સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચેરાપુંજી પૃથ્વી પર સૌથી વધુ વરસાદ પડતાં સ્થળોમાંનું એક

ચેરાપુંજી પૃથ્વી પર સૌથી વધુ વરસાદ પડતાં સ્થળોમાંનું એક

ચેરાપુંજી પૃથ્વી પર સૌથી વધુ વરસાદ પડતાં સ્થળોમાંનું એક

ભારતમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

પૃથ્વી પર સૌથી વધુ વરસાદ પડતાં સ્થળોમાંનું એક? એ પણ ભારતમાં? ત્યાં તો પાણીની તંગી એકદમ સામાન્ય બાબત છે અને વર્ષના મોટા ભાગના દિવસોમાં અહીં છત્રીની કંઈ જરૂર પડતી નથી! તો પછી, આપણે એવા તો કયા સ્થળની વાત કરી રહ્યા છીએ? એ ભારતના ઉત્તર-પૂર્વે આવેલા મેઘાલય રાજ્યનું ચેરાપુંજી શહેર છે કે જે બાંગ્લાદેશની સરહદ પાસે આવેલું છે. મેઘાલય એટલું તો રળિયામણું છે કે એને “પૂર્વનું સ્કોટલૅન્ડ” કહેવામાં આવે છે. એના નામનો અર્થ થાય છે, “વાદળોનો પ્રદેશ.” પરંતુ શા માટે લાંબા સમયથી ચેરાપુંજીને પૃથ્વી પરના સૌથી વધુ વરસાદ પડતાં સ્થળોમાંના એક તરીકે ગણવામાં આવે છે? ચાલો આ આકર્ષક કુદરતી અજાયબીની ટૂંકી સફર કરીએ. *

અમે મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગથી અમારી મુસાફરી શરૂ કરી. અમે એક ટૂરીસ્ટ બસમાં બેસીને દક્ષિણ તરફ ગયા. ઊંચા-નીચા પહાડો અને ખુલ્લાં મેદાનો પસાર કર્યા તેમ, અમે આગળ ઘેરાયેલાં વાદળો જોયાં, જેણે યાદ દેવડાવ્યું કે એનું મેઘાલય નામ યોગ્ય જ છે.

અમારો રોડ બહુ જ વાંકોચૂકો ઉપર ચઢતો અને પહાડની ધાર પર હતો અને એના ઢોળાવની ઊંડી ખીણ વૃક્ષોની ઘટાથી બનેલા ધાબળા જેવી લાગતી હતી. ખૂબ જ ઊંચેથી પડતા ધોધનું ધસમસતું પાણી, ખીણમાં થઈને સતત નદીમાં વહી જાય છે. અમારી બસ માવડોક શહેરમાં ઊભી રહી ત્યારે, અમે નીચા વાદળને ડુંગરો પસાર કરતું જોયું. એને કારણે અચાનક, દૃશ્ય દેખાતું બંધ થઈ ગયું અને એ જ ઝડપે વાદળ ખસી જવાથી પાછું દેખાવા લાગ્યું. એક ક્ષણ માટે, અમારી આસપાસ પણ ધુમ્મસ છવાઈ ગયું અને એ નરમ સફેદ ધાબળાએ અમને ઢાંકી દીધા. તરત જ, વાદળાંઓ ગોળ ગોળ ઘુમરાઈને અદૃશ્ય થઈ ગયા અને સૂર્યના કિરણોએ અચંબો પમાડે એવું દૃશ્ય ખડું કર્યું.

ચેરાપુંજી સમુદ્રસપાટીથી ૧૩૦૦ મીટર ઊંચે આવેલું છે. અમે એ શહેરમાં પહોંચ્યા ત્યારે, ઘેરાયેલાં વાદળ ક્યાંય નજરે પડતા ન હતા અને કોઈની પાસે છત્રી પણ ન હતી. ફક્ત અમે પ્રવાસીઓ જ છત્રીઓ લઈને ફરતા હતા! તેથી, નવાઈની બાબત છે કે વરસાદ ક્યારે પડે છે?

ગરમ પ્રદેશોમાં, દરિયાના તપેલા ભાગોમાંથી સૂર્યની ગરમી દ્વારા વધુ પ્રમાણમાં પાણીનું બાષ્પીભવન થાય છે ત્યારે ભારે વરસાદ પડે છે. હિંદ મહાસાગરમાંથી ભેજવાળી હવા હિમાલય પર્વતના દક્ષિણ ઢોળાવ પર ત્રાટકે છે અને ગરમ હવા ઉપર ચઢે છે ત્યારે, મુશળધાર વરસાદ પડે છે. મેઘાલયના સમતલ પર્વતીય પ્રદેશમાં વરસાદની વધુ પડતી મહેર છે. વધુમાં, એવું જણાય છે કે આ ઉચ્ચ વિસ્તારમાં દિવસ દરમિયાન સૂર્યની પુષ્કળ ગરમી પડતી હોવાથી, પાણીની વરાળ ઉપર ચઢે છે અને સાંજે એ વરાળ ઠંડી થાય ત્યાં સુધી ઉપર જ રહે છે. એનાથી જાણી શકાય છે કે શા માટે રાત્રે જ વરસાદ પડે છે.

