સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગોળાવ્યાપી ફેલાયેલો ધિક્કાર

ગોળાવ્યાપી ફેલાયેલો ધિક્કાર

ગોળાવ્યાપી ફેલાયેલો ધિક્કાર

એક જંગલી રાક્ષસ બેકાબૂ થઈને ફરી રહ્યો છે. એ રાક્ષસ ધિક્કાર છે. એ આખી પૃથ્વી પર ઝડપથી પ્રસરી રહ્યો છે.

બાલ્કન્સ હજુ પણ વંશોચ્છેદની ઝુંબેશનાં પરિણામો ભોગવી રહ્યું છે. સદીઓથી ચાલ્યા આવતા ધિક્કારને કારણે મોટા પ્રમાણમાં કત્લેઆમ, બળાત્કાર, દેશવટો, ઘરો અને ગામડાંઓ લૂંટવા અને બાળી નાખવા, પાક અને ઢોરઢાંખરનો નાશ, ભૂખમરો વગેરે જોવા મળે છે. જમીનમાં હજુ પણ સુરંગો જોવા મળે છે.

પૂર્વ ટિમોર, અગ્‍નિ એશિયામાં મારી નાખવાના, મારપીટના, આડેધડ ગોળીબાર અને બળજબરીથી કાઢી મૂકવાના ભયથી ૭,૦૦,૦૦૦ લોકોએ નાસી જવું પડ્યું હતું. તેઓએ પાછળ છોડી દીધેલા ઘરબારને બિનઅધિકૃત સશસ્ત્રદળોએ લૂંટી લીધા. ભોગ બનેલી એક વ્યક્તિ પોકારી ઊઠી, “મને કોઈ હિંસક પ્રાણી પાછળ પડ્યું હોય એવું લાગે છે.”

મૉસ્કોમાં, એક મોટા બૉંબ વિસ્ફોટથી એક ઇમારતને ઉડાવી દેવામાં આવી. આ વિસ્ફોટના કારણે ૯૪ લોકોએ જાન ગુમાવ્યા, જેમાં કેટલાંક બાળકો પણ હતાં. લગભગ ૧૫૦ કરતાં વધારે લોકો ઘવાયા. આ પ્રકારના ભયના પરિણામે, લોકો પૂછે છે, ‘હવે પછી કોનો વારો આવશે?’

લોસ એંજલીસ, કૅલિફૉર્નિયામાં એક જ્ઞાતિવાદી માણસે નાના યહુદી બાળકો પર ગોળીઓ વરસાવી, ત્યાર બાદ તેણે મૂળ ફિલિપાઇન્સના એક ટપાલીને વીંધી નાખ્યો.

આમ, યોગ્ય રીતે જ કહી શકાય કે ધિક્કાર પૃથ્વી ફરતે સર્વત્ર ફેલાયેલો છે. લગભગ દરરોજ, સમાચાર અહેવાલો બતાવે છે કે જ્ઞાતિય, જાતિય કે ધાર્મિક વેરભાવ અન્યાય સાથે મળે છે ત્યારે શું થાય છે. આપણે રાષ્ટ્રો, સમાજ અને કુટુંબોને છિન્‍નભિન્‍ન થતા જોઈએ છીએ. આપણે દેશોને જાતિ સંહારમાં પૂરી રીતે સંડોવાતા જોઈએ છીએ. કેટલાક લોકો “અલગ” હોવાથી, તેઓ પર વર્ણવી ન શકાય એવા ઘોર અત્યાચાર થતા જોવા મળે છે.

જો ધિક્કાર નામના રાક્ષસને અંકુશમાં લાવવો હોય તો, આપણે સૌથી પહેલા હિંસક ધિક્કારનું મૂળ ક્યાં છે એ શોધી કાઢવું જોઈએ. શું ધિક્કાર માણસના લોહીમાં જ છે? અથવા, શું ધિક્કાર લોકોના મનમાં ભરવામાં આવે છે? શું ધિક્કારને કદી પણ દૂર કરી શકાશે? (g01 8/8)

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Kemal Jufri/Sipa Press