સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુટેનબર્ગ તેમણે દુનિયાની પ્રગતિમાં આપેલો ફાળો

ગુટેનબર્ગ તેમણે દુનિયાની પ્રગતિમાં આપેલો ફાળો

ગુટેનબર્ગ તેમણે દુનિયાની પ્રગતિમાં આપેલો ફાળો

જર્મનીમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી છે

લ્લા હજાર વર્ષમાં થયેલી કઈ શોધખોળે તમારા જીવનને સૌથી વધારે અસર કરી છે? ટેલિફોન, ટૅલિવિઝન કે મોટરગાડી? કદાચ એમાંની એક પણ નહિ હોય. ઘણા નિષ્ણાતો અનુસાર, એ છાપકાપનું યંત્ર છે. છાપકામ કરવાની સૌ પ્રથમ શોધ કરવાનો યશ જોહાનિસ ગેન્સફ્લીશ ઝુર લેડનને આપવામાં આવે છે. તેમને જોહાનિસ ગુટેનબર્ગ નામે વધારે ઓળખવામાં આવે છે. તે ઘણા ધનવાન કુટુંબમાંથી આવતા હતા અને એ કારણે તેમને તાલીમ લેવા માટે કોઈના હાથ નીચે કામ કરવાની જરૂર ન હતી.

ગુટેનબર્ગે કરેલી શોધનું “એક જર્મન તરફથી સમગ્ર માણસજાતને મૂલ્યવાન ભેટ” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું ૪૨ લીટીવાળું ગુટેનબર્ગ બાઇબલ તેમના છાપકામ મશીનની એક અણમોલ પ્રત છે. વળી, એની બચી ગયેલી દરેક પ્રત ખૂબ જ મોંઘી છે.

સમૃદ્ધ મેઇન્ઝ

ગુટેનબર્ગનો જન્મ મેઇન્ઝમાં લગભગ ૧૩૯૭માં કે એની આસપાસના વર્ષમાં થયો હતો. રાઇન નદીના કિનારે આવેલા આ નગરમાં એ સમયે કંઈક ૬,૦૦૦ની વસ્તી હતી. એ સમૃદ્ધ મેઇન્ઝ તરીકે જાણીતું હતું કેમ કે એ બીજાં શહેરોના રાજનેતાઓનું મુખ્ય કેન્દ્ર હતું. મેઇન્ઝના આર્ચબિશપ પવિત્ર રૂમી સામ્રાજ્યની ચૂંટણીમાં ભાગ લેતા હતા. મેઇન્ઝ, સોનાના કામ માટે પ્રખ્યાત હતું. યુવાન જોહાનિસ પણ ધાતુ કામ વિષે ઘણું શીખ્યા હતા જેમાં, ધાતુ પર અક્ષરો કેવી રીતે ઉપસાવવા એનો પણ સમાવેશ થતો હતો. રાજકીય વિખવાદને લીધે, તેમણે દેશ છોડવો પડ્યો અને કેટલાંક વર્ષો તે સ્ટ્રાસબુર્ગમાં રહ્યા. ત્યાં તે હીરા ઘસવાનું કામ શીખ્યા અને બીજા લોકોને પણ એ કુશળતા શીખવી. પરંતુ, તે એક નવા સંશોધનમાં વધારે વ્યસ્ત રહેતા હતા અને એને તેમણે ખાનગી રાખ્યું હતું. ગુટેનબર્ગ યાંત્રિક રીતે છાપકાપ કરવાની કળામાં વધારે નિખાર લાવવાનો પ્રયત્ન કરતા હતા.

