સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પરમેશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળશે?

શું પરમેશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળશે?

યુવાનો પૂછે છે . . .

શું પરમેશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળશે?

“હું બધી જ બાબતો વિષે યહોવાહને પ્રાર્થના કરું છું, કેમ કે તે મારા મિત્ર છે અને હું જાણું છું કે હું જો મુશ્કેલીઓમાં આવી જઈશ તો તે જરૂર મને મદદ કરશે.”—એન્ડ્રિયા.

યુવાન એન્ડ્રિયાને તો ખાતરી છે કે પરમેશ્વર તેની પ્રાર્થનાઓ સાંભળે છે. પરંતુ, બધા જ યુવાનોને એવો ભરોસો હોતો નથી. ઘણા યુવાનોને લાગે છે, કે પરમેશ્વર એટલા દૂર છે કે તેમના સુધી પહોંચવું શક્ય જ નથી. કેટલાકને નવાઈ લાગે છે કે પરમેશ્વર તેઓની કાળજી રાખતા જ ન હોય તો શા માટે તેઓએ પ્રાર્થના કરવી જોઈએ.

પ્રાર્થનાનો હેતુ શું છે? સાદા શબ્દોમાં કહીએ તો, એનો અર્થ, પરમેશ્વર સાથે સાચી મિત્રતા ધરાવવી થાય છે. ગીતશાસ્ત્રના એક લેખકે આમ પ્રાર્થના કરી: “તારૂં નામ જાણનારા તારા પર ભરોસો રાખશે.” (ગીતશાસ્ત્ર ૯:૧૦) તમારા વિષે શું? શું તમે યહોવાહને એટલી હદે જાણો છો કે તે તમારી પ્રાર્થના જરૂર સાંભળશે જ એવો ભરોસો રાખી શકો? તમે આગળ વાંચો એ પહેલાં, “તમે પરમેશ્વરને કેટલી હદે જાણો છો?” બોક્ષના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરો. એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ તમે આપી શકો?

તમે પરમેશ્વરને કેટલી હદે જાણો છો? જવાબો પાન ૧૩ પર

૧. પરમેશ્વરનું નામ શું છે અને એનો અર્થ શું થાય છે?

૨. બાઇબલ પરમેશ્વરના કયા મુખ્ય ચાર ગુણો બતાવે છે?

૩. માણસજાત માટે પરમેશ્વરને પ્રેમ છે એનું સૌથી મોટું વક્તવ્ય શું હતું?

૪. આપણે કઈ રીતે પરમેશ્વર સાથે મિત્રતાનો આનંદ માણી શકીએ?

૫. આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ?

બાકીનો લેખ વાંચ્યા પહેલાં શું તમે અમુક પ્રશ્નોના જવાબ આપી શક્યા? જો તમે જવાબો આપી શક્યા હોવ તો, મોટા ભાગના લોકો કરતાં તમે પરમેશ્વર વિષે વધારે જાણો છો. તમારા જવાબો પરથી તમે જોયું હશે કે પરમેશ્વરને સારી રીતે જાણવા માટે તમારે હજુ વધુ જ્ઞાન લેવાની જરૂર છે. (યોહાન ૧૭:૩) તમે એમ કરી શકો એ માટે બાઇબલ “પ્રાર્થનાના સાંભળનાર” વિષે જે કહે છે એમાંની થોડી બાબતોનો વિચાર કરો.—ગીતશાસ્ત્ર ૬૫:૨.

પરમેશ્વર વાસ્તવિક વ્યક્તિ છે

પ્રથમ તો બાઇબલ આપણને એ સમજવામાં મદદ કરે છે કે પરમેશ્વર કોઈ અવૈયક્તિક બળ નથી. તે એક વ્યક્તિ છે અને તેમનું નામ યહોવાહ છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) હેબ્રી ભાષામાં એ નામનો અર્થ થાય છે, “તે કારણભૂત બને છે.” પોતાનો હેતુ પૂરો કરવા માટે તેમને જે બનવાની જરૂર પડે છે, તે એ બની શકે છે. વ્યક્તિ ન હોય એવું બળ એમ ન કરી શકે! તેથી, તમે ખાતરી રાખી શકો કે તમે પ્રાર્થના કરો છો ત્યારે, તમે કોઈ અદૃશ્ય શક્તિ સાથે કે હવામાં વાત કરી રહ્યા નથી. તમે એવી વ્યક્તિ સાથે વાત કરો છો કે જે તમારી પ્રાર્થનાઓ સાંભળી શકે છે અને એનો જવાબ પણ આપી શકે છે.—એફેસી ૩:૨૦.

