સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નીલગિરિનાં વૃક્ષો કેટલાં ઉપયોગી છે?

નીલગિરિનાં વૃક્ષો કેટલાં ઉપયોગી છે?

નીલગિરિનાં વૃક્ષો કેટલાં ઉપયોગી છે?

ઑસ્ટ્રેલિયાના સજાગ બનો!ના લેખક તરફથી

અમુક વૃક્ષો ૯૦ મીટરથી પણ વધુ ઊંચાં હોય છે, જે દુનિયામાં સૌથી ઊંચાં ગણવામાં આવે છે. બીજા નાનાં અને વાંકાં હોય છે, જે સૂકી ભૂમિમાં ઊગતાં હોય છે. એનાં પાંદડા અજોડ અને ફૂલો તો જોવામાં અતિ સુંદર હોય છે. ક્યારેક તમે કોઈ કામમાં આ વૃક્ષનો ઉપયોગ કર્યો હોઈ શકે.

એની અમુક જાતિઓ પ્રખ્યાત છે, જેમ કે આલ્પાઈન આસ અને તાસ્મિન્યન ઑક. પરંતુ એમાનાં મોટા ભાગનાં વૃક્ષ ગમ વૃક્ષ તરીકે ઓળખાય છે. હકીકતમાં, ખરું ગમ વૃક્ષ પાણીના બનેલા કાર્બેહાઈડ્રેટને ચૂસે છે પરંતુ બીજાં નીલગિરિ વૃક્ષો આવું નથી કરતા. આમ, એનું ખરું નામ ગમ વૃક્ષ નથી. એ વૃક્ષ ખરી રીતે અજોડ નીલગિરિ તરીકે જાણીતું છે અને ઑસ્ટ્રેલિયામાં એની ૬૦૦ કરતાં પણ વધુ જાતિઓ જોવા મળે છે.

ઉત્તર ઑસ્ટ્રેલિયાના ધગધગતા તાપમાં તેમ જ સૂકી જમીન પર નીલગિરિ ફૂલેફાલે છે. પરંતુ દક્ષિણ તાસ્મેનિયામાં આવતો પવન, દરિયા કિનારાના અને પહાડો પરના ઠંડા વાતાવરણમાં પણ એ ફૂલેફાલે છે. આ વૃક્ષો ચારેબાજુ ફેલાયલા હોવાને કારણે ૧૯મી સદીના પ્રાણી વિજ્ઞાનીએ એ જોઈને આમ કહ્યું: “જ્યાં નજર નાખીએ ત્યાં ફક્ત ગમનાં વૃક્ષો જોવા મળે છે. કેટલાય દૂર [કિલોમીટર] સુધી નજર નાખો, પણ એના સિવાય બીજું કંઈ જોવા મળતું નથી.”

ઓગણીસમી સદીમાં યુરોપના રહેવાસીઓ ઑસ્ટ્રેલિયામાં રહેવા ગયા ત્યારે, તેઓએ હજારો વૃક્ષોને કાપી નાખ્યાં. અંદાજે ૩,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર સુધી આ વૃક્ષોને જડમાંથી ઉખાડી નાખવામાં આવ્યાં હતાં કારણ કે તેઓને એ વૃક્ષો અડચણરૂપ લાગતાં હતાં. પરંતુ દરેક વ્યક્તિ આ કીમતી વૃક્ષોને અડચણ સમજતી ન હતી. ઓગણીસમી સદીમાં નીલગિરિનાં વૃક્ષો આખી દુનિયામાં પ્રખ્યાત થયાં હતાં.