ગુટેનબર્ગની બુદ્ધિ અને યોહાન્‍ન ફુસ્ટના નાણાં

ગુટેનબર્ગે મેઇન્ઝમાં પાછા ફર્યા પછી પણ પોતાના સંશોધન માટે પ્રયોગો ચાલુ રાખ્યા. નાણાકીય મદદ માટે, તે યોહાન્‍ન ફુસ્ટ પાસે ગયા અને ફુસ્ટે તેમને ૧૬૦૦૦ ગુલ્ડન ઉધાર આપ્યા. એ રકમ ઘણી મોટી હતી, કેમ કે એ સમયે એક કુશળ કારીગર વર્ષમાં ફક્ત ૩૦ ગુલ્ડન કમાતો હતો. ફુસ્ટ એક ચતુર વેપારી હતો અને તે ગુટેનબર્ગના કાર્યમાં પૈસા રોકવાથી થતા ફાયદાને જોઈ શકતો હતો. ગુટેનબર્ગના મનમાં કયા પ્રકારનું કાર્ય ચાલતું હતું?

ગુટેનબર્ગ દરેક બાબતોનું ધ્યાનથી અવલોકન કરતા હતા. તેમણે જોયું કે કઈ રીતે મોટા પ્રમાણમાં એક સરખી દેખાતી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. દાખલા તરીકે, સિક્કાઓ પાડવામાં આવતા હતા અને ધાતુઓમાં બંદૂકની ગોળીઓને ઢાળવામાં આવતી હતી. તો પછી, શું લખાણના એક સરખા પાનાઓને છાપીને, એને ક્રમવાર ભેગા કરીને એક પુસ્તકની અનેક નકલો ન બની શકે? પરંતુ, કયું પુસ્તક? ગુટેનબર્ગના મનમાં બાઇબલનો વિચાર આવ્યો. કેમ કે એ એટલું મોંઘું હતું કે ફક્ત ગણ્યાગાંઠ્યાં લોકો જ ખરીદી શકતા હતા. ગુટેનબર્ગે બાઇબલને મોટી સંખ્યામાં ઉત્પાદિત કરવાનો ધ્યેય રાખ્યો કે જે હાથથી લખવામાં આવેલી નકલો કરતાં સસ્તા હોય પરંતુ એની સુંદરતા એવીને એવી જ રહે. પરંતુ, એ કેવી રીતે કરવામાં આવ્યું?

મોટા ભાગનાં પુસ્તકોની હાથે લખીને નકલો કરવામાં આવતી હતી, જે ખૂબ જ મહેનત અને સમય માંગી લેતું હતું. છાપકામ માટે પુસ્તકના આખા પાનના અક્ષરો લાકડાના ટુકડા પર કોતરીને ‘બ્લોક’ અથવા બીબાં બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એક ચીની માણસ, પી શેંગે છાપકામ માટે માટીના એક એક અક્ષરો બનાવ્યા હતા. કોરિયામાં, સરકારી છાપકામ માટે તાંબામાંથી બનાવેલા અક્ષરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ, મૂવેબલ ટાઇપ મશીનના છાપકામમાં મોટી સંખ્યામાં શબ્દોની જરૂર પડતી હતી, કેમ કે આ મશીનના દરેક નવા પાનાને છાપવા માટે અલગ અલગ અક્ષરોને કોઈ પણ ક્રમમાં મૂકી શકાતા હતા. વળી, કોઈએ પણ અલગ અલગ અક્ષરોને બનાવવાની રીત શોધી ન હતી. એ ફક્ત ગુટેનબર્ગ માટે જ અનામત રાખેલું હતું.

