સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારું લગ્‍ન ટકી શકે છે!

તમારું લગ્‍ન ટકી શકે છે!

તમારું લગ્‍ન ટકી શકે છે!

બાઇબલમાં પતિ અને પત્નીને મદદ કરી શકે એવી વિપુલ પ્રમાણમાં વ્યવહારું સલાહ આપવામાં આવી છે. એ માટે આશ્ચર્ય થવું જોઈએ નહિ, કારણ કે બાઇબલના રચનારે જ લગ્‍નની ગોઠવણ કરી છે.

બાઇબલમાં લગ્‍નનું ખરું ચિત્ર આપવામાં આવ્યું છે. એ બતાવે છે કે પતિ અને પત્નીને “દુઃખ થશે,” એટલે કે તેઓએ લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ વેઠવી પડશે. (૧ કોરીંથી ૭:૨૮) પરંતુ બાઇબલ એ પણ બતાવે છે કે લગ્‍ન આનંદ અને અત્યાનંદ પેદા કરતું હોવું જોઈએ. (નીતિવચન ૫:૧૮, ૧૯) આ બે વિચારો કંઈ એકબીજાથી વિરોધાભાસી નથી. એ બતાવે છે કે ગંભીર સમસ્યાઓ હોવા છતાં, એક યુગલ ગાઢ અને પ્રેમાળ સંબંધ વિકસાવી શકે છે.

શું તમારા લગ્‍નજીવનમાં એની ખામી છે? શું દુઃખ અને નિરાશાએ તમારો નિકટનો સંબંધ અને આનંદ છીનવી લીધો છે? તમારા લગ્‍નમાં વર્ષોથી પ્રેમ ઠંડો થઈ ગયો હોય તોપણ, તમે નવેસરથી જીવન શરૂ કરી શકો છો. અલબત્ત, તમારે વાસ્તવિક બનવું પડશે. કોઈ પણ અપૂર્ણ સ્ત્રી કે પુરુષ પરમ શાંતિવાળું લગ્‍નજીવન જીવી શકે નહિ. તોપણ, તમે અમુક પગલાં લઈને ખોટી લાગણીઓને દૂર કરી શકો છો.

નીચેની માહિતી વાંચતી વખતે, તમે એ જોવાનો પ્રયત્ન કરો કે કયો ખાસ મુદ્દો તમારા લગ્‍નજીવનને લાગુ પડે છે. તમારા સાથીની ભૂલો શોધ્યા કરવાના બદલે, તમે લાગુ પાડી શકો એવા અમુક સૂચનો પસંદ કરો, સાથે શાસ્ત્રીય સલાહને પણ માનો. આમ કરવાથી તમને જોવા મળશે કે તમે કલ્પના પણ નહિ કરી હોય એના કરતાં વધારે આશા તમારા લગ્‍નજીવનમાં રહેલી છે.

ચાલો આપણે સૌ પ્રથમ વલણ વિષે ચર્ચા કરીએ, કારણ કે તમે લીધેલાં વચન અને તમારા સાથી પ્રત્યેની તમારી લાગણીઓ સૌથી વધારે મહત્ત્વના છે.

વચન પાળવાને તમે કઈ રીતે જુઓ છો?

તમે તમારા લગ્‍નજીવનમાં સુધારો કરવાનું ઇચ્છતા હોવ તો, તમારે સહનશીલતા રાખવી બહુ જ જરૂરી છે. છેવટે તો, પરમેશ્વરે બે માનવીઓને હંમેશ માટે સાથે રહેવા લગ્‍નની ગોઠવણ કરી હતી. (ઉત્પત્તિ ૨:૨૪; માત્થી ૧૯:૪, ૫) જોકે, તમારા સાથી સાથેનો તમારો સંબંધ નોકરી જેવો નથી કે તમે ગમે ત્યારે છોડી દઈ શકો. અથવા એક ભાડે રાખેલા મકાન જેવો નથી કે તમે ગમે ત્યારે ભાડું ચૂકવીને બીજે ચાલતી પકડો. એના બદલે, લગ્‍ન કરતી વખતે તમે એવું વચન આપ્યું હતું કે તમે ગમે તે સંજોગોમાં એકબીજાને વળગી રહેશો. એ ઈસુ ખ્રિસ્તે લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં જે કહ્યું એના સુમેળમાં છે: “દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”—માત્થી ૧૯:૬.

