મ્યાનમાર “એક સોનેરી દેશ”
મ્યાનમાર “એક સોનેરી દેશ”
મ્યાનમારના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
એશિયામાં કુદરતી રીતે જ છૂટો પડતો પહાડોથી ઘેરાયેલો એક “સોનેરી દેશ” છે. એની દક્ષિણ બાજુએ બંગાળની ખાડી અને અંદમાન સાગર આવીને મળે છે, જેનો દરિયાકાંઠો ૨૦૦૦ કિલોમીટરથી પણ વધારે લાંબો છે. એની દક્ષિણે બાંગ્લાદેશ; ભારત; ઉત્તરે ચીન; અને પૂર્વે લાઓસ તથા થાઈલૅંડ આવેલા છે. આ દેશ માડાગાસ્કરની સરખામણીમાં થોડો મોટો અને ઉત્તર અમેરિકામાં આવેલ ટૅક્સસથી થોડો નાનો છે. એ દેશનું નામ શું છે? એ મ્યાનમાર છે, જે પહેલાં બર્મા તરીકે ઓળખાતો હતો.
આ દેશના પ્રથમ વતનીઓ એને સોનેરી દેશ કહેતા હતા. મ્યાનમારમાં ઘણી કુદરતી સંપત્તિ મળી આવે છે: તેલ, ગેસ, તાંબુ, ટીન, ચાંદી, ટન્ગસ્ટન અને મૂલ્યવાન પથ્થરો પણ મળી આવે છે. જેમ કે નીલમ, નીલમણિ, માણેક અને જૅડ. આ ગરમ દેશનાં જંગલોમાં સાગ, શિરીષ અને પડૉક જેવા અનેક પ્રકારનાં વૃક્ષો પણ ઊગે છે. ત્યાંના જંગલોમાં વાંદરા, વાઘ, રીંછ, જંગલી ભેંસ, હાથી અને અનેક પ્રકારનાં જંગલી પ્રાણીઓ રહે છે. પરંતુ, આ સોનેરી દેશનો સાચો ખજાનો તો ત્યાંના લોકો છે.
મ્યાનમારના લોકો
મોટા ભાગે મ્યાનમારના લોકો નમ્ર, શાંત, સારા સ્વભાવના અને પરોણાગત કરનારા હોય છે. તેઓ મહેમાનોને માન અને આદરથી આવકારે છે. ખાસ કરીને, બાળકો મોટી ઉંમરની વ્યક્તિઓને કાકા અથવા કાકી કહીને બોલાવે છે.
મ્યાનમારમાં વૃદ્ધ લોકોની ત્વચા સુંદર દેખાતી હોવાથી પરદેશીઓ તેઓના વખાણ કરતા હોય છે. ત્યાંના લોકોની ત્વચા સુંદર રહે છે કારણ કે તેઓ ચહેરા પર ફિક્કા-સોનેરી રંગનું ક્રીમ લગાવે છે. એ થાનકા નામથી ઓળખાય છે, જે થાનકા વૃક્ષમાંથી બને છે. એ ઝાડ સુખડ જેવું છે. એનો ઉપયોગ કરવાથી તેઓ સુંદર રહે છે, એવું સ્ત્રીઓનું કહેવું છે. થાનકાના નાના ટુકડા પર થોડું પાણી નાખીને એને પથ્થરથી વાટીને ક્રીમ બનાવવામાં આવે છે. પછી સ્ત્રીઓ
પોતાના ચહેરા પર એ ક્રીમ લગાવે છે. થાનકાની ક્રીમ ચહેરાને ઠંડક આપે છે એની સાથે સાથે ત્વચાનું પણ તાપથી રક્ષણ કરે છે.મ્યાનમારમાં સ્ત્રી-પુરુષોનો ખાસ પહેરવેશ લુંગી છે. એને સહેલાઈથી બનાવી શકાય છે, બે મીટર કાપડ લઈને એના બંને છેડાને સીવવાથી એનો ઘેરાવો થઈ જાય છે. સ્ત્રીઓ આ લુંગી પહેરીને એના છેડાઓને પોતાની કમરની એક બાજુ બાંધી લે છે. તેથી, એ સ્કર્ટ જેવું દેખાય છે. એવી જ રીતે, પુરુષો પણ બંને છેડાને પકડીને કમર પર બાંધે છે. સાદી અને સહેલાઈથી પહેરી શકાય એવી આ લુંગી ઉનાળામાં ઘણી આરામદાયક હોય છે.
