વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
શિકારને ખેંચી લેતી જીભ
કઈ રીતે કાચિંડો બીજી ગરોળીઓ અને પોતાના કરતાં દસ ગણા વધુ વજનવાળા પક્ષીઓને પકડી શકે છે? અત્યાર સુધી, એમ માનવામાં આવતું હતું કે કાચિંડાની ખરબચડી અને ચીકણી સપાટી પર શિકાર ચોંટી જતો હશે. પરંતુ, એનાથી એ ખબર પડતી ન હતી કે કઈ રીતે આ પ્રાણી કંઈક અંશે વજનદાર શિકાર પકડી શકે. ઇન્ટરનેટ પર જર્મનીની વૈજ્ઞાનિક સમાચાર સેવા, બીલ્ડ ડેર વીસનસાફ્ટના અહેવાલ પ્રમાણે, એ શોધવા એન્ટવર્પ, બેલ્જિયમના વૈજ્ઞાનિકોએ કાચિંડાની એકદમ ઝડપથી જીભથી શિકાર પકડવાની ક્રિયાનો એકદમ ઝડપી વીડિયો ઉતાર્યો. વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે કાચિંડાની જીભ શિકાર કરે છે ત્યારે, એ આગળથી વાટકા જેવી થઈ જાય છે. કેમ કે તરાપ મારતા પહેલાં, એની જીભના બે સ્નાયુઓ તંગ થઈને પોતાની તરફ ખેંચી લેતા વાટકા જેવી જીભ બની જાય છે કે જેનાથી તે શિકાર પકડે છે. (g01 7/22)
ઊંઘ અને યાદશક્તિ
લંડનના ધી ઈન્ડીપેન્ડન્ટના અહેવાલ પ્રમાણે, ઊંઘ પર સંશોધન કરનારાઓને જોવા મળ્યું છે કે “એક અઠવાડિયા પહેલાંની બાબતો યાદ રાખવા માટે” મોડી રાત સુધી જાગવા કરતાં, રાત્રે પૂરી ઊંઘ લેવી એ સારું છે. હારવર્ડ મેડિકલ કૉલેજના પ્રાધ્યાપક, રોબર્ટ સ્ટીકગોલ્ડે એ માટે ૨૪ સ્વયંસેવકોનો ઉપયોગ કર્યો. તેઓનાં બે વૃંદો પાડીને એક વૃંદની વ્યક્તિઓને એક સત્ર શીખ્યા પછી રાત્રે સૂવા દેવામાં આવી જ્યારે બીજાઓને આખી રાત જાગતા રહેવા દેવામાં આવ્યા. ત્યાર પછી, બંને વૃંદોને બે રાત સૂવા દેવામાં આવ્યા જેથી બીજું વૃંદ પોતાની ઊંઘ પૂરી કરી શકે. યાદશક્તિની કસોટીએ બતાવ્યું કે પહેલી રાત્રે સૂઈ જનારાઓની “યાદશક્તિ નોંધપાત્ર અને બરાબર હતી, જ્યારે બીજા વૃંદે પાછળથી પોતાની ઊંઘ પૂરી કરી હોવા છતાં એમાં કોઈ સુધારો જોવા મળ્યો નહિ.” ઊંઘ યાદશક્તિને સુદૃઢ કરતી હોવાથી, આ સંશોધને બતાવ્યું કે ખાસ કરીને શરૂઆતની ગાઢ કે “ધીમેથી આવતી” ઊંઘ લેવાને બદલે જેઓ મોડી રાત સુધી અભ્યાસ કરે છે તેઓને ખાસ ફાયદો થતો નથી. (g01 8/8)
પુરુષો અને સ્ત્રીઓમાં સાંભળવાની ક્ષમતા
