ભૂમધ્ય સમુદ્રની સીલ શું એઓ બચશે?
ભૂમધ્ય સમુદ્રની સીલ શું એઓ બચશે?
ગ્રીસમાંના સજાગ બનો!ના લેખક તરફથી
હોમરે, પોતાની કવિતા ઓડિસીમાં એના વિષે વર્ણન કર્યું કે, એ ગ્રીસના સમુદ્ર કાંઠે તડકાની મજા માણતી હતી. પ્રાચીન એશિયા માઈનોરના એક શહેરમાં એની છાપવાળા સિક્કા બનાવવામાં આવ્યા. ભૂમધ્ય અને કાળા સમુદ્રના પાણી એઓથી ઊભરાઈ જતા હતા. જોકે, આજે તમને એ શરમાળ પ્રાણી ભાગ્યે જ જોવા મળી શકે. હા, એ પ્રાણી છે ભૂમધ્ય સમુદ્રની સીલ.
જાડી રુવાંટીવાળા સમુદ્રના બીજાં પ્રાણીઓની જેમ, આ ભૂમધ્ય સમુદ્રની સુંવાળી સીલની પણ, ૧૮ અને ૧૯મી સદીમાં શિકાર માટે ઠેર ઠેર શોધ કરવામાં આવતી હતી. હજારો સીલની એઓની ચામડી, તેલ અને માંસ મેળવવા માટે કતલ કરવામાં આવી.
હવે, એ થયેલું નુકસાન દેખાઈ આવે છે. એવો અંદાજ કાઢવામાં આવે છે કે ભૂમધ્ય સમુદ્રની આ સીલની સંખ્યા હવે ફક્ત ૩૭૯-૫૩૦ની વચ્ચે છે. બસ, જાણે કે તેઓનું નામનિશાન મટી જવાની તૈયારી છે. જોકે, વર્તમાન પત્ર મોનાકસ ગાર્ડિયન અહેવાલ આપે છે તેમ, એવું કહી શકાય કે સીલની સંખ્યાનો અંદાજ કાઢવો “વૈજ્ઞાનિક રીતે તદ્દન અશક્ય” છે.
શું તેઓને બચાવવામાં બહુ મોડું થઈ ગયું છે? આ સીલને રક્ષવા માટે કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે?
મુશ્કેલ કામ
આ સીલ મોટા ભાગે એજિઅન સમુદ્રના ઉત્તર સ્પોરેડ્સ ટાપુઓના પહોંચી ન શકાય એવા ખડકોમાં અને દરિયાઈ ગુફાઓમાં રહે છે. અમુક ઉત્તર-પશ્ચિમ આફ્રિકાના દરિયા કિનારે અને પોર્ટુગલના ડેસર્ટાસ ટાપુઓ પર પણ મળી આવે છે. લગભગ ત્રણ મીટરની લંબાઈ અને આશરે ૨૭૫ કિલોગ્રામનું વજન ધરાવતી આ સીલ, દુનિયાની સૌથી મોટી અલગ અલગ પ્રકારની સીલ જાતિમાંની એક છે.
ખાસ દેખાવમાં, એનું માથું બલ્બના ગોળા જેવા આકારનું છે, જે રૂપેરી રુવાંટીવાળું હોય છે. કાળી-કાળી આંખો, મોટા નાકવાળું લાંબું મોં, કાન માટે નાનો ચીરો, નીચે ઢળેલી મૂછ અને ભરાવદાર ગળું. શરીર પર ટૂંકા કાળા અથવા ચોકલેટી-બદામી રંગ અને અંદર આછા રંગના વાળ હોય છે. જ્યારે કે સીલના જન્મેલાં બચ્ચાંને પીઠ પર લાંબા ગાઢા રંગના વાળ અને પેટ પર સફેદ રંગ હોય છે.
આ સીલની જાતિના બચાવમાં એક મુશ્કેલી એ છે કે એનો જન્મ દર બહુ નીચો હોય છે. એઓ વર્ષમાં એક જ બચ્ચાને જન્મ આપે છે. એમાં વળી દરેક માદા સીલને દર વર્ષે બચ્ચું જન્મતું નથી.