એક સમ્રાટ અને એક ડૉક્ટર

વર્ષ ૧૮૮૦માં અબિસીન્યા (આજનું ઈથિયોપિયા)ના સમ્રાટ મેનલિક બીજા પોતાના એડિસ અબ્બા નામના નવા શહેર માટે એવાં વૃક્ષોની શોધ કરતા હતા, જે છાંયડો આપે અને બળતણ માટે પણ ઉપયોગ કરી શકાય. પરંતુ આફ્રિકામાં આવું એક પણ વૃક્ષ ન હતું, જે આ વેરાન જગ્યા માટે યોગ્ય હોય. તેથી સમ્રાટના ખાસ માણસો એવાં વૃક્ષોની શોધ કરવા નીકળ્યા જે ભરાવદાર હોય અને છાંયડો આપે. “એડિસ અબ્બા” નામનો અર્થ “નવાં ફૂલો” થાય છે. આ નામ નીલગિરિનાં વૃક્ષો પરથી આપવામાં આવ્યું હોઈ શકે, કેમ કે એ વૃક્ષોએ ઈથિયોપિયાની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

નીલગિરિનાં વૃક્ષો રોપવાં માટેનું ઉત્તેજન આપનાર બીજા એક ડૉ. એડમન્ડું નાવારો ડી એન્ડ્રાડે પણ હતા. બ્રાઝિલમાં વૃક્ષો ઝડપથી ઓછા થતા હોવાથી ૧૯૧૦માં તેમણે ઑસ્ટ્રેલિયાથી નીલગિરિનાં વૃક્ષો મંગાવવાની શરૂઆત કરી. તેમણે ૩૮ કરોડ વૃક્ષો રોપ્યાં હતાં. આજે બ્રાઝિલમાં ૨૦૦ અબજથી પણ વધારે નીલગિરિનાં વૃક્ષો જોવા મળે છે.

વધુમાં, બ્રાઝિલ દાવો કરે છે કે તેઓ પાસે વર્ષા-જંગલો ઉપરાંત ઑસ્ટ્રેલિયામાંથી લાવવામાં આવેલા નીલગિરિનાં જંગલો પણ છે. બ્રાઝિલમાં નીલગિરિનાં આ વૃક્ષોને કારણે આર્થિક લાભ થયો છે. તેમ જ ડૉ. નાવારોને નીલગિરિનાં વૃક્ષો ઊગાવવા માટે આગેવાની લેવા બદલ મૅડલ પણ આપવામાં આવ્યો.

જીવનનું વૃક્ષ

નીલગિરિનાં અમુક વૃક્ષો સૂકી ભૂમિમાં તિરાડ પડી હોય એવી જગ્યાએ ઊગે છે એટલું જ નહિ, પરંતુ એના મૂળમાં પુષ્કળ પાણી હોય છે. ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ અને શરૂઆતના સંશોધકો આ મૂળના પાણીને લીધે વેરાન જમીન પર બચાવી શક્યા. જમીન ઉપરનાં મૂળોને ખેંચી કાઢીને એના નાના ટુકડા કરી નાખતા. પછી એમાં એક છેડેથી ફૂંક મારતા ત્યારે આછા ભૂરા રંગનો રસ એમાંથી નીકળતો. જોકે એનો રસ એટલો સ્વાદિષ્ટ નથી હોતો પરંતુ અંદાજ પ્રમાણે ૯ મીટરના મૂળમાંથી ૧.૫ લીટર જીવન બચાવનાર પાણી નીકળે છે.

આ વૃક્ષની બીજી જાતિ, જમીન પાણીથી તરબોળ હોય ત્યાં ફૂલેફાલે છે અને એ ઝડપથી ત્યાંના પાણીને શોષી લે છે. તેથી ઈટાલીના લોકોએ ગંદા પાણીવાળા વિસ્તારમાં જ્યાં મચ્છર થતા હોય ત્યાં નીલગિરિનાં વૃક્ષો ઉગાવ્યાં જેથી એ ત્યાંનું પાણી શોષી લે. તેથી, હવે આ વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે.

આફ્રિકા, અમેરિકા, એશિયા અને યુરોપના ૫૦ કરતાં વધારે દેશોમાં નીલગિરિનાં લાકડાની સુંદરતા માટે એનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ ફર્નિચર બનાવનારાઓને આ વૃક્ષનું લાલ અને સોનેરી-નારંગી રંગનું લાકડું ખૂબ જ પસંદ છે. એક અધિકારી જણાવે છે: “નીલગિરિનાં લાકડા ભારે, મજબૂત અને ટકાઉ હોય છે. નીલગિરિ બહું ઝડપથી ઊગે છે એટલું જ નહિ પરંતુ એનું લાકડું ખૂબ સુંદર હોવાથી. . . એનાં લાકડાં દુનિયામાં સૌથી પ્રખ્યાત છે.”

