સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

દુખાવા વિના થતો હાર્ટ એટેક

ઘણા લોકો હાર્ટ એટેકની સામાન્ય નિશાની સારી રીતે જાણે છે, જેમાં છાતીમાં શૂળની જેમ દુખાવો થતો હોય છે. જોકે, બહુ ઓછા લોકોને ખબર હોય છે કે “હાર્ટ એટેક વખતે ત્રીજા ભાગના દરદીઓને છાતીમાં દુઃખાવો થતો નથી,” એવું ટાઈમ મેગેઝિન કહે છે. તેથી, સમજાય છે કે “હાર્ટ એટેકનો ભોગ બનનાર હર વખતે છાતીમાં દુઃખાવો ન થવાને કારણે, હૉસ્પિટલે લગભગ બે કલાક મોડા જાય છે,” ધ જરનલ ઓફ ધી અમેરિકન મેડિકલ એસોસીએશન એક અહેવાલમાં આમ કહે છે. જોકે, યોગ્ય સારવાર જલદી ન મળે તો ખતરો સાબિત થઈ શકે. તો પછી, કઈ નિશાની જોઈ ચેતી જવું જોઈએ? ટાઈમ કહે છે, “શ્વાસ લેવામાં તકલીફ પડે એને બીજી એક ચેતવણી કહી શકાય.” બીજી નિશાનીઓ છે, ઊબકા આવવા, ખૂબ જ પરસેવો થવો અને “તમે ચાલો કે થોડી મહેનતનું કામ કરો ત્યારે ‘છાતીની બળતરા’ વધતી જવી.” (g01 1/22)

ચોંટી રહેતા પંજા

ગેકો ગરોળી જાણે લીસા કાચ પર સરકતી હોય એમ સહેલાઈથી છત પર એક ખૂણેથી બીજા ખૂણે દોડી જાય છે. એ કેવી રીતે કરે છે? વર્ષોથી એનો જવાબ શોધતા વૈજ્ઞાનિકોને લાગે છે કે હવે તેઓને એનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકો અને એંજીનિયરોની એક ટૂકડી એવા નિર્ણય પર આવી છે કે “ગરોળીના પગ પર આવેલા ઝીણા વાળ, અથવા તાંતણા સપાટી પર ઘસાય છે ત્યારે, નવાઈ પમાડે એટલા પ્રમા​ણમાં ગુંદરની જેમ ચોંટી રહે એવું બળ ઉત્પન્‍ન થાય છે,” સાયન્સ ન્યૂઝ મેગેઝિન અહેવાલ આપે છે. “દરેક તાંત​ણામાંથી ઉત્પન્‍ન થતું એ બળ એટલું અસરકારક હોય છે કે, ગરોળી એનો પગ સપાટી પર મૂકે ત્યારે, એના પગના તળિયે રહેલા અબજ જેટલા તાંતણા એક થઈ, સપાટી સાથે એવા ચોંટી જાય છે કે, અંદરોઅંદર પરમાણુના કણો ભાગ ભજવતા હોય એમ લાગે છે.” સંશોધકો એમ પણ નોંધ લે છે કે ગેકો ગરોળી એના પંજા એવી રીતે મૂકે છે, જેનાથી “એ તાંતણાને સપાટીમાં ચોંટાડીને, એ જ સમયે તાંતણાને ખેંચે પણ છે.” એનાથી “દરેક તાંતણાની પકડ ફક્ત ચોંટાડ્યા હોય એના કરતાં ૧૦ ગણી” વધી જાય છે, એવું એ મેગેઝિન કહે છે. (g01 1/22)