કોઈ આમ કહી શકે, ‘જોકે, અમે તો હજુ સાથે જ રહીએ છીએ. શું એ નથી બતાવતું કે અમે અમારું વચન પાળીએ છીએ?’ હોય શકે. તેમ છતાં, આ લેખોની શરૂઆતમાં બતાવ્યું તેમ, કેટલાક યુગલો પ્રેમ વગર પણ એકબીજાને વળગી રહે છે. તમારો ધ્યેય તમારા લગ્‍નને આનંદી બનાવવાનો છે, નહિ કે ફક્ત એને સહન કરી લેવું. વફાદારી ફક્ત લગ્‍ન ગોઠવણને જ નહિ પરંતુ તમે જે વ્યક્તિને પ્રેમથી સંભાળવાના સોગંદ ખાધા હોય તેને પણ બતાવવાની જરૂર છે.—એફેસી ૫:૩૩.

તમે તમારા સાથી સાથે જે વાત કરો છો એના પરથી દેખાઈ આવશે કે તમે કેટલો પ્રેમ કરો છો. દાખલા તરીકે, ગરમાગરમ તકરારમાં, કેટલાક પતિ-પત્ની અવિચાર્યું બોલે છે જેમ કે: “હું અહીંથી જતો રહીશ!” અથવા “જેને મારી કદર હશે તેની પાસે જતી રહીશ!” ભલેને આવા શબ્દો તમે ગુસ્સામાં કહ્યા હોય તોપણ, એ બતાવે છે કે તમે ગમે ત્યારે તમારા સાથીને છોડી દઈ શકો છો.

પોતાના લગ્‍નજીવનમાં પહેલા જેવો પ્રેમ મેળવવા માંગતા હોવ તો, આવી ધમકીઓ આપવાનું બંધ કરો. ધારો કે તમે થોડા સમય પછી ઘર બદલવાના હોવ તો, શું તમે એને શણગારશો? એવી જ રીતે જો તમે લગ્‍ન લાંબું ટકાવવા માંગતા જ ન હોવ તો શા માટે તમારા સાથી પાસેથી અપેક્ષા રાખો છો કે તે સુધારો કરે? પરંતુ એના બદલે તમે બંને નક્કી કરો કે સમસ્યાઓ હલ કરવા માટે તમે તમારાથી બનતો બધો પ્રયત્ન કરશો.

એક પત્નીએ પોતાના પતિ સાથે પસાર કરેલા ખરાબ સમય પછી એમ કર્યું. તેણે કહ્યું, “તે મને એક સમયે જરાય ગમતા ન હતા છતાં, મેં સંબંધ તોડવા વિષે વિચાર્યું ન હતું. અમારો જે સંબંધ બગડ્યો હતો એ અમે કોઈક રીતે સુધારવાના હતા. હવે એ ખૂબ જ કપરા બે વર્ષ પછી, હું ખરેખર કહી શકું છું કે અમે હવે ખુશ છીએ.”

હા, વચન પાળવાનો અર્થ સાથે કામ કરવું થાય છે. ફક્ત સાથે રહેવું જ નહિ, પરંતુ એક ધ્યેય સિદ્ધ કરવા માટે બંનેએ સાથે કામ કરવાની જરૂર છે. તેમ છતાં, એક સમયે તમને એવું પણ લાગી શકે કે ફક્ત ફરજ ખાતર તમારું લગ્‍ન ટકી રહ્યું છે. એમ હોય તો, હિંમત ન હારો. કદાચ તમારો પ્રેમ ફરીથી જાગી શકે છે. કેવી રીતે?

