વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
વર્ષા જંગલો
ભારતમાં વર્ષા જંગલો વિષે કહેવામાં આવતું હતું કે એ દક્ષિણ બાજુએ કેરાલા રાજ્યમાં જ આવેલાં છે. તેમ છતાં, તાજેતરમાં એક પર્યાવરણશાસ્ત્રી સામ્યદીપ દત્તાને ભારતના ઉત્તરપૂર્વે આવેલા આસામ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે ૫૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતું વર્ષા જંગલ મળી આવ્યું છે, એમ નવી દિલ્હીનું સામયિક ડાઉન ટુ અર્થ અહેવાલ આપે છે. એ જંગલમાં ઘણા પ્રકારનાં જંગલી પ્રાણીઓ છે. જેમ કે, “૩૨ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ અને ૨૬૦ પ્રકારનાં પક્ષીઓ અને જવલ્લે જ જોવા મળતા હાથી, વાઘ અને ચિત્તો, ચાઈનીઝ પેંગોલીન, સ્લોથ રીંછ, હરણ, હુલોક ગીબ્બોન વાંદરા, કાલીફ પક્ષી, ચિલોત્રો અને જંગલમાં બતક”નો પણ સમાવેશ થાય છે. પરંતુ, વૃક્ષના મજબૂત લાકડા જેવી, જંગલની પેદાશની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ માંગ હોવાથી, ઘણાં વર્ષા જંગલો માટે ધમકી ઊભી થઈ છે, એમ ડાઊન ટુ અર્થ સામયિક નોંધે છે. કેટલાક પ્રકૃતિશાસ્ત્રીઓને ચિંતા છે કે લાકડાં માટે આવાં વૃક્ષોને હદ ઉપરાંત કાપી નાખવામાં આવશે તો, વર્ષા જંગલો બચાવી શકાશે નહિ અને એની જગ્યાએ ફક્ત ખેતીવાડી જ આવી જશે. (g01 10/8)
મૅલેરિયા માટેની દવા અસરકારક નથી
ઝાંબિયામાં મૅલેરિયા માટેની દવા ક્લોરોક્વીનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. પરંતુ, હવે એ પ્રથમ કક્ષાની દવા તરીકે અસરકારક ન હોવાથી સરકારી દવાખાનાઓમાં એને બદલે વધુ અસરકારક દવા મૂકવામાં આવી છે, એમ ટાઈમ્સ ઑફ ઝાંબિયા અહેવાલ આપે છે. એક અભ્યાસે બતાવ્યું કે “ઝાંબિયામાં દર વર્ષે મૅલેરિયા થયેલા પાંચ વર્ષથી નાનાં ૨૫,૦૦૦ બાળકોમાંથી ક્લોરોક્વીન આપ્યા છતાં ૧૨,૦૦૦ મરણ પામે છે.” તેથી, એ અભ્યાસ પછી ક્લોરોક્વીનનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો. એ પછી મોટા ભાગના પૂર્વીય અને દક્ષિણ આફ્રિકાના દેશોમાં પણ ક્લોરોક્વીનની જગ્યાએ બીજી દવાઓ આપવામાં આવે છે. “જોકે ૩૦થી વધારે વર્ષોથી મૅલેરિયા માટે ક્લોરોક્વીન સફળ થઈ છે, તેમ છતાં, મૅલેરિયા માટે હવે એ અસરકારક રહી નથી. એને બદલે, ઝાંબિયામાં મૅલેરિયાને કારણે સૌથી વધુ મરણ થયાં છે,” એમ ટાઈમ્સ સામયિક જણાવે છે. (g01 10/22)
હાથી જેવી યાદશક્તિ?
