સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે પુરુષો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે?

શા માટે પુરુષો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે?

શા માટે પુરુષો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે?

કેટલાક નિષ્ણાતો કહે છે કે બીજા ગુના કરતાં પુરુષોના અત્યાચારથી મરણ પામતી સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. શા માટે પતિઓ પોતાની પત્નીઓ પર આવો અત્યાચાર કરે છે એ જાણવા અનેક પ્રકારના સર્વે કરવામાં આવ્યા છે. કેવા પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે? તે કેવા કુટુંબમાં મોટા થયા છે? શું સહચર્ય દરમિયાન પણ તેનો સ્વભાવ આવો જ હતો? શું તે બદલાવા તૈયાર છે?

નિષ્ણાતોને જોવા મળ્યું છે કે બધા જ અત્યાચાર કરનારા પતિઓ એકસરખા હોતા નથી. કોઈક પતિ અમુક જ સમયે પત્નીને મારતો હોય શકે. તે કોઈ પ્રકારના હથિયારનો ઉપયોગ કરતો નથી. અથવા, તેણે પહેલાં પોતાની પત્ની પર હાથ ઉગામ્યો પણ ન હોય. સામાન્ય રીતે તેનો સ્વભાવ સારો હોય છે, પણ કોઈક કારણે તે મારી બેસે છે. બીજા પતિઓને પત્નીને મારઝૂડ કરવાની આદત પડી ગઈ હોય છે અને તેઓને જરાય પસ્તાવો થતો નથી.

ભલે ગમે તે હોય, આવા પતિઓ કોઈક સમયે તો પોતાની પત્નીને મારે છે. તેઓ બધા જ ગુનેગાર છે. એવું નથી કે એક કરતાં બીજાનો ગુનો ઓછો છે. કોઈ પણ જુલમથી ઈજા અથવા મરણ થઈ શકે છે. તેથી, ઓછી મારપીટ કરનાર પણ ગુનેગાર છે. એવો કોઈ જુલમ નથી, જે “ચલાવી” લેવાય. લગ્‍ન સમયે પતિ પોતાની પત્નીને સુખી કરવાના સોગંદ લે છે. તેમ છતાં, એવું તે શું છે, જેના લીધે તે મારપીટ કરવા લાગે છે?

ઘરનું વાતાવરણ

એમાં કંઈ આશ્ચર્ય નથી કે શારીરિક અત્યાચાર કરતા ઘણા પતિઓ પોતે એવા જ વાતાવરણમાં ઉછર્યા હોય છે. શા માટે પતિઓ પોતાની પત્નીઓને મારે છે, એ વિષે માઈકલ ગ્રેચે લગભગ વીસ વર્ષ અભ્યાસ કર્યો. તે લખે છે, “મોટા ભાગના અત્યાચારી પતિઓ ‘ઝગડાખોર’ ઘરમાં મોટા થયા હોય છે. તેઓના ઘરમાં મારપીટ અને ટોણા મારવા એકદમ ‘સામાન્ય’ હોય છે.” એક નિષ્ણાત અનુસાર, આવા વાતાવરણમાં ઊછરેલા પતિએ “નાનપણથી જ પોતાની મમ્મીને માર ખાતી જોઈ હોય છે. પછી તે પણ પપ્પાની જેમ સ્ત્રીઓને નફરત કરવા લાગે છે. તે સ્ત્રીને ધમકી, બીક કે બીજી કોઈ રીતે કાબૂમાં રાખતા શીખે છે. તેમ જ, તે પોતાના પિતાનું દિલ જીતવા પણ એમ કરતા શીખે છે.”

તેથી, બાઇબલ એ સ્પષ્ટ કહે છે કે માબાપની વર્તણૂકથી બાળકો પર સારી કે ખરાબ ઊંડી અસર પડી શકે છે. (નીતિવચનો ૨૨:૬; કોલોસી ૩:૨૧) કુટુંબના વાતાવરણને લીધે પતિ મારપીટ કરતા શીખ્યો હોય શકે. પરંતુ, એનો અર્થ એમ નથી કે તેણે પણ એમ કરવું જોઈએ.

સમાજની અસર

કેટલાક દેશોમાં એમ માનવામાં આવે છે કે પત્નીને મારઝૂડ કરવામાં કંઈ ખોટું નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક અહેવાલ બતાવે છે, “ઘણા સમાજો માને છે કે પતિને પોતાની પત્ની પર જુલમ કરવાનો હક્ક છે.”