તમારા સાથીને આદર આપો

બાઇબલ બતાવે છે: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય.” (હેબ્રી ૧૩:૪; રૂમી ૧૨:૧૦) અહીં આપેલા “માનયોગ્ય” ગ્રીક શબ્દનું બાઇબલમાં બીજી જગ્યાએ “વહાલું,” “આદરણીય” અને “મૂલ્યવાન” ભાષાંતર કરવામાં આવ્યું છે. કોઈ વસ્તુ આપણને બહુ પ્રિય હોય તો, એની કાળજી રાખવા આપણે બનતું બધું જ કરીશું. કોઈ વ્યક્તિએ મોંઘી કાર ખરીદી હોય તો, તે એની ઘણી કાળજી રાખે એ સ્વાભાવિક છે. તે પોતાની મૂલ્યવાન કારને ચમકતી અને સારી સ્થિતિમાં રાખશે. કારમાં જો નાનો લિસોટો પણ પડે તો તો તેને કેટલું દુઃખ થશે! બીજા કેટલાક લોકો પોતાના સ્વાસ્થ્ય માટે એવી જ કાળજી રાખે છે. શા માટે? કારણ કે તેઓ માટે પોતાનું સ્વાસ્થ્ય મહત્ત્વનું છે અને તેથી તેઓ એની સારી કાળજી રાખે છે.

એ જ રીતે તમારા લગ્‍નમાં પણ સારી કાળજી બતાવો. બાઇબલ કહે છે કે પ્રેમ “સઘળાની આશા રાખે છે.” (૧ કોરીંથી ૧૩:૭) “અમે ખરેખર પ્રેમમાં હતા જ નહિ,” “અમે બહુ જ યુવાન વયે લગ્‍ન કર્યા હતા” અથવા “અમને ખબર જ ન હતી કે અમે શું કરી રહ્યાં છીએ” એવા ખોટા વિચારો કરવાના બદલે, તમે સારું કેમ નથી વિચારતા? સુધારો કરતા રહેવાથી અને ધીરજપૂર્વક રાહ જોવાથી તમને એનાં મીઠાં ફળ મળશે. લગ્‍નની એક સલાહકાર કહે છે, “મેં મારી પાસે આવતા ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે, ‘હવે હું સહન નહિ કરી શકું!’ ક્યાં ફેરફાર કરવાની જરૂર છે એ વિચારવાના બદલે, પોતે ઘણા બધા પ્રયત્નો કરી ચૂક્યા છે એમ વિચારીને તેઓ તરત જ લગ્‍ન બંધન તોડી નાખે છે. વળી તેઓએ વર્ષોથી જે કંઈ સિદ્ધ કર્યું હોય એના પર પાણી ફેરવી દે છે અને ભાવિનો કોઈ પણ વિચાર કર્યા વગર ઉતાવળાં પગલાં ભરે છે.”

તમારા સાથી સાથે તમારો સંબંધ કેવો છે? તમારા સંબંધમાં તિરાડ પડી હોય છતાં, તમે પસાર કરેલો આનંદી સમય, મેળવેલી સફળતાઓ અને સાથે મળીને જે મુશ્કેલીઓનો સામનો કર્યો હોય એના પર વિચાર કરી શકો. એ બાબતો પર ધ્યાન આપવા સાથે તમારા સંબંધમાં સુધારો કરવા પૂરા દિલથી મહેનત કરતા રહો. એમ કરીને તમે બતાવશો કે તમે તમારા લગ્‍નજીવનને અને સાથીને આદર આપો છો. બાઇબલમાં બતાવ્યા પ્રમાણે, યહોવાહ પરમેશ્વર જુએ છે કે લગ્‍ન સાથી એકબીજા સાથે કઈ રીતે વર્તે છે. દાખલા તરીકે, પ્રબોધક માલાખીના દિવસમાં, યહોવાહે ઈસ્રાએલી પતિઓની ઝાટકણી કાઢી કે જેઓએ પોતાની પત્નીઓને નાની નાની બાબતોમાં છૂટાછેડા આપીને તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. (માલાખી ૨:૧૩-૧૬) ખ્રિસ્તીઓ પોતાના લગ્‍ન દ્વારા યહોવાહ પરમેશ્વરને માન આપવા ઇચ્છે છે.