બજારમાં ફરવાથી ખબર પડે છે કે મ્યાનમારના લોકો ઘણી બાબતોમાં કુશળ છે. તેઓનું કાપડનું વણાટકામ, ઘરેણા અને લાકડા પરનું નકશીકામ જોવા જેવું છે. તેઓ સાગ, પાડૉક અને અનેક પ્રકારના વૃક્ષોનાં લાકડાંમાંથી આંખને ગમી જાય એવી વસ્તુઓ પણ બનાવે છે. જેમ કે માનવો, ચિત્તો, ઘોડો, ભેંસ અને હાથી. ટેબલ, લાકડાંના પડદા, ખુરશીઓ, ઘરનું ફર્નિચર અને રોજિંદી વપરાતી વસ્તુઓ પર સુંદર કોતરકામ કરવામાં આવે છે. જો તમે એની ખરીદી કરવા ચાહતા હોવ તો, ભાવ-તાલ કરવા તૈયાર રહો!
મ્યાનમારના લોકો લાકડાંમાંથી વાટકા, થાળી અને ઢાંકણાવાળા ડબ્બા જેવી સુંદર વસ્તુઓ બનાવવામાં પણ નિપુણ છે. તેઓ પોતાને મન ફાવે એ રીતે કોતરકામ અને ડિઝાઈન કરીને અજોડ વસ્તુઓ બનાવે છે. તેઓ ઝીણી વાંસની પટ્ટીઓ ગૂંથીને ચટાઈ બનાવે છે. (વધુ સારી વસ્તુઓ બનાવવા માટે વાંસની પટ્ટીઓને ઘોડાના વાળ સાથે ગૂંથીને બનાવવામાં આવે છે.) પછી કારીગર એના પર રોગાનના સાત થર લગાવે છે. કારીગર રોગાન બનાવવા માટે થીસી કે લૅકરના તેલમાં પ્રાણીઓના હાડકાંનો ભૂકો મેળવે છે.
આ રોગાન સુકાઈ જાય ત્યારે, કારીગર એના પર સ્ટીલના સોયાથી મનપસંદ કોતરકામ કરે છે. ત્યાર બાદ, રંગ અને પૉલિશ કરવામાં આવે છે. આ બધાનું પરિણામ ફક્ત સારી કળા જ નહિ, પરંતુ ઘરમાં વાપરી શકાય એવી વસ્તુ પણ તૈયાર થાય છે.
ધર્મની અસર
મ્યાનમારના લગભગ ૮૫ ટકા લોકો બૌદ્ધ છે; બાકીના મોટા ભાગના લોકો મુસલમાન અને ખ્રિસ્તી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના લોકોની જેમ મ્યાનમારમાં પણ ધર્મોની લોકોના જીવન પર ઊંડી અસર પડી છે. તેમ છતાં, ઘણા ટૂરિસ્ટ ત્યાંના ધાર્મિક રિવાજો વિષે અજાણ છે.
દાખલા તરીકે, અહીંના બૌદ્ધ સાધુઓએ, સ્ત્રીઓને સ્પર્શ ન કરવાની માનતા લીધી છે. તેથી, આ સાધુઓને આદર આપવા માટે સ્ત્રીઓ તેઓની નજીક પણ જતી નથી. બસમાં મુસાફરી કરતી વખતે પણ ધાર્મિક રિવાજો પાળવા પડે છે. પશ્ચિમના દેશોની વ્યક્તિ બસમાં આવું લખાણ જોઈને કદાચ મૂંઝાઈ શકે, જે કહે છે: “આપણે ક્યારે પહોંચીશું એવું કૃપા કરી ડ્રાઇવરને પૂછવું નહિ.” શું ડ્રાઇવરો અધીરા મુસાફરોના પ્રશ્નોથી થાકી ગયા છે? ના! કેમ કે ત્યાંના બૌદ્ધ લોકો એવું માને છે કે આવું પૂછવાથી ભૂતો ગુસ્સે થઈને રસ્તામાં નડતર ઊભું કરી શકે છે.