તેથી જ ડાયના નામની એક યુવતી કહે છે: “હું જાણું છું કે ભલેને હું ગમે ત્યાં હોઉં, યહોવાહ મારી પ્રાર્થના સાંભળશે.” આ પ્રકારનો ભરોસો રાખવા માટે, તમારા માટે પરમેશ્વર વાસ્તવિક હોવા જોઈએ! બાઇબલ કહે છે, “દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે . . . એવો વિશ્વાસ કરવો જોઈએ.”—હેબ્રી ૧૧:૬.

ડહાપણ અને શક્તિના ઉદ્‍ભવ

પરમેશ્વર આપણને ખરેખર મદદ કરી શકે કારણ કે તેમનામાં આશ્ચર્ય પમાડે એવી શક્તિ છે. તેમની એ શક્તિ અમર્યાદિત છે, એનો પુરાવો આપણે આપણા ભવ્ય અને સૌથી જટિલ વિશ્વમાં જોઈ શકીએ છીએ. ગણી ન શકાય એટલા અબજો તારાઓ હોવા છતાં, બાઇબલ કહે છે કે યહોવાહ દરેક તારાઓના નામ જાણે છે! એટલું જ નહિ પરંતુ બધા તારાઓની શક્તિ તેમની સામે કંઈ જ નથી. (યશાયાહ ૪૦:૨૫, ૨૬) શું એ જાણીને આશ્ચર્ય થતું નથી? આ હકીકતો ખરેખર મુગ્ધ કરી નાખતી હોવા છતાં બાઇબલ કહે છે, “આ તો તેના માર્ગોનો માત્ર ઈશારો છે.”—અયૂબ ૨૬:૧૪.

યહોવાહના અમર્યાદિત ડહાપણ વિષે પણ વિચારો. બાઇબલ કહે છે કે તેમના વિચારો “બહુ ગહન” છે. (ગીતશાસ્ત્ર ૯૨:૫) તેમણે માણસજાતને બનાવી હોવાથી, તે આપણને આપણા કરતાં વધુ સમજે છે. (ગીતશાસ્ત્ર ૧૦૦:૩) “અનાદિકાળથી તે અનંતકાળ સુધી” અસ્તિત્વ ધરાવતા હોવાથી, તેમનો અનુભવ અમર્યાદિત છે. (ગીતશાસ્ત્ર ૯૦:૧, ૨) એવી કોઈ પણ બાબત નથી કે જે તેમની સમજશક્તિની બહાર હોય.—યશાયાહ ૪૦:૧૩, ૧૪.

યહોવાહ પોતાની બધી જ શક્તિ અને ડહાપણનો કેવી રીતે ઉપયોગ કરે છે? બીજો કાળવૃત્તાંત ૧૬:૯ કહે છે: “કેમકે યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” એવી કોઈ સમસ્યા નથી કે જેને પરમેશ્વર હલ ન કરી શકે અથવા એનો સામનો કરવા તમને મદદ ન કરી શકે. કૈલ નામની યુવતી કહે છે: “થોડા સમય પહેલાં જ અમારું કુટુંબ મુશ્કેલીમાં આવી ગયું હતું ત્યારે, મેં યહોવાહને પ્રાર્થના કરી પછી મેં અનુભવ્યું કે તેમણે એ સંજોગો, સમસ્યાઓ અને લાગણીમય દુઃખ સહન કરવા મદદ કરી હતી, નહિ તો અમે એ સહન જ ન કરી શકત.” તમે પરમેશ્વરને પ્રાર્થનામાં જણાવો છો ત્યારે તમે ડહાપણના ઉદ્‍ભવ પાસે જાઓ છો. જો તમે તેમની મદદ ન લો તો, બીજી કોઈ બાબત તમને વધુ મદદ નહિ કરી શકે!