કેન્યાના એમ્બોસેલી નેશનલ પાર્કમાં કામ કરતા સંશોધનકર્તાઓએ શોધ્યું છે કે હાથીઓના ઝુંડની સલામતીનું એક કારણ, સૌથી વધુ ઉંમરવાળી હાથણીની યાદશક્તિ છે. “ઓછામાં ઓછી ૫૫ વર્ષની હાથણીઓ ૩૫ વર્ષની હાથણીઓ કરતાં એ બતાવવામાં વધુ હોશિયાર હોય છે કે કોણ મિત્ર છે અને કોણ દુશ્મન,” સાયન્સ ન્યૂઝ અહેવાલ આપે છે. હાથીઓનો અવાજ યાદ રાખતી હોવાથી, ઉંમરવાળી હાથણો અજાણ્યા અવાજને પારખી શકે છે અને તેથી હાથીઓને ઝુંડમાં એકત્ર કરી નાખે છે. અહેવાલ કહે છે કે “એક હાથણી લગભગ ૧૦૦ હાથીઓના અવાજને ઓળખી નાખે છે.” તેથી, શિકારીઓ વૃદ્ધ હાથણીને મારી નાખે છે ત્યારે, હાથીઓના આખા ઝુંડે રક્ષણ કરતી માહિતીઓનો ખજાનો ગુમાવવો પડે છે. (g01 11/22)
દારૂ પીને સાઇકલ ન ચલાવો
દારૂ પીને સાઇકલ ચલાવવી એ દારૂ પીને કાર ચલાવવા જેટલું જ જોખમી છે, એમ ન્યૂ સાયન્ટિસ્ટ સામયિકનો અહેવાલ જણાવે છે. “કારને ચલાવવા કરતાં સાઇકલ ચલાવવા માટે વધારે માનસિક અને શારીરિક સુસંગતતાની જરૂર પડે છે. તેથી, દારૂ પીને સાઇકલ ચલાવે છે તેના પર એની વધુ ગંભીર અસર પડે છે, એમ મેરીલૅન્ડ, યુ.એસ.એ.ની જોન્સ હોપકીન્સ યુનિવર્સિટીમાં કામ કરતા ડૉક્ટર ગ્વોહુઆ લીએ કહ્યું. ડૉ. લી અને તેમના સાથી કર્મચારીઓએ ૪૬૬ સાઇકલ ચલાવનારાઓનો અભ્યાસ કર્યો. તેઓને જોવા મળ્યું કે જેઓ ચાર કે પાંચ ગ્લાસ દારૂ પીને સાઇકલ ચલાવે છે તેઓમાં ગંભીર રીતે ઇજા થવાનું કે મૃત્યુ પામવાનું જોખમ ૨૦ ગણું વધારે છે. એક ગ્લાસ દારૂ પીને સાઇકલ ચલાવનાર માટે પણ એ જોખમ છ ગણું વધારે છે. વળી, “ન્યૂ સાયન્ટિસ્ટ કહે છે, “વધુ દારૂ પીને સાઇકલ ચલાવે છે તેઓ હેલ્મેટ પહેરવા તૈયાર હોતા નથી.” (g01 10/22)
કેળમાંથી કાગળ
કેળા ઉતારી લીધા પછી, એના છોડને ત્યાં જ સડીને ખાતર થઈ જવા દેવામાં આવે છે. તેમ છતાં, નાગોયા સીટી યુનિવર્સિટીના પ્રોફેસર હીરોશી મોરીશીમા કેળાના છોડમાંથી કાગળ બનાવવામાં સફળ થયા છે, એમ જાપાનનું અસાહી શીમ્બુન વર્તમાનપત્ર અહેવાલ આપે છે. છોડના રેસાઓ “લાંબા અને મજબૂત હોય છે અને મનીલા હેમ્પમાંથી બનતા કાગળના કાચા માલ જેટલી જ લગભગ એની ગુણવત્તા હોય છે.” કેળાના છોડમાંથી બનતા કાગળની ગુણવત્તા, પ્રીન્ટર અને ઝેરોક્સ મશીનમાં વપરાતા કાગળ જેવી જ છે. એના રદ્દી કાગળમાંથી ફરી બનાવવામાં આવેલા કાગળ પણ મજબૂત
