સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મરઘી લોકપ્રિય અને અઢળક

મરઘી લોકપ્રિય અને અઢળક

મરઘી લોકપ્રિય અને અઢળક

કેન્યામાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

મરઘી પૃથ્વી પરનું સૌથી પ્રખ્યાત પક્ષી છે. એક અંદાજ પ્રમાણે મરઘીઓની સંખ્યા ૧૩ અબજ કરતાં વધારે છે. મરઘી બધાને એટલી પસંદ છે કે દર વર્ષે લોકો એનું ૩૩ અબજ કીલો કરતાં વધારે માંસ ખાઈ જાય છે. વધુમાં, આખી દુનિયામાં મરઘીઓ દર વર્ષે લગભગ ૬૦૦ અબજ કરતાં વધારે ઈંડાઓ આપે છે.

પશ્ચિમી દેશોમાં મરઘીઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને એ મોંઘી પણ નથી. કેટલાક દાયકા અગાઉ અમેરિકામાં ચૂંટણીના અમુક ઉમેદવારોએ લોકોને વચન આપ્યું હતું કે તેઓ એ લોકોને મત આપે, અને તેઓ ચૂંટણી જીતી જાય તો દરેકને મરઘી પ્રાપ્ય બનાવશે. પરંતુ, આજે મરઘી ફક્ત ધનવાન લોકો માટે જ રહી નથી, સામાન્ય લોકો પણ એને સહેલાઈથી મેળવી શકે છે. કઈ રીતે આ અજોડ પક્ષી આટલું બધું પ્રખ્યાત થઈ ગયું? ગરીબ દેશો વિષે શું? શું તેઓ પણ મરઘીઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશે?

આ પક્ષીનો અહેવાલ

મરઘી એશિયાના જંગલના લાલ કૂકડાના વંશમાંથી ઊતરી આવે છે. પછી, લોકોએ શોધી કાઢ્યું કે મરઘીને સહેલાઈથી પાળી શકાય છે. લગભગ ૨૦૦૦ વર્ષ અગાઉ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મરઘી પોતાનાં બચ્ચાંનું પાંખો તળે રક્ષણ કરે છે. (માત્થી ૨૩:૩૭; માત્થી ૨૬:૩૪) આ દૃષ્ટાંતથી ખબર પડે છે કે એ જમાનાના લોકો આ પક્ષીને સારી રીતે જાણતા હતા. પરંતુ, ૧૯મી સદીમાં વેપારીઓ મોટા પ્રમાણમાં મરઘા અને ઈંડાનો વ્યવસાય કરવા લાગ્યા.

આજે લગભગ દરેક જગ્યાએ મરઘીનું માંસ ખૂબ જ પ્રખ્યાત છે. આજે લાખો લોકો મરઘીઓ પાળે છે. એમાં શહેરના લોકો પણ પોતાના માટે અને વ્યાપાર કરવા મરઘીઓ પાળે છે. હકીકતમાં, મરઘીઓની જેમ જુદી જુદી જગ્યાએ બધાં જ પ્રાણીઓ ઉછેરી શકાતા નથી. ઘણા દેશો પોતાના વાતાવરણને અનુકૂળ અને જરૂરિયાત પ્રમાણે મરઘાનો વ્યવસાય કરે છે. એમાંની અમુક આ છે: ઑસ્ટ્રેલિયાની ઑસ્ટ્રેલોપ, જાણીતી લેગોર્ન, જે ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રની પ્રજાતિ છે પરંતુ અમેરિકામાં ખાસ પ્રખ્યાત છે; ધ ન્યૂ હૈમ્પશાયર, ધ પ્લેમાઉથ રોક, ધ રહોડે આઈલૈંડ રેડ, અને ધ વૉયડોટ, આ બધી જાતિઓ અમેરિકામાં જોવા મળે છે; અને કોરનીશ, ધ ઑરપિંગ્ટોન તથા ધ સસેક્સ જે ઇંગ્લેડમાંથી આવે છે.