ગુટેનબર્ગને ધાતુની કારીગરીમાં ઘણો અનુભવ હતો, તેથી તે સમજી શક્યા કે સૌથી સારા છાપકામ માટે એવા અક્ષરોનો ઉપયોગ કરવો જોઈએ જેને કોઈ પણ ક્રમમાં મૂકી શકાય. પરંતુ, એ અક્ષરો માટી કે લાકડાંના નહિ પણ ધાતુના બનેલા હોવા જોઈએ. એને કોતરવા કે ભઠ્ઠીમાં પકવવાને બદલે, ધાતુના રસને બીબાંમાં ઢાળીને બનાવવા જોઈએ. ગુટેનબર્ગને એટલા બધા બીબાંઓની જરૂર હતી કે જેનાથી તે બારાખડીના પૂરા ૨૬ અક્ષરોના નાના અને મોટા અક્ષરો, જોડકાં અક્ષરો, વિરામચિહ્‍નો, સંજ્ઞાઓ અને આંકડાઓ બનાવવા ઉપયોગમાં લઈ શકે. તેમણે હિસાબ કર્યો તો, બધા મળીને અલગ અલગ ૨૯૦ અક્ષરોની જરૂર હતી અને એ દરેકની અનેક નકલો પણ બનાવવાની હતી.

કાર્ય શરૂ કરવું

ગુટેનબર્ગે પોતાના પુસ્તક માટે લેટિન ભાષાની ગોથિક લિપિની પસંદગી કરી, કે જે બાઇબલની નકલ કરવા માટે મઠવાસી સાધુઓ ઉપયોગમાં લેતા હતા. ધાતુકામના પોતાના અનુભવનો ઉપયોગ કરીને, તેમણે દરેક અક્ષરો અને ચિહ્‍નોનું નાના સ્ટીલના ચોસલા પર કોતરકામ કર્યું અને સ્ટીલની સપાટી પર અરીસામાં સીધું દેખાય એવું ઊલટું ચિત્ર ઉપસાવ્યું. (ચિત્ર ૧) પછી, ઉપસાવેલા અક્ષરોવાળા આ સ્ટીલના ચોસલાની તાંબા કે પિત્તળની નરમ ધાતુઓના નાના ટુકડા પર છાપ મારવામાં આવી. પરિણામે, સીધા અક્ષરો નરમ ધાતુમાં ઉતરી ગયા જેને મૈટ્રિક્સ કહેવામાં આવે છે.

પછીના તબક્કામાં અક્ષરોને બીબાંમાં ઢાળીને ઘાટ આપવાનો હતો અને એ બાબતમાં ગુટેનબર્ગનું મગજ કમાલનું હતું. બીબાંનું કદ માણસની મુઠ્ઠી જેટલું હતું જેમાં ઉપર અને નીચેનો ભાગ ખુલ્લો રહેતો હતો. અક્ષરોનું મૈટ્રિક્સ, બીબાની નીચે લગાવવામાં આવતું હતું, અને પીગળેલી મિશ્રધાતું ઉપરથી રેડવામાં આવતી હતી. (ચિત્ર ૨) કલાઈ (ટિન), સીસું (લેડ), ઍન્ટિમની અને બિસ્મથમાંથી બનાવવામાં આવેલી આ મિશ્રધાતુ તરત જ ઠંડી પડીને સખત થઈ જતી હતી.

બીબાંમાં ઢાળવામાં આવેલી મિશ્રધાતુની એક બાજુ, અરીસામાં સીધા વાંચી શકાય એવા ઊલટા અક્ષરો ઊપસી આવ્યા જેને ટાઇપ કહેવામાં આવતા હતા. જોઈતા અક્ષરો મેળવવામાં ન આવે ત્યાં સુધી, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવતું હતું. ત્યાર પછી, એ અક્ષરોના મૈટ્રિક્સને કાઢીને બીજા અક્ષરોનું મૈટ્રિક્સ લગાવવામાં આવતું હતું. આમ, થોડા જ સમયમાં દરેક અક્ષર અને ચિહ્‍નો માટે જોઈતા ટાઇપને બનાવી શકાતા હતા. ગુટેનબર્ગ ઇચ્છતા હતા તેમ, દરેક અક્ષરોની લંબાઈ એક સરખી રહેતી હતી.