પુરવાર થયા છે. “જગત ફરતે ૧૨૩ દેશોમાં કેળાની ખેતી કરવામાં આવે છે અને વાર્ષિક ૫,૮૦,૦૦,૦૦૦ ટન કેળાની પેદાશ થાય છે, જેને કારણે કાગળ માટેનો કાચો માલ મળી રહેવાની બાંયધરી મળે છે,” એવું વર્તમાનપત્ર કહે છે. (g01 10/22)ધાર્મિક લૂંટ
“કડક કાયદો હોવા છતાં, યુરોપમાં ધાર્મિક વસ્તુઓની ચોરી અને હેરાફેરી વધી રહી છે,” ફ્રેન્ચ કૅથલિક વર્તમાનપત્ર લા ક્રોઈક્ષ જણાવે છે. ચોરાયેલી વસ્તુઓમાં ઘણા ક્રોસ, ફર્નિચર, સોના-ચાંદીની થાળીઓ, શિલ્પકામવાળી મૂર્તિઓ, પેઈન્ટિંગ્સ અને વેદીઓનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ અનુસાર, તાજેતરનાં વર્ષોમાં ચૅક પ્રજાસત્તાકમાં ૩૦થી ૪૦ હજાર જેટલી વસ્તુઓ ચોરાઈ ગઈ છે. એની સરખામણીમાં ઇટાલીમાં ૮૮ હજારથી પણ વધારે વસ્તુઓ ચોરાઈ ગઈ છે. જોકે ફ્રાંસમાં ૮૭ ચર્ચો હોવાથી, ત્યાં પણ ચોરી થવાનું પ્રમાણ વધુ છે. ફ્રાંસમાં ૧૯૦૭-૧૯૯૬ દરમિયાન, લગભગ ૨૦૦૦ જેટલી “ઐતિહાસિક સ્મૃતિચિહ્ન” ગણાતી વસ્તુઓ ધાર્મિક સંસ્થાઓમાંથી ચોરાઈ છે, અને એમાંની ૧૦ ટકાથી પણ ઓછી વસ્તુઓ માંડ પાછી મળી છે. આવી ચોરીઓ થતી રોકવી કંઈ સહેલું નથી અને એમાંય ખાસ કરીને ચર્ચોમાં કે જ્યાં લોકો સહેલાઈથી આવ-જા કરતા હોય છે અને ઓછી સલામતી વ્યવસ્થા હોય છે. (g01 12/8)
દૂધ ઉત્પાદનમાં જગતમાં મોખરે
સૌથી વધુ દૂધ ઉત્પાદન કરવામાં દુનિયામાં હવે ભારતનો સૌથી પહેલો નંબર આવે છે, એમ હિન્દુસ્તાન ટાઈમ્સ જણાવે છે. “પર્યાવરણ પર નજર રાખતી [વોશીંગ્ટન, ડી.સી., અમેરિકામાં આવેલી] વર્લ્ડવોચ ઈન્સ્ટીટ્યૂટે ભારતની દૂધ ઉત્પાદનની પ્રગતિની પ્રશંસા કરી છે,” અહેવાલ જણાવે છે. “૧૯૯૪થી, ભારત દૂધ ઉત્પાદનમાં આગળ પડતું છે અને ૧૯૯૭માં ભારતે અમેરિકાથી આગળ નીકળી જઈને સૌથી વધુ દૂધ ઉત્પાદન કર્યું હતું.” વર્લ્ડવોચ ઈન્સ્ટીટ્યૂટના વડા લેસ્ટર બ્રાઉન આમ કહે છે: “એ રસપ્રદ છે કે ભારતે અનાજ આપવાને બદલે, અનાજ કાઢી લીધા પછી બચેલા પરારનો ચારા તરીકે ઉપયોગ કર્યો હતો. આ રીતે, માણસજાત માટેના અનાજને ઢોરને આપ્યા વગર ભારત, દૂધમાં પ્રોટીન વધારી શક્યું હતું.” (g01 12/22)
નળના પાણી કરતાં બોટલનું પાણી ખરાબ