વળી, જન્મ દર નીચો છે, એટલેથી જ વાતનો અંત આવી જતો નથી. જંગલી પ્રાણી જગત સંરક્ષણના ન્યૂ યૉર્ક એક્વેરિયમના અધિકારી, ડૉ. ડેનિસ થોની કહે છે: “ભલે ભૂમધ્ય સીલનો જન્મ દર નીચો છે, પણ
નાની સીલ એ જ જન્મ દરે વધી રહી છે. તેથી ભૂમધ્ય સીલ ઓછી થવાનું કારણ બીજું કંઈક છે.”ચારેબાજુથી ખતરો
તમારા ઘરમાં આગ લાગે તો તમારી શું દશા થાય એની કલ્પના કરો. તમારું ફર્નિચર, કપડાં, મિલકત અને સર્વ બળીને ખાખ થઈ જાય અને તમારું જીવન પણ વેરાન થઈ જાય. એવી જ હાલત આ ભૂમધ્ય સમુદ્રની સીલના ઘરની થઈ ગઈ છે. પ્રદુષણ, મુલાકાતીઓ, ઉદ્યોગો અને માનવીઓની બીજી પ્રવૃત્તિઓને કારણે સીલના કુદરતી ઘરના વાતાવરણનો નાશ થયો છે.
વધુમાં, દરિયામાંથી વધુને વધુ માછલી પકડવામાં આવતી હોવાથી, આ સીલનો ખોરાક પણ ઝૂંટવાઈ ગયો છે. પ્રાણીશાસ્ત્રી ડૉ. સુસાન કેનેડી-સ્ટોસ્કોફ કહે છે: “સીલનો ખોરાક ઓછો હોય ત્યારે, તેને પૂરતો ખોરાક મેળવવા વધારે મહેનત કરવી પડે છે.” આમ, સીલે પોતાનું કુદરતી ઘર જ ગુમાવ્યું નથી, પરંતુ પોતાના ખોરાક માટે પણ એઓને ફાંફા મારવા પડે છે!
દરિયામાંથી વધારેને વધારે માછલી પકડવાનું પરિણામ એ પણ આવે છે કે, અમુક વખત સીલ પણ માછલીની જાળમાં ફસાઈ જાય છે, અને ડૂબી મરે છે. જોકે, મોટે ભાગે માછીમારો સીલને ખુલ્લેઆમ મારી નાખે છે. એનું કારણ એ છે કે સીલ ચોર બની, માછલી પકડવાની જાળમાંથી ખોરાક ચોરી લે છે. એટલું જ નહિ, એમ કરતી વખતે જાળ પણ કાપી નાખે છે. તેથી, માંડ માંડ મળતી માછલીઓ માટે માછીમારો સીલ સાથે દુશ્મની બાંધી બેઠા છે. આ એકતરફી લડતને કારણે, બિચારી સીલનું નામનિશાન મટી જવાની અણી પર છે.
આ સીલ ખોરાક માટે બીજા માછલાં પર જ નભતી હોવાથી, કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે “ચેતવણી આપનાર જાતિ” છે. એનો અર્થ એ થાય કે સીલને ખતરો હોય તો, બીજા માછલાંને પણ ખતરો છે. એમ હોય તો ભૂમધ્યના પ્રાણીઓનું રક્ષણ કરનારી સંસ્થા માટે દુઃખની વાત છે, કેમ કે યુરોપમાં આ સીલ સૌથી વધારે ખતરામાં છે.
શું તેઓ બચશે?
જોકે, જોવા જેવી વાત એ છે કે, માનવ ભૂમધ્ય સીલનો કટ્ટર દુશ્મન છે, પણ એનો રક્ષક પણ તે જ છે. આ સીલનું રક્ષણ કરવા ખાનગી અને સરકારી એજન્સીઓ ખોલવામાં આવી છે. તેઓ માટે ખાસ આશ્રય સ્થાનો રાખવામાં આવ્યાં છે. આ અદ્ભુત પ્રાણીને કઈ રીતે મદદ કરી શકાય, એ જાણવા ઘણો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ભૂમધ્ય સીલના અભ્યાસ અને રક્ષણ માટે ૧૯૮૮માં એમઓએમ (MOm) નામે એક ગ્રીક સોસાયટી સ્થપાઈ. એના સંશોધકો નિયમિત એ સીલની વસ્તીની મુલાકાત લે છે, જેથી તેઓની સંખ્યા પર નજર રાખી શકે અને સીલને રક્ષણ આપવા માટે વધારે માહિતી ભેગી કરી શકે.