ઝઘડા—કેટલા ગંભીર?

પતિ-પત્ની પોતાના ઝઘડાઓને યોગ્ય રીતે હલ ન કરી શકતા હોવાથી, લગ્‍નમાં પ્રેમ ઠંડો પડતો જોવા મળે છે. બંનેના વિચારો સરખા ન હોવાને લીધે, દરેક લગ્‍નજીવનમાં ઘણી વાર મતભેદો ઊભા થાય છે. પરંતુ વારંવાર કજીયા-કંકાસ થતો હોય એવા યુગલોમાં સમય જતાં પ્રેમ ઠંડો પડતો જોવા મળે છે. તેઓ એવું પણ કહી શકે કે, ‘અમારી વચ્ચે કંઈ મનમેળ નથી. અમે હમેશાં ઝઘડીએ છીએ!’

તોપણ, ઝઘડા થવાનો અર્થ એમ નથી થતો કે બસ હવે લગ્‍નનો અંત આવી ગયો છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે બાબતો કઈ રીતે થાળે પાડવી જોઈએ? સુખી લગ્‍નમાં, પતિ અને પત્ની વાતચીત કરીને પોતાની સમસ્યાઓ હલ કરવાનું શીખ્યા હોય છે, એક ડૉક્ટર કહે છે એમ તેઓ “કટ્ટર દુશ્મન” બન્યા વગર એમ કરે છે.

“જીભની સત્તા”

શું તમે અને તમારા સાથી જાણો છો કે કઈ રીતે સમસ્યાઓ હલ કરવા માટે ચર્ચા કરવી જોઈએ? બંને વ્યક્તિઓ એ વિષે વાત કરવા ઇચ્છુક હોવા જોઈએ. સાચે જ એમાં આવડત માંગી લે છે. એ શીખવું ખરેખર સહેલું નથી. શા માટે? આપણે સર્વ અપૂર્ણ હોવાના કારણે હમેશાં ‘બોલવામાં ભૂલ કરીએ’ છીએ. (યાકૂબ ૩:૨) ત્યાર પછી, કેટલાક એવા કુટુંબોમાં મોટા થયા હોય છે કે જ્યાં માબાપ અવારનવાર ગુસ્સે થતા હોય. તેઓએ નાનપણથી જ માબાપને ગુસ્સામાં ખરાબ ભાષાનો ઉપયોગ કરતા જોયા હોય છે. આવા વાતાવરણમાં ઉછરેલો છોકરો મોટો થઈને “ક્રોધી” બની શકે. (નીતિવચન ૨૯:૨૨) એવી જ રીતે, એવા વાતાવરણમાં ઉછરેલી છોકરી “કજિયાખોર તથા ચિડિયલ સ્ત્રી” બની શકે છે. (નીતિવચન ૨૧:૧૯) આથી, ઘર કરી ગયેલા ખોટા વિચારો અને બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં બદલાણ લાવવું ઘણું જ અઘરું છે. *

તો પછી, લડાઈ-ઝઘડાને કાબૂમાં રાખવા વ્યક્તિએ વિચારોને અન્ય રીતે વ્યક્ત કરતા શીખવું જોઈએ. આ બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે બાઇબલની એક કહેવત કહે છે: “મરણ તથા જીવન જીભની સત્તામાં છે.” (નીતિવચન ૧૮:૨૧) હા, સાદા શબ્દોમાં કહીએ તો, તમારા સાથી સાથે તમે કઈ રીતે વાત કરો છો એનાથી તમારા સંબંધ બગડી કે સુધરી શકે છે. તેમ જ બીજી એક કહેવત કહે છે, “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” —નીતિવચન ૧૨:૧૮.

