સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે પ્રેમ ઠંડો પડી જાય છે?

શા માટે પ્રેમ ઠંડો પડી જાય છે?

શા માટે પ્રેમ ઠંડો પડી જાય છે?

“એવું લાગે છે કે પ્રેમ કરવો સહેલું છે પણ એને નિભાવવો મુશ્કેલ છે.” ડૉ. કારેન કાઈસર.

લગ્‍નમાં પ્રેમ ઓછો થતો જાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. લગ્‍ન સંબંધ બહુ નાજુક હોય છે. વળી, મોટા ભાગના લોકો કોઈ પણ પ્રકારની તૈયારી વગર લગ્‍ન કરતા હોય છે. ડૉ. ડીન એસ. એડેલ અવલોકે છે કે, “વ્યક્તિને વાહન ચલાવવાનું લાઇસન્સ જોઈતું હોય તો, તેને વાહન ચલાવતા આવડે છે કે નહિ એ જોવામાં આવે છે. પરંતુ, લગ્‍નનું સર્ટિફિકેટ મેળવવું હોય તો, એ ફક્ત સહી કરવાથી મળી જાય છે.”

તેથી, આજે સાચે જ બહુ ઓછા લગ્‍નો સુખી જોવા મળે છે. એક અથવા બંને લગ્‍ન સાથી બહુ મોટી મોટી આશાઓ સાથે લગ્‍ન કરે છે. પરંતુ તેઓને સંબંધ ટકાવી રાખતા આવડતું નથી. ડૉ. હેરી રીસે સમજાવે છે કે, “લોકો પહેલી વાર એકમેકને ઓળખતા થાય છે ત્યારે, તેઓ એકબીજા પર આંધળો ભરોસો કરતા હોય છે.” તેઓને એવું લાગે છે કે પોતાના સાથી જ “આખી પૃથ્વી પર એક એવી વ્યક્તિ છે કે જે પોતાના જેવું જ વિચારે છે. પરંતુ સમય જતા એ પ્રેમ ઠંડો પડી જાય છે ત્યારે, એ લગ્‍ન માટે જોખમકારક બને છે.”

આનંદની વાત છે કે બધા જ લગ્‍નો એ હદ સુધી પહોંચતા નથી. પરંતુ કેટલાકનો પ્રેમ કયા કારણોસર ઠંડો પડી જાય છે એ ટૂંકમાં તપાસીએ.

હતાશા “મેં વિચાર્યું હતું એમ ન હતું”

રોઝી કહે છે, “મેં જીમ સાથે લગ્‍ન કર્યા ત્યારે, મને લાગ્યું કે અમે રાજકુમાર અને રાજકુમારી છીએ, અમે એકબીજા માટે જ બન્યા છીએ.” પરંતુ થોડા સમય પછી, રોઝીનો “રાજકુમાર” તેને એટલો આકર્ષક લાગતો ન હતો. તે કહે છે, “મેં એકદમ હતાશ થઈને તેમની સાથે છૂટાછેડા લીધા.”

ઘણી ફિલ્મો, પુસ્તકો અને પ્રખ્યાત ગીતો પ્રેમનું કાલ્પનિક વર્ણન કરે છે. લગ્‍ન પહેલાં એકબીજાને મળતા સ્ત્રી અને પુરુષને એવું લાગી શકે કે તેઓનું સ્વપ્ન સાકાર થયું છે. પરંતુ લગ્‍નનાં થોડા વર્ષો પછી, તેઓનું સ્વપ્ન ભાંગીને ચૂર થઈ ગયું હોય એમ લાગે છે! પ્રેમકથાની જેમ લગ્‍નમાં રોમાંસ ન હોય તો, એ સદંતર નિષ્ફળ ગયું હોય એમ લાગી શકે.

અલબત્ત, લગ્‍નમાં અમુક અપેક્ષાઓ રાખવી યોગ્ય છે. દાખલા તરીકે, વ્યક્તિ પોતાના સાથી પાસેથી પ્રેમ, કાળજી અને એકમેકને મદદ કરવાની આશા રાખે એ યોગ્ય છે. તોપણ, અમુક સમયે તો આ ઇચ્છાઓ પણ પૂરી થતી નથી. ભારતની એક યુવાન કન્યા, મીના કહે છે, “મને તો લાગતું જ નથી કે મારું લગ્‍ન થયું હોય, મને એકલવાયાપણાની તેમ જ તરછોડી દીધાની લાગણી થાય છે.”

વિરોધાભાસ “અમારામાં કંઈ મનમેળ નથી”

એક સ્ત્રી કહે છે, “હું અને મારા પતિ હંમેશા વિરુદ્ધમાં હોઈએ છીએ. અમારો એક પણ દિવસ એવો નથી જતો કે મેં તેમની સાથે લગ્‍ન કર્યાનો અફસોસ વ્યક્ત ન કર્યો હોય. અમારું ખરેખર કજોડું છે.”

