સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધિક્કારને જડમૂળથી દૂર કરવો

ધિક્કારને જડમૂળથી દૂર કરવો

ધિક્કારને જડમૂળથી દૂર કરવો

“તમારા વૈરીઓ પર પ્રીતિ કરો.”—માત્થી ૫:૪૪.

બે કટ્ટર દુશ્મન દેશોના નેતાઓએ શાંતિ માટે વાટાઘાટો કરી. એ મંત્રણામાં શક્તિશાળી ઔદ્યોગિક રાષ્ટ્રના પ્રમુખ પણ હાજર હતા, જેમણે પોતાના જોરદાર પ્રભાવ અને રાજકીય કુશળતાનો ઉપયોગ કરીને આ બે નેતાઓને એકતામાં લાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, અંતે એ પ્રયત્નો વધારે દુઃખમાં પરિણમ્યા. ન્યૂઝવીક મેગેઝિન કહે છે તેમ, થોડાક જ સપ્તાહોમાં આ બે દેશો વચ્ચે, “બે દાયકાઓમાં સૌથી ખરાબ હિંસા થઈ.”

આખા જગતમાં, રાષ્ટ્રીય નેતાઓના સૌથી સારા પ્રયત્નો છતાં, વિવિધ જ્ઞાતિ અને દેશો વચ્ચે હિંસા, ધિક્કાર અને દુશ્મનાવટનો અંત આવતો નથી. ધિક્કારની આગ ઝડપથી ફેલાઈ રહી છે જેમાં, અવગણના, પૂર્વગ્રહ અને ખોટો પ્રચાર ઘી રેડે છે. તેમ છતાં, આજના નેતાઓ નવા નવા ઉકેલ માટે નિરર્થક ફાંફાં મારે છે પરંતુ, તેઓ એ જોઈ શકતા નથી કે આ સમસ્યાનો સૌથી ઉત્તમ ઉકેલ, સદીઓ પહેલાં ઈસુએ પહાડ પરના પોતાના ભાષણમાં આપ્યો હતો. એ ભાષણમાં ઈસુ ખ્રિસ્તે પોતાના શ્રોતાઓને પરમેશ્વરના માર્ગને આધીન રહેવાનું ઉત્તેજન આપ્યું હતું. એ સંદર્ભમાં તેમણે ઉપરનું કથન કહ્યું, “તમારા વૈરીઓ પર પ્રીતિ કરો.” આ સલાહ ધિક્કાર અને પૂર્વગ્રહની સમસ્યાઓ માટે સૌથી સારો અને એકમાત્ર વ્યવહારુ ઉકેલ છે!

નાસ્તિકો પોતાના દુશ્મનોને પ્રેમ કરવાની સલાહને અવાસ્તવિક અને અશક્ય કહીને નકારી કાઢે છે. તેમ છતાં, જો લોકો ધિક્કારને મનમાં ભરી શકતા હોય તો, શું એ વાજબી નથી કે તેઓ ધિક્કારને મનમાંથી કાઢી પણ શકે છે? આમ, ઈસુના શબ્દો માણસજાતને સાચી આશા આપે છે. એ બતાવે છે કે લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટનો પણ અંત લાવી શકાય છે.

ઈસુના સમયના યહુદી સાંભળનારાઓની પરિસ્થિતિની કલ્પના કરો. તેઓએ દુશ્મનો શોધવા માટે દૂર જવાની જરૂર ન હતી. રોમન લશ્કર ધર્મ પર કબજો જમાવીને, યહુદીઓ પર બિનજરૂરી કર નાખીને, રાજકીય પ્રભાવ પાડીને, અત્યાચાર અને શોષણ કરતું હતું. (માત્થી ૫:૩૯-૪૨) તેમ છતાં, કેટલાક લોકો સાથી યહુદીઓને પોતાના દુશ્મનો તરીકે જોતા હતા, કેમ કે તેઓએ અંદરોઅંદર નાની નાની ગેરસમજોને દૂર કરી ન હતી અને પોતાના મનમાં ખાર ભરી રાખ્યો હતો. (માત્થી ૫:૨૧-૨૪) શું ઈસુ ખરેખર એવી અપેક્ષા રાખતા હતા કે તેમના સાંભળનારાઓ તેઓને દુઃખ અને ત્રાસ આપનાર લોકોને પ્રેમ કરે?