તમને એવું લાગે કે તમારા સાથીનો વાંક હોય તોપણ, દલીલ કરતી વખતે તમારે સમજી વિચારીને બોલવું જોઈએ. શું તમારા શબ્દો તલવારના ઘા જેવા છે કે દિલાસો આપનારા છે? શું તે અગ્‍નિમાં ઘી હોમનાર છે કે શમન કરનાર છે? બાઇબલ કહે છે, “કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” એનાથી ભિન્‍ન, “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.” (નીતિવચન ૧૫:૧) શાંતિથી બોલાયેલા કટુ શબ્દો પણ દુઃખ પહોંચાડી શકે અને ગુસ્સો વધારી શકે છે.

અલબત્ત, તમને કંઈક બાબત પજવતી હોય તો, એ જણાવવાનો તમને અધિકાર છે. (ઉત્પત્તિ ૨૧:૯-૧૨) પરંતુ એ તમે કટાક્ષમાં, અપમાનજનક શબ્દો બોલ્યા વિના પણ કરી શકો છો. બોલવામાં મર્યાદા રાખો. તમારે તમારા સાથીને, “હું તમને ધિક્કારું છું” કે “કાશ, મેં તમારી સાથે લગ્‍ન ન કર્યા હોત” જેવા શબ્દો કદી ન કહેવા જોઈએ. વળી, ખ્રિસ્તી પ્રેષિત પાઊલ ભલે લગ્‍ન વિષે વાત કરી રહ્યાં ન હતા છતાં, તેમણે જે કહ્યું એને માનવું ડહાપણભર્યું છે. તેમણે કહ્યું કે “શબ્દવાદ” અને ‘કજીયાથી’ દૂર રહેવું જોઈએ. * (૧ તીમોથી ૬:૪, ૫) તમારા સાથી એવું કરતા હોય તો, તમારે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની જરૂર નથી. જો તમારાથી બની શકે તો, હળીમળીને ચાલો.—રૂમી ૧૨:૧૭, ૧૮; ફિલિપી ૨:૧૪.

ખરું છે કે, ક્રોધની આગ ભભૂકી હોય ત્યારે, જીભને કાબૂમાં રાખવી મુશ્કેલ બની શકે છે. બાઇબલના એક લેખક યાકૂબ કહે છે, ‘જીભ તો અગ્‍નિ છે. જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.’ (યાકૂબ ૩:૬,) તમને ગુસ્સો આવે ત્યારે તમે શું કરી શકો? તમે કઈ રીતે તમારા સાથી સાથે વાત કરી શકો જેથી બળતામાં ઘી હોમવા જેવું ન થાય?

ઝઘડાઓ શાંત પાડવા

કેટલાકને પોતાના સાથીના વર્તન સામે વાંધો ઉઠાવવાને બદલે પોતાને કેવું લાગે છે એ જણાવવાથી, ગુસ્સો ઠંડો પાડવા અને મુખ્ય વિષય પર વાતચીત કરીને એને હલ કરવામાં વધુ સહેલું લાગ્યું છે. દાખલા તરીકે, “તમે મને દુઃખ પહોંચાડ્યું,” કે “તમને તો બોલવાનું ભાન જ નથી,” એમ કહેવાને બદલે ‘તમે જે કહ્યું એ કારણે મને ખૂબ દુઃખ થયું.’ જોકે, તમને કેવું લાગે છે એ વ્યક્ત કરતા હોવ ત્યારે, તમારા અવાજનો સૂર કડવાશથી કે અનાદરથી ભરેલા હોવા જોઈએ નહિ. તમારો ધ્યેય વ્યક્તિ પર નહિ પરતું સમસ્યા પર હુમલો કરવાનો હોવો જોઈએ.—ઉત્પત્તિ ૨૭:૪૬–૨૮:૧.