હવે છાપકામ શરૂ થઈ શકતું હતું. ગુટેનબર્ગે બાઇબલનો એક ભાગ પસંદ કર્યો જેની તે નકલ કરવા ઇચ્છતા હતા. પછી સેટિંગ સ્ટિક કહેવાતી એક નાની ટ્રે પર દરેક શબ્દો માટે અક્ષરોના ટાઇપ રાખવામાં આવ્યા અને એ રીતે લખાણની લીટીઓ તૈયાર કરવામાં આવી. (ચિત્ર ૩) દરેક લીટીની લંબાઈ સરખી હતી. ત્યાર બાદ, એક મોટી ટ્રે, ગૈલી પર દરેક લીટીને ગોઠવીને કૉલમ બનાવવામાં આવી. આમ, એક પાનામાં બે વિભાગોની કૉલમ તૈયાર થઈ ગઈ. (ચિત્ર ૪)

આ પાનાને છાપખાનાની સપાટ જગ્યા પર સખત રીતે જકડવામાં આવ્યું અને પછી એના પર કાળી શાહી લગાડવામાં આવી. (ચિત્ર ૫) આ છાપખાનું દ્રાક્ષનો દારૂ બનાવતા મશીનને મળતું આવે છે. આ છાપખાના દ્વારા ટાઇપની છાપ કાગળ પર પડતી હતી અને આમ છાપેલું પાનું તૈયાર થઈ જતું હતું. જેટલી નકલોની જરૂર હતી એ પ્રમાણે શાહી અને કાગળોનો ઉપયોગ કરવામાં આવ્યો. ટાઇપને કોઈ પણ ક્રમમાં રાખી શકાતા હતા અને એટલા માટે એક નવું પાન છાપવા માટે આ ટાઇપોને ફરીથી ઉપયોગમાં લઈ શકાતા હતા.

છાપકામનો અજોડ નમૂનો

ગુટેનબર્ગના કારખાનામાં ૧૫થી ૨૦ લોકો કામ કરતા હતા અને તેઓએ ૧૪૫૫માં બાઇબલનું સૌથી પહેલું છાપકામ પૂરું કર્યું. એની લગભગ ૧૮૦ પ્રતો બનાવવામાં આવી. બાઇબલમાં બધા મળીને ૧,૨૮૨ પાનાઓ હતાં, દરેક પાન પર ૪૨ લીટીઓ હતી જેને બે કૉલમ કે ભાગમાં વહેંચવામાં આવી હતી. દરેક બાઇબલના બે ગ્રંથો હતા. આ બાઇબલને બાંધ્યા પછી શણગારવા માટે બીજા કારખાનામાં મોકલવામાં આવ્યા કે જ્યાં મથાળાઓ અને દરેક અધ્યાયના પહેલા અક્ષરને હાથથી સજાવવામાં આવ્યા.

શું તમે કલ્પના કરી શકો કે બાઇબલ છાપવા માટે કેટલા અક્ષરોના ટાઇપની જરૂર પડી હશે? દરેક પાન પર લગભગ ૨,૬૦૦ અક્ષરો હતા. જો આપણે એમ માનીને ચાલીએ કે ગુટેનબર્ગ પાસે છ વ્યક્તિઓ હતી જેઓ ટાઇપને ગોઠવતા હતા અને આ છ જણ એક જ સમયે ત્રણ પાનાને છાપી શકતા હતા તો, એના માટે લગભગ ૪૬,૦૦૦ ટાઇપની જરૂર પડતી હતી. તેથી, આપણે સમજી શકીએ છીએ કે ગુટેનબર્ગે બીબામાં ઢાળીને અક્ષરોના ટાઇપ તૈયાર કરવાની રીત શોધી ન હોત તો, કદાચ મૂવેબલ મશીનથી છાપકામ શક્ય બન્યું ન હોત.