ન્યાય અને પ્રેમના દેવ

પરંતુ, તમે કઈ રીતે કહી શકો કે પરમેશ્વર તમને મદદ કરવા ઇચ્છે છે? એનું કારણ એ છે કે યહોવાહે પોતાની અમર્યાદિત શક્તિ, ઊંડા ડહાપણ કે અટલ ન્યાય જેવા ગુણોથી ઓળખાવાનું પસંદ કર્યું નથી. એને બદલે, યહોવાહ તેમના મુખ્ય ગુણ ‘પ્રેમથી’ જાણીતા છે. “દેવ પ્રેમ છે” એવું ૧ યોહાન ૪:૮ કહે છે. આ મહાન પ્રેમને કારણે જ આપણે ભરોસો રાખી શકીએ કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળશે. તેમના પ્રેમનું સૌથી મોટું વક્તવ્ય એ હતું કે આપણને અનંતજીવન મળે માટે તેમણે ખંડણી બલિદાન તરીકે પોતાના પુત્રને આપ્યો.—યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૯, ૧૦.

દેવ પ્રેમ હોવાથી, તમારે ક્યારેય એ ચિંતા કરવાની જરૂર નથી કે તે તમારી અવગણના કરશે અથવા અન્યાયથી વર્તશે. કેમ કે પુનર્નિયમ ૩૨:૪ કહે છે કે “તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે.” દેવનો પ્રેમ જ આપણને ખાતરી આપે છે કે તે આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે વિશ્વાસ રાખી શકીએ કે આપણા સૌથી ખાનગી વિચારો અને લાગણીઓ પણ તેમને જણાવી શકીએ છીએ.—ફિલિપી ૪:૬, ૭.

પરમેશ્વર સાથે મિત્રતા

હકીકતમાં યહોવાહ આપણને પ્રાર્થના કરવા ઉત્તેજન આપે છે. તે આપણા મિત્ર થવા ચાહે છે. મનુષ્યની શરૂઆતથી તેમણે લોકોને પોતાના મિત્ર બનવાનું આમંત્રણ આપ્યું છે. પરમેશ્વરની મિત્રતાનો આનંદ માણ્યો છે અને જેઓને તે પોતે પસંદ કરે છે એવા લોકોમાં સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો અને યુવાનો બધા જ હતા. એમાં ઈબ્રાહીમ, દાઊદ રાજા, ઈસુની માતા મરિયમ જેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.—યશાયાહ ૪૧:૮; લુક ૧:૨૬-૩૮; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨.

તમે પોતે પણ યહોવાહના મિત્ર બની શકો. પરંતુ, તેમની સાથે મિત્રતા બાંધવાનો એ અર્થ થતો નથી કે તમને કોઈ સમસ્યા હોય ત્યારે તમે ચપટી વગાડીને તેમને કહો એટલે તે કોઈ જીનની જેમ એનો ઉકેલ લાવે. આપણે આપણા સ્વાર્થ માટે જ પ્રાર્થના કરવી જોઈએ નહિ. દેવને આપણા મિત્ર બનાવવા હોય તો, આપણે પોતાની ઇચ્છા પ્રમાણે જ નહિ, પરંતુ તેમની ઇચ્છા પ્રમાણે વર્તવું જોઈએ. (માત્થી ૭:૨૧) તેથી જ, પરમેશ્વર જેને મહત્ત્વની ગણે છે એવી બાબતો વિષે ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. તેમણે કહ્યું: “માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૯, ૧૦) આપણી પ્રાર્થનાઓમાં આપણે તેમની આભાર સ્તુતિ કરવી જોઈએ!—ગીતશાસ્ત્ર ૫૬:૧૨; ૧૫૦:૬.

તોપણ, આપણી નજીવી જરૂરિયાતો માટે તેમને પ્રાર્થના કરવાની જરૂર નથી, એવું આપણે કદી વિચારવું ન જોઈએ. સ્ટીવ કહે છે, “હું દિલ ખોલીને પરમેશ્વરને પ્રાર્થનામાં બધું જ જણાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે, ક્યારેક મને એમ થાય છે કે હું શું કામ તેમને તકલીફ આપી રહી છું?” તમને પણ એવું લાગવા માંડે ત્યારે, ઈસુએ પોતાના શિષ્યોને શું શીખવ્યું હતું એ યાદ કરો: “શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તો પણ પરમેશ્વરની દૃષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. . . . બીહો મા, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (લુક ૧૨:૬, ૭) શું એનાથી આપણને આશ્વાસન મળતું નથી?