સૌથી વધુ ટીવી જોતા બ્રિટનના લોકો

“બ્રિટનના લોકો અઠવાડિયામાં સરેરાશ નોકરી પર જેટલો સમય ગાળે છે, એટલો જ ટેલિવિઝન જોવામાં પણ ગાળે છે,” લંડનનું ધી ઇન્ડીપેન્ડન્ટન છાપું અહેવાલ આપે છે. સંશોધકોના કહેવા મુજબ, બ્રિટનના લોકો અઠવાડિયામાં સરેરાશ ૨૫ કલાક ટીવી જુએ છે, જેમાંના ૨૧ ટકા લોકો ૩૬થી વધારે કલાક ટીવી જુએ છે. “જાણવા મળ્યું છે કે વધારે પડતું ટીવી જોનારા ફક્ત યુવાનો જ ન હતા, પરંતુ પુરુષો, સ્ત્રીઓ અને ઘરડા લોકો પણ એટલું જ ટીવી જુએ છે,” એમ છાપું કહે છે. અઠવાડિયામાં ૩૦ કલાક ટીવી જોનારું એક કુટુંબ કહે છે કે ટેલિવિઝન તો “જરૂરી છટકબારી” છે. જોકે, આટલું બધું ટીવી જોવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. વીસ દેશોમાં ટીવી જોનારાના અભ્યાસમાં યુનાઇટેડ કિંગ્ડમ સહેલાઈથી પહેલો નંબર લઈ જાય છે,” ​લંડનનું ધ ગાર્ડિયન વીકલી અહેવાલ આપે છે. તોપણ, “બ્રિટન અક્ષરજ્ઞાનની ત્રણ પરીક્ષામાં ઘણું નીચું રહે છે.” (g01 1/22)

નાનાં બાળકો અને કૂતરાં

મૅક્સિકો શહેરના એલ યુનિવર્સલ છાપા પ્રમાણે, નાનાં બાળકોને કૂતરાં સાથે દેખરેખ વિના મૂકવામાં આવે, એમાં કૂતરું કરડવાનું ઘણું જોખમ રહેલું છે. જોકે, અહેવાલ કહે છે કે “હુમલો મોટે ભાગે બાળક કરે છે અને કૂતરું પોતાનું રક્ષણ કરવા કરડે છે.” મૅક્સિકોની એક હૉસ્પિટલે છેલ્લા પાંચ વર્ષમાં ૪૨૬ બાળકોની સારવાર કરી છે, જેઓને કૂતરું કરડ્યું હતું. તેઓમાંથી ૧૨ ટકાને કાયમી નુકસાન થયું હતું અથવા કરડેલો ભાગ બદસૂરત થઈ ગયો હતો. અહેવાલ માબાપોને અરજ કરે છે કે, તેઓ બાળકોને કૂતરાં વિષે સામાન્ય નિયમો શીખવે. જેમ કે, એઓનાં રમકડાં, ઘર અને ખાવાના વાસણની સંભાળ રાખવી; કૂતરું ખાતું કે ઊંઘતું હોય ત્યારે તેની પાસે ન જવું; કૂતરાની પૂંછડી ન ખેંચવી કે એના પર ચડીને સવારી ન કરવી.” (g01 3/8)