ડિસ્કવરી ડોટ કોમ ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સંશોધકોએ એ શોધી કાઢ્યું છે કે સ્ત્રીઓ સાંભળવા માટે પોતાના મગજની બંને બાજુઓનો ઉપયોગ કરે છે, જ્યારે પુરુષો ફક્ત એક જ બાજુનો ઉપયોગ કરે છે. એ અભ્યાસમાં ૨૦ પુરુષો અને ૨૦ સ્ત્રીઓ એક પુસ્તકનું રેકોર્ડિંગ સાંભળી રહ્યાં હતા ત્યારે તેમના મગજનું સ્કેન કરવામાં આવ્યું. એ પરથી જોવા મળ્યું કે પુરુષો પોતાના મગજની ફક્ત ડાબી બાજુએથી જ સાંભળતા હતા કે જે સાંભળવા અને બોલવા સાથે જોડાયેલું છે. બીજી બાજુ, સ્ત્રીઓના મગજની બંને બાજુઓ સક્રિય હતી. ઇન્ડિયાના યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસીનના વિકિરણ ચિકિત્સાના (રેડિયોલૉજી) મદદનીશ ડૉ. જોસેફ ટી. લ્યૂરીટો કહે છે: “અમારું સંશોધન બતાવે છે કે સ્ત્રી અને પુરુષોમાં ભાષાને સમજવાની પ્રક્રિયા અલગ અલગ રીતે થાય છે, પરંતુ એનો અર્થ એવો થતો નથી કે તેઓ એક બીજા કરતાં ચઢિયાતા છે.” ડૉ. લ્યૂરીટો કહે છે તેમ, બીજા અભ્યાસો એવું બતાવે છે કે સ્ત્રીઓ “એક જ સમયે બે જગ્યાએ થતી વાતચીત સાંભળી શકે છે.” (g01 8/8)
રશિયાના સાક્ષીઓએ કૉર્ટમાં વિજય મેળવ્યો
ફેબ્રુઆરી ૨૪, ૨૦૦૧ના ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો: “યહોવાહના સાક્ષીઓએ મૉસ્કોની અદાલતમાં આજે [ફેબ્રુઆરી ૨૩] વકીલો સામે મોટો વિજય મેળવ્યો છે. આ વકીલો, ૧૯૯૭ના ધિક્કાર કે અસહનશીલતા ઉશ્કેરતા ધર્મ પર પ્રતિબંધ મૂકવાના કાયદા હેઠળ તેઓના વૃંદ પર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા હતા.” માર્ચ ૧૨, ૧૯૯૯ના રોજ કેસને મોકૂફ રાખવામાં આવ્યો હતો. પાંચ નિષ્ણાતોને સાક્ષીઓની માન્યતાનો અભ્યાસ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બે વર્ષથી પડી રહેલા કેસને ફરી ફેબ્રુઆરી ૬, ૨૦૦૧ના રોજ ખોલવામાં આવ્યો એના લગભગ ત્રણ અઠવાડિયાંથી પણ ઓછા સમયમાં, અદાલતને જોવા મળ્યું કે વકીલોના તહોમતો પાયા વગરના છે. તેમ છતાં, વકીલોએ મૉસ્કો શહેરની અદાલતને ફરીથી કેસ તપાસવાનું કહ્યું. મે ૩૦ના રોજ એ વિનંતી કબૂલ કરવામાં આવી અને કેસની ફરીથી તપાસ કરવાનું જણાવવામાં આવ્યું. લૉસ એન્જલસ ટાઈમ્સે અહેવાલ આપતા કહ્યું: “રશિયાનું ઑર્થોડોક્સ ચર્ચ મિશનરિ પ્રવૃત્તિનો સખત વિરોધ કરતું હતું અને ૧૯૯૭ના ધાર્મિક કાયદાની હિમાયત કરવામાં એ મોખરે હતું. આ કાયદાને કારણે દરેક પંથોએ પોતાની નોંધણી કરાવવા માટે માથાકૂટવાળી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.” (g01 8/22)