જે દેશોમાં સ્ત્રીઓ પર થતા જુલમ ગુનો ગણાય છે, ત્યાં પણ ઘણા જુલમ કરતા હોય છે. કેટલાક પુરુષોના વિચારો આઘાત પમાડે એવા હોય છે. એ વિષે દક્ષિણ આફ્રિકાના વિક્લી મેઈલ ઍન્ડ ગાર્ડિયન વર્તમાનપત્ર અનુસાર, કૅપ પેનીનશ્યુલામાં એક સર્વેએ જણાવ્યું કે મોટા ભાગના પુરુષો એવું માને છે કે સ્ત્રીને મારવું એકદમ સામાન્ય છે અને એ કોઈ ગુનો નથી.

આમ, આવા જોખમી વલણના બી નાનપણથી જ વવાય છે. દાખલા તરીકે, બ્રિટનમાં ૧૧-૧૨ વર્ષના છોકરાઓનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાંના ૭૫ ટકા છોકરાઓ એવું માને છે કે પતિ પત્ની પર ગુસ્સે થાય અને તેને મારે એમાં કંઈ ખોટું નથી.

પત્નીને મારવું પાપ છે

ઉપર જણાવેલાં કારણો સમજાવે છે કે કોઈ પતિ કેમ જુલમ કરે છે, પણ એનાથી જુલમ વાજબી બનતો નથી. ટૂંકમાં કહીએ તો, પત્ની પર હાથ ઉપાડવો, એ પરમેશ્વરની નજરમાં મોટું પાપ છે. બાઇબલ જણાવે છે: “પતિઓ જેમ પોતાના શરીર પર પ્રેમ કરે છે તેવી જ રીતે તેમણે પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતાના પર જ પ્રેમ કરે છે. (કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પોષણ કરે છે અને તેની સંભાળ રાખે છે. ખ્રિસ્ત મંડળીને માટે તેવું જ કરે છે.)”—એફેસી ૫:૨૮, ૨૯, પ્રેમસંદેશ.

બાઇબલમાં ભાખવામાં આવ્યું છે કે આ જગતના “છેલ્લા સમયમાં” લોકો “ક્રૂર,” “સંયમ ન કરનારા,” અને “નિર્દય” હશે. (૨ તીમોથી ૩:૧-૩) સ્ત્રીઓ પર થતો જુલમ બતાવે છે કે આપણે એ જ સમયમાં જીવી રહ્યા છીએ. પરંતુ, અંત આવે ત્યાં સુધી, શું જુલમ સહન કરતી સ્ત્રીઓ માટે કોઈ મદદ છે? તેમ જ, શું જુલમીઓ સુધરશે એવી કોઈ આશા છે? (g01 11/8)

[પાન ૫ પર બ્લર્બ]

“જે પતિ પોતાની પત્નીને મારે છે, તે કોઈ નિર્દોષની મારપીટ કરનાર ગુંડા જેવો છે.”—પુરુષ સ્ત્રી પર જુલમ કરે છે ત્યારે (અંગ્રેજી)

[પાન ૬ પર બોક્સ]

ઘરમાં થતી હિંસા—એક જગતવ્યાપી સમસ્યા

સ્ત્રીઓ પર અત્યાચાર કરતા અભિમાની પતિઓ, આખી દુનિયામાં જોવા મળે છે. એ નીચેના અહેવાલો પરથી જોવા મળે છે.

ઇજિપ્ત: ઍલેક્ઝાંડ્રિયામાં થયેલા ત્રણ મહિનાના સર્વે પરથી માલૂમ પડ્યું કે સ્ત્રીઓને થતી ઈજાઓનું મુખ્ય કારણ ઘરમાં થતી મારઝૂડ છે. મદદ માટેની સેવાઓ લેતી સ્ત્રીઓમાંથી ૨૭.૯ ટકા સ્ત્રીઓને ઘરમાં મારઝૂડ થાય છે.—સ્ત્રીઓ પરના ચોથા જગત પરિષદનો પાંચમો અહેવાલ.

થાઇલૅન્ડ: બૅંગકોકના સૌથી મોટા શહેરમાં ૫૦ ટકા સ્ત્રીઓને તેઓના પતિ નિયમિત મારે છે.—સ્ત્રીઓના રક્ષણ માટેની પેસિફિકની સંસ્થા.

હૉંગ કૉંગ: “અગણિત સ્ત્રીઓનું કહેવું છે કે તેઓના પતિઓ તેઓની મારપીટ કરે છે. એમાં ગયા વર્ષે ૪૦ ટકાનો વધારો થયો છે.”—સાઊથ ચાઈના મૉર્નિંગ પૉસ્ટ, જુલાઈ ૨૧, ૨૦૦૦.