પૂરતી ઊંઘ લેવી

બ્રિટિશ કોલંબિયાની યુનિવર્સિટીના માનસશાસ્ત્રી, સ્ટેનલી કોરન જણાવે છે કે, “આપણો સમાજ ખૂબ જ ઓછી ઊંઘ લે છે.” થ્રી માઈલ ટાપુ પર થયેલા અણુ અકસ્માત અને એક્સેન વાલ્ડેઝમાં તેલ ઢોળાયું હતું, એ પણ ઘણી ઓછી મળેલી ઊંઘને કારણે બન્યું હતું. કૅનેડાનું મેક્લિન્સ મેગેઝિન અહેવાલ આપે છે કે ઉત્તર અમેરિકામાં દર વર્ષે ૧,૦૦,૦૦૦ કરતાં વધારે કાર અકસ્માત સુસ્તીને કારણે થાય છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ઊંઘના નિષ્ણાત ડૉ. વિલ્યમ ડેમેન્ટ ચેતવણી આપે છે: “લોકોને ખરેખર ખબર નથી હોતી કે તેઓને કેટલી ઊંઘ જરૂરી છે.” સારી ઊંઘ લેવા માટે સંશોધકો સૂચવે છે કે, સાંજે સૂતા પહેલાં ઓછામાં ઓછા ત્રણ કલાક અગાઉ જમી લો. દરરોજ એક જ સમયે ઊંઘો, અને એક જ સમયે ઊઠો. સૂવાના રૂમમાં ટીવી કે કૉમ્પ્યુટર ન રાખો. કેફીન, આલ્કોહોલ અને સિગારેટ ન લો. પથારીમાં તમારા પગ ગરમ રાખવા મોજાં પહેરો. સૂવા જતા પહેલાં હૂંફાળા પાણીથી સ્નાન કરો. દરરોજ કસરત કરો, પણ સૂવા જતાં પહેલાં નહિ. છેવટે, મેક્લિન્સ કહે છે: “તમને ઊંઘ ન આવતી હોય તો, ઊઠો અને કંઈક કરો. તમે થાકી જાવ ત્યારે જ પાછા ઊંઘવા જાવ, અને નિયમિત સમયે પાછા ઊઠી જાવ.” (g01 3/8)

રસોડું સાફ રાખવું

કૅનેડાનું વેનકુઅર સન છાપું કહે છે કે વ્યસ્ત રસોડામાં સહેલાઈથી સંતાઈ જતા રોગ ફેલાવતાં જંતુઓ વિરુદ્ધ “[સામાન્ય] બ્લીચ સૌથી અસરકારક સાધન છે.” એ અહેવાલ સૂચનો આપે છે: દરરોજ ૩૦ મિલિલિટર બ્લીચ અને ૪ લિટર હૂંફાળા પાણીનું મિશ્રણ કરો. ગરમ પાણીથી બ્લીચની વરાળ થાય છે. ચોખ્ખા કપડાંનો ઉપયોગ કરીને આ મિશ્રણથી રસોડું લૂછી નાખો અને સૂકાવા દો. પોતાની મેળે સૂકાવા દેવાથી બ્લીચથી વધારે જંતુઓ નાશ પામે છે. વાસણ સાબુવાળા ગરમ પાણીમાં ધુઓ અને પછી બ્લીચના મિશ્રણમાં થોડી મિનિટ બોળીને કાઢી લો. એ સૂકાઈ ગયા પછી કોઈ કેમિકલ એના પર રહેશે નહિ. દરરોજ રસોડામાંના સાફસૂફીના કપડાં, સ્પંજ વગેરે ધોઈને બ્લીચમાં બોળો. તમારા હાથથી ખોરાકમાં જંતુઓ ન જાય એ માટે એને બરાબર ધુઓ, ખાસ કરીને નખની નીચે ધુઓ. (g01 3/8)

બેક્ટેરિયા વિરુદ્ધ ખોટી લડત

યુએસએ ટુડે અહેવાલ આપે છે કે “અમેરિકાના ઘરાકો જીવાણુને (બેક્ટેરિયા) ઘરમાંથી કાઢવા ખોટી લડત લડે છે.” એ છાપા પ્રમાણે, ટફ્‌ટ્‌સ યુનિવર્સિટીના ડૉક્ટર અને સૂક્ષ્મ જીવાણુના અભ્યાસી સ્ટુઅર્ટ લેવી કહે છે કે, “બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી જીવાણુ મારવાની દવાઓ . . . બીજા એવા જીવાણુઓ ઉત્પન્‍ન કરવાનો ભય પેદા કરે છે, જેના પર જંતુનાશક સાબુ કે દવાઓની [એન્ટીબાયોટિક્સ] પણ કંઈ અસર થતી નથી.” ઘર ચોખ્ખું રાખવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો એ ‘હથોડી લઈને માખીને મારવા” જેવું છે, લેવી કહે છે. જ્યારે બીજી તર્ફે, બ્લીચ, હાઈડ્રોજન પેરોક્સાઈડ અને ગરમ પાણી તથા સાબુ ઘરને ચોખ્ખું તો રાખે જ છે, પણ એનાથી આ જીવાણુઓનું બીજા જીવાણુઓમાં પણ રૂપાંતર થતું નથી જેઓ પર ઉત્પાદનોની કોઈ અસર થતી નથી. લેવી કહે છે: “જીવાણુઓ તો આપણા મિત્રો છે. આપણે તેઓ સાથે સુલેહશાંતિ કરવાની જરૂર છે.” (g01 1/22)