‘પ્રેમનો’ અર્થ

સૌ પ્રથમ, આપણે એ જાણવું જોઈએ કે ઈસુએ “પ્રેમ” કરવાનું કહ્યું ત્યારે તેમના મનમાં બે ગાઢ મિત્રો વચ્ચેનો પ્રેમ ન હતો. માત્થી ૫:૪૪માં ઉપયોગમાં લેવામાં આવેલો પ્રેમ, ગ્રીક શબ્દ અગાપેમાંથી આવે છે. આ શબ્દનો અર્થ સૈદ્ધાંતિક પ્રેમ થાય છે. એમાં ગાઢ પ્રેમ હોવો જરૂરી નથી. આ પ્રેમ ન્યાયી સિદ્ધાંત પર આધારિત હોવાથી, વ્યક્તિને બીજાઓનું હિત કરવા પ્રેરે છે પછી ભલે તેઓનું વર્તન ગમે એવું કેમ ન હોય. આમ, અગાપે પ્રેમ વ્યક્તિગત દુશ્મનાવટને દૂર કરી શકે છે. રોમન સૈનિકોએ ઈસુને વધસ્થંભે ચઢાવ્યા ત્યારે, તેઓને શાપ દેવાને બદલે તેમણે પોતે આ પ્રકારનો પ્રેમ બતાવ્યો હતો. તેમણે પ્રાર્થના કરી: “બાપ, તેઓને માફ કર; કેમકે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.”—લુક ૨૩:૩૪.

પરંતુ, શું આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે આ જગત ઈસુના શિક્ષણને સ્વીકારીને એ પ્રમાણે ચાલશે અને લોકો એકબીજાને પ્રેમ કરશે? ના, કેમ કે બાઇબલ બતાવે છે કે આ જગત ઝડપથી વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. બીજો તીમોથી ૩:૧૩ ભાખે છે, ‘દુષ્ટ માણસ તથા ધુતારાઓ વિશેષ દુરાચાર કરતા જશે.’ તોપણ, એક વ્યક્તિ બાઇબલ અભ્યાસથી ન્યાયી સિદ્ધાંતોનું પૂરેપૂરું શિક્ષણ મેળવીને ધિક્કારને મનમાંથી દૂર કરી શકે છે. અહેવાલ સ્પષ્ટપણે બતાવે છે કે ઘણા લોકો તેમની આસપાસના ધિક્કારના પૂરમાંથી બહાર નીકળી શક્યા છે. કેટલાક વાસ્તવિક કિસ્સાઓનો વિચાર કરો.

પ્રેમ કરતા શીખવું

હૉસા ૧૩ વર્ષની વયે આતંકવાદી જૂથના એક સભ્ય તરીકે, બળવાખોર યુદ્ધમાં જોડાયો. * તેને શીખવવામાં આવ્યું હતું કે તેની આસપાસના અન્યાય માટે જવાબદાર લોકોને ધિક્કારવા. તેનો ધ્યેય, શક્ય હોય તો તેઓનું નિકંદન કાઢી નાખવાનો હતો. હૉસાએ જોયું કે તેના ઘણા બધા મિત્રો માર્યા ગયા છે ત્યારે, તેનામાં બદલો લેવાની ભાવના જાગી. તે બોંબગોળા બનાવતો ત્યારે, પોતાને પૂછતો, ‘શા માટે દેવ યાતનાને પરવાનગી આપે છે? જો દેવ હોય તો, શું તે આ બધી બાબતો જોતા નથી?’ ઘણી વાર તે રડતો, મૂંઝાઈ જતો અને હતાશ થઈ જતો.

હૉસા છેવટે સ્થાનિક મંડળના યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવ્યો. તે પહેલી વાર મંડળની સભામાં આવ્યો ત્યારે, તેણે ત્યાંના પ્રેમાળ વાતાવરણની તરત જ નોંધ લીધી. દરેક જણ તેને પ્રેમથી અને નિખાલસતાથી મળતા હતા. પછીથી, “શા માટે દેવ યાતનાને પરવાનગી આપે છે?” વિષય પરની ચર્ચાથી તેને ઘણા સમયથી જે પ્રશ્નો હતા એના જવાબો મળ્યા. *

સમય જતાં, બાઇબલ જ્ઞાનમાં વધારો થતા હૉસાએ પોતાના જીવનમાં અને વિચારોમાં ફેરફારો કર્યા. તેને જાણવા મળ્યું કે “જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. જે કોઈ . . . દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે . . . કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી.”—૧ યોહાન ૩:૧૪, ૧૫.