મ્યાનમારનો ઇતિહાસ
મ્યાનમારના શરૂઆતના ઇતિહાસ વિષે કંઈ ખાસ જાણકારી નથી. પરંતુ, એમ લાગે છે કે આજુબાજુના દેશોમાંથી અમુક આદિવાસી જાતિઓ અહીં રહેવા આવી હતી. અહીંની મોન જાતિના લોકોએ આ જગ્યાને સુવર્ણ ભૂમિ, એટલે કે “સોનેરી દેશ” નામ આપ્યું હતું. પૂર્વીય હિમાલયથી ટીબેટો-બર્માના લોકોએ અને નૈઋત્ય ચીનથી તાઈ લોકોએ આવીને અહીં વસવાટ કર્યો હતો. મ્યાનમારનો વિસ્તાર પહાડી હોવાને કારણે જુદી જુદી જગ્યાઓથી લોકોએ આવીને વસવાટ કર્યો અને આ રીતે અહીં અનેક આદિવાસી ભાષાઓ અને જાતિઓ જોવા મળે છે.
ઓગણીસમી સદીની શરૂઆતમાં બ્રિટીશરો ભારતમાંથી મ્યાનમારમાં આવવા લાગ્યા. પ્રથમ તેઓ દક્ષિણ મ્યાનમારમાં રહેવા લાગ્યા અને પછી ધીરે ધીરે આખા દેશ પર કબજો જમાવી લીધો. મ્યાનમાર ૧૮૮૬ સુધી બર્માના નામથી જાણીતું હતું. ભારત પર રાજ કરતી બ્રિટીશ સરકારે એને પણ પોતાના રાજમાં મેળવી દીધું.
બીજા વિશ્વયુદ્ધમાં આ જગ્યા યુદ્ધનું મેદાન બની ગઈ. એના થોડા મહિનાઓ પછી ૧૯૪૨માં જાપાનના સૈનિકોએ બ્રિટીશરોને ત્યાંથી ભગાડ્યા. એ પછી, પ્રખ્યાત “મૃત રેલમાર્ગ” બનાવવામાં આવ્યો. એ ૪૦૦ કિલોમીટર લાંબો રેલમાર્ગ ભયાનક જંગલો અને પહાડીઓમાંથી પસાર થઈને બર્માના તાનફૂયૂજાતને થાઈલૅંડના નોગ પ્લાડુક સાથે જોડતો હતો. પરંતુ, ત્યાં પોલાદની તંગી હોવાને કારણે રેલના પાટાઓ મધ્ય મલાયા (આજનું મલેશિયા)માંથી લાવવામાં આવ્યા. આ યોજનાનો એક નાનો ભાગ કવાઈ નદી પરનો પુલ પણ હતો. એના પરથી પછી એક પ્રખ્યાત ફિલ્મ બનાવવામાં આવી હતી.
આ રેલવે માર્ગને બનાવવા ૪૦૦ હાથી અને ૩,૦૦,૦૦૦ યુદ્ધ કેદીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કામમાં ભારત અને બર્માના રહેવાસીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ માર્ગ બનાવતા દસ હજાર કરતાં વધારે લોકો માર્યા ગયા હતા. વારંવાર થતા બૉંબમારાને કારણે આ રેલવે માર્ગનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. તેથી, આખરે એને બંધ કરવામાં આવ્યો. પછી એના મોટા ભાગના પાટાઓને કાઢી લઈને બીજા કામમાં ઉપયોગ કરવામાં આવ્યો.
આખરે, બ્રિટીશરોએ બર્મા પાછું લેવા ૧૯૪૫માં જાપાન સાથે યુદ્ધ કર્યું અને જીત મેળવી. પરંતુ, બર્મા પર તેઓનું રાજ વધારે ચાલ્યું નહિ કેમ કે જાન્યુઆરી ૪, ૧૯૪૮માં બર્મા આઝાદ થયું. જૂન ૨૨, ૧૯૮૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દેશનું નામ બદલીને મ્યાનમાર આપ્યું.