જીવડાંને મારવાનો પગાર

ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના જંગલ વિભાગે જીવડાં મારવાની ઝુંબેશ ઉપાડી છે. એનું કારણ એ છે કે ૨.પ સેન્ટિમિટર લાંબી પાંખવાળા હોપ્લો કહેવાતાં જીવડાં, લગભગ ૬,૫૦,૦૦૦ શાલના ઇમારતી લાકડાના વૃક્ષોને ભયરૂપ છે, એમ ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અહેવાલ આપે છે. હમણાં આ જંતુઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે આ વૃક્ષનું અસ્તિત્વ ખતરામાં આવી પડ્યું છે. આ જંતુઓ ઝાડના થડ અને છાલમાં પોતાનું ઘર બનાવીને રહે છે જેનાથી વૃક્ષો ધીમે ધીમે સૂકાઈને મરી જાય છે. જંગલ વિભાગ આ જીવડાંને પકડવા “ઝાડનો ફાંસલો” બનાવીને એનો ઉપયોગ કરે છે. જ્યાં જીવડાં દેખાય ત્યાં, નાના નાના શાલ વૃક્ષોની છાલ છોલીને નાખવામાં આવે છે. એ ટૂકડામાંથી ધીમે ધીમે નીકળતું પ્રવાહી જીવડાંને આકર્ષે છે અને તેઓને ઘેન ચડાવે છે, જેનાથી તેઓને પકડવાં સહેલું બની જાય છે. ત્યાંના છોકરાઓને આ કામ માટે નોકરીએ રાખવામાં આવ્યા છે, જેઓને દરેક જીવડાંના ૭૫ પૈસા (લગભગ બે સેન્ટ) ચૂકવવામાં આવે છે. (g01 3/8)

સ્વૈચ્છિક નિવૃત્તિની અસરો

સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના અમુક લાભો છે, પણ લાગણીમય રીતે ઘણી મોટી કિંમત ચૂકવવી પડી શકે. બ્રાઝિલનું ડાયરીઓ દે પરનામ્બુકોના અહેવાલ પ્રમાણે નિવૃત્ત થયા પછી સરકારી કર્મચારીઓ ફરિયાદ કરે છે કે, તેઓ હવે ‘અસંતોષની લાગણી અનુભવે છે, ચિડિયલ બની ગયા છે, અસલામતી અનુભવે છે, પોતાની શાખ ગુમાવી દીધાની લાગણી થવાથી તેઓ હતાશ થઈ ગયા છે, અને જાણે તેઓના જગતનો અંત આવી ગયો હોય એવું અનુભવે છે.’ ઘડપણના રોગોના ડૉક્ટર ગ્વીડો શાશનીકના કહ્યા પ્રમાણે, “રિટાયર્ડ થયેલા પુરુષો દારુ અને સ્ત્રીઓ દવાઓ પર આધારિત રહેવા લાગે, એ કંઈ નવું નથી.” મનોચિકિત્સક ગ્રેસા સંતોષ કહે છે કે, જેઓ નિવૃત્તિ લેવાનું વિચારતા હોય, તેઓએ “દેવું ન કરવું, નવી નવી આવડતો કેળવવી, અને કોઈ માર્ગ ન રહે એવી મુશ્કેલીઓથી બચવા સલાહ લેવી જોઈએ.” (g01 3/8)