જોકે, હૉસા માટે તેના આતંકવાદી સાથીઓના સકંજામાંથી બહાર નીકળવું કંઈ સહેલું ન હતું. તે જ્યારે પણ યહોવાહના સાક્ષીઓના હૉલમાં જતો ત્યારે, તેની પાછળ કોઈને કોઈ તેનો પીછો કરતું હતું. તેના અગાઉના સાથીઓમાંથી અમુકે તો કેટલીક સભાઓમાં પણ હાજરી આપી, જેથી તેઓ જાણી શકે કે કઈ બાબતને લીધે હૉસામાં આ પ્રકારના ફેરફારો આવ્યા છે. એક વાર તેઓને સંતોષ થઈ ગયો કે હૉસા વિશ્વાસઘાતી કે તેમના માટે ખતરારૂપ નથી ત્યારે, તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું. હૉસા ૧૭ વર્ષની વયે બાપ્તિસ્મા લઈને યહોવાહનો સાક્ષી બન્યો. તેણે જલદી જ પૂરા સમયનું પ્રચાર કાર્ય શરૂ કર્યું. લોકોને મારી નાખવાની યુક્તિઓ ઘડવાને બદલે, તે હવે તેઓ પાસે પ્રેમ અને આશાનો સંદેશો લઈને જાય છે!

કોમી દીવાલ તોડી નાખવી

શું કટ્ટર કોમના લોકો પોતાને અલગ પાડતી દીવાલને તોડી શકે? લંડન, ઇંગ્લૅંડમાં યહોવાહના સાક્ષીઓના આમહેરિક ભાષા બોલતા વૃંદનો વિચાર કરો. આ વૃંદમાં કંઈક ૩૫ વ્યક્તિઓ છે જેમાં ૨૦ ઇથિયોપિયાના અને ૧૫ એરિટ્રિયાના રહેવાસીઓ છે. તાજેતરમાં, આફ્રિકામાં એરિટ્રિયાના અને ઇથિયોપિયાના લોકો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હોવા છતાં, આ લોકો શાંતિપૂર્વક અને એકતામાં ભેગા મળીને ઉપાસના કરે છે.

મૂળ ઇથિયોપિયાના એક સાક્ષી ભાઈને તેમના કુટુંબ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘કદી પણ એરિટ્રિયાના લોકો પર વિશ્વાસ ન કરીશ.’ પરંતુ, હવે તે એરિટ્રિયાના ખ્રિસ્તીઓ પર વિશ્વાસ જ નથી કરતા, તેઓને ભાઈ-બહેન કહીને પણ બોલાવે છે! જોકે, આ એરિટ્રિયાના રહેવાસીઓ સામાન્ય રીતે ટીગ્રીન્યા ભાષા બોલે છે છતાં, તેઓએ પોતાના ઈથિયોપિયાના ભાઈઓની આમહેરિક ભાષા શીખવાનું પસંદ કર્યું, જેથી તેઓ તેમની સાથે બાઇબલ અભ્યાસ કરી શકે. પરમેશ્વરના પ્રેમના ‘સંપૂર્ણતાના બંધનનો’ કેવો અદ્‍ભુત પુરાવો!—કોલોસી ૩:૧૪.

ભૂતકાળની બાબતો ભૂલી જવી

પરંતુ, જો કોઈ વ્યક્તિ સાથે એકદમ ક્રૂરતાથી વ્યવહાર કરવામાં આવ્યો હોય તો શું? ક્રૂરતાથી એવો વ્યવહાર કરનાર પ્રત્યે ખાર રાખવો શું વાજબી નથી? જર્મનીના મૅનફ્રાટ નામના સાક્ષીનો વિચાર કરો. તેણે છ વર્ષ સામ્યવાદી જેલમાં પસાર કર્યા, કારણ કે તે યહોવાહનો સાક્ષી હતો. શું તેણે કદી પણ વિરોધીઓ પ્રત્યે ધિક્કાર કે બદલો લેવાનું વિચાર્યું? તે કહે છે, “ના.” જર્મન સમાચારપત્ર, સારબુકર ઝાઈટુંગ અનુસાર, મૅનફ્રાટે સમજાવ્યું: “અન્યાય કરવાથી કે અન્યાયનો બદલો લેવાથી . . . એવો ધિક્કાર ઊભો થાય છે કે જે અવારનવાર બીજા અન્યાય તરફ દોરી જાય છે.” સ્પષ્ટ રીતે, મૅનફ્રાટે બાઇબલના શબ્દોને લાગુ પાડ્યા: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. . . . જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”—રૂમી ૧૨:૧૭, ૧૮.

ધિક્કાર વિનાનું જગત!

