શું ખ્રિસ્તી સભાઓમાં જવું જોઈએ?
બાઇબલ શું કહે છે
શું ખ્રિસ્તી સભાઓમાં જવું જોઈએ?
“હું નિયમિત ચર્ચમાં જતો હતો, પરંતુ હવે નથી જતો.” “મને લાગે છે કે ફક્ત ચર્ચમાં જ નહિ પરંતુ આપણે ગમે ત્યાં પરમેશ્વરની ઉપાસના કરી શકીએ છીએ.” “હું પરમેશ્વર અને બાઇબલમાં માનું છું પરંતુ ચર્ચમાં જવું મને જરૂરી લાગતું નથી.” શું તમે આ પ્રકારની વાત સાંભળી છે? ખાસ કરીને પશ્ચિમના દેશોમાં ઘણા લોકો આ પ્રમાણે કહે છે. નિયમિત ચર્ચમાં જતા લોકોને હવે એવું લાગે છે કે ચર્ચમાં જવું કંઈ જરૂરી નથી. પરંતુ ચર્ચમાં કે ખ્રિસ્તી સભાઓમાં જવા વિષે બાઇબલ શું કહે છે?
“ચર્ચ” અને “ચર્ચો” શબ્દ કીંગ જેમ્સ વર્શનમાં ૧૧૦ વખત જોવા મળે છે. બીજા ભાષાંતરોમાં પણ આ શબ્દ જોવા મળે છે. ગ્રીક શબ્દનું ભાષાંતર પામેલા “ચર્ચ” શબ્દનો શાબ્દિક અર્થ, લોકોનું ભેગા મળવું થાય છે. દાખલા તરીકે, પ્રેરિતોનાં કૃત્યો ૭:૩૮ કહે છે કે મુસા “રાનમાંની મંડળીમાં,” અર્થાત્ તે અરણ્યમાં ઈસ્રાએલ પ્રજા સાથે હતા. બીજી જગ્યાઓએ બાઇબલ યરૂશાલેમના ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરતા કહે છે, “મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧) પાઊલે પોતાના એક પત્રમાં સ્થાનિક મંડળનો “તેના [ફિલેમોનના] ઘરમાં મળતી મંડળી” તરીકે ઉલ્લેખ કર્યો.—ફિલેમોન ૨, પ્રેમસંદેશ.
આમ, સ્પષ્ટપણે જોવા મળે છે કે બાઇબલમાં ઉલ્લેખાયેલો “મંડળ કે ચર્ચ” શબ્દ, ઉપાસનાના સ્થળ માટે નહિ પરંતુ ઉપાસકોના વૃંદ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. એ બાબત સાથે સહમત થતા, બીજી સદીના ધાર્મિક શિક્ષક, એલેક્ઝાંડ્રિયાના ક્લેમેંટે લખ્યું: “હું જગ્યાને નહિ પરંતુ ખ્રિસ્તી મંડળમાં એકઠાં થાય એને ચર્ચ કહું છું.” તો શું પરમેશ્વરને સ્વીકાર્ય હોય એવી જગ્યાએ જઈને ખ્રિસ્તીઓએ તેમની ઉપાસના કરવી જોઈએ?
ઈસ્રાએલમાં ઉપાસના
મુસાના નિયમ પ્રમાણે દરેક યહુદી ત્રણ વાર્ષિક તહેવાર માટે ખાસ સ્થળે ભેગા મળે એ જરૂરી હતું. એમાં ઘણી સ્ત્રીઓ અને બાળકો પણ ભેગા મળતા હતા. (પુનર્નિયમ ૧૬:૧૬; લુક ૨:૪૧-૪૪) અમુક પ્રસંગોએ યાજકો અને લેવીઓ લોકોને ભેગા કરીને તેમની સમક્ષ પરમેશ્વરના નિયમમાંથી વાંચતા હતા. તેઓ ‘એમાંથી સ્પષ્ટ રીતે વાંચીને તેઓને વાંચેલું સમજાવતા હતા.’ (નહેમ્યાહ ૮:૮) સાબ્બાથના વર્ષો માટે, પરમેશ્વરે આ પ્રમાણે માર્ગદર્શન આપ્યું હતું: “લોકોને, એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને, તથા તારી ભાગળોમાં રહેનાર તારો જે પરદેશી, તેઓને એકઠા કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવાહ તારા દેવથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં આણે.”—પુનર્નિયમ ૩૧:૧૨.