લોકોએ પોતપોતાના બાઇબલની સરખામણી કરી ત્યારે, તેઓને ખૂબ આશ્ચર્ય થયું કેમ કે દરેક બાઇબલમાં દરેક શબ્દ એક સરખી જગ્યા પર હતા. એ હાથથી લખેલા બાઇબલમાં શક્ય જ ન હતું. ગુનટર એસ. બૈનગરે લખ્યું કે ૪૨ લીટીવાળા બાઇબલમાં “એવી સમાનતા અને એકતા છે, સાથે સાથે એ એવું સુસંગત અને સુંદર છે કે સદીઓથી છાપકામ કરનારા લોકો આ અજોડ છાપકામની રચના જોઈને મોઢામાં આંગળા નાખી ગયા.”

પૈસાની તંગી

પરંતુ, ફુસ્ટને આવા અજોડ છાપકામમાં કોઈ રસ ન હતો, તેને તો ફક્ત પૈસા જ કમાવવા હતા. તેણે જેટલા સમયમાં પોતે રોકેલા પૈસા પાછા મેળવવાની આશા રાખી હતી એના કરતા વધારે સમય લાગી રહ્યો હતો. તેથી, આ બંને ભાગીદારો અલગ થઈ ગયા. વર્ષ ૧૪૫૫માં જેવું બાઇબલનું છાપકામ પૂરું થયું કે તરત જ ફુસ્ટે ઉધાર આપવાનું બંધ કરી દીધું. ગુટેનબર્ગ પોતાનું કરજ ચૂકવી ન શક્યા એ ઉપરાંત, તે પોતાની વિરુદ્ધ કરવામાં આવેલો કેસ પણ હારી ગયા. તેમણે મજબૂરીથી પોતાના છાપખાનાનાં કેટલાંક સાધનો અને બાઇબલના ટાઇપ ફુસ્ટને આપી દેવા પડ્યા. ફુસ્ટે ગુટેનબર્ગના સૌથી કુશળ કારીગર, પીટર શોફર સાથે મળીને પોતાનું છાપખાનું ખોલ્યું જેને, ફુસ્ટ અને શોફર નામ આપ્યું. તેણે વ્યવસાયની દુનિયામાં એવી સારી નામના મેળવી કે તેનું કારખાનું સૌથી પહેલું સફળ છાપખાનાથી જાણીતું થયું. પરંતુ, એ નામના અને સફળતાના ખરા હકદાર ગુટેનબર્ગ હતા.

ગુટેનબર્ગે પોતાનું કામ ચાલુ રાખવા માટે બીજું છાપખાનું ખોલ્યું. કેટલાક વિદ્વાનો ૧૫મી સદીમાં છાપવામાં આવેલા બીજા કેટલાંક પુસ્તકોનો યશ ગુટેનબર્ગને આપે છે. પરંતુ, એમાંનું એક પણ પુસ્તક ૪૨ લીટીવાળા બાઇબલની ભવ્યતા અને સુંદરતાની સરખામણી કરી શક્યું નહિ. વર્ષ ૧૪૬૨માં ગુટેનબર્ગ સાથે ફરીથી એક મોટી દુર્ઘટના બની. કૅથલિક પાદરીઓ સત્તા માટે અંદરોઅંદર લડવા લાગ્યા, પરિણામે મેઇન્ઝમાં લૂંટફાટ થઈ અને એમાં આખા શહેરને સળગાવી દેવામાં આવ્યું. બીજી વાર ગુટેનબર્ગે પોતાનું છાપખાનું ગુમાવ્યું. એના છ વર્ષ પછી, ફેબ્રુઆરી ૧૪૬૮માં તે મૃત્યુ પામ્યા.

ગુટેનબર્ગનો વારસો

ગુટેનબર્ગની શોધ ચારે બાજુ ઝડપથી ફેલાઈ ગઈ. વર્ષ ૧૫૦૦ સુધીમાં તો, જર્મનીનાં ૬૦ શહેરોમાં અને યુરોપના બીજા ૧૨ દેશોમાં છાપખાનાઓ હતા. ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનીકા બતાવે છે કે, “છાપકામમાં થયેલા વિકાસને કારણે જગતના સંચાર માધ્યમમાં ક્રાંતિ આવી ગઈ છે. પછીનાં ૫૦૦ વર્ષોમાં છાપકામમાં મોટા મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે, પરંતુ, એની પાયારૂપ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.”