આજે વૈજ્ઞાનિક પ્રગતિને કારણે અસંખ્ય મરઘા એક સાથે ઉછેરી શકાય છે. અમેરિકામાં મરઘા ઉછેરનાર તેઓને સમયસર ખોરાક આપે છે અને સમયસર પાંજરામાં પૂરે છે. તેમ જ, એને થતી બીમારીઓને રોકવા માટે ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવે છે. ઘણા લોકો આ રીતે અસંખ્ય મરઘાને એક સાથે ઉછેરવાને ક્રૂરતા કહે છે. તોપણ, આધુનિક પદ્ધતિથી આ વ્યવસાય ચલાવનારાઓએ આ રીતોએ મરઘા ઉછેરવાનું બંધ કર્યું નથી. આજની પદ્ધતિથી હવે ફક્ત એક વ્યક્તિ ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ મરઘાઓ સહેલાઈથી ઉછેરી શકે છે. ત્રણ મહિનામાં તો એ બજારમાં વેચવા માટે તૈયાર થઈ જાય છે. *

માંસનો ઉદ્‍ભવ

આજે તમે શહેર કે ગામડાંની કોઈ પણ હોટલ, રેસ્ટોરંટ કે ઢાબામાં જશો તો, એવી ભાગ્યે જ કોઈ જગ્યા હશે કે જ્યાં મેનૂમાં મરઘીનું માંસ જોવા નહિ મળે. હકીકતમાં, દુનિયાભરના ઘણા ફાસ્ટ-ફુટ રેસ્ટોરંટમાં આ પક્ષીનું માંસ મળે છે. આજે ઘણા સમાજમાં ખાસ પ્રસંગોએ મરઘીનું માંસ પસંદ કરવામાં આવે છે. અમુક દેશોમાં, જેમ કે ભારતમાં આ પક્ષીના માંસને ભોજનમાં પીરસવું સૌથી સારી પરોણાગત મનાય છે. પિપર ચીકન, લાલ મુરઘી, નાના કટકા કરેલું ચીકન, કુર્ગી મુરઘી; અને આદુ સાથે શેકેલી મરઘી, અદરક મુર્ગી જેવી ખાસ ડીશ ખાઈને તમે સાચે જ આંગળા ચાટતા રહી જશો!

શા માટે મરઘી આટલી બધી પ્રખ્યાત છે? એનું એક કારણ એ છે કે એને ઘણી રીતોએ મસાલા નાખીને બનાવી શકાય છે. તમને કેવી મરઘી બનાવવી ગમશે? તળેલી, શેકેલી, ધીમા આંચે પકવેલી કે બાફેલી? તમે કોઈ પણ રસોઈના પુસ્તકમાં જોશો તો, એમાં સ્વાદિષ્ટ મરઘી બનાવવાની ડઝન રીતો જોવા મળશે.

મરઘી સહેલાઈથી મળી જતી હોવાથી, ઘણા દેશોમાં એ ખૂબ જ સસ્તી મળે છે. એ પૌષ્ટિક પણ છે, એમાં પ્રોટીન, વિટામિન, અને ખનીજ જેવા તત્ત્વો હોય છે, જે તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. વધુમાં, મરઘીમાં કૅલરી, સંતૃપ્ત ચરબી અને બીજી ચરબી પણ ઓછી હોય છે.

ગરીબ દેશોને પૂરું પાડવું

સાચે જ, બધા જ દેશોમાં કંઈ ઘણી મરઘીઓ સહેલાઈથી મળતી નથી. એ બાબત ધ્યાન આપવા જેવી છે. કેમ કે, કૃષિ વિજ્ઞાન અને ટેક્નૉલૉજી માટેની કાઉન્સિલના અહેવાલ પ્રમાણે, “અંદાજ લગાવવામાં આવ્યો છે કે દુનિયાની વસ્તી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૭ અબજ ૭૦ કરોડ થઈ જશે. . . . તેમ છતાં, સૌથી વધારે વસ્તી (૯૫%) ગરીબ દેશોમાં વધી રહી છે.” એની સામે, પહેલેથી જ ૮૦ કરોડ લોકોને પૂરતું પોષણ મળતું નથી!