દેશની રાજધાનીઓ
સદીઓથી મ્યાનમારની રાજધાની ઘણી વાર બદલાઈ છે. દાખલા તરીકે, મ્યાનમારની મધ્યમાં આવેલું માંડલે સોનેરી શહેરના નામથી જાણીતું હતું. ત્યાં એ સમયે બનાવવામાં આવેલા હજારો ઊંચા બૌદ્ધ મંદિરો જોવા મળે છે. અંગ્રેજ રાજ આવ્યા પહેલાં, એ ત્યાંની રાજધાની હતી. એમાં ૫,૦૦,૦૦૦ લોકો રહેતા હતા. વર્ષ ૧૮૫૭માં રાજા મિંડને માંડલેમાં પોતાના માટે અને પોતાની રાણીઓ માટે વિશાળ મહેલ બનાવીને આ શહેરને રાજવી સન્માન આપ્યું. ચાર ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલા આ મહેલની ચારે બાજુ ૮ મીટર ઊંચી અને ૩ મીટર જાડી દીવાલ હતી. દીવાલને કિનારે કિનારે ૭૦ મીટર પહોળી નહેર ખોદવામાં આવી હતી.
મ્યાનમારમાં રાજા મિંડન પછી થીબાઉ રાજ કરવા લાગ્યો. વર્ષ ૧૮૮૫માં બ્રિટીશ સરકારે થીબાઉને દેશવટો આપીને ભારત મોકલી દીધો, તેઓએ મહેલને હાથ પણ લગાવ્યો ન હતો. તેમ છતાં, બીજા વિશ્વયુદ્ધમાં એ મહેલ બળીને ખાખ થઈ ગયો. પરંતુ, મ્યાનમારના લોકોએ ફરીથી એ જગ્યા પર એવો જ મહેલ ઊભો કરી દીધો. તેઓએ લાલ અને સોનેરી લાકડાંમાંથી ખૂબ જ સુંદર મહેલ બનાવ્યો. હવે કોઈ પણ લોકો એ જોવા જઈ શકે છે.
માંડલેથી ૨૦૦ કિલોમીટર નીચેના ભાગમાં પેગાન આવેલું છે. એ પણ પ્રથમ મિલેનિયમ દરમિયાન એક રાજધાની હતું. અગિયારમી સદી સુધી એ ખૂબ સુંદર હતું. પરંતુ, ૨૦૦ વર્ષ પછી એને પડતું મૂકવામાં આવ્યું. તોપણ, આજે કેટલાક નાનાં ગામડાંઓમાં સેંકડો તૂટ્યાં-ફૂટ્યાં મંદિરો અને ઊંચા શિખરવાળા બૌદ્ધ મંદિરો અને પેગોડા દેખાઈ આવે છે. એ તેની અગાઉની ભવ્યતાની યાદ અપાવે છે.
આજે એની રાજધાની, ખૂબ જ અવર-જવરવાળું યાંગોન (જે ૧૯૮૯ સુધી રંગૂન કહેવામાં આવતું હતું) શહેર છે. એમાં આજે ૩૦ લાખથી પણ વધારે લોકો રહે છે અને કાર, બસ તથા રિક્ષા જેવાં વાહનોના હૉર્ન વાગતા સંભળાતા હોય છે. ત્યાંની ઘણી ઇમારતો બ્રિટિશ સમયની યાદ અપાવે છે. યાંગોનની સડકની આજુબાજુ વૃક્ષો અને આધુનિક ઊંચી ઊંચી ઇમારતો પણ જોવા મળે છે જેમાં, હૉટલ અને ઑફિસ ઇમારતોનો સમાવેશ થાય છે.
આ ઊંચી ઇમારતોમાં એક ૨,૫૦૦ વર્ષ જૂનું શ્વેડેગોન બૌદ્ધ મંદિર પણ જોવા મળે છે. એની ઊંચાઈ ૯૮ મીટર છે. આ મંદિર એની પ્રાચીન કારીગરી અને પહેલી સદીની ધન-દોલતની બડાઈ હાંકે છે. એના ઘુંમટ ફરતે લગભગ ૭,૦૦૦ હીરા અને કીમતી રત્નો જડેલા છે. એની ચોટીએ ૭૬ કૅરેટનો હીરાનો મુગટ પહેર્યો છે. મ્યાનમારની ઘણી પ્રાચીન ઇમારતોને અસર પહોંચી છે તેમ, ધરતીકંપ અને યુદ્ધોને લીધે શ્વેડેગોન મંદિરની ભવ્યતામાં પણ ઓટ આવી છે અને એના ઘણા ભાગોને ફરીથી બનાવવામાં આવ્યા છે.