નીલગિરિનાં લાકડાને પાણીની કોઈ અસર થતી નથી. તેથી વહાણ, બંદરો, ટેલિફોનના થાંભલા બનાવવામાં તેમ જ વાડ અને જમીન પર ટાઇલ્સ લગાવવામાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં, નીલગિરિને યલો બોક્સ અને આયરનબાર્ક નામનાં સુંદર ફૂલો થાય છે. એ ફૂલોનો મીઠો રસ ચૂસીને મધમાખીઓ સ્વાદિષ્ટ મધ બનાવે છે. તાજેતરનાં વર્ષોમાં, ૪૫ લાખ ટન નીલગિરિનાં લાકડાના વૅરને ઑસ્ટ્રેલિયાથી બીજા દેશોમાં મોકલવામાં આવ્યો. જેના કારણે વાર્ષિક ૨૫ કરોડ ડૉલરની આવક થઈ હતી.

કીનોનું તેલ અને રંગ

કીનો લોહીની જેમ લાલ અને ગુંદર જેવો પદાર્થ છે જે નીલગિરિનાં લાકડામાંથી નીકળે છે. અમુક પ્રકારના કીનોનો ઉપયોગ જીવાણુંથી લાકડાનું રક્ષણ કરવા થાય છે. લોહી વહેતું બંધ કરવા કીનોનો દવા તરીકે પણ ઉપયોગ થાય છે. નીલગિરિનાં જુદા જુદા પ્રકારની છાલનો ઉપયોગ ચામડું અને કાપડ રંગવા માટે પણ કરવામાં આવે છે.

એનાં પાંદડાં અજોડ છે અને એ તેલ ભેગું કરે છે. આ પાંદડાઓની ટોચ હાથની આંગળીઓની જેમ નીચે વળેલા હોય છે. એ પાંદડાનો આકાર મોટી ગરણી જેવો હોય છે. ચળકતા પાન પર ભેજ ભેગો થાય છે અને પછી એ નીચે ટપકે છે અને આમ વૃક્ષને પાણી મળે છે.

નીલગિરિનાં પાંદડાને ઉકાળીને વરાળ દ્વારા જે અર્ક ખેંચાઈને તેલ નીકળે છે એની સુગંધ તાજગી આપે છે. ખાસ કરીને એનો ઉપયોગ સુગંધીદાર અત્તર, સાબુ, દવાઓ, ચૉકલૅટમાં નાખવામાં અને સાફ-સફાઈ કરવામાં થાય છે. નીલગિરિનું તેલ કુદરતી રીતે બાષ્પ બનીને નાના ટીપાથી ભરાઈ જાય છે. આ ટીપાઓ પર સૂર્યનાં કિરણો પડે છે ત્યારે એ આછા વાદળી રંગના દેખાય છે અને પછી જાણે આખું જંગલ વાદળી હોય એમ લાગે છે. તેથી સીડની શહેરના પશ્ચિમી સરહદનાં પહાડોને વાદળી પહાડો નામ આપવામાં આવે છે.

અનોખા પ્રાણીનું ઘર

નીલગિરિનાં જંગલોમાં સૌથી પ્રખ્યાત પ્રાણી કોઆલા (ઑસ્ટ્રેલિયાનું રીંછ) છે. એનું શરીર રુંવાટાવાળું અને મુલાયમ છે. નીલગિરિનાં કંઈક ૧૨ જાતનાં પાંદડાં આ કોઆલાનું ખોરાક છે. જંગલનાં બાકીનાં પ્રાણીઓ માટે નીલગિરિનાં પાંડદાનો ખોરાક પ્રાણઘાતક બની શકે છે. પરંતુ એ કોઆલા માટે પ્રાણઘાતક નથી. શા માટે એમ?

કોઆલાની પાચન શક્તિ એકદમ અલગ છે. એનું આંત્રપુચ્છ (એપૅન્ડિક્સ) છથી આંઠ ફૂટ લાંબુ હોય છે. એની સરખામણી માનવીઓ સાથે કરીએ તો માનવીનું આંત્રપુચ્છ ફક્ત ત્રણથી છ ઇંચ લાંબુ હોય છે. કોઆલાનું અજોડ આંત્રપુચ્છ નીલગિરિનાં પાંડદાંમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટને શોષી લે છે.