યહોવાહના સાક્ષીઓ એવો દાવો નથી કરતા કે તેઓ આ બાબતમાં સંપૂર્ણ છે. તેઓએ અનુભવ્યું છે કે જૂની દુશ્મનાવટને ભૂલી જવી કે ધિક્કારને મનમાંથી કાઢી નાખવો કંઈ રમતની વાત નથી. એ માટે, વ્યક્તિએ પોતાના જીવનમાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા સતત અને ખંતીલો પ્રયત્ન કરવો પડે છે. ધિક્કારને મનમાંથી કાઢી નાખવા માટે બાઇબલ કેટલું શક્તિશાળી છે એનું યહોવાહના સાક્ષીઓ જીવંત ઉદાહરણ છે. બાઇબલ અભ્યાસ દ્વારા સાક્ષીઓ દર વર્ષે જાતિવાદ અને ધિક્કારના સકંજામાંથી બહાર આવવા હજારો લોકોને મદદ કરે છે. * (“બાઇબલની સલાહ ધિક્કાર દૂર કરવા મદદ કરે છે,” બૉક્સ જુઓ.) એ સફળતા જગતવ્યાપી શૈક્ષણિક કાર્યક્રમના પરિણામની ઝાંખી આપે છે કે જે ધિક્કાર અને એનાં કારણોને જલદી જ સંપૂર્ણ રીતે દૂર કરશે. આ ભાવિ શૈક્ષણિક કાર્યક્રમ પરમેશ્વરના રાજ્ય કે ગોળાવ્યાપી સરકારના માર્ગદર્શન હેઠળ હશે. ઈસુએ પરમેશ્વરની પ્રાર્થનામાં આપણને એ રાજ્ય માટે પ્રાર્થના કરવાનું શીખવ્યું ત્યારે, તેમણે કહ્યું: “તારૂં રાજ્ય આવો.”—માત્થી ૬:૯, ૧૦.

બાઇબલ વચન આપે છે કે પરમેશ્વરની આ સરકારના માર્ગદર્શન હેઠળ, “પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯; ૫૪:૧૩) ત્યારે અવારનવાર ટાંકવામાં આવતા યશાયાહના શબ્દો આખા જગતમાં પરિપૂર્ણ થશે: “તે [પરમેશ્વર] વિદેશીઓમાં ઈન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેંસલો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” (યશાયાહ ૨:૪) આમ, પરમેશ્વર હંમેશ માટે દરેક પ્રકારના ધિક્કારને કાઢી નાંખશે. (g01 8/8)

[ફુટનોટ્‌સ]

^ આ તેનું સાચું નામ નથી.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું પ્રકરણ આઠ, “શા માટે દેવ યાતનાને પરવાનગી આપે છે?” જુઓ.

^ સ્થાનિક યહોવાહના સાક્ષીઓને અથવા આ સામયિકના પ્રકાશકોને લખીને મફત ગૃહ બાઇબલ અભ્યાસની ગોઠવણ કરી શકાય છે.

[પાન ૧૧ પર બોક્સ]

બાઇબલની સલાહ ધિક્કાર દૂર કરવા મદદ કરે છે

“તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ?” (યાકૂબ ૪:૧) આપણે પોતાની સ્વાર્થી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનું શીખીએ તો, બીજાઓ સાથેના ઝઘડાથી છુટકારો મેળવી શકીએ છીએ.

“તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.” (ફિલિપી ૨:૪) બીજાઓના હિતને આપણા પોતાના હિતની આગળ મૂકવાથી પણ બિનજરૂરી ઝઘડા ટાળી શકાય છે.

“રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ [નીપજે છે].” (ગીતશાસ્ત્ર ૩૭:૮) આપણે નુકસાન પહોંચાડનારી લાગણીઓને અંકુશમાં રાખી શકીએ અને રાખવી જ જોઈએ.

“દેવે . . . માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્‍ન કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪, ૨૬) બીજી જાતિના લોકોને ઊંચા ગણવા એ તર્ક વગરનું છે કેમ કે આપણે સર્વ એ જ માનવ કુટુંબના સભ્યો છીએ.

“પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.” (ફિલિપી ૨:૩) બીજાઓને નીચા ગણવા એ મૂર્ખાઈ છે. કેમ કે બીજાઓ પાસે એવા ગુણો અને ક્ષમતાઓ હોય છે કે જે આપણી પોતાની પાસે હોતા નથી. એક જ જાતિ કે સંસ્કૃતિમાં બધી જ સારી બાબતો હોતી નથી.

“માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું . . . સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) ભલે લોકો ગમે તે જાતિ કે સંસ્કૃતિના હોય પરંતુ, નિખાલસ બનીને તેઓને મદદ કરવાની પહેલ કરવાથી તેઓ સાથે વાતચીત વ્યવહાર બાંધવામાં ઘણી મદદ મળે છે અને ગેરસમજો દૂર કરી શકાય છે.

[પાન ૮, ૯ પર ચિત્રો]

ઈથિયોપિયા અને એરિટ્રિયાના સાક્ષીઓ શાંતિમાં એકતાથી ઉપાસના કરે છે

[પાન ૧૦ પર ચિત્ર]

સામ્યવાદી જેલમાંથી બચનાર મૅનફ્રાટે કોઈ ધિક્કાર કે ખાર રાખ્યો નહિ

[પાન ૧૦ પર ચિત્ર]

બાઇબલ લોકોને અલગ કરતી દીવાલ તોડી પાડવા મદદ કરે છે