વધુમાં, હંમેશા યાદ રાખો કે “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૭) બે વ્યક્તિઓ સાથે જ બોલતી હોય ત્યારે, કોઈ કોઈનું સાંભળતું નથી અને કંઈ પણ બાબતો હલ થતી નથી. તેથી તમારો સાંભળવાનો વારો હોય ત્યારે, ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા’ બનવું જોઈએ. એ જ સમયે ‘ક્રોધમાં ધીરા’ બનવું પણ મહત્ત્વનું છે. (યાકૂબ ૧:૧૯) તમારા સાથીએ કહેલા દરેક કઠોર શબ્દ પર મન ન લગાડો કે ‘ગુસ્સો કરવામાં ઉતાવળા ન બનો.’ (સભાશિક્ષક ૭:૯) એને બદલે, તમારા સાથીના એ શબ્દો પાછળની તેમની લાગણીને સમજવાનો પ્રયત્ન કરો. બાઇબલ કહે છે, “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.” (નીતિવચન ૧૯:૧૧) વિવેકબુદ્ધિ પતિ કે પત્નીને ઝગડાનું કારણ જોવા મદદ કરી શકે છે.

દાખલા તરીકે, પત્ની ફરિયાદ કરે કે તેનો પતિ તેની સાથે સમય ફાળવતો નથી, એનો અર્થ એ નથી કે તે ખરેખર તેની સાથે સમય નથી ફાળવતો. એને બદલે તે એમ બતાવે છે કે પતિ તેની લાગણીઓની અવગણના કરે છે કે તેની કદર કરતો નથી. એ જ રીતે, એક પતિ પોતાની પત્નીની આડેધડ ખરીદીઓ વિષે ચિંતાતુર બનીને દુઃખી થઈ શકે, એટલા માટે નહિ કે તે ખર્ચ કરે છે. પરંતુ એ કારણે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેણે પોતાને પૂછ્યું પણ નહિ. પતિ કે પત્નીની વિવેકબુદ્ધિ ઉપરછલ્લી બાબત નહિ પરંતુ સમસ્યાનું મૂળ શું છે એ જોશે.—નીતિવચન ૧૬:૨૩.

શું આમ કહેવું સહેલું અને કરવું મુશ્કેલ નથી? હા, ચોક્કસ! કેટલીક વખત તો, ખૂબ પ્રયત્ન કરવા છતાં, અપશબ્દો બોલાઈ જવાય છે અને ગુસ્સાની આગ ભભૂકી ઊઠે છે. તમને લાગે કે ગુસ્સો ભડકી ઊઠવાની તૈયારીમાં છે ત્યારે, તમે નીતિવચન ૧૭:૧૪માં આપેલી સલાહને અનુસરી શકો. એ બતાવે છે: “વઢવાઢ થયા પહેલાં તકરાર મૂકી દો.” ગુસ્સો શાંત ન પડે ત્યાં સુધી એ બાબતની ચર્ચા ન કરવામાં જ ભલાઈ છે. એ પહેલાં જો વાતચીત કરવી જરૂરી હોય તો, તમે બંને કોઈ પરિપક્વ વ્યક્તિ સાથે બેસીને વાત કરો. એનાથી બાબતો હલ કરવામાં તમને મદદ મળશે. *

વાસ્તવિક દૃષ્ટિબિંદુ રાખો

લગ્‍ન પહેલાં તમારા સાથીનું જે વર્તન જોયું હતું એ લગ્‍ન પછી જોવા ન મળે તો નિરુત્સાહ થશો નહિ. નિષ્ણાતોની એક ટીમ કહે છે: “મોટા ભાગના લોકોના કુટુંબોમાં હમેશાં ખુશી જ હોતી નથી. તેઓના જીવનમાં દુઃખ પણ આવે છે.”