તોપણ, ઘણા નિષ્ણાતોને લાગે છે કે મરઘીનો ઉછેર કરવાથી ફક્ત લોકોનું પેટ જ નથી ભરાતું, પણ લોકોને કંઈક રોજગારી પણ મળે છે. પરંતુ, મુશ્કેલી એ છે કે મોટી સંખ્યામાં આ પક્ષીઓનો ઉછેર કરવો એ ગરીબ ખેડૂતો માટે મુશ્કેલ છે. એક બાબત એ છે કે ગરીબ પ્રજા ઘરના આંગણામાં કે આસપાસની ખુલ્લી જગ્યામાં મરઘીઓને ઉછેરતા હોય છે. આવા દેશોમાં, મરઘીઓની ભાગ્યે જ સારી કાળજી રાખવામાં આવે છે. આ પક્ષીઓ પોતાનો ખોરાક જાતે શોધી લે માટે, તેઓને આખો દિવસ ખુલ્લા છોડી મૂકવામાં આવે છે. પછી તેઓ રાતે ઘરે પાછા ફરીને વૃક્ષો નીચે અથવા પાંજરામાં રહેતા હોય છે.

તેથી, એમાં કંઈ નવાઈ નથી કે આવી મરઘીઓને સહેલાઈથી રોગ લાગે છે, અથવા તો બીજું કોઈક શિકાર કરી જાય છે. મોટા ભાગના ખેડૂતો જાણતા નથી કે મરઘીઓને કઈ રીતે પૂરતો ખોરાક, સારી રહેવાની જગ્યા અને રોગથી રક્ષણ આપવું. આ કારણે મરઘા કઈ રીતે ઉછેરવા એ વિષે ગરીબ દેશોને શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, યુ.એન.ના ખોરાક અને કૃષિ સંગઠને “આફ્રિકાના ગરીબ લોકો માટે, મરઘા ઉત્પાદનમાં વધારો કરવા” પાંચ વર્ષની યોજના શરૂ કરી છે.

તોપણ, આ પ્રકારની સારી ગોઠવણોનું શું પરિણામ આવશે એ તો સમય જ કહેશે. ધનવાન દેશોમાં રહેનારાઓ માટે મરઘી ખાવી સામાન્ય બાબત છે. પરંતુ મોટા ભાગના લોકો માટે તો એ એક મિજબાની બરાબર છે. આવા લોકો માટે મરઘી ખાવી ફક્ત સપનું જ છે. (g01 10/8)

[ફુટનોટ]

^ સામાન્ય રીતે મરઘીઓ ઈંડા માટે ઉછેરવામાં આવતી હોય છે. પરંતુ, અમેરિકામાં ૯૦ ટકા મરઘીઓને માંસ માટે ઉછેરવામાં આવે છે.

[પાન ૨૫ પર બોક્સ/ચિત્રો]

મરઘીને સાવચેતીથી તૈયાર કરવી

‘મરઘીના માંસમાં સાલ્મોનેલા બૅક્ટેરિયા જેવા ઘણા નુકસાનકારક જીવાણુ હોય શકે છે તેથી, એને કાપતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. મરઘીને કાપતા પહેલાં અને પછી હંમેશા પોતાના હાથને, કટીંગ બોર્ડને અને છરીને સારી રીતે સાબુવાળા ગરમ પાણીથી ધુઓ. કટીંગ બોર્ડને ઊકળતા પાણીમાં ધોવું સૌથી સારું છે અને બની શકે તો એના પર કોઈ શાકભાજી કાપવું જોઈએ નહિ. ફ્રીજમાંથી માંસને કાઢ્યા પછી, એને નરમ થયા પછી કાપવું જોઈએ.’—ધ કુક્સ કીચન બાઇબલ.

[પાન ૨૩ પર ચિત્રો]

વાઈટ લેગોર્ન, ગ્રે જંગલ ફાઊલ, ઑરપિંગ્ટોન, પૉલીસ અને સ્પેક્લડ સસેક્સ એ મરઘાની કેટલીક જાતિઓ છે

[ક્રેડીટ લાઈન]

વાઈટ લેગોર્ન સિવાયની બધી જ: © Barry Koffler/www.feathersite.com

[પાન ૨૪ પર ચિત્ર]

મરઘા ઉત્પાદનમાં વધારો કરવા વિકસિત દેશોના ખેડૂતોને મદદ કરવા પ્રયત્નો કરવામાં આવ્યા છે

[પાન ૨૪ પર ચિત્ર]

અમેરિકામાં ૯૦ ટકા મરઘીઓને એના માંસ માટે ઉછેરવામાં આવે છે