જાપાન: વર્ષ ૧૯૯૫માં ૪,૮૪૩ સ્ત્રીઓએ ઘર છોડીને રક્ષણ લીધું હતું. વર્ષ ૧૯૯૮માં એ આંકડો વધીને ૬,૩૪૦ સુધી પહોંચ્યો હતો. “તેઓમાંથી લગભગ ત્રીજા ભાગની સ્ત્રીઓએ કહ્યું કે પોતાના જુલમી પતિઓને કારણે તેઓને એમ કરવાની જરૂર પડી છે.”—ધ જાપાન ટાઈમ્સ, સપ્ટેમ્બર ૧૦, ૨૦૦૦.

બ્રિટન: “બ્રિટનમાં દર છ સેકંડે ઘરોમાં સ્ત્રીઓ પર બળાત્કાર, મારપીટ કે ચપ્પુના ઘા કરવામાં આવે છે.” સ્કોટલૅન્ડ યાર્ડ પોલીસના કહેવા પ્રમાણે, “ઘરમાં થતી મારપીટને કારણે, મદદ મેળવવા પોલીસને રોજ લગભગ ૧,૩૦૦ ફોન આવે છે. એટલે કે વર્ષમાં ૫,૭૦,૦૦૦ કરતાં વધારે ફોન આવે છે. ત્યાં થતા હુમલાઓમાં એક્યાસી ટકા સ્ત્રીઓ પર પુરુષોએ કરેલા હુમલા હોય છે.”—ધ ટાઇમ્સ, ઑક્ટોબર ૨૫, ૨૦૦૦.

પેરુ: પોલીસમાં નોંધાયેલા ગુનાઓમાં, સીત્તેર ટકા ગુના સ્ત્રીઓને તેઓના પતિઓએ કરેલી મારપીટના હોય છે.—સ્ત્રીઓના રક્ષણ માટેની પેસિફિકની સંસ્થા.

રશિયા: “એક જ વર્ષમાં, ૧૪,૫૦૦ સ્ત્રીઓને તેઓના પતિ મારી નાખે છે. વળી, મારપીટને કારણે બીજી ૫૬,૪૦૦ સ્ત્રીઓ અપંગ બને છે અથવા ગંભીર ઈજા પામે છે.”—ધ ગાર્ડિયન.

ચીન: જીન્ગ્લુન પરિવાર કેન્દ્રના સંચાલક, ચુંગ યિયાન કહે છે, “આ એક નવી સમસ્યા છે. એ ખાસ કરીને શહેરોમાં ઝડપથી વધી રહી છે. ઘરમાં થતી હિંસાને પાડોશીઓ પણ અટકાવી શકતા નથી.”—ધ ગાર્ડિયન.

નિકારાગુઆ: “નિકારાગુઆમાં સ્ત્રીઓ પર હિંસા ઝડપથી વધી રહી છે. એક સર્વે પ્રમાણે ફક્ત ગયા વર્ષે ત્યાંની બાવન ટકા સ્ત્રીઓ પર હિંસા થઈ.”—બીબીસીના સમાચાર.

[પાન ૭ પર બોક્સ]

જોખમનાં ચિહ્‍નો

કુટુંબમાં શા માટે જુલમો થતા હોય શકે? એ વિષે અમેરિકાની યુનિવર્સિટી ઑફ રૉડ આઇલેન્ડના રીચર્ડ જે. જીલ્સે કરેલા સંશોધનના જવાબ આ છે:

૧. પતિનું વલણ અગાઉ ઘરમાં હિંસક હોય છે.

૨. તે બેકાર હોય છે.

૩. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તેને ડ્રગ્સ લેવાની આદત હોય છે.

૪. તેણે ઘરમાં પપ્પાને મમ્મીની મારપીટ કરતા જોયા છે.

૫. યુગલ લગ્‍ન કર્યા વગર પતિ-પત્ની તરીકે સાથે રહે છે.

૬. જો પતિ નોકરી કરતો હોય તો, તેનો પગાર ઓછો છે.

૭. તે પૂરું ભણ્યો નથી.

૮. તેની વય ૧૮થી ૩૦ વર્ષની હોય છે.

૯. માતા કે પિતા અથવા બંને, ઘરમાં બાળકોને મારે છે.

૧૦. તેઓની આવક એકદમ ઓછી છે.

૧૧. પતિ-પત્ની જુદા જુદા સમાજમાંથી આવે છે.

[પાન ૭ પર ચિત્ર]

ઘરમાં થતી હિંસાની બાળકોના મન પર ઊંડી અસર પડી શકે છે