વ્યક્તિ ફક્ત યરૂશાલેમના મંદિરમાં જ પરમેશ્વરને બલિદાન ચઢાવીને યાજકો પાસેથી માર્ગદર્શન મેળવી શકતી હતી. (પુનર્નિયમ ૧૨:૫-૭; ૨ કાળવૃત્તાંત ૭:૧૨) સમય જતાં, ઈસ્રાએલમાં ઉપાસના માટેના બીજા ઘરો બાંધવામાં આવ્યા જેને સભાસ્થાનો કહેવાય છે. એ શાસ્ત્રવચનો વાંચવા અને પ્રાર્થના કરવા માટેના સ્થળો હતા. તેમ છતાં, યરૂશાલેમ શુદ્ધ ઉપાસના માટેનું મુખ્ય સ્થાન હતું. બાઇબલના એક લેખક લુકે આપેલા ઉદાહરણ પરથી એ જોવા મળે છે. તેમણે વૃદ્ધ આન્નાનો ઉલ્લેખ કર્યો કે જે “મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.” (લુક ૨:૩૬, ૩૭) આન્ના તેમ જ બીજા ઉપાસકો માટે એ સાચી ઉપાસનાનું મુખ્ય સ્થળ હતું.
ખ્રિસ્તના મરણ પછી સાચી ઉપાસના
ખ્રિસ્તના મરણ પછી તેમના અનુયાયીઓ મુસાના નિયમ હેઠળ ન હતા, તેમ જ તેઓને ઉપાસના માટે મંદિરમાં જવાની પણ જરૂર ન હતી. (ગલાતી ૩:૨૩-૨૫) તેમ છતાં, તેઓએ પ્રાર્થના અને પરમેશ્વરના શબ્દનો અભ્યાસ કરવા માટે ભેગા મળવાનું ચાલુ રાખ્યું. તેઓ પાસે કોઈ ભવ્ય મકાનો ન હતા, પરંતુ તેઓ ઘરોમાં અને જાહેર સ્થળોએ ભેગા મળતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧, ૨; ૧૨:૧૨; ૧૯:૯; રૂમી ૧૬:૪, ૫) પ્રથમ સદીના ખ્રિસ્તીઓના સભાસ્થાનોમાં કોઈ પ્રકારનો ભપકાદાર દેખાવ જોવા મળતો ન હતો તેમ જ કોઈ વિધિઓ પણ ન હતી, એના બદલે એ સાદા સભાસ્થાનો હતા.
એ સમયે રોમન સામ્રાજ્યના નૈતિક અંધકારમાં, સભાઓમાં જે બાઇબલ સિદ્ધાંતો શીખવવામાં આવતા હતા એ હીરાની જેમ ચમકતા હતા. પહેલી વાર સભાઓમાં આવનાર અવિશ્વાસી વ્યક્તિ પણ કહી શકતી હતી કે “ખરેખર તમારામાં દેવ છે.” (૧ કોરીંથી ૧૪:૨૪, ૨૫) હા, ખરેખર, પરમેશ્વર તેઓ મધ્યે હતા. “એ રીતે મંડળીઓનો વિશ્વાસ દૃઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૫.
શું એ સમયના ખ્રિસ્તીઓ મંદિરમાં કે ઘરે બેઠા ઉપાસના કરવાથી પરમેશ્વરની કૃપા પામી શકતા હતા? બાઇબલ એ વિષે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. સાચા ઉપાસકો માટે એ જરૂરી હતું કે તેઓ ‘એક શરીરના’ ભાગ હોય તેમ, ફક્ત સાચા ચર્ચ કે મંડળનો એક ભાગ બને. તેઓ ઈસુના શિષ્યો હતા અને તેઓ ખ્રિસ્તીઓ તરીકે જાણીતા હતા.—એફેસી ૪:૪, ૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬.
આજના વિષે શું?
ભવ્ય ઇમારતની ઉપાસના કરવાને બદલે બાઇબલ આપણને મંડળ સાથે ઉપાસના કરવાનું ઉત્તેજન આપે છે. એ ‘જીવતા દેવની મંડળીને’ “આત્માથી તથા સત્યતાથી” ઉપાસના કરવાનું ઉત્તેજન આપે છે. (૧ તીમોથી ૩:૧૫; યોહાન ૪:૨૪) પરમેશ્વરે સ્વીકૃતિ આપેલી ધાર્મિક સભાઓએ લોકોને “પવિત્ર આચરણ તથા ભક્તિભાવ” વિષે શીખવવું જ જોઈએ. (૨ પીતર ૩:૧૧) એણે સભાઓમાં ભેગા મળનારાઓને પુખ્ત ખ્રિસ્તીઓ બનવા મદદ કરવી જ જોઈએ, જેથી તેઓ ‘ખરાંખોટાંને પારખી’ શકે.—હેબ્રી ૫:૧૪.
યહોવાહના સાક્ષીઓ પ્રથમ સદીના ખ્રિસ્તીઓના ઉદાહરણને અનુસરે છે. જગતવ્યાપી લગભગ ૯૧,૪૦૦ મંડળોમાં તેઓ નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરવા અને એકબીજાને ઉત્તેજન આપવા ભેગા મળે છે. એ માટે તેઓ રાજ્યગૃહોમાં, ઘરોમાં અને બીજા સ્થળોએ ભેગા થાય છે. એના સુમેળમાં પ્રેષિત પાઊલે લખ્યું: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.”—હેબ્રી ૧૦:૨૪, ૨૫. (g01 3/8)