છાપખાનાને લીધે યુરોપના લોકોના જીવનમાં મોટા બદલાણો આવી ગયા, કારણ કે હવે ફક્ત ધનવાન અને ઉચ્ચ ખાનદાનના લોકો જ નહિ પરંતુ સામાન્ય લોકો પણ શિક્ષણ મેળવી શકતા હતા. હવે સમાચારો અને ખબરો સામાન્ય લોકો સુધી પહોંચી શકતા હતા જેને કારણે, તેઓ પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓથી વધારે જાણકાર થયા. છાપકામને કારણે એ જરૂરી બન્યું કે દરેક દેશની ભાષાઓમાં પ્રમાણભૂત લખાણ હોય જેથી બધા એને સમજી શકે. એ કારણે, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષાઓને પ્રમાણભૂત કરીને કાયમ કરવામાં આવી. અભ્યાસ અને વાંચન માટે વધારેને વધારે લોકો પુસ્તકો માંગતા થયા. ગુટેનબર્ગના સમય પહેલાં યુરોપમાં ફક્ત થોડીક હજાર હસ્તપ્રતો હતી; પરંતુ, તેમના મરણના ૫૦ વર્ષ પછી ત્યાં હજારો-લાખો પુસ્તકો હતાં.

છાપખાનાને કારણે જ ૧૬મી સદીમાં થયેલી નવરચનાને વેગ મળ્યો હતો. બાઇબલનું ચૅક, ડચ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિઅન, પૉલિશ અને રશિયન ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું. છાપખાનાને લીધે એની હજારો-લાખો પ્રતો પ્રકાશિત કરવાનું સહેલું બન્યું. માર્ટિન લ્યુથરે પોતાના સંદેશાને ફેલાવવા માટે છાપખાનાનો સારો એવો ઉપયોગ કર્યો. તે પોતાના એ ક્ષેત્રમાં સફળ થયા જેમાં ગુટેનબર્ગ પહેલાંના લોકો નિષ્ફળ ગયા હતા. એ કારણે, લ્યુથર કહી શક્યા કે છાપખાનું “આખી દુનિયામાં સાચો ધર્મ ફેલાવવાની” પરમેશ્વરની એક રીત છે!

ગુટેનબર્ગ બાઇબલની બચેલી પ્રતો

આજે ગુટેનબર્ગ બાઇબલની કેટલી પ્રતો બચી ગઈ છે? તાજેતરમાં કરવામાં આવેલી ગણતરી અનુસાર, માનવામાં આવે છે કે કંઈક ૪૮ બાઇબલની પ્રતો બચી ગઈ છે, જેમાંથી કેટલીક અધૂરી છે અને યુરોપ તથા ઉત્તર અમેરિકામાં આમ તેમ ફેલાયેલી છે. એમાંની એક સૌથી ઉત્તમ પ્રત, ચર્મપત્રનું બાઇબલ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ ઈન વૉશિંગ્ટન, ડી.સી.માં રાખવામાં આવ્યું છે. ત્યાર પછી, ૧૯૯૬માં એક એવી શોધ મળી જેનાથી હલચલ મચી ગઈ: રેન્ટ્‌સબર્ગ, જર્મનીના ચર્ચમાં ગુટેનબર્ગ બાઇબલનો એક ભાગ મળી આવ્યો, જ્યાં દસ્તાવેજો રાખવામાં આવતા હતા.—ફેબ્રુઆરી ૮, ૧૯૯૮ના સજાગ બનો!માં પાન ૨૯ પર જુઓ.