તેમ છતાં, અમુક લોકો દાવો કરે છે કે યાંગોનની ખરી શોભા સોનેરી સુલે બૌદ્ધ મંદિર છે. એ છેતાળીશ મીટર ઊંચું અને ૨,૦૦૦ વર્ષ જૂનું મંદિર છે. ત્યાં ફરતે ચાર રસ્તાઓ જોડાય છે. તેથી એનું સોનેરી સર્કલ નામ પાડવામાં આવ્યું છે. તેમ જ એ મંદિરની ફરતે ઘણી દુકાનો પણ છે.
આત્મિક સોનું
વર્ષ ૧૯૧૪માં બે આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થીઓ (એ સમયે યહોવાહના સાક્ષીઓ એ નામથી જાણીતા હતા) સાચા સોનાની કદર કરતા લોકોની શોધમાં ભારતથી રંગૂન આવ્યા. એ આત્મિક સોનું છે. વર્ષ ૧૯૨૮ અને ૧૯૩૦માં બીજા વધારે મિશનરીઓ આવ્યા અને ૧૯૩૯ સુધીમાં તો ત્રણ મંડળોમાં ૨૮ યહોવાહના સાક્ષીઓ થયા હતા. મુંબઈ, ભારતમાંની યહોવાહના સાક્ષીઓની શાખા ૧૯૩૮ સુધી મ્યાનમારના પ્રચાર કાર્યની દેખરેખ રાખતી હતી. ત્યાર પછી, ૧૯૪૦ સુધી ઑસ્ટ્રેલિયાની શાખા એ કામ સંભાળતી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે કે ૧૯૪૭માં રંગૂનમાં યહોવાહના સાક્ષીઓએ પોતાની શાખા ખોલી.
જાન્યુઆરી ૧૯૭૮માં, શાખા રંગૂનમાં ઇનયા રોડ પર ખસેડવામાં આવી. ત્યાં ત્રણ માળની ઇમારત બનાવવામાં આવી છે. એને આજે મ્યાનમાર બેથેલ કહેવામાં આવે છે, જેના ૫૨ સભ્યો, દેશના ૩,૦૦૦ યહોવાહના સાક્ષીઓની પ્રચાર કાર્યની જરૂરિયાતો પૂરી પાડવા કામ કરે છે. મ્યાનમારમાં ઘણી ભાષાઓ હોવાથી ત્યાંની શાખા તેઓના પ્રચાર કાર્ય માટેનું સાહિત્ય ભાષાંતર કરે છે. યહોવાહના સાક્ષીઓ ઘણી મહેનત કરીને સોના જેવી વ્યક્તિઓને એ સોનેરી દેશમાં શોધી રહ્યા છે. (g01 12/8)
[પાન ૧૯ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
બાંગ્લાદેશ
ભારત
ચીન
મ્યાનમાર
લાઓસ
થાઈલૅંડ
માંડલે
પેગાન
યાંગોન
બંગાળાની ખાડી
[ક્રેડીટ લાઈન]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[પાન ૧૯ પર ચિત્રો]
ઉપરથી: સ્ત્રી-પુરુષો લુંગી પહેરે છે; નાનકડો બૌદ્ધ સાધુ; સ્ત્રીઓએ “થાનકા” ક્રીમ લગાવ્યું છે
[પાન ૨૦ પર ચિત્ર]
મગફળીના ખેતરમાં પ્રચાર
[પાન ૨૦ પર ચિત્ર]
કોતરકામ કરેલી લાકડાની વસ્તુઓ બજારમાં વેચાય છે
[ક્રેડીટ લાઈન]
chaang.com
[પાન ૨૦ પર ચિત્ર]
રોગાન ચઢાવેલા ટેબલની સપાટી પર ડિઝાઇન થઈ રહી છે
[પાન ૨૦ પર ચિત્ર]
રોગાનથી શણગારેલો સુંદર વાટકો
[ક્રેડીટ લાઈન]
chaang.com
[પાન ૨૨ પર ચિત્ર]
મ્યાનમારમાં યહોવાહના સાક્ષીઓની શાખા
[પાન ૧૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Jean Leo Dugast/Panos