એ સમજવું સહેલું છે કે તમે જેટલું વધારે યહોવાહ વિષે જાણશો અને તેમને પ્રાર્થના કરવા પ્રેરાશો, એટલો વધુ તમારો ભરોસો વધશે કે યહોવાહ તમને મદદ કરી શકે છે અને કરશે જ. તેથી, તમે પ્રાર્થના કરો ત્યારે તમારું માનસિક વલણ કેવું હોવું જોઈએ? તમારું વલણ આદરપૂર્ણ, નમ્ર અને નિઃસ્વાર્થ હોવું જોઈએ. શું તમને લાગે છે કે તમે કોઈ અધિકારી સામે ઘમંડથી કે અસભ્યતાથી વાત કરશો તો, તેઓ તમારું સાંભળશે? તો પછી, તમને નવાઈ લાગવી જોઈએ નહિ કે યહોવાહ પણ ઇચ્છે છે કે તમે તેમની પાસે જાઓ ત્યારે તેમને અને તેમનાં ધોરણોને આદર આપો, પછી તે તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે.—નીતિવચન ૧૫:૨૯.

પરમેશ્વરનો ભય રાખનારા હજારો યુવાનો પોતાની મનની વાત યહોવાહને જણાવવાનું શીખ્યા છે. (ગીતશાસ્ત્ર ૬૨:૮) બ્રેટ કહે છે: “યહોવાહ મારી પ્રાર્થનાઓનો જવાબ આપે છે ત્યારે, મને ઉત્તેજન મળે છે કે હજુ પણ તે મારા મિત્ર છે.” તમારા વિષે શું? તમે પણ પરમેશ્વર સાથે આ પ્રકારની મિત્રતાનો આનંદ કઈ રીતે માણી શકો? બે ખ્રિસ્તી યુવાનોએ નીચે મુજબ જણાવ્યું:

રેચલ: “યહોવાહના મિત્ર બનવા માટે, મને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર લાગે છે અને હું આવો અભ્યાસ ચાલુ રાખવાનો પ્રયત્ન કરું છું.”—૧ પીતર ૨:૨.

જેની: “મને લાગે છે કે તમે યહોવાહની જેટલી વધુ સેવા કરશો એટલા તમે તેમની વધુ નિકટ અનુભવશો.”—યાકૂબ ૪:૮.

શું તમે કદી વિચાર્યું છે કે પ્રાર્થના કરવાથી કેટલો લાભ થાય છે? એક ખ્રિસ્તી યુવતી કહે છે: “જો પરમેશ્વર મારી સાથે વાતચીત કરે અથવા મને સંદેશો મોકલાવે તો મને લાગશે કે તે મારી નજીક છે.” આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, યહોવાહ આપણી સાથે મનુષ્યની જેમ વાત કરીને જવાબ આપતા નથી. તો પછી, પ્રાર્થના કરવાથી આપણને શું લાભ થઈ શકે? આની ચર્ચા ભવિષ્યના લેખમાં કરવામાં આવશે. (g01 6/22)

[પાન ૧૩ પર બોક્સ]

પાન ૧૧ પર આપેલા પ્રશ્નોના જવાબ

૧. યહોવાહ. એનો અર્થ થાય છે, “તે કારણભૂત બને છે.”

૨. પ્રેમ, શક્તિ, ન્યાય અને ડહાપણ.

૩. તેમણે આપણા ભલા માટે બલિદાન આપવા પોતાના એકાકીજનિત પુત્ર, ઈસુને મોકલ્યા.

૪. આપણે પોતાની જરૂરિયાતો વિષે જ ચિંતા કરવી ન જોઈએ, પરંતુ પરમેશ્વરની ઇચ્છા જાણીને એ પ્રમાણે કરવું જોઈએ.

૫. આપણે નમ્ર, આદરપૂર્ણ અને નિઃસ્વાર્થ હોવા જોઈએ.

[પાન ૧૨ પર ચિત્રો]

બાઇબલનો અભ્યાસ અને સૃષ્ટિ પર મનન કરવાથી તમે પરમેશ્વરને સારી રીતે જાણી શકશો