ઝડપી બોટના ઉપયોગથી, રક્ષણ કરનારી ટૂકડી તેઓના વિસ્તારની ચોકી કરે છે. તેમ જ, તેઓ ઉત્તર સ્પોરેડ્સ ટાપુઓમાં આવેલા, એલોનીસોસના ગ્રીસના
નેશનલ મરીન પાર્કની મુલાકાત લેનારા પ્રવાસીઓ અને માછીમારોને પૂરતી માહિતી અને સૂચના પણ આપે છે. કોઈ બીમાર કે ઘાયલ સીલ મળી આવે તો, તેઓ જરૂરી સારવાર કરે છે. વળી, સીલને એમઓએમના સારવાર કેન્દ્રમાં લઈ જવા-લાવવાનું કામ પણ તેઓ કરે છે.સીલનું એ સારવાર કેન્દ્ર અનાથ, બીમાર અને ઘાયલ થયેલાં બચ્ચાંની પણ સંભાળ રાખે છે. સીલ પોતાના પગ પર ઊભા રહે ત્યાં સુધી, આ કેન્દ્ર તેઓની સારવાર કરીને સંભાળ રાખે છે. હમણાં સુધી પરિણામો સારાં આવ્યાં છે. વર્ષોથી ઉત્તર સ્પોરેડ્સમાં ઓછી થયેલી સીલની વસ્તીમાં પ્રથમ વાર સારું પરિણામ જોવા મળ્યું છે.
શું આ પ્રયત્નો સફળ થતા રહેશે? એ તો ફક્ત સમય જ બતાવશે. જોકે, એ સ્પષ્ટ છે કે ભયમાં એવી આ સીલ જાતિને બચાવવી હોય તો, હજુ ઘણું કરવાની જરૂર છે. સ્મીથસોનીઅન સંસ્થાના ડૉ. ડેવિડ વીલ્ડએ અવેક!ને જણાવ્યું કે “સાચું પૂછો તો, દરિયાના પ્રાણીઓની હાલત સારી નથી. ખરી મુશ્કેલી તો એ છે કે દરિયામાં કેવાં કેવાં જીવો રહે છે એની આપણને જ પૂરતી ખબર નથી. તેથી, એનું પૂરતું રક્ષણ કરવાની વાત તો બાજુએ જ રહી.” (g01 3/8)
[પાન ૧૭ પર બોક્સ]
સીલની બહેનો પણ મુશ્કેલીમાં
આ સીલ બીજા સમુદ્રોમાં પણ જોવા મળે છે અને એઓ પણ ભયમાં છે. નેશનલ જીયોગ્રાફિક મેગેઝિન કહે છે કે કૅરિબિયન અથવા વેસ્ટ ઇંડિઅન સીલ, “પશ્ચિમ ગોળાર્ધમાં સૌ પ્રથમ કોલંબસે જોયેલી સીલ” હતી. “દરિયા કિનારાની પ્રેમી અને ભોળી સીલની જલદી જ મોટી સંખ્યામાં કતલ થવા માંડી. . . . કરેબિયન સીલ છેલ્લે જોવામાં આવી હોય એની નોંધ ૧૯૫૨માં છે.
હવાઈના ટાપુઓમાં આવેલું નેશનલ પ્રાણીઓનું આશ્રય સ્થાન, ફ્રેંન્ચ ફ્રીગેટ શાઓલ્સ કદાચ હવાઈ, અથવા લેસન સીલનું છેલ્લું સ્વર્ગ બની શકે. જોકે, તેઓને રક્ષવાના અથાક પ્રયત્નો છતાં, બચી ગયેલી લગભગ ૧,૩૦૦ સીલ “તકલીફોથી દુઃખી” છે.
વર્ષ ૧૯૯૭ની વસંત ઋતુથી, પશ્ચિમ આફ્રિકાના મૉરિટૅનિયાના દરિયા કિનારે રહેતી ૨૭૦ ભૂમધ્ય સીલમાંથી લગભગ પોણા ભાગની સીલ બીમારીથી મરી ગઈ છે. સાયન્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે, તપાસવામાં આવેલી મોટા ભાગની સીલને “એવો ડૉલ્ફિન મોરબીલી વાયરસ લાગ્યો હતો, જે કૂતરાને થતા રોગ જેવો હતો.”
[પાન ૧૬ પર ચિત્રો]
આ સીલ દેખાવે ઘણી અજોડ છે, જેમ કે બલ્બના ગોળા જેવું માથું અને મોટું નાક
સીલનું રક્ષણ કરવા માટે એજન્સીઓ ખોલવામાં આવી છે
[ક્રેડીટ લાઈન]
Panos Dendrinos/HSSPMS
[પાન ૧૭ પર ચિત્રો]
વર્ષોથી ઉત્તર સ્પોરેડ્સમાં ઓછી થયેલી સીલની વસ્તીમાં પ્રથમ વાર સારું પરિણામ જોવા મળ્યું છે
[ક્રેડીટ લાઈન્સ]
P. Dendrinos/MOm
D. Kanellos/MOm
[પાન ૧૭ પર ચિત્ર]
હવાઈની સીલ
[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Panos Dendrinos/HSSPMS