી શકે, પરંતુ એમ કરવાથી તમને બંનેને પોતાની રીતે જીવન જીવવામાં મદદ મળશે. (g01 3/22)

[ફુટનોટ્‌સ]

^ કેટલાંક નામ બદલવામાં આવ્યાં છે.

^ આ લેખમાં યુવતીઓને સૂચવવામાં આવ્યું છે, પરંતુ એના સિદ્ધાંતો યુવકોને પણ લાગુ પડે છે.

^ ઉંમરલાયક ન હોય એવા યુવક-યુવતી એકબીજાને સતત મળ્યા કરે એના જોખમો વિષે જાન્યુઆરી ૨૨, ૨૦૦૧ના (અંગ્રેજી) અંકમાં ચર્ચા કરવામાં આવી છે.

^ સજાગ બનો! (અંગ્રેજી) જુલાઈ ૨૨, ૧૯૮૮ના અંકમાં, “યુવાનો પૂછે છે . . શું અમારે સંબંધ તોડી નાખવો જોઈએ?” લેખ જુઓ.

[પાન ૧૯ પર બ્લર્બ]

કોઈપણ સાથે તમે પ્રેમમાં ન પડી શકો

[પાન ૨૦ પર ચિત્ર]

તમારી લાગણીઓને સ્પષ્ટ અને સીધેસીધી રીતે જણાવો