સામાન્ય રીતે લગ્‍ન પહેલાં બધું જ બરાબર લાગતું હોય છે. પરંતુ લગ્‍નના થોડા જ સમયમાં યુગલને ખબર પડે છે કે તેઓમાં આભ-જમીનનો ફર્ક છે. ડૉ. નીના એસ. ફિલ્સ લખે છે, “અપરિણીત વ્યક્તિ ક્યારેય પોતાના આંતરિક વ્યક્તિત્વને જોઈ શકતી નથી, પરંતુ લગ્‍ન પછી એનો ખરો રંગ જોવા મળે છે.”

પરિણામે, લગ્‍નના થોડા જ સમય પછી ઘણા યુગલોને ખ્યાલ આવી જાય છે કે તેઓમાં એકદમ વિરોધાભાસ છે. ડૉ. એરન ટી. બૅક કહે છે, “પસંદગી અને વ્યક્તિત્વમાં ભલેને અમુક હદે સરખાપણું જોવા મળતું હોય, પરંતુ મોટા ભાગના લગ્‍નોમાં તેઓની રીતભાત, ટેવ અને વલણમાં મોટો તફાવત રહેલો હોય છે.” ઘણા યુગલોને ખબર હોતી નથી કે તેઓ પોતાની વચ્ચે રહેલી એ ખાઈને કઈ રીતે દૂર કરી શકે.

ઝઘડા—“અમે હંમેશા દલીલો કરીએ છીએ”

સેન્ડી, પોતાના લગ્‍નના શરૂઆતના દિવસો યાદ કરતા કહે છે, “અમને જાણીને આંચકો લાગ્યો કે અમે કેટલા બધા ઝઘડતા હતા. અમે ફક્ત બૂમબરાડા જ પાડતા ન હતા પરંતુ ઘણા દિવસો સુધી મોં ચડાવીને ફરતા હતા.”

લગ્‍નમાં ઝઘડા થાય એ તો સામાન્ય છે. પરંતુ એને કઈ રીતે હલ કરવામાં આવે છે? ડૉ. દાનીએલ ગોલેમેન લખે છે, “સારા લગ્‍નમાં, પતિ-પત્ની ખુલ્લા મને ફરિયાદ કરે છે. પરંતુ ગરમાગરમ દલીલો કરીને સાથી પર લાંછન લગાડવાથી ખૂબ નુકશાન થાય છે.”

આવું બને છે ત્યારે, વાતચીત એક યુદ્ધભૂમિ બની જાય છે કે જ્યાં પોતાની લાગણીઓ સાચી પુરવાર કરવા માટે શબ્દો હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાતોની એક ટીમે કહ્યું: “દલીલ કરવાની સૌથી ખતરનાક બાબત એ છે કે બેકાબૂ ગુસ્સામાં ગમે તે બોલી નાખવામાં આવે છે જે લગ્‍ન જીવનને ધમકીરૂપ બને છે.”

ઉદાસીનતા—“અમે ઘણા પ્રયત્ન કર્યા”

પાંચ વર્ષ પહેલાં લગ્‍ન કરનાર એક સ્ત્રી કબૂલે છે કે, “મેં ઘણા પ્રયત્નો કર્યાં. મને ખબર છે કે એ હવે સુધરશે નહિ. પરંતુ હું અમારાં બાળકો વિષે વધારે ચિંતાતુર હતી.”

એવું કહેવામાં આવે છે કે પ્રેમનું વિરુદ્ધાર્થ ધિક્કાર નહિ પરંતુ ઉદાસીનતા છે. ખરેખર, લગ્‍નમાં અસહમતી વિનાશક બની શકે છે.

તેમ છતાં, દુઃખની બાબત છે કે કેટલાક યુગલો પ્રેમ વિનાના લગ્‍નથી એટલા બધા ટેવાઈ ગયા હોય છે કે તેઓને સુધારાનું કોઈ કિરણ દેખાતું નથી. દાખલા તરીકે, ૨૩ વર્ષના લગ્‍નજીવન પછી એક પતિએ કહ્યું કે એ મારા માટે “કંટાળાજનક નોકરી” જેવું બની ગયું છે. તે ઉમેરે છે, “અમુક પરિસ્થિતિમાં તમે તમારાથી બનતું બધું જ કરી શકો.” એવી જ રીતે, સાત વર્ષ પહેલાં લગ્‍ન કરનાર વેન્ડી નામની એક પત્નીએ પોતાના પતિ માટેની બધી જ આશા છોડી દીધી છે. તે કહે છે, “મેં ઘણી વાર પ્રયત્ન કર્યો પરંતુ તે હંમેશા મનમાં ફાવે તેમ કરે છે. છેવટે, મેં હતાશ થઈને પડતું મૂક્યું. મારે એ જ પરિસ્થિતિમાં ફરીથી પસાર થવું નથી. જો હું કંઈ આશા રાખું તો, એનાથી મને જ દુઃખ પહોંચશે. એથી હું કોઈ પ્રકારની આશા રાખતી જ નથી. એનાથી મને કંઈ સુખ તો નથી મળતું, પરંતુ હું હતાશ પણ નથી થતી!”