જુલાઈ ૧૮૬૧ દરમિયાન, આશ્ચર્યકારક રીતે ચેરાપુંજીમાં ૯૩૦ સેન્ટિમીટર વરસાદ પડ્યો હતો! અને ઑગસ્ટ ૧, ૧૮૬૦થી જુલાઈ ૩૧, ૧૮૬૧ સુધીના ૧૨ મહિના દરમિયાન ૨૬૪૬ સેન્ટિમીટર વરસાદ વરસ્યો હતો. આજે ચેરાપુંજીમાં સરેરાશ વર્ષના ૧૮૦ દિવસો વરસાદ પડે છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ભારેમાં ભારે વરસાદ પડે છે. મોટા ભાગે વરસાદ રાત્રે જ પડતો હોવાથી, ઝાપટાથી ભીંજાયા વગર પ્રવાસીઓ ત્યાંના સુંદર દૃશ્યોનો ભરપૂર આનંદ માણી શકે છે.

આટલો બધો વરસાદ પડતો હોવા છતાં, આ પ્રદેશમાં પાણીની તંગી હોય એ માનવું અઘરું લાગે છે. તેમ છતાં, શિયાળાના મહિનાઓમાં એવું અવારનવાર બનતું હોય છે. તો પછી, વરસાદનું પાણી ક્યાં જાય છે? ચેરાપુંજીની બહારનાં જંગલોને કાપી નાખવામાં આવ્યા હોવાથી, વરસાદનું મોટા ભાગનું પાણી પહાડની ટોચ પરથી વહીને મેદાનોની નદીઓમાં જતું રહે છે, જે નદીઓ બાંગ્લાદેશ તરફ વહી જાય છે. ઝરણાઓ પર ડેમ બનાવવાની અને તળાવો બાંધવાની યોજનાઓ વિચારવામાં આવી રહી છે. પરંતુ, મૌસિનરમ ગામના આદિવાસી રાજા જી. એમ. માલ્નગ્યનના કહેવા પ્રમાણે, “પાણીની સમસ્યા હલ કરવા કોઈ ખાસ પગલાં” ભરવામાં આવ્યા નથી.

ચેરાપુંજીની મુલાકાતમાં ખરેખર ખૂબ જ મઝા આવી અને એમાંથી ઘણું શીખવા મળ્યું છે. આ સ્થળનાં દૃશ્યો અચંબો પમાડે એટલાં રમણીય છે! ત્યાં ૩૦૦ જાતનાં ઓર્કિડ્‌સ ફૂલો સહિત વિવિધ પ્રકારનાં ફૂલો અને લોટાના આકાર જેવી કીટાહારી વનસ્પતિની અજોડ જાતો પણ જોવા મળે છે. વધુમાં, ત્યાં વિવિધ પ્રકારના અજોડ વન્યપ્રાણીઓ પણ છે અને ચુનાના પથ્થરની ગુફાઓ અને મોટા મોટા ખડકો જોવા લાયક છે. ત્યાંના વિસ્તારોમાં રસદાર નારંગીઓ થાય છે તથા નારંગીનું કુદરતી મધ બનાવવું પણ શક્ય બને છે. “વાદળાંઓના પ્રદેશ” મેઘાલયની અને પૃથ્વી પર સૌથી વધુ વરસાદ પડતાં સ્થળો પૈકીના એક ચેરાપુંજીની મુલાકાત લેનારાઓ માટે આ બધુ રાહ જોઈ રહ્યું છે. (g01 5/8)

[ફુટનોટ]

^ હવાઈ ટાપુઓમાંના કવાઈ ટાપુ પર આવેલા વાઈલેલે પર્વત પર અને ચેરાપુંજીથી ૧૬ કિલોમીટર દૂર આવેલા મૌસિનરમ ગામમાં અમુક સમયે ચેરાપુંજીથી પણ વધારે વરસાદ પડેલો નોંધાયો છે.

[પાન ૨૮ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ભારત

ચેરાપુંજી

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૨૯ પર ચિત્ર]

ધોધનું ધસમસતું પાણી, ખીણમાં થઈને સતત નદીમાં વહી જાય છે

[પાન ૨૯ પર ચિત્ર]

પૃથ્વીના આ ખૂણામાં લોટાના આકાર જેવી અજોડ કીટાહારી વનસ્પતિની જાતો જોવા મળે છે

[ક્રેડીટ લાઈન]

Photograph by Matthew Miller