“બોટલનું પાણી એટલું પ્રખ્યાત છે કે આજે જગત ફરતે ૭૦૦ કરતાં વધુ બ્રાન્ડનું પાણી વેચવામાં આવે છે,” ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. તોપણ, “ઘણા કિસ્સાઓમાં બોટલનું મોંઘું પાણી અને નળના પાણી વચ્ચે ફક્ત એક જ ફરક હોય છે, એ છે બોટલ.” વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરે (WWF) જણાવ્યું તેમ, “ઘણા દેશોમાં બોટલનું પાણી નળના પાણી કરતાં સલામત નથી, એ ઉપરાંત નળના પાણી કરતાં બોટલના પાણીનો ભાવ ૧૦૦૦ ગણો વધારે હોય છે.” નળનું પાણી વાપરવાથી પૈસા તો બચે જ છે વધુમાં, વાતાવરણ પણ ચોખ્ખું રહે છે. કેમ કે દર વર્ષે પાણીની બોટલો બનાવવા માટે ૧૫ લાખ ટન પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ, “એને બનાવતી વખતે અને નાશ કરતી વખત ઝેરી કેમિકલ છૂટું પડે છે, એને કારણે જે ગેસ છૂટે છે એ વાતાવરણને પ્રદૂષિત કરી નાખે છે.” ડબલ્યુડબલ્યુએફ ઇન્ટરનેશનલના તાજા પાણીના કાર્યક્રમના વડા, ડૉ. બિકશામ ગુજ્જા અનુસાર, “બોટલમાં પાણી વેચતા ઉદ્યોગ કરતાં, યુરોપ અને યુનાઈટેડ સ્ટેટ્સના નળના પાણીમાં વધુ સાવધાની રાખવામાં આવે છે.” (g01 12/8)
અશ્લીલતાનો ઉદ્યોગ
“ફૂટબોલ, બાસ્કેટબોલ અને બેસબોલના કુલ વેપારથી જેટલી કમાણી થાય છે એના કરતાં અશ્લીલતાના ઉદ્યોગથી વધુ કમાણી થાય છે. અમેરિકામાં લોકો એક વર્ષમાં ફિલ્મો કે બધા પ્રકારના મનોરંજન પાછળ જેટલા પૈસા ખર્ચે છે એના કરતાં અશ્લીલતા પાછળ વધુ પૈસા ખર્ચે છે,” એમ ન્યૂ યોર્ક ટાઈમ્સ મેગેઝિન કહે છે. “અમેરિકામાં અશ્લીલતાના ઉદ્યોગની વાર્ષિક આવક અંદાજવામાં આવતા કુલ ૧૦૦૦ કરોડ ડૉલરથી ૧૪૦૦ કરોડ ડૉલરની થાય છે. એમાં ટીવી પ્રસારણમાં તથા કેબલ ટીવી પર બતાવાતી અશ્લીલ ફિલ્મો, સેટેલાઈટ, ઈન્ટરનેટ વેબ સાઈટ્સ, હોટલના રૂમમાં બ્લ્યૂ ફિલ્મો, ફોન પર કામોત્તેજક વાતો, જાતીયતા ભડકાવનારાં રમકડાં અને અશ્લીલ સામયિકોનો સમાવેશ થાય છે.” લેખ આગળ કહે છે: “અમેરિકામાં ફિલ્મી ઉદ્યોગ ૬૦ કરોડ ડૉલરનો વેપાર કરે છે, એની સરખામણીમાં ૧૦ અબજ ડૉલરનો અશ્લીલતાનો ઉદ્યોગ નાનોસૂનો નથી, પરંતુ મુખ્ય વેપાર બની ચૂક્યો છે.” દાખલા તરીકે, ગયા વર્ષે હોલીવુડે ૪૦૦ ફિલ્મો બહાર પાડી ત્યારે, અશ્લીલ મનોરંજનના ઉદ્યોગે “પુખ્ત લોકો” માટે ૧૧૦૦૦ ફિલ્મો બનાવી. તોપણ, અમેરિકાના લોકો એ ફિલ્મો જોવા વિષે ભાગ્યે જ કબૂલતા હોય છે. “અશ્લીલતાના ઉદ્યોગને બીજો કોઈ પણ ઉદ્યોગ ટક્કર મારી શકે એમ નથી,” ટાઈમ્સ કહે છે. “અશ્લીલ ફિલ્મો એવી છે કે જેને જોવાનો બધા નકાર કરે છે, છતાં એનો ઉદ્યોગ બંધ થઈ જતો નથી.” (g01 12/8)