હા, લગ્‍નજીવન એ કંઈ પ્રેમવાર્તામાં બતાવેલા રોમાંસ જેવું નથી, પરંતુ એ દુઃખદ પણ ન હોય શકે. એવો સમય પણ આવી શકે જ્યારે તમારે બંનેએ એકબીજાનું સહન કરવું પડશે. વળી, એવા પ્રસંગો પણ આવશે જ્યારે, તમે તમારી વચ્ચેના મતભેદોને બાજુ પર મૂકીને સાથે આનંદ કરશો, મઝા માણશો અને એકબીજા સાથે મિત્રો તરીકે વાતચીત કરશો. (એફેસી ૪:૨; કોલોસી ૩:૧૩) આ જ એવો સમય છે કે જ્યારે તમે ઠંડા પડી ગયેલા પ્રેમને ફરીથી જગાવી શકો છો.

યાદ રાખો કે બે અપૂર્ણ માનવીઓનું લગ્‍નજીવન કદી પણ સંપૂર્ણ હોય શકે નહિ. પરંતુ તેઓ અમુક હદ સુધી સુખ મેળવી શકે છે. ખરેખર, મુશ્કેલી હોવા છતાં, તમારા બંને વચ્ચેનો સંબંધ પરમ સંતોષનો ઉદ્‍ભવ બની શકે છે. એક વાત તો ચોક્કસ છે: તમે બંને સાથે પ્રયત્ન કરો, એકબીજાને અનુકૂળ બનવા તૈયાર રહો અને બીજી વ્યક્તિના હિતનો વિચાર કરો તો, એમ જરૂર કહી શકાય કે તમારું લગ્‍ન બચી શકે છે.—૧ કોરીંથી ૧૦:૨૪. (g01 1/8)

[ફુટનોટ્‌સ]

^ માબાપની ખરાબ અસરના લીધે વ્યક્તિને પોતાના સાથી સાથે કઠોર વાણીનો ઉપયોગ કરવાનું એક બહાનું મળી જવું જોઈએ નહિ. તેમ છતાં, એ સમજી શકાય છે કે ઘર કરી ગયેલી આદતોના મૂળ ઊંડા હોવાથી સુધારો કરવો સહેલું નથી.

^ મૂળ ગ્રીક શબ્દનું ભાષાંતર કરેલા “નિત્ય કજીયા” માટે “અરસપરસ ચીડ ચઢાવવી” એવું ભાષાંતર પણ કરવામાં આવી શકે.

^ યહોવાહના સાક્ષીઓ પાસે મંડળના વડીલો છે. જોકે, તેઓ યુગલોની વ્યક્તિગત બાબતોમાં માથું મારતા નથી છતાં, તેઓ યુગલોને મદદ પૂરી પાડી શકે છે.—યાકૂબ ૫:૧૪, ૧૫.

[પાન ૧૨ પર બ્લર્બ]

શું તમારા શબ્દો દુઃખ પહોંચાડનાર કે તાજગી આપનાર છે?

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

ધીમેથી દડો ફેંકો

બાઇબલ બતાવે છે: “તમારૂં બોલવું હમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.” (કોલોસી ૪:૬) આ સલાહ ખરેખર લગ્‍ન જીવનમાં લાગુ પડે છે! દાખલા તરીકે: દડો ઝીલવાની રમતમાં, તમે દડાને ધીમેથી ફેંકશો જેથી એ સહેલાઈથી ઝીલી શકાય. તમે એટલા જોરથી દડો નહિ ફેંકો કે જેનાથી તમારા સાથીને વાગે. એવી જ રીતે તમે તમારા સાથી સાથે વાત કરતા હોવ ત્યારે આ સિદ્ધાંત લાગુ પાડો. કડવા વેણ તમારા સાથીને નુકશાન જ પહોંચાડશે. એના બદલે માનપૂર્વક અને પ્રેમથી બોલો જેથી તમારા સાથી તમે શું કહેવા માંગો છો એ સમજી શકે.

[પાન ૧૧ પર બોક્સ/ચિત્ર]

યાદ કરો!