હતાશા, વિરોધાભાસ, ઝઘડા અને ઉદાસીનતા તો ફક્ત થોડા જ ઘટકો છે કે જેનાથી લગ્‍નજીવનમાં પ્રેમ ઓછો થઈ જાય છે. દેખીતી રીતે જ, એવાં તો બીજા ઘણાં કારણો છે કે જે પાન ૫ પરના બૉક્સમાં આપવામાં આવ્યા છે. બાબત ગમે તે હોય, પરંતુ શું પ્રેમ વિનાના લગ્‍નોમાં ફસાયેલા સાથી માટે કોઈ આશા છે? (g01 1/8)

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

પ્રેમ વિનાના લગ્‍નો—અન્ય કારણો

પૈસા: “એક વ્યક્તિ વિચારી શકે કે યુગલ પોતાની જરૂરિયાતો માટે પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો એનું સાથે બેસીને બજેટ બનાવશે તો, એ તેઓને એકતામાં રહેવા મદદ કરશે અને આમ તેઓ પોતાની મહેનતના ફળનો આનંદ માણી શકશે. પરંતુ એમ કરતા તેઓમાં મતભેદ પણ પડી શકે.”—ડૉ. એરન ટી. બૅક.

માબાપ બન્યા પછી: “અમને જોવા મળ્યું છે કે ૬૭ ટકા યુગલો પોતાના પહેલાં બાળક પછી લગ્‍નમાં અસંતોષ અનુભવે છે. એના કારણે ઝઘડાઓમાં આઠ ગણો વધારો થયો છે. કેમ કે માબાપો પોતે થાકી ગયા હોય છે અને તેઓ પાસે પોતાના માટે પૂરતો સમય હોતો નથી.”—ડૉ. જોન ગોટમેન.

કપટ: “લગ્‍નમાં સામાન્ય રીતે બેવફાઈ હોય ત્યાં કપટનો સમાવેશ થાય છે અને સાદી ભાષામાં કપટનો અર્થ વિશ્વાસઘાત થાય છે. સુખી લગ્‍નજીવનમાં વિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. કપટીપણું લગ્‍ન સંબંધમાં એક દીવાલ ઊભી કરે છે. તેથી શું એમાં નવાઈ લાગવી જોઈએ?”—ડૉ. નીના એસ. ફિલ્ડ્‌સ.

સેક્સ: “પતિ કે પત્ની છૂટાછેડા માટે અરજી કરે ત્યારે, તેઓ વચ્ચે ઘણાં વર્ષોથી જાતીય સંબંધ ન હોય એ સામાન્ય બની ગયું છે. કેટલાક કિસ્સાઓમાં તો, પતિ-પત્નીએ જાતીય સંબંધ કદી બાંધ્યો જ નથી. બીજા કેટલાક યુગલો તો પોતાના સાથીની શારીરિક જરૂરિયાત સંતોષવા યંત્રવત્‌ બની ગયા હોય છે.”—જૂડીથ એસ. વોલસ્ટાઈન, તબીબી મનોચિકિત્સક.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

બાળકો પર અસર

ડૉક્ટર જોન ગોટમેને કંઈક ૨૦ વર્ષથી પરિણીત યુગલો પર સંશોધન કરવા આ પ્રશ્ન પૂછ્યો: શું તમારું લગ્‍ન જીવન તમારાં બાળકને અસર કરી શકે? તેઓએ એનો જવાબ હામાં આપ્યો. તે કહે છે, “દસ વર્ષના બે અભ્યાસમાં, અમને જોવા મળ્યું છે કે દુઃખી માબાપના બાળકોના હૃદયના ધબકારા સારી પરિસ્થિતિમાં પણ સૌથી વધારે હોય છે. તેઓ સાથે હસીમજાક કરવાથી પણ ધબકારા સામાન્ય થતા નથી. તેમ જ માબાપના ઝઘડાઓના કારણે બાળકો શાળામાં સારું કરી શકતા નથી. તેમનો માનસિક વિકાસ પણ ધીમો હોય છે.” એની સરખામણીમાં ડૉ. ગોટમેન કહે છે, સુખી દંપતીના બાળકો “શાળા તેમ જ સમાજમાં સારું કરે છે. કારણ કે તેઓના માબાપે તેઓને શીખવ્યું હોય છે કે તેઓએ કઈ રીતે બીજાઓ સાથે આદરપૂર્વક વર્તવું અને મનદુઃખ થયું હોય ત્યારે બાબતો કઈ રીતે હલ કરવી.”