આપણે કેટલા આભારી થઈ શકીએ કે આજે દરેક વ્યક્તિ બાઇબલ મેળવી શકે છે! જોકે, એનો અર્થ એવો થતો નથી કે આપણામાંથી કોઈ પણ જઈને ગુટેનબર્ગનું ૪૨ લીટીવાળું બાઇબલ ખરીદી શકે! શું તમને ખબર છે કે એક ગુટેનબર્ગ બાઇબલની કિંમત કેટલી છે? વર્ષ ૧૯૭૮માં મેઇન્ઝના ગુટેનબર્ગ સંગ્રહસ્થાને એની એક પ્રત ૩૭ લાખ ડોઇશ માર્કમાં (આજે લગભગ ૨૦ લાખ અમેરિકન ડોલર થાય) ખરીદી. આજે આ બાઇબલની કિંમત એનાથી અનેકગણી થઈ ગઈ છે.

ગુટેનબર્ગના બાઇબલમાં કઈ અજોડ બાબત છે? ગુટેનબર્ગ સંગ્રહસ્થાનના ભૂતપૂર્વ નિર્દેશક, પ્રાધ્યાપક હેલમુટ પ્રેસ્સર એનાં ત્રણ કારણો બતાવે છે. પ્રથમ, ગુટેનબર્ગનું બાઇબલ એ સૌથી પહેલું પુસ્તક છે કે જે પશ્ચિમમાં મૂવેબલ ટાઇપ મશીનમાં છાપવામાં આવ્યું હતું. બીજું, એ છાપવામાં આવેલું સૌથી પહેલું બાઇબલ છે. ત્રીજું, એ એટલું તો સુંદર છે કે એક વાર જોઈએ તો જોતા જ રહી જઈએ. પ્રાધ્યાપક પ્રેસ્સરે લખ્યું કે ગુટેનબર્ગના બાઇબલમાં આપણને “એ સમયનું ગોથિક લખાણ જોવા મળે છે જે ત્યારે પોતાના શિખર પર હતું.”

દરેક સંસ્કૃતિના લોકો ગુટેનબર્ગની અજોડ શોધ માટે આભારી છે. તેમણે બીબામાં ઢાળકામ, ધાતુઓનું મિશ્રણ, શાહી અને છાપવાના મશીનને ભેગા કરીને બધાનો ઉપયોગ કર્યો. તેમણે છાપકામનું અજોડ યંત્ર તૈયાર કર્યું અને દુનિયાને એક કીમતી ખજાનો આપી ગયા. (g98 11/8)

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

1. પોલાદના સ્ટૅમ્પથી તાંબાના મૈટ્રિક્સ પર સીધા અક્ષરોની છાપ મારવામાં આવતી હતી

2. મિશ્રધાતુઓને પીગાળીને બીબાંમાં ઢાળવામાં આવતી હતી. ધાતુ સખત બની જતી ત્યારે, એમાં બનેલા ટાઇપમાં અક્ષરોનું અરીસામાં સીધું દેખાય એવું ઊલટું ચિત્ર બનતું હતું

3. શબ્દો બનાવવા માટે ટાઇપને સેટિંગ સ્ટિક નામની ટ્રે પર ગોઠવવામાં આવતા હતા અને લખાણની લીટીઓ બનાવવામાં આવતી હતી

4. ગૈલીમાં લીટીઓને કોલમમાં ગોઠવવા કમ્પોઝિંગ કરવામાં આવતું હતું

5. લખાણના પાનાઓને છાપખાનાની સપાટ જગ્યા પર રાખવામાં આવતા હતા

6. વર્ષ ૧૫૮૪માં તામ્રપત્ર પર કોતરકામથી ઉપસાવવામાં આવેલું ગુટેનબર્ગનું ચિત્ર

7. આજે, ગુટેનબર્ગના બાઇબલની એક પ્રતની કિંમત લાખો ડૉલર છે

[ક્રેડીટ લાઈન્સ]

ચિત્ર ૧-૪, ૬, અને ૭: Gutenberg-Museum Mainz; ચિત્ર ૫: Courtesy American Bible Society