ભૂતકાળમાં મેળવેલા પત્રો અને કાર્ડ વાંચો. ફોટાઓ જુઓ. પોતાને પૂછો, ‘મારા સાથીને હું કયા કારણથી પ્રેમ કરતો હતો? તમને તેના કયા ગુણો સૌથી વધારે ગમ્યા હતા? સાથે મળીને અમે કઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા? કઈ બાબતોમાં અમને હસવું આવતું હતું?’ ત્યાર પછી આ બધી બાબતો વિષે તમારા સાથી સાથે વાત કરો. કદાચ આ રીતે વાત શરૂ કરી શકો કે “તમને એ સમય યાદ છે જ્યારે . . . ?” આમ કરવાથી તમે તમારા સાથીને ભૂતકાળની મીઠી યાદ તાજી કરાવી શકો.

[પાન ૧૨ પર બોક્સ]

નવા સાથી, જૂની સમસ્યાઓ

પ્રેમ ઠંડો પડી ગયો હોય એવા કેટલાક સાથીઓને નવી ગીલ્લી નવો દાવ શરૂ કરવાની ઇચ્છા થઈ શકે. પરંતુ બાઇબલ વ્યભિચારને ધિક્કારે છે. એ બતાવે છે કે આ પ્રકારના પાપમાં જોડાય છે તે “અક્કલહીન” છે. વળી તે “પોતાના આત્માનો નાશ” કરે છે. (નીતિવચન ૬:૩૨) છેવટે, પસ્તાવો નહિ કરનાર વ્યભિચારી પરમેશ્વરની કૃપા ગુમાવે એ સૌથી ખરાબ બાબત છે.—હેબ્રી ૧૩:૪.

બીજી રીતે પણ વ્યભિચારી વ્યક્તિ અક્કલહીનતા બતાવે છે. એક એ છે કે વ્યભિચારી નવો સાથી તો પસંદ કરે છે, પણ તેને પહેલાં લગ્‍નમાં જે સમસ્યાઓ હતી એવી જ સમસ્યાઓનો ફરીથી સામનો કરવો પડશે. ડૉ. ડાઈના મીડવાડ બીજા એક મુદ્દા વિષે કહે છે, “તમારો નવો સાથી તમારા વિષે પહેલી બાબત એ શીખશે કે તમે તમારા સાથીને વફાદાર નહિ રહો. તે અથવા તેણીને એ પણ ખબર હોય છે કે તમે ગમે ત્યારે તેને છેતરશો. તમે બહાનું કાઢવામાં ઉસ્તાદ છો. તમે તમારું વચન નિભાવતા નથી. સહેલાઈથી તમે લલચાઈ જાઓ છો. . . . તમારા નવા સાથીને કઈ રીતે ખાતરી થઈ શકે કે તમે ફરીથી લલચાઈ નહિ જાવ?”

[પાન ૧૩ પર બોક્સ]

બાઇબલ નીતિવચનોનું ડહાપણ

નીતિવચન ૧૦:૧૯: “ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.”

આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે, મોંમાંથી ગમે તે નીકળી જાય છે અને પાછળથી પેટ ભરીને પસ્તાઈએ છીએ.

નીતિવચન ૧૫:૧૮: “ક્રોધી માણસ ટંટો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજીઓ સમાવી દે છે.”

ખોટા આરોપનો લગ્‍ન સાથી વિરોધ કરશે, પરંતુ શાંતિથી સાંભળવાથી બંનેને સમસ્યાઓ હલ કરવા મદદ મળશે.

નીતિવચન ૧૭:૨૭: “થોડાબોલો માણસ શાણો છે; અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.”

આપણને ખબર પડે કે આપણો ગુસ્સો વધતો જાય છે ત્યારે, ચૂપ રહેવું સૌથી સારો માર્ગ છે કે જેથી ખોટી જીભાજોડી ટાળી શકાય.

નીતિવચન ૨૯:૧૧: “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.”

આત્મ-સંયમ ખૂબ જ જરૂરી છે કેમ કે ગુસ્સામાં બોલેલા શબ્દો તમારા સાથીને તમારાથી દૂર લઈ જશે.