ઑસ્ટ્રેલિઆમાં કોઆલાની જેમ બીજું પણ એક પ્રાણી, ઉડતું પાલૅનજર છે, એ પણ નીલગિરિનાં પાંડદાં ખાય છે. પરંતુ એ પ્રાણી એટલું જાણીતું નથી. એનો દેખાવ પાલતુ બિલાડી જેવો છે. એની પૂછડી પર ઊન જેવા વાળ અને એની લબાઈ ૪૦ સેન્ટિમીટરની હોય છે. એના આગળના તથા પાછલા પંજા વચ્ચે પાંખો જેવી ચામડી હોય છે. આ પાંખોને લીધે ઉડતું પાલૅનજર છલાંગ લગાવીને ૧૦૦ મીટર સુધી કૂદી શકે છે. તેમ જ ઉડતી વખતે ૯૦ ડિગ્રીનું ચક્કર લગાવીને એકથી બીજી ડાળીએ કૂદકો લગાવે છે.

આગ પછી લીલુંછમ

ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં આગ લાગવાથી નીલગિરિનાં વૃક્ષો પર જોખમ આવી જાય છે, છતાં એ બચી જાય છે. કેવી રીતે?

આ વૃક્ષોની ડાળીઓની છાલ નીચે ફણગા હોય છે જેમાંથી હજુ સુધી પાંદડાઓ નીકળ્યા નથી હોતા. તેથી આગ લાગે છે ત્યારે છાલ અને ડાળીઓ બળીને રાખ થઈ જાય છે પરંતુ આ ડાળીઓમાંથી નાના ફણગાઓ ફૂટે છે. આ પાંદડાઓ બળી ગએલા ઝાડને ઢાંકી દે છે. પરિણામે, આ વૃક્ષ બચી જાય છે. વધુમાં, વૃક્ષનાં બી જમીન પર પડ્યા હોવાને કારણે નવાં વૃક્ષો થવાની તક ઊભી થાય છે.

ઉપયોગી વૃક્ષ

શું તમે નીલગિરિમાંથી બનાવવામાં આવતી દવાનો ઉપયોગ કર્યો છે અથવા નીલગિરિનાં મધનો સ્વાદ ચાખ્યો છે? શું તમે નીલગિરિથી બનેલા વહાણમાં મુસાફરી કરી છે અથવા એના ઘરમાં રહ્યા છો કે એના લાકડાંનું તાપણું કર્યું છે? તમે આ વખાણવા લાયક વૃક્ષનો એક અથવા બીજી રીતે લાભ મેળવ્યો જ હશે. અમે આશા રાખીએ છીએ કે તમે હવે પછી રુંવાળા કોઆલાને જુઓ કે એનો ફોટો જુઓ તો એના અદ્‍ભુત ઘર નીલગિરિનાં જંગલોને ચોક્કસ યાદ કરશો.

ખરેખર, આ મજબૂત અને અનેક રીતે ઉપયોગી વૃક્ષ છે. (g01 2/22)

[પાન ૨૨, ૨૩ પર ચિત્ર]

નીલગિરિ દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ છે

[પાન ૨૩ પર ચિત્ર]

મધમાખીઓ નીલગિરિનાં રસનો ઉપયોગ સ્વાદિષ્ટ મધ બનાવવા માટે કરે છે

[પાન ૨૪ પર ચિત્ર]

નીલગિરિના “અમુક લાકડાં મજબૂત, ભારે અને ટકાઉ તરીકે જાણીતા છે”

[પાન ૨૪ પર ચિત્રો]

કોઆલા (ડાબી બાજુ) અને ઊડતાં પાલૅનજરનો (ઉપર) ખોરાક નીલગિરિનાં પાંદડાં છે

[ક્રેડીટ લાઈન]

© Alan Root/Okapia/PR

[પાન ૨૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Geoff Law/The Wilderness Society

[પાન ૨૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy of the